200થી વધારે દેશની પ્રિય રમત એવી ફૂટબોલ ના વર્લ્ડકપને હવે વીસેક દિવસનો જ સમય બાકી રહ્યો છે. રશિયામાં 14 જુન થી શરુ થનારો વર્લ્ડકપ રશિયનો માટે યાદગાર બની રહેવાનો છે, અને ફૂટબોલ ફેન્સ માટે પણ પોતાની ગમતી ટીમ્સ અને પોતાને ગમતા પ્લેયર્સની રમતને સેલીબ્રેટ કરવાનો સમય આવી ગયો છે. અને eછાપું પણ વર્લ્ડકપનું આગવું સેલિબ્રેશન કરશે ફૂટબોલ સ્ટોરીઝ દ્વારા.
દરેક રમતનું એક આગવું કલ્ચર હોય છે, એના ખેલાડીઓ, કોચ, ટીમ અને એ રમતને માણતા ફેન્સ એક આગવા કલ્ચર અને આગવી સંસ્કૃતિમાં જીવે છે. અને દરેક સંસ્કૃતિની જેમ ફૂટબોલની સંસ્કૃતિમાં પણ ઘણી વાર્તાઓ છે. આવી વાર્તાઓ ઈ છાપુમાં તમને ફૂટબોલ સ્ટોરીઝમાં જાણવા મળશે. તો આજે શરુ કરીએ એક વર્લ્ડકપને લગતી સ્ટોરી. જેનું નામ છે…
ડાની જાર્કે(Dani Jarque): ઓલ્વેઝ વિથ અસ

આ વાત છે આઠ વર્ષ પહેલાની. 2010માં દક્ષીણ આફ્રિકામાં રમાયેલો વર્લ્ડકપ ઘણીરીતે યાદગાર હતો. એક તરફ બ્રાઝિલ અને ફ્રાંસની જોરદાર ટીમોના એક યુગનો અંત થઇ રહ્યો હતો, જયારે બીજી તરફ આર્જેન્ટીનાના નવા યુગનો ઉદય થઇ રહ્યો હતો. ઇંગ્લેન્ડ vs જર્મનીની મેચનો એક ચોખ્ખો ગોલ રદ થવાના લીધે બહુ મોટો વિવાદ થયો હતો. ત્યારે સ્પેનીશ ફૂટબોલ ટીમ ધીમા પણ મક્કમ પગલે ફાઈનલમાં પહોચી ગઈ હતી.
સ્પેનની ફૂટબોલ ટીમ ટીકી-ટાકા(જેની સાદી સમજ હું પહેલા આપી ચુક્યો છું) માં માસ્ટર હતી, જે માસ્ટરીના સુત્રધાર હતા ઝાવી હર્નાન્ડેસ(Xavi Harnandes) અને આંદ્રેસ ઇનીએસ્ટા(Andres Iniesta) એ ટીકી-ટાકા ની મદદ થી સ્પેઇન ૨૦૦૮ નો યુરો કપ જીતી ચુક્યું હતું. અને વર્લ્ડકપ ક્વોલિફિકેશનમાં દસે દસ મેચ જીતીને સીધું ક્વોલીફાઈ થઇ ગયું હતું. ફાઈનલ પહેલાની છમાંથી માત્ર એકજ મેચ હારીને સ્પેઇન નેધરલેન્ડ્સ સામે 11 જુલાઈના દિવસે ફાઈનલ રમવાનું હતું.
ફાઈનલમાં સ્પેનની હરીફ નેધરલેન્ડ્સ પણ જોરદાર ફૂટબોલ ટીમ હતી, અને ફાઈનલમાં આ વાત સાફ દેખાતી હતી. 90 મિનીટના રેગ્યુલર સમયમાં સ્પેન કે નેધરલેન્ડ્સ કોઈ ગોલ કરી શક્યું ન હતું. અને એક્સ્ટ્રા ટાઈમ પણ ઘણો ખરો ગોલ વગરનો જ ગયો હતો. પણ એક્સ્ટ્રા ટાઈમ પૂરો થવાની ૪ મિનીટ પહેલા સેસ્ક ફાબ્રેગાસનાં પાસને આંદ્રેસ ઇનીએસ્ટાએ ગોલમાં બદલાવી દીધો હતો અને એ ગોલના લીધે સ્પેન એનો પહેલો વર્લ્ડકપ જીત્યું હતું. જે ગોલ ની હાઈલાઈટ નીચે છે.
જયારે આ ગોલના સેલીબ્રેશનમાં ઇનીએસ્ટાએ પોતાની જર્સી ઉતારી ત્યારે એ જર્સીમાં સ્પેનીશમાં એક સંદેશ હતો, Dani Jarque Siempre con nosotros, જેનો અંગ્રેજીમાં અનુવાદ થાય Dani Jarque Always with Us. ડાની જાર્કે સ્પેનીશ ક્લબ એસ્પાન્યોલનો કેપ્ટન હતો, અને ઇનીએસ્ટાનો ખાસ મિત્ર પણ હતો. જેનું વર્લ્ડકપ શરુ થયાના એક વર્ષ પહેલા હાર્ટએટેક થી 26 વર્ષની નાની વયે અવસાન થયું હતું.
