રાજકારણ કેવી રીતે દરેક સમયે રમાતું હોય છે તેનું મજાનું ઉદાહરણ બેંગ્લોર સાઉથ લોકસભા બેઠક પર ભાજપે તેના ઉમેદવાર જાહેર કરતા અગાઉ દર્શાવ્યું હતું જેમાં તેણે કોંગ્રેસને ચીત કરી દીધી છે.

દેશમાં જેમ વારાણસી, ગાંધીનગર, અમેઠી જેવી અસંખ્ય પ્રતિષ્ઠિત લોકસભા બેઠકો છે તેમ કર્ણાટકની બેંગ્લોર સાઉથ પણ એટલીજ પ્રતિષ્ઠિત બેઠક છે. અહીં કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા અનંતકુમાર વર્ષો સુધી ચૂંટણી લડતા અને જીતતા. પરંતુ અનંતકુમારનું હાલમાં અવસાન થતા આ બેઠક ખાલી પડી અને પછી તો સામાન્ય ચૂંટણી પણ આવી એટલે આખા દેશ સાથે બેગ્લોર સાઉથની પણ ચૂંટણી થવાની છે. પરમદિવસે જ્યારે બેંગ્લોર સાઉથ બેઠક પર ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારેજ ભાજપે તેના પર યુવા ઉમેદવાર તેજસ્વી સૂર્યાનું નામ જાહેર કર્યું હતું.
જેટલું મહત્ત્વ અહીં માત્ર 28 વર્ષના યુવાન નેતાને ઉમેદવાર બનાવવાનું છે એટલુંજ મહત્ત્વ તેમની ઉમેદવારી જાહેર કરવા માટે ભાજપે જે રણનીતિ અપનાવી તેનું પણ છે. અનંતકુમારના અવસાન બાદ તરત જ આ બેઠક તેમના પત્ની તેજસ્વીની અનંતકુમારને મળશે તેવી અટકળો તેજ હતી. તેજસ્વીની ખુદ પતિ અનંતકુમાર સાથે બેંગ્લોર સાઉથની જનતા સાથે જોડાયેલા હતા. લગ્ન અગાઉ પણ તેજસ્વીની ABVPના કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે.
પરંતુ ભાજપે ઉમેદવારોની પ્રથમ અને પછીની બે યાદીમાં પણ બેંગ્લોર સાઉથમાં કોણ ઉમેદવાર રહેશે તે અંગે કોઈજ સ્પષ્ટતા ન કરી. તેમ છતાં સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ ઉપરાંત કર્ણાટકની કોંગ્રેસ નેતાગીરીને પણ વિશ્વાસ હતો કે છેલ્લે તો તેજસ્વીની અનંતકુમારનું જ નામ ફાઈનલ થશે. ત્યારબાદ અચાનક એવી હવા ફેલાઈ કે વારાણસી બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગ્લોર સાઉથ પર પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે, જેથી તેમના વ્યક્તિત્વના પ્રભાવ હેઠળ કર્ણાટકના અન્ય વિસ્તારોમાં પણ ભાજપને ફાયદો થાય.
આ હવા એટલી તો મજબૂત હતી કે એવા સમાચારો પણ આવ્યા હતા કે બેંગ્લોર પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે કે વડાપ્રધાન ગમે ત્યારે બેંગ્લોર આવીને પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકે છે. આમ કરતા કરતા ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ પણ આવી ગયો. તેમ છતાં ભાજપે બેંગ્લોર સાઉથ બેઠક પર પોતાનો ઉમેદવાર કોણ એ અંગે મગનું નામ મરી ન પાડ્યું. તો સામે પક્ષે હવે કોંગ્રેસને રાહ જોવી પોસાય તેમ ન હતી.
