વિશ્વ સંસ્કૃત દિવસ – આજના જમાનામાં આખું ગામ સંસ્કૃતમાં જ વાતો કરે ખરું?

0
945
Photo Courtesy: indianexpress.com

એક લોકગીત અને વાર્તાને લઈને 2014 માં, જ્યારે ઇન્ફોસિસ (બેંગલુરુ) ખાતે કામ કરતા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન્સ ટીમના હેડ વિ. રવિશંકરે, સંસ્કૃત માં એક એનિમેશન ફિલ્મ બનાવવાના વિચાર સાથે એક સ્ટુડિયોનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે ધાર્યા કરતાં વધુ ટીકાકારોનો સામનો કરવો પડ્યો હતો. સ્ટુડિયોવાળાઓ માટે રવિશંકરનો વિચાર હાસ્યાસ્પદ હતો. ભારતના આઇ.ટી. કેપિટલમાં તેમણે જે 100 લોકો સાથે વાત કરી હતી, તેમાંથી ફક્ત બે કે ત્રણ વ્યક્તિઓએ જ વાતમાં રસ બતાવ્યો. બાકીના લોકોએ તેમના મૂલ્યવાન સમયને બરબાદ ન કરવાની જ સલાહ આપી અને કહ્યું બીજું કંઈક કરશો તો વધુ ઉત્પાદક બનશો. આજે 2018માં, રવિશંકર પોતાની વાત પર અડગ છે અને તેમની ફિલ્મ ‘પુણ્યકોટી’ પોસ્ટ પ્રોડક્શનના સ્ટેજ પર પહોંચી ગઈ છે. મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મના પ્રોજેક્ટમાં સમગ્ર દેશમાંથી 100 થી વધુ લોકોએ પોતાનો સમય અને સપોર્ટ આપ્યો છે, જેમાં અભિનેત્રી રેવતિ, સંગીતકાર ઇલીયારાજા, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંપાદક મનોજ કનાથનો પણ સમાવેશ થાય છે. જાણવા માંગો છો એ લોકગીત અને વાર્તા કઈ હતી?

Photo Courtesy: indianexpress.com

ગુજરાતીમાં એક બાળવાર્તા છે કે એક માજી પોતાની દિકરીને મળવા જાય છે ત્યારે રસ્તામાં એક વાઘ સાથે ભેટો થાય છે. વાઘ જ્યારે માજીને ખાવાની કોશિશ કરે છે ત્યારે માજી કહે છે – દિકરીને ઘેર જાવા દે, તાજીમાજી થાવા દે, પછી તું મને ખાજે! અને વળતી વખતે એક પાણીના પીપમાં બેસીને માજી વાઘ સામેથી છટકી જાય છે. આવી જ એક વાર્તા પરથી કન્નડમાં એક લોકગીત છે – પુણ્યકોટી. એક ગાય પર જ્યારે વાઘનું આક્રમણ થાય છે ત્યારે ગાય આજીજી કરે છે કે હું ઘરે જઈને મારા વાછરડાંને ધવરાવી પાછી આવું ત્યારે મને ખાઈ લેજો. ગાય માજીની જેમ કપટ કરતી નથી. પોતે આપેલા વચન મુજબ વાઘ પાસે પાછી ફરે છે ત્યારે ગાયના પ્રામાણિકપણાંથી ખુશ વાઘ એને જીવતી છોડી મૂકે છે અને વચન આપે છે કે કદી પણ કોઈ ગાય પર આક્રમણ નહીં કરે.

શ્રાવણ મહિનાની પૂનમને આપણે રક્ષાબંધન, બળેવ અને નારિયેળી પૂર્ણિમા નામથી ઉજવીયે છીએ પણ આ જ દિવસે 1969 થી ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ તરીકે પણ ઉજવાય છે. લગભગ સાડા ત્રણ હજાર વર્ષ પહેલાંના લિખિત સંસ્કૃત ભાષાના દાખલા મળેલા છે. દુનિયાનું મોટામાં મોટું શબ્દભંડોળ સંસ્કૃત ભાષામાં છે. 102 અબજ 78 કરોડ 50 લાખ શબ્દોનો અત્યાર સુધી સંસ્કૃતમાં ઉપયોગ થયો છે. સંસ્કૃત ભાષામાં નવા શબ્દો યોજવાનું સામર્થ્ય, સમાસ, સંધિ જેવી યુક્તિઓ ગૌરવ વધારવાની સરળતા, સ્પષ્ટ શ્રવણ અને મધુરતા વગેરેથી પૂર્ણ આ વાણી પ્રત્યે આદર થાય તે સ્વાભાવિક છે. ‘હાથી’ શબ્દ માટે સંસ્કૃતમાં સો સમાનાર્થી છે અને ‘પ્રેમ’ શબ્દ માટે નવ્વાણું. ‘પાણી’ માટે 70 થી વધુ શબ્દો અને ‘જવું’ ક્રિયાપદ માટે 122 શબ્દો છે. અને આ દરેક શબ્દો ચોક્કસ અને ખાસ સમયે જ વપરાય છે.