2009-2010ની સીઝન ઇનીએસ્ટા માટે બહુ નિરાશાજનક રહી હતી, એક વર્ષ પહેલાજ 2008માં ઈજાના લીધે ઇનીએસ્ટા ફૂટબોલથી લગભગ બે-ત્રણ મહિના દુર રહ્યો. 2009ની સિઝનમાં પણ આ ઈજા સંપૂર્ણ રીતે દુર થઇ ન હતી, એક તરફ ઈજાના લીધે કોન્ફીડંસ સાવ તળિયે જઈને બેઠો હતો, અને 2009ની સીઝન ની શરુઆતમાંજ ડાની જાર્કે નું અવસાન થયું હતું. સતત રહેતી ઈજા, પોતાના ખાસ મિત્રના અવસાન અને એની કોઈ મદદ ન કરી શકવાનો ડંખ આ બધાના લીધે ઇનીએસ્ટા ડીપ્રેશનનો શિકાર બની રહ્યો હતો. ઇનીએસ્ટાને ફૂટબોલ અને જીવનમાંથી રસ જવા લાગ્યો હતો. ઘણીવાર એ ટ્રેઈનીંગમાં પણ ન આવતો. અંતે એણે સાઈકોલોજીસ્ટની મદદ લેવી પડી (મેન્ટલ હેલ્થની માત્ર અહીયાજ નહિ, દુનિયામાં ઘણે બધે ઉપેક્ષા થાય છે). એક સમયે લગભગ વર્લ્ડકપ અને ફૂટબોલને વિદાય આપવાનું વિચારી ચુકેલો ઇનીએસ્ટા સાઈકોલોજીસ્ટની મદદથી ફરીવાર જીવન અને ફૂટબોલની ચેલેન્જ સ્વીકારવા અને પોતાના ડીપ્રેશનને હરાવવા તૈયાર થયો.
અને આ ડીપ્રેશનનું કેથાર્સીસ આવ્યું વર્લ્ડકપની ફાઈનલમાં, જયારે પોતાની ટીમ પોતાના ગોલના લીધે વર્લ્ડકપ જીતી રહી હોય અને ત્યારે એનું સેલિબ્રેશન બીજા કોઈને નહિ પણ તમારા ખાસ મિત્રને સમર્પિત કરો એનાથી વિશેષ સેલિબ્રેશન કઈ ન કહેવાય. આ સેલિબ્રેશનનું મહત્વ માત્ર ઇનીએસ્ટા માટેજ નહિ, ફૂટબોલ માટે પણ મહત્વનું છે. ખાસ કરીને ત્યારે કે જયારે એક કલબનાં મહત્વનાં પ્લેયરએ એક મહત્વનાં ગોલનું સેલિબ્રેશન પોતાની કલબની કટ્ટર હરીફ કલબનાં કેપ્ટનને સમર્પિત કર્યું હોય.

આપણે જેમ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મની રાજકારણની જેમ રમતનાં મેદાનમાં પણ જોવા મળે છે એમ બે ક્લબ વચ્ચેની હરીફાઈમાં છાશવારે રાજકારણ ઘુસી જતું હોય છે. અને દર વખતે બે વિરોધી વિચારધારા કે કે અલગ અલગ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરનાર બે ક્લબો એકબીજાની કટ્ટર હરીફ બની જાય છે. સ્પેનમાં એક તરફ રાજાશાહીનો પ્રભાવ જોવા મળે છે જયારે બીજી તરફ કેટેલોનિયા, બાસ્ક પ્રદેશ જેવા પ્રેદેશોની સ્વાયત્તા નું પણ અલગ મહત્વ છે. બાર્સેલોના કેટેલોનિયાની સ્વાયત્તાનું ખુલ્લેઆમ સમર્થન કરે છે જયારે રીઆલ મેડ્રીડ અને RCD(રોયલ સ્પોર્ટ્સ ક્લબ) એસ્પાન્યોલ જેવી કલબ્સ પોતાનાં નામમાં રોયલ (એટલે કે રીઆલ) જેવા નામ રાખી રાજાશાહીનું સમર્થન કરે છે. અને એટલેજ બાર્સેલોના અને રીઆલ મેડ્રીડની હરીફાઈ (જે એલ ક્લાસીકો તરીકે ઓળખાય છે) અને બાર્સેલોના અને એસ્પાન્યોલ વચ્ચેની હરીફાઈ માત્ર મેદાન પર જ નહીં, મેદાનની બહાર પણ આટલી જ કટ્ટર હોય છે.
