રાષ્ટ્રીયસ્તરે બનવા જઈ રહેલી એક મોટી ઘટનાના ભાગ રૂપે શંકરસિંહ વાઘેલાએ પોતાની મરજી હોય કે ન હોય પરંતુ લગભગ બે વર્ષે ફરીથી કોંગ્રેસમાં જોડાવવું જ પડે એવી રસપ્રદ પરીસ્થિતિ ઉભી થઇ રહી છે.

ગાંધીનગર: પોતાની મરજીથી કોંગ્રેસ છોડ્યાના લગભગ બે વર્ષે ફરીથી ગુજરાતના વરિષ્ઠ રાજકારણી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પરંતુ આ વખતે શંકરસિંહનું કોંગ્રેસમાં જોડાવું તે તેમની મરજીની વાત નહીં હોય.
વાત એવી છે કે લોકસભાની ચૂંટણીમાં જબરદસ્ત પછડાટ ખાધા પછી કોંગ્રેસ અને તેમાંથી છૂટા પડેલા પક્ષો એક પછી એક કોંગ્રેસમાં ફરીથી જોડાઈ જાય તેવા સંકેત મળી રહ્યા છે. શરદ પવારની નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) આ વિલીનીકરણ માટે પહેલ કરી ચૂકી છે તેવી અટકળો છેલ્લા ઘણા દિવસોથી વર્તાઈ રહી છે.
લોકસભાની ચૂંટણીના થોડા જ મહિના અગાઉ શંકરસિંહ વાઘેલા પોતાની પાર્ટી જન વિકલ્પને બંધ કરીને NCPમાં ઠરીઠામ થઇ ગયા હતા. પરંતુ આ ચૂંટણીમાં ગુજરાતમાં તો NCPનો એક પણ ઉમેદવાર જીતી નથી શક્યો એટલું જ નહીં મહારાષ્ટ્ર જ્યાં NCP થોડું પણ મહત્ત્વ ધરાવે છે ત્યાં તેના કોંગ્રેસ સાથેના ગઠબંધનને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
લોકસભાની ચૂંટણીના પરિણામો આમ પણ દેશ હવે બે પક્ષીય રાજકારણ તરફ મજબૂત કદમ માંડી ચૂક્યો હોવાના સ્પષ્ટ સંકેતો આપી ચુક્યા છે. વળી, ભારતીય જનતા પાર્ટીને મળેલી ઐતિહાસિક જીતે મધ્યમ તેમજ નાના પક્ષોના અસ્તિત્વ સામે પણ ખતરો ઉભો કરી દીધો છે.
આ ઉપરાંત NCPનું સર્જન જે મુદ્દે કરવામાં આવ્યું હતું તે મુદ્દો પણ હવે અપ્રસ્તુત છે. કોંગ્રેસ પાર્ટીના જ શરદ પવાર, તારીક અનવર અને પુર્ણો સંગમાંએ વર્ષો પહેલા સોનિયા ગાંધીના વિદેશીમૂળના મુદ્દે કોંગ્રેસ તોડીને NCP બનાવી હતી. 2004 થી 2014 સુધી NCP એ આ જ સોનિયા ગાંધી જ્યારે UPAના ચેરપર્સન હતા ત્યારે સત્તાનું સુખ માણ્યું છે.
વળી, NCP માટે સોનિયા ગાંધીનું વિદેશીમૂળ એ રીતે પણ માન્ય નથી રહેતું કારણકે સોનિયા ગાંધીએ હવે કોંગ્રેસની જવાબદારી પોતાના પુત્ર અને પુત્રીને સોંપી દીધી છે. આ ઉપરાંત શરદ પવાર પણ આ વખતે લોકસભાની ચૂંટણી નથી લડ્યા.
આમ, બંને પક્ષોની નવી પેઢી હવે એક થાય અને NCPનું કોંગ્રેસમાં વિલીનીકરણ થઇ જાય તો ફાયદો બંને પક્ષે જ છે. પરંતુ, જ્યાં સુધી ગુજરાતની વાત આવે તો વારંવાર વિવિધ પક્ષો તોડીને બીજા પક્ષમાં જોડાતા શંકરસિંહ વાઘેલા જો આ પ્રકારની ઘટના ઘટશે તો તેઓ તો પૂર્ણપણે નુકશાનમાં જ રહેશે.
વાઘેલાએ એક જાહેરસભામાં કોંગ્રેસની આકરામાં આકરી ટીકા કરી અને તેને છોડી હતી. વાઘેલાને કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ આપ્યું હતું તેમ છતાં તેમણે આ રીતે કોંગ્રેસ તો છોડી જ હતી તે ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલને હરાવવા પોતાના સાથી વિધાનસભ્યોને પણ આમ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ વાત ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભૂલી શકે તેમ નથી.
એક ગુજરાતી ન્યૂઝ ચેનલે જ્યારે ગુજરાત કોંગ્રેસના મહાસચિવ હિમાંશુ પટેલને આ અંગે પ્રશ્ન કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તે ગુજરાત કોંગ્રેસ માટે શિરોમાન્ય રહેશે.
આમ અત્યારે તો પરિસ્થિતિ અત્યંત રસપ્રદ બની ગઈ છે. જો NCP કોંગ્રેસમાં રાષ્ટ્રીયસ્તરે ખરેખર ભળી જાય તો શંકરસિંહ વાઘેલા તેને સ્વીકારીને ફરીથી એના એ જ કોંગ્રેસી આગેવાનો સાથે બેસશે જેમને તેમણે એક વખત ટીકા કરી કરીને અપમાનિત કર્યા હતા? કે પછી તેઓ પરિસ્થિતિ સમજીને સક્રિય રાજકારણને કાયમ માટે અલવિદા કરી દેશે? છેવટે જન વિકલ્પને ફરીથી જીવંત કરવાનો વિકલ્પ પણ ખુલ્લો તો છે જ.
eછાપું