ખતરો: સંજુ સેમસન સહીત 6 ક્રિકેટર્સ પર લટકતી તલવાર; વર્લ્ડ કપ પણ ભયમાં

0
352
Tewatia Samson and Unadkat_eChhapu

બેંગલુરુ: ભારત માટે આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક ક્રિકેટ રમી રહેલા ઓછામાં ઓછા 6 ક્રિકેટર્સ થોડા સમય બાદ ઇંગ્લેન્ડ સામે રમાનારી વન ડે તેમજ T20 સિરીઝ રમી શકશે કે નહીં તે અંગે શંકા સેવાઈ રહી છે.

મિડિયા રિપોર્ટ્સ અનુસાર BCCIના નવા કડક ફિટનેસ નિયમો અને તેની પરીક્ષા આ 6 ક્રિકેટર્સ પસાર કરી શક્યા નથી.

આ 6 ક્રિકેટર્સમાં સંજુ સેમસન ઉપરાંત નીતીશ રાણા, ઇશાન કિશન, રાહુલ તેવટીયા, જયદેવ ઉનડકટ અને સિદ્ધાર્થ કૌલ સામેલ છે.

આ તમામ ક્રિકેટર્સ નેશનલ ક્રિકેટ એકેડેમી બેંગલુરુ ખાતે BCCIના નવા 2 કિલોમીટરની દોડના ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયા છે.

ઉપરોક્ત ફિટનેસ ટેસ્ટ આ અઠવાડિયાની શરૂઆતમાં આયોજીત કરવામાં આવ્યો હતો.

જો કે એકેડમીના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એક નવા પ્રકારનો ફિટનેસ ટેસ્ટ છે અને તેને કારણે આ તમામને થોડા દિવસના વિલંબ બાદ ફરીથી એક નવી તારીખ નક્કી કર્યા બાદ ફરીથી ટેસ્ટ આપવાની તક આપવામાં આવશે.

જો બીજા પ્રયાસે પણ આ તમામ અથવાતો આમાંથી કોઈ એક ખેલાડી ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જશે તો તેઓ ઇંગ્લેન્ડ સામે રમાનારી વન ડે અને T20 ઇન્ટરનેશનલ સિરીઝમાં ભાગ નહીં લઇ શકે.

આટલું જ નહીં નિષ્ફળ થનાર ખેલાડી આ વર્ષના અંતમાં ભારત ખાતે રમનારા T20 વર્લ્ડ કપમાં રમનારી ભારતીય ટીમમાં પણ સ્થાન નહીં મેળવી શકે.

નવો 2 કિલોમીટરની દોડના ફિટનેસ ટેસ્ટે પ્રખ્યાત યો યો ટેસ્ટની જગ્યા લીધી છે અને 2018માં યો યો ટેસ્ટમાં પણ સંજુ સેમસન નિષ્ફળ રહ્યો હતો.

તે સમયે મોહમ્મદ શામી અને અંબાતી રાયુડુ પણ ટેસ્ટ પસાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

આ નવા ટેસ્ટમાં બેટ્સમેન, વિકેટકીપર અને સ્પિનરે આઠ મિનીટ અને ત્રીસ સેકન્ડમાં બે કિલોમીટરની દોડ પૂરી કરવાની હોય છે, જ્યારે ફાસ્ટ બોલર માટે આ મર્યાદા આઠ મિનીટ અને પંદર સેકન્ડની છે.

એકેડમીના અધિકારીના જણાવ્યા અનુસાર આ છ નિષ્ફળ ખેલાડીઓમાંથી કેટલાક તો બે કિલોમીટર પુરા કરવામાં પણ સફળ નહોતા રહ્યા.

ઇંગ્લેન્ડ સામે રમવાની શક્યતા ધરાવતા 20 ખેલાડીઓને એકેડમી ખાતે આ ટેસ્ટ પસાર કરવા માટે બોલાવવામાં આવ્યા હતાં.

સંજુ સેમસન અને ઇશાન કિશન ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી લિમિટેડ ઓવર્સની ભારતીય ટીમમાં સામેલ હતાં.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here