કોકાકોલા અને મેકડોનાલ્ડ્સનું ઉદાહરણ આપવું રાહુલ ગાંધીને ભારે પડી જશે

0
532
Photo Courtesy: newscentral24x7.com

વિશ્વભરની ખ્યાતનામ સોફ્ટડ્રીંક કંપની કોકાકોલા ના માલિક એક સમયે શિકંજી વેંચતા હતા અને એટલુંજ નહીં પ્રખ્યાત ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સના માલિક તો ઢાબો ચલાવતા હતા. આ પ્રકારનું જ્ઞાન ગઈકાલે દેશની સહુથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ પીરસ્યું હતું. સામાન્ય બુદ્ધિ ધરાવતા કોઇપણ વ્યક્તિને જે હકીકતને સમજી શકતો હોય તેને તે સમજાવવામાં રાહુલ ગાંધી ફરીથી નિષ્ફળ ગયા હતા.

રાહુલ ગાંધીનો કહેવાનો ઉદ્દેશ કદાચ એ હતો કે મોદી સરકારની આગેવાનીમાં કોઇપણ નાનો વ્યક્તિ પોતાના નાનકડા ધંધાનો વિકાસ કરીને તેને કોકાકોલા કે મેકડોનાલ્ડ્સના સ્તર સુધી ક્યારેય લઇ જઈ નહીં શકે કારણકે મોદી સરકાર ‘crony capitalism’ એટલેકે કેટલાક ગમતા ઉદ્યોગપતિઓનું હિત સાચવવામાં પડી છે. આ વાત તેઓ માત્ર કોકાકોલા અને મેકડોનાલ્ડ્સના માલિકોના સામાન્ય બેકગ્રાઉન્ડથી ધનવાન થવાની યાત્રા અંગે બે લીટીમાં બોલીને સમજાવી શક્યા હોત, પરંતુ તેમના મનમાં કદાચ તેમના ઓડિયન્સ વિષે એવી છાપ હશે કે તે આટલી સરળતાથી એ ઉદાહરણ સમજી નહીં શકે અને આથી તેમણે તેમાં ભારતીય છાંટ ઉમેરવાનો પ્રયાસ કર્યો અને ભરાઈ ગયા.


રાહુલ ગાંધીએતો આ સંમેલનમાં વિખ્યાત કાર ઉત્પાદક કંપનીઓ ફોર્ડ, મર્સીડીઝ અને હોન્ડાના માલિકો મિકેનિક હતા એવો દાવો પણ કર્યો હતો. ખરી વાત એ છે કે કોકાકોલા શરુ કરનાર જ્હોન સ્ટીથ પેમ્બર્ટન ફાર્માસિસ્ટ હતા અને મેકડોનાલ્ડ્સની સ્થાપના બે ભાઈઓ એટલેકે ડિક અને મેક મેકડોનાલ્ડે કરી હતી જે શરૂઆતમાં બર્ગર સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ વેંચતા હતા. આમ અહીં ક્યાંય પણ એવી હકીકત સામે નથી આવી કે આ ત્રણેય મહાન વ્યાપારીઓમાંથી એક અમેરિકામાં  શિકંજી વેંચતા હોય કે પછી બાકીના બેનો કોઈ ઢાબો હોય.

અડધી પીસ્તાલીસી વટાવી ચૂકેલા રાહુલ ગાંધીમાં એટલી અક્કલ તો હોવી જોઈએ કે શિકંજી અને ઢાબો આ ઉત્તર ભારતના શબ્દો છે અને એમની વપરાશ મર્યાદા ત્યાંજ પૂરી થઇ જાય છે. જો ભારતના જ ગુજરાત અને મહારાષ્ટ્રમાં શિકંજી લીંબુપાણી અને ઢાબો રેસ્ટોરન્ટ કે હોટલ તરીકે ઓળખાતો હોય તો પછી છેક અમેરિકા સુધી આ બંને શબ્દો કેવી રીતે પહોંચી શકે? પણ આ તો રાહુલ ગાંધી છે…