અમસ્તુંય કોંગ્રેસમાં સમગ્ર દેશમાં ટીકીટ વહેંચણી અંગે આંતરિક અસંતોષ તેજ છે જેમાં કર્ણાટક પણ બાકાત નથી. એટલે કોંગ્રેસે છેવટે બી કે હરિપ્રસાદને બેંગ્લોર સાઉથની ટીકીટ આપી દીધી. આમ કોંગ્રેસે પત્તું ઉતાર્યું કે તરતજ ભાજપે ઉમેદવારી પત્ર ભરવાના છેક છેલ્લે દિવસે તેજસ્વી સૂર્યાના નામની ઘોષણા કરી દીધી!
લાગતું વળગતું: કોંગ્રેસમાં માત્ર ગાંધી પરિવાર જ સર્વસ્વ એ ફરી એકવાર સાબિત થયું |
હવે પ્રશ્ન એ થાય કે એક યુવાન અને પહેલીવાર ચૂંટણી લડી રહેલા તેજસ્વી સૂર્યા માટે આટલી બધી મહેનત કરવાથી ભાજપને ફાયદો શું થયો? આમ તો ઉમેદવાર કોઇપણ હોય છેવટે તો જો જીતા વોહી સિકંદર એ જ હકીકત હોય છે. પરંતુ તેજસ્વી સૂર્યા યુવાન છે અને માત્ર 28 વર્ષે જો તેમને ચૂંટણી લડાવવી હોય તો ગઢ ગણાતી બેંગ્લોર સાઉથ જેવી પ્રતિષ્ઠિત બેઠક અનંતકુમારની ગેરહાજરીમાં ફરીથી જીતવા માટે તેમની પ્રથમવારની જીત સુનિશ્ચિત પણ કરવી પડે.
જો ભાજપે ઉત્સાહમાં આવી જઈને અથવાતો અન્ય ઉમેદવારો સાથે જ તેજસ્વી સૂર્યાનું નામ જાહેર કરી દીધું હોત તો કોંગ્રેસે બી કે હરિપ્રસાદ કરતા કોઈ મજબૂત ઉમેદવાર લાવીને ઉભો કરી દીધો હોત. કદાચ કોઈ લોકપ્રિય અભિનેતા કે પછી અભિનેત્રી, અથવાતો આયાતી પણ સમગ્ર દેશમાં લોકપ્રિય એવો આગેવાન. પણ ભાજપની આ બેઠક પરની મજબૂત રણનીતિને લીધે એમ થઇ શક્યું નહીં.
એવું નથી કે બી કે હરિપ્રસાદ સાવ નબળા ઉમેદવાર છે. પરંતુ તેમનો ઈતિહાસ તેમને નડી શકે તેમ છે. તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ગમેતેમ બોલવા માટે તેઓ જાણીતા બન્યા હતા જે મોદીના વડાપ્રધાન બન્યા બાદ પણ ચાલુ રહ્યું છે. હાલમાં જ બાલાકોટ પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનારાઓમાં બી કે હરિપ્રસાદ પણ સામેલ હતા.
આમ બેંગ્લોર સાઉથના મતદારોને તેજસ્વી સૂર્યા જે વ્યવસાયે વકીલ છે અને ખૂબ સારા વક્તા હોવા ઉપરાંત કન્નડ ન્યૂઝ ચેનલો પર પેનલિસ્ટ તરીકે પ્રખ્યાત છે તેમની લોકસભા સુધીની સફર સરળ બનાવવા માટે ભાજપની નેતાગીરીએ તેમની સામે બી કે હરિપ્રસાદ જ ઉમેદવાર રહે જેથી આજના માહોલમાં તેજસ્વીને બને તેટલો ફાયદો મળે અને તે જીતી જાય તેની ખાસ તકેદારી લીધી.
આવડો મોટો રાજકીય- પક્ષ પોતાના પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડતા ઉમેદાર માટે આટલું ધ્યાન રાખે તે ઉપરાંત ચૂંટણી લડાય એ પહેલા જ રાજકીય આટાપાટા રમાતા જોઇને ભારતના રાજકારણના કોઇપણ ફેનને જલસો પડી જાય!
eછાપું
તમને ગમશે: સેન્ટિનલીઝ આદિવાસીઓ – એમને એમની રીતે જીવવા દો, વટલાવવાની જરૂર નથી