પાકિસ્તાન કાશ્મીર માટેના વીજ પ્રોજેક્ટ વિરુદ્ધ વર્લ્ડ બેન્ક ફરિયાદ કરવા ગયું

0
336
Photo Courtesy: defenceupdate.in

ભારત કશું પણ કરે એટલે પાકિસ્તાનને વાંધો પડેજ અને એમાંય જો મામલો કાશ્મીરને લગતો હોય તો તો પત્યું. હજી બે જ દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરના કિશનગંગા હાઈડ્રોપાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું અને પાકિસ્તાન તેની વિરુદ્ધ ફરિયાદ કરવા વર્લ્ડ બેન્ક સુધી પહોંચી ગયું છે. કિશનગંગા પ્રોજેક્ટ કાશ્મીર માટે 330 મેગાવોટ જેટલી વીજળી ઉત્પાદન કરશે.

Photo Courtesy: defenceupdate.in

પાકિસ્તાનનો દાવો છે કે ભારતે આ પ્રોજેક્ટ બનાવીને 1960ની ઇન્ડસ વોટર્સ ટ્રીટી (IWT) પર, જેના પર વર્લ્ડ બેન્કની મધ્યસ્થતામાં બંને દેશોએ સહી કરી હતી તેનો ભંગ છે. પાકિસ્તાને IWTનો સહારો લઈને અગાઉ પણ ભારતની આવી ઘણીબધી જળ યોજનાઓનો વિરોધ કર્યો છે. સામે પક્ષે ભારતનું માનવું છે કે IWT વહેતી નદીઓ પર હાઈડલ પ્રોજેક્ટ્સ સ્થાપવાની મંજૂરી આપે છે કારણકે તેનાથી નદીનો પ્રવાહ બદલાતો નથી કે પછી તેના જળસ્તરમાં કોઈજ ઘટાડો થતો નથી.

તો વર્લ્ડ બેન્ક માં કરેલી ફરિયાદ અનુસાર પાકિસ્તાન ભારતની આ બંને માન્યતાઓને નામંજૂર કરે છે. પાકિસ્તાને ભારત કરતા બિલકુલ ઉલટી વાત કરતા કહ્યું છે કે કિશનગંગા ડેમ જે નીલમ નદી પર બાંધવામાં આવ્યો છે તેનાથી નીલમ નદીનો જળપ્રવાહ પણ બદલાય છે અને તેના લીધે પોતાને ત્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણીનો જથ્થો પણ ઘટશે. પાકિસ્તાન તરફથી વર્લ્ડ બેન્ક માં આ મુદ્દે પોતાનો કેસ ત્યાંના એટર્ની જનરલ અશ્તર ઔસફ અલી રાખવાના છે.

પાકિસ્તાનનું કહેવું છે કે વર્લ્ડ બેન્ક IWTમાં  મધ્યસ્થી છે અને આથી પોતાને થતો અન્યાય રોકવાની જવાબદારી પણ વર્લ્ડ બેન્કની જ છે. પાકિસ્તાનનો દાવો છે કે કિશનગંગા ડેમ એ રીતે બાંધવામાં આવ્યો છે કે તેના વિસ્તારમાં આવતું પાણી ઘટી જશે જેનાથી ત્યાંના કૃષિ વિકાસને મોટી અસર થશે. પાકિસ્તાને અહીં પણ પોતાનો કાશ્મીર રાગ આલાપતા ભારત પર આરોપ મૂક્યો છે કે તે આ ‘વિવાદિત વિસ્તારમાં’ આ પ્રકારે અસંખ્ય પ્રોજેક્ટ્સ શરુ કરી રહ્યું છે.

કિશનગંગા પ્રોજેક્ટ વિવાદ અગાઉ પણ વર્લ્ડ બેન્ક સુધી પહોંચ્યો હતો. 2007માં ભારતે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરુ કર્યું હતું અને ત્રણ વર્ષ બાદ જ પાકિસ્તાન વર્લ્ડ હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય અદાલતમાં ફરિયાદ કરવા માટે પહોંચી ગયું હતું. આ અદાલતે પ્રોજેક્ટ પર ત્રણ વર્ષ માટે સ્ટે આપ્યો હતો અને 2013માં ચૂકાદો આપતા જણાવ્યું હતું કે તે IWTની શરતોને આધીન જ બની રહ્યો છે જેથી ભારત કિશનગંગા એટલેકે નીલમ નદીમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે પાણીનો પ્રવાહ વાળી શકે છે.

પાકિસ્તાન પોતાની આ નિષ્ફળતાને સહન ન કરી શક્યું અને તેણે ખુદ પોતાના વિસ્તારોમાં નીલમ નદી પર આ પ્રકારે વીજળી ઉત્પાદન કરતી યોજનાઓ શરુ કરી દીધી જેમાંથી પ્રથમ યોજના નીલમ-જેલમ હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પાકિસ્તાની વડાપ્રધાન શાહિદ ખાન અબ્બાસીએ ગયા મહીને કર્યું હતું.

એકવાર આંતરરાષ્ટ્રીય અદાલતમાંથી હારી ચૂકેલા પાકિસ્તાને જ્યારે ભારતે આ યોજના માત્ર પૂર્ણ જ નથી કરી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન પણ કરી દીધું છે તેના એક દિવસ બાદ તેનો વિરોધ વર્લ્ડ બેન્ક જઈને કરવા પાછળ કોઈજ લોજીક દેખાતું નથી. કદાચ એવું બને કે આંતરરાષ્ટ્રીય ફલક પર ચોતરફથી એકલું પડી ગયેલું પાકિસ્તાન આ રીતે વૈશ્વિક સમુદાયનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો વ્યર્થ પ્રયાસ કરી રહ્યું હોય.

eછાપું

તમને ગમશે: લો કરો વાત! એમ કાઈ ભૂતકાળ ભૂલી જવો સહેલો છે ખરો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here