Late Review: કશું નવું કરવાની અમિતાભની ભૂલ ભારે પડી ગઈ

1
220
Photo Courtesy: reelgood.com

Late Review | અગ્નિપથ (1990)

કથા-પટકથા: સંતોષ સરોજ

સંવાદ: કાદરખાન

ગીતો: આનંદ બક્ષી

સંગીત: લક્ષ્મીકાંત-પ્યારેલાલ

નિર્માતાઓ : યશ જોહર અને હીરૂ જોહર

નિર્દેશક: મુકુલ આનંદ

 

રિલીઝ ડેટ: 16 ફેબ્રુઆરી, 1990

લંબાઈ: 174 મિનીટ્સ

 

ગીતો:

“આઈ યમ ક્રિશ્નન ઐયર યમ યે” – એસ. પી. બાલસુબ્રમણ્યમ

“કિસકો થા પતા કિસકો થી ખબર” – એસ. પી. બાલસુબ્રમણ્યમ અને અલકા યાજ્ઞિક

“અલીબાબા મીલ ગયા ચાલીસ ચોરોં સે” – રૂના લૈલા અને આદેશ શ્રીવાસ્તવ

“ગણપતિ અપને ગાંવ ચાલે” – સુદેશ ભોંસલે, કવિતા કૃષ્ણમૂર્તિ અને અનુપમ દેશપાંડે

કલાકારો: અમિતાભ બચ્ચન (વિજય દિનાનાથ ચૌહાન), મિથુન ચક્રવર્તી (ક્રિશ્નન ઐયર), માધવી (મેરી), નિલમ (શિક્ષા), ડેની ડેન્ઝોંગપ્પા (કાંચા ચીના), વિક્રમ ગોખલે (કમિશ્નર ગાયતોંડે), માસ્ટર દીનાનાથ ચૌહાણ (આલોક નાથ) અને રોહિણી હટ્ટગડી (સુહાસીની ચૌહાન)

Photo Courtesy: reelgood.com

સાચું કહુંને તો પહેલીવાર જયારે આ ફિલ્મ જોઈને ત્યારે આપણને  કોઈ જાતનાં ટપ્પા પડ્યા નો’તા, પણ જયારે બીજી – ત્રીજી વાર આ ફિલ્મ જોઈ ત્યારે સમજાઈ. કદાચ સમગ્ર ભારતની જનતાને પણ આવું જ કાઈક ફિલ થયું હશે એટલે જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કાઈ જ ઉકાળી શકી ન હતી. કદાચ ‘લમ્હે’ કે ‘ધ બર્નિંગ ટ્રેઈન’ ની જેમ આ ફિલ્મ એનાં સમય કરતાં આગળ હતી. બીજી વાર જયારે આ ફિલ્મ જોઈ ત્યારે એમ સમજાણું કે અહીં ફક્ત મગજ વીનાની હિંસા નથી, લેખક – નિર્દેશક ખરેખર કાઈક કહેવા માંગે છે. હવે તો આ ફિલ્મની ‘રી-મેક’ પણ બની ચુકી છે અને હીટ પણ થઇ ચુકી છે, પણ એક વાત યાદ રહે…”ઓરીજીનલ હંમેશા ઓરીજીનલ જ હોય છે” !!!

કથાસાર

માસ્ટર દિનાનાથ ચૌહાન આગળ પડતાં વિચારો ધરાવે છે. તેઓ માંડવા ગામમાં પોતાનાં પરિવાર સાથે રહે છે. માંડવા દેશની સરકાર નાં કાયદાઓ ની નજરો થી દૂર એક ખૂણામાં આવેલું છે આથી અહીં ગેરકાયદે પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલે છે. માસ્ટરજીનાં વિચારો અને કર્મો આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં લોકો ને ખટકે છે. આથી દિનકર રાવ નામનો ગામનો મોટો વ્યક્તિ એક મોટા સ્મગલર કાંચા ચીનાનાં કહેવાથી માસ્ટરજી ને એક ગણિકા સાથે ફસાવી ને તેમની ની ઈજ્જતના લીરેલીરા ઉડાવી દે છે અને આથી ગુસ્સે ભરાયેલાં ગામલોકો માસ્ટરજીને પથરા મારી મારી ને મોત ને ઘાટ ઉતારે છે અને માસ્ટરજી નાં પુત્ર વિજય, પુત્રી શિક્ષા અને પત્ની સુહાસીનીને ગામ છોડવા માટે મજબુર કરી દે છે.મુંબઈ આવ્યાં બાદ સુહાસીની એક પેટ્રોલ પંપ પર નોકરી કરે છે પણ તેને ખબર નથી કે આ પંપ કાંચાનો જ છે. પંપના અમુક લોકો સુહાસીની ની આબરુ લુંટવાનો પ્રયાસ કરે છે, પણ સુહાસીની ત્યાંથી ભાગી જાય છે.

