આજથી ડાઉન અંડર સિરીઝની શરૂઆત 3 વનડેથી શરુ થશે. ઓસ્ટ્રેલિયાએ અનલોક દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં ઇંગ્લેન્ડ સામે લિમિટેડ ઓવર્સની સિરીઝ રમીને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું શરુ કરી દીધું હતું જયારે ભારતના ક્રિકેટર્સ હજુ બે અઠવાડિયા અગાઉ આઈ.પી.એલ. રમી ચુક્યા છે. ભારતની છેલ્લી ટુર આ વર્ષની શરૂઆતમાં ન્યુઝીલેન્ડની હતી ત્યારબાદ વૈશ્વિક લોકડાઉનને કારણે ભારતની ટીમ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી નથી તે જોતા આ સિરીઝ ફેન્સ માટે રોમાંચક બની રહે તેવી પુરેપુરી શક્યતાઓ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વનડે સિરીઝનું શિડ્યુલ આ પ્રમાણે રહેશે જયારે ટી-20 સિરીઝ અને ટેસ્ટ સિરીઝનું શિડ્યુલ લેખને અંતે આપવામાં આવ્યું છે.

વનડે સિરીઝનું શિડ્યુલ
તારીખ | મેદાન | ભારતીય સમય પ્રમાણે મેચનો સમય |
નવેમ્બર 27 | સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ | 9.10 એ.એમ. |
નવેમ્બર 29 | સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ | 9.10 એ.એમ. |
ડિસેમ્બર 2 | માનુકા ઓવલ | 9.10 એ.એમ. |
2018-19ની ટુરમાં ઓસ્ટ્રેલિયા ભારત સામે ટેસ્ટ સિરીઝ અને વનડે સિરીઝ હારી ગયું હતું જયારે ટી-20 સિરીઝમાં એક મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું જે કારણે ભારત ટુર સ્વિપ નહોતું કરી શક્યું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝનો ક્રેઝ હાઈ ક્વોલિટી ક્રિકેટના કારણે ઉત્તરોઉત્તર વધતો રહયો છે. ઓસ્ટ્રેલિયન ગવર્નમેન્ટ સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ટિકિટ વેચાણ કરી રહ્યું છે. મોટાભાગની લિમિટેડ ઓવર્સની મેચની ટિકિટ્સ સોલ્ડ આઉટ થઇ ચુકી છે જે સાહેદી આપે છે કે બંને ટીમ બહુ ઊંચી ગુણવત્તાનું ક્રિકેટ રમે છે.
રોહિત શર્માનું નામ આઇ.પી.એલ પ્લેઑફથી જ ચર્ચામાં રહ્યું છે. તેની ફિટનેસ વિશે ચાલી રહેલી અટકળો વચ્ચે તેનું નામ લિમિટેડ ઓવર્સની સ્ક્વોડમાં નથી તે સમાચારે સોશિયલ મીડિયામાં ફેન્સને બે જૂથમાં વિભાજીત કરી દીધા છે. તેની ગેરહાજરીમાં મયંક અગરવાલ અથવા શુભમન ગિલ શિખર ધવન સાથે ઓપનિંગ કરી શકે છે. અનુભવને ધ્યાનમાં રાખતા શરૂઆતની મેચમાં મયંકને અગ્રતા મળે તેની શક્યતાઓ પ્રબળ છે. વિકેટકીપરની સાથે સાથે વાઇસ કેપ્ટ્ન લોકેશ રાહુલને મિડલ ઓર્ડરમાં અજમાવાય તે શક્યતાઓ પણ નકારી શકાય નહિ. વર્લ્ડકપ 2019માં શિખર ધવનની ગેરહાજરીમાં રાહુલે શર્મા સાથે ઓપનિંગ કરીને ભારતને મહત્વની મેચોમાં એક મજબૂત શરૂઆત આપી હતી તેને જોતા ભારતીય ટીમ પાસે ઓપનિંગ માટે વિકલ્પોની ખોટ નથી. નંબર 3 અને નંબર 4 પર કોહલી અને ઐયર રહેશે.