એસ્પાન્યોલ શરૂઆથીજ બાર્સેલોનાની કટ્ટર હરીફ રહી છે. બાર્સેલોનાએ શરૂઆતથીજ કેટેલોનિયાની સ્વતંત્રતાને સમર્થન આપ્યું છે, તો એસ્પાન્યોલ કેટેલોનિયા સ્પેઇનનોજ ભાગ રહે એ વાતના સમર્થનમાં છે. બાર્સેલોના એ કેટેલોનિયાના રાજકારણમાં ખુલ્લેઆમ ભાગ લે છે તો એસ્પાન્યોલ સામાન્ય રીતે રાજકારણથી દુર રહે છે. એટલે જયારે એસ્પાન્યોલ અને બાર્સેલોના એકબીજા સામે રમે છે ત્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સામે વધારે એગ્રેસીવલી રમે છે અને બંને કલબનાં ફેન્સ એકબીજાને અને હરીફ ટીમના પ્લેયર્સ ને હેરાન કરવામાં અને ખરી ખોટી સંભળાવવામાં કઈ બાકી નથી રાખતા.
પણ ઇનીએસ્ટાએ કરેલું સેલિબ્રેશન એસ્પાન્યોલનાં ફેન્સ ના હૃદયમાં જગ્યા જમાવી ગયું છે. એ વર્લ્ડકપની ફાઈનલને આજે 8 વર્ષ થવા આવ્યા હોવા છતાંય એસ્પાન્યોલનાં ફેન્સ ઇનીએસ્ટાનાં આ વ્યવહારને ભૂલ્યા નથી અને આજે પણ ઇનીએસ્ટાને ખુલ્લા દિલે સન્માન આપે છે. આ એજ એસ્પાન્યોલનાં ફેન્સ છે જે ઇનીએસ્ટાના ટીમમેટ જેરાર્ડ પીકે ની પત્ની શકીરા ને ખુલ્લા સ્ટેડીયમમાં ન કહેવા જેવા શબ્દો કહે છે અને એમના સંતાનોનાં મૃત્યુની ઈચ્છા પણ રાખે છે. પણ ઇનીએસ્ટા હંમેશા એસ્પાન્યોલનાં ફેન્સજ નહિ દુનિયા બહારના ફૂટબોલ ફેન્સનાં હૃદયમાં રાજ કરે છે.
આપણી આ વાર્તાનાં અને મારા હીરો ઇનીએસ્ટાએ ગઈકાલે બાર્સેલોના માટે પોતાની અંતિમ મેચ રમી અને એનો એ સાથે આ ક્લબ સાથે નો 22 વર્ષનો સાથ, અને બાર્સેલોના માટે એક સુવર્ણ કાળનો અંત આવ્યો. કદાચ આ વર્લ્ડકપ ઇનીએસ્ટા માટેનો અંતિમ વર્લ્ડકપ હશે. ડોન આંદ્રેસને એના ભવિષ્ય માટે બેસ્ટ લક. અને આટલા વર્ષો સુધી અમને સારા ફૂટબોલર અને સારા વ્યક્તિ તરીકે પ્રેરણા આપવા માટે થેન્ક્સ..

eછાપું
તમને ગમશે: કટાક્ષ – એક MBA બોલિવુડ ફિલ્મ વિવેચકનો પોપકોર્ની ઇન્ટરવ્યુ
I still remember that 3 article series you did on Mount-meghdoot just before 2014 WC.
Do something innovative this time too.
આભાર, અને ખાસ તો માઉન્ટ મેઘદૂત ને યાદ કરવા માટે દિલ થી થેંકસ.
રહી વાત. આ વર્લ્ડકપ ની તો
૧. જો ઇનોવેશન નો અર્થ ગયા વખત કરતાં કંઇક નવું કરવાનો હોય તો આ લેખ ઈનોવેશન નો એક ભાગ જ છે.
૨. અત્યારે મારી પાસે આપવા માટે કોઈ ખાસ અપડેટ નથી પણ એક વાત જરૂર થી કહીશ. આ ફૂટબોલ સ્ટોરીઝ માત્ર એકજ પોસ્ટ નથી. વર્લ્ડકપ દરમિયાન અને વર્લ્ડકપ પછી પણ યોગ્ય સમયે નવી જૂની વાર્તાઓ આવતી રહેશે.
અને હા, માઉન્ટ મેઘદૂત ની ત્રણેય પોસ્ટ એક રેફરંસ તરીકે હાથવગી રાખવી, જેથી આગલી પોસ્ટ્સ સમજવામાં સરળતા રહે
અઠવાડિયે આવો એક રોચક લેખ આવવો જોઈએ.
બાર્સેલોના મારી ફેવરીટ ટીમ રહી છે.
જે ફૂટબોલ ફોલો કરે છે એને ખબર પડી જાય કે લેખ ઉચ્ચ કોટિનો છે!
લખતા રહો!