પણ વિજય ચુપ રહેતો નથી એ પોલીસ સ્ટેશન જાય છે, પણ ત્યાં પોલીસને પણ આજ ગુંડાઓ સાથે તોડ કરતાં જોવે છે એટલે એ આ પેટ્રોલ પંપ સળગાવી નાખે છે. પહેલાં ઇન્સ્પેક્ટર અને પછી કમિશ્નર બનતાં ગાયતોંડે કાયમ વિજય ને ગુનાની દુનિયા થી દુર રહેવાનું કહે છે. પણ વિજય પર એમની આ સલાહો ની કોઈ જ અસર થતી નથી અને ગુના ની દુનિયામાં આગળ વધતો રહે છે. વિજયની મા પણ વિજયને આ બાબત ને લીધે જ અળખામણો કરી દે છે.

વિજય મોટો થાય છે અને જોતજોતામાં મુંબઈનો મોટો ડોન બની જાય છે. વિજયનાં દુશ્મનો પણ ઓછાં નથી. એલોકો વિજયને જાનથી મારી નાખવાની કોશિષ કરે છે, પણ ક્રિશ્નન ઐયર નામનો નારિયળપાણીવાળો સમયસર પહોંચી ને વિજય નો જીવ બચાવી લે છે. હોસ્પિટલમાં મેરી નામની નર્સ એની દેખભાળ રાખે છે. વિજય આ બન્ને ને પોતાનાં જીવનનાં અંતર્ગત ભાગ બનાવી લે છે. ક્રિશ્નન એનો ખાસ મિત્ર બને છે અને એનો પડ્યો બોલ જીલે છે. વિજય, ક્રિશ્નનને પોતાની બહેન સાક્ષી નો બોડીગાર્ડ બનાવે છે અને મેરી સાથે વિજય લગ્ન કરે છે. વિજયનું લક્ષ ફક્ત સહુ થી મોટાં ડોન બનવાનું ન હતું, એનું લક્ષ તો હતું કાંચા પાસે થી માંડવા હડપ કરી લેવાનું……..

રિવ્યુ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં કેટકેટલાં ‘મોટાં માથાં’ આ ફિલ્મમાં છે? મિથુન ચક્રવર્તી થી લઇ ને ડેની થી રોહિણી હટ્ટન્ગડી થી માંડીને ‘અબાવ ઓલ’ અમિતાભ બચ્ચન સુધી !! આટલું જ નહી અમિતાભ બચ્ચનને ‘શ્રેષ્ઠ અભિનેતા’, મિથુન’દા ને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’ અને રોહિણીને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’ નાં રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યાં હતાં. પણ ફિલ્મે પહેલાં અઠવાડિયે જ ખુબ નબળો દેખાવ કર્યો હતો. આનું એક કારણ એ હતું કે અમિતાભ બચ્ચને કાઈક નવું કરી દેખાડવા માટે પોતાનો અવાજ અલગ રીતે ડબ કર્યો હતો. લોકો અમિતજીને એમની અદાકારી સાથે એમનાં અદભુત અવાજ થી પણ ઓળખે છે અને પ્રેમ કરે છે.