હવે આવીએ એ મુદ્દા પર જે રાહુલ ગાંધી તેમના ઓડિયન્સને ખરેખર કહેવા માંગતા હતા. શ્રી ગાંધીના મતે મોદી સરકારની નીતિઓ એવી છે કે નાના ઉદ્યોગકારો અને વ્યાપારીઓ મોટા સ્વપ્ના જોઈ શકતા નથી. તો આ જ રાહુલ ગાંધી અને તેમના સાથીદારો અત્યારસુધી કેન્દ્ર સરકારની રોજગારલક્ષી યોજનાઓ જેવીકે, મુદ્રા યોજના અને મેઇક ઇન ઇન્ડિયાની મશ્કરી કેમ કરી રહ્યા હતા? મુદ્રા યોજનાની અનેક સફળતાઓમાંથી એક સફળતા તો હાલમાં છેક આસામથી સાંભળવા મળી હતી જ્યાં હ્રદય ડેકા નામના એક વ્યક્તિએ જે બેરોજગાર હતા તેમણે 2015માં કોઇપણ ગેરંટી આપ્યા વગર બેંકમાંથી મુદ્રા યોજના હેઠળ પચાસ હજાર રૂપિયાની લોન લઈને પોતાની મીઠાઈ અને ચ્હાની દુકાન શરુ કરી. પોતાની કાળી મહેનત બાદ ડેકાનો ધંધો ધીમેધીમે જામવા લાગ્યો.

2017માં હ્રદય ડેકાને બેન્કે ફરીથી પાંચ લાખ રૂપિયાનું ઋણ આપ્યું અને તેણે પોતાની દુકાનમાં બે ની જગ્યાએ સાત મદદનીશ રાખ્યા. શું રાહુલ ગાંધીના મતે આ નાના માણસને આગળ આવવા માટે સરકારી પ્રોત્સાહન નથી? હ્રદય ડેકા એક સમયે ખુદ બેરોજગાર હતા તેઓ આજે માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં સાત લોકોને રોજગારી આપી રહ્યા છે, શું આ દેશમાંથી બેરોજગારી સમસ્યા હળવી કરવાનો એક નાનકડો પ્રયાસ નથી? શું આ માટે મોદી સરકાર આડકતરીરીતે જવાબદાર ન ગણાઈ શકાય?

આ જ રાહુલ ગાંધી જેમણે અમેરિકામાં શિકંજી વેંચવાને કે પછી ઢાબો ખોલવાને નાનું કામ ન ગણ્યું પરંતુ તેમનીજ સરકારના પૂર્વ નાણામંત્રીએ વડાપ્રધાનની ભજીયા વેંચીને રોજગારી કમાનાર વ્યક્તિઓને ભિખારી તરીકે સંબોધન કર્યું હતું. આટલુંજ નહીં એક મંત્રી તરીકે શશી થરૂરને જ્યારે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાની આવી હતી ત્યારે તેમણે તેને ‘કેટલ ક્લાસ’ ગણાવ્યો હતો. વડનગર રેલ્વે સ્ટેશને ચ્હા વેંચીને વડાપ્રધાન બનનાર વ્યક્તિને રાહુલની જ પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે ‘નીચ કિસ્મ કા આદમી’ કહેવામાં જરાય પાછી પાની કરી ન હતી.

રાહુલ ગાંધી અને એમના પક્ષના નેતાઓ સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા ભારતીયો માટે આવી માનસિકતા ધરાવે છે જ્યારે મોદી સરકારે આગળ ઉદાહરણ આપ્યું તેમ મુદ્રા યોજના ઉપરાંત સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ સામાન્ય લોકો માટે જ શરુ કરી છે જેથી તેઓ ખુદ તો રોજગારી પામે પરંતુ વધુને વધુ ભારતીયોને પણ રોજગારી આપી શકે. શું આ નાના વ્યક્તિઓના કોકાકોલા જેવી વિશાળકાય કંપનીઓ સ્થાપવાના મોટા સ્વપ્નો સાકાર કરવાનો પ્રયાસ નથી?

eછાપું

તમને ગમશે: કોંગ્રેસ સુધરે તેવા કોઈજ અણસાર નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here