2019 વર્લ્ડકપ બાદ લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં કુલદીપ યાદવ ફોર્મમાં નથી તે સર્વવિદિત છે તેમ છતાં ટીમ મેનેજમેન્ટ યાદવ અને ચહલ બંનેનો સમાવેશ કરી શકે છે. જોકે બંનેનો સમાવેશ કરવા જતા એક બેટ્સમેન ઓછો થઇ જાય છે, તે જોતા કુલદીપના સ્થાને જાડેજાને રમાડાઈ શકે. બેક ઇન્જરીને કારણે વર્લ્ડકપ બાદ બહાર રહેલા હાર્દિક પંડ્યાએ આખી આઇ.પી.એલમાં બોલિંગ કરી નથી માટે તેનો સમાવેશ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે કરાશે કે કેમ તે પણ જોવું રસપ્રદ બનશે કારણકે હાર્દિકની મીડીયમ પેસ બોલિંગ મિડલ ઓવર્સમાં ટીમને યોગ્ય બેલેન્સ આપે છે.
ટીમ મેનેજમેન્ટ જસપ્રીત બુમરાહ અને શમીને ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને લિમિટેડ ઓવર્સની તમામ મેચમાં રમાડે તેવી શક્યતાઓ ઓછી જણાય છે. તેમના સ્થાને નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, મોહંમદ સિરાજ અને, નટરાજન જેવા યુવા ખેલાડીઓ રમશે તેવું જણાઈ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયન સ્ક્વોડ:
ડેવિડ વોર્નર, ફિન્ચ અને સ્ટીવ સ્મિથ અનુક્રમે 1,2 અને 3જ ક્રમાંકે રહેશે ટેસ્ટ ક્રિકેટમાં રનના ખડકલા કરનાર મારનસ લબુશેન ચોથા નંબરે બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયન મિડલ ઓર્ડરને સ્થિરતા આપશે. શેફિલ્ડ શિલ્ડની ચાર મેચમાંથી 2 મેચમાં 2 અર્ધસદી અને ન્યુ સાઉથ વેલ્સ સામે એક ઇનિંગમાં 197 કરનાર કેમેરૂન ગ્રીનનો સમાવેશ સ્ક્વોડમાં તો થઇ ચુક્યો છે પરંતુ તે બોલિંગમાં કેટલોક અસરકારક નીવડશે તે જોવું રહ્યું કારણકે ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઈનિસ બંને ઓલરાઉન્ડર તરીકે પોતાના સ્થાન મજબૂત કરી ચુક્યા છે. કમિન્સ, હેઝલવુડ, સ્ટાર્ક અને ઝાંપાનું સ્થાન નિશ્ચિત છે જયારે એલેક્સ કેરી સ્પેશિયાલિસ્ટ કીપર રહેશે. એન્ડ્રુ ટાઈ અને ડેનિયલ સેમ્સ બેકઅપ બોલર તરીકે સ્ક્વોડમાં પ્રવેશી ચુક્યા છે.
ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝનું શિડ્યુલ
તારીખ | મેદાન | ભારતીય સમય પ્રમાણે મેચનો સમય |
ડિસેમ્બર 4 | માનુકા ઓવલ | 1.40 પી.એમ. |
ડિસેમ્બર 6 | સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ | 1.40 પી.એમ. |
ડિસેમ્બર 8 | સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ | 1.40 પી.એમ. |
ટેસ્ટ સિરીઝનું શિડ્યુલ
તારીખ | મેદાન | ભારતીય સમય પ્રમાણે મેચનો સમય |
ડિસેમ્બર 17-21 | એડિલેડ ઓવલ | 9.30 એ.એમ. |
ડિસેમ્બર 26-30 | મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ | 5.00 એ.એમ. |
જાન્યુઆરી 7-11 | સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ | 5.00 એ.એમ. |
જાન્યુઆરી 15-19 | ગાબ્બા, બ્રિસ્બેન | 5.00 એ.એમ. |
eછાપું