મને યાદ છે કે અમુક થીયેટરોમાં તો દર્શકો મેનેજર ને ફરિયાદ કરવા દોડી ગયાં હતાં કે “સાહેબ તમારી સાઉન્ડ સિસ્ટમ માં કાઈક તકલીફ છે, અમિતાભ નો અવાજ બહુ ખરાબ સંભળાય છે”. અઠવાડિયા દસ દિવસ પછી પરિસ્થિતિ ની ગંભીરતા જોયાં પછી અમિતાભનાં ઓરીજીનલ અવાજમાં ફરી ડબિંગ કરવામાં આવ્યું પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું, ફિલ્મ ઓલરેડી ફ્લોપ થઇ ચુકી હતી. અતિભારે અને (મુકુલ આનંદની સ્ટાઈલ પ્રમાણે) અતિશય ધીમી ગતી ની ફિલ્મ ને લોકો (અમિતાભની ફિલ્મ હોવાં છતાંય) ફરીવાર જોવાં માંગતાં ન હતાં. કદાચ આ ફિલ્મ એ જમાનાનાં માસ માટે નહોતી છતાં માસ ને પીરસવામાં આવી હતી.

અમિતાભ બચ્ચન!! હવે એમની અભિનયક્ષમતા વિષે હું શું કહું? એમને ભગવાનની જેમ પુજતો હું આમ કરવા માટે અક્ષમ છું. એ એમનાં અવાજ થી પણ ઓળખાતાં, અભિનયમાં નવીનતા લાવવા માટે અવાજ બદલવાની નવીનતા લાવવા નું એક રિસ્ક લીધું પણ ઊંધેકાંધ પછડાયા. કદાચ આ જમાનામાં જો એમણે આ રિસ્ક લીધું હોત તો લેખે લાગત. ક્રિશ્નન નો રોલ કદાચ મિથુન’દા સીવાય કોઈ જ ન કરી શકત એટલો એમણે આ રોલ આત્મસાત કર્યો છે. દુઃખ અને હાસ્ય  બન્ને પર સરખી ઓથોરીટી દેખાડી છે એમણે, ખાસ કરી ને તમિલ સ્ટાઈલમાં જે રીતે હિંદી બોલ્યાં છે એ તો અદભુત છે.. “ક્રિશ્નન ઐયર યમ.યે!!”

ડેની એ એમનું કદાચ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. એમનાં દેખાવના કારણે જ એમને કાંચા ‘ચીના’ નો રોલ અપાયો હોય તો નવાઈ નહી. ડેની એ પોતાનાં આગવાં અવાજ થી હંમેશા લોકોને સંમોહિત કરતાં રહ્યાં છે અને આ ફિલ્મમાં પણ તેમણે એમનો વટ અને અવાજ બરોબર જાળવી રાખ્યો છે. રોહિણી હટ્ટન્ગડી અહીં અમિતાભનાં મા બન્યાં છે પણ એમની જુની ‘માઓ’ થી અલગ, એટલે કે રોતીધોતી માં નહી પણ કડક માં બન્યાં છે. “અપને હાથ ધો લે” સુધી અમિતાભ ને સંભળાવી દે છે, અને આ સીનમાં અમિતાભ ને સારી એવી ટક્કર પણ આપી છે. મુકલ આનંદની આ ફિલ્મ અને ‘ખુદા ગવાહ’ માં વિક્રમ ગોખલેને અમિતાભની બરોબર રોલ મળ્યો હતો. અહીં એ અમિતાભ ની આંખ માં આંખ મેળવી ને એમને સુધરવાની સલાહો આપતાં નજર પડે છે.

આ પછી તો હમણાં અગ્નિપથ ની ‘રીમેક’ પણ આવી ગઈ થોડાં સુધારા વધારા સાથે અને કરોડો કમાઈ પણ ગઈ, પણ જો તમારે આ વાર્તાનાં હાર્દ સુધી પહોંચવું હોય તો આ ઓરીજીનલ ખાસ સમય કાઢી ને જો જો પ્લીઝ. મગજ કોરું અને ખુલ્લું રાખજો નહી તો આ ફિલ્મ ક્યાં જઈ રહી છે એની ખબર નહી પડે એની ગેરંટી હું આપું છું.

ચલતે-ચલતે

 

અજીબ ચીઝ બનાયા યે ટેલીફોન .. આદમી બોલતા કુછ હૈ, સોચતા કુછ હૈ ઔર કરતા કુછ હૈ!

 

અગ્નિપથનાં જબરદસ્ત સંવાદોમાંથી એક જબરદસ્ત સંવાદ !!

 

 

૨૪/૧૦/૨૦૧૨, બુધવાર

અમદાવાદ

eછાપું

1 COMMENT

  1. The biggest thing: the original film itself was a remake.
    But still, it was created in such a great way, it has become an original classic for the Indian cinema!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here