વાગમ્ભૃણીય સૂકત ઋગ્વેદમાં કહ્યું છેઃ

अहं राष्ट्री संगमनी वसूनां चिकीतुषी प्रथमा याज्ञियानाम्

એટલે કે હું સંસ્કૃતવાણી સમગ્ર રાષ્ટ્રની છું, દેશને સમૃદ્ધ કરી શકું છું. વિદ્યાનો ભંડાર છું, અને જેનું સન્માન કરવામાં આવે છે તેમાં મારું સ્થાન પ્રથમ છે.

ભારતની સમગ્ર સંસ્કૃતિ સંસ્કૃતમાં જ પોષાઈ છે અને પ્રસરી છે. આજના જમાનામાં વિદેશી ભાષાઓના વધતા જોરમાં માતૃભાષા જીવાડવાના ઠેરઠેર કાર્યક્રમો થતા હોય ત્યાં કર્ણાટકના એક ગામમાં દરેક લોકો સંસ્કૃતમાં બોલે છે. ‘મટ્ટુર’ કે ‘મત્થુર’ (Mattur) નામક કર્ણાટકના શિમગા જિલ્લાનું એક ગામ છે જે સંસ્કૃત ભાષાના સંરક્ષણ માટે જાણીતું છે. દુકાનદારોથી લઈને બાળકો અને શેરી વિક્રેતાઓ સુધી, ગામના બધા સંસ્કૃતની પ્રાચીન શાસ્ત્રીય ભાષામાં બોલે છે. આ ગામમાં લગભગ દરેક ઘરમાં એક આઈ.ટી. પ્રોફેશનલ હોવાનું કહેવાય છે. મહાન શૈક્ષણિક પરિણામો ઉત્પન્ન કરવા અને અપરાધનો ઓછો ટ્રેક રેકોર્ડ હોવા માટે જાણીતા આ ગામમાં રસ ધરાવનાર કોઈપણને સંસ્કૃત શીખવાની તક મળે છે. કર્ણાટકનું જ હોસાહળ્લી (Hosahalli) નામનું ગામ પણ લગભગ આવા જ ગુણો ધરાવે છે.

લાગતું વળગતું: હે સુજ્ઞ ગુજરાતી વાચકો અમને ક્યારે વાંચશો?

ભારતમાં તો ઘણી સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષય હોય છે પણ જર્મનીમાં 14 યુનિવર્સિટી એવી છે જેમાં સંસ્કૃત એક વિષય તરીકે ભણાવવામાં આવે છે. આ ભાષા શિખવાની ડિમાન્ડ દિવસોદિવસ વધતી જાય છે કારણ કે સંસ્કૃત સ્પીચ થેરપીમાં મદદ કરે છે, એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રીકરણનો વિકાસ કરે છે અને ગણિત-વિજ્ઞાન જેવા વિષયો સમજવામાં પણ મદદરૂપ થાય છે. બીજા દેશો કરતાં પોતે ટેકનોલોજીમાં આગળ રહે એ લાલચે વિશ્વભરના 17 દેશોમાં મિનિમમ એક એવી યુનિવર્સિટી છે જ્યાં સંસ્કૃત ભણાવવામાં આવે છે. લંડનની જેમ્સ જ્યુનિયર સ્કૂલે તો સંસ્કૃતને ફરજિયાત વિષય બનાવ્યો છે. અંગ્રેજી અને લેટિન ભાષાઓએ સંસ્કૃતમાંથી ઘણાં શબ્દો લીધેલા છે. જેમ કે માતૃ કે માતર પરથી mother, પિતૃ કે પિતર પરથી father, દુહિતૃ પરથી daughter, ભાતૃ કે ભ્રાતરા પરથી brother, પંથ પરથી path, ત્રિ પરથી three, તથ્ય પરથી truth, વાંચ્છ પરથી want વગેરે વગેરે. આવો ભવ્ય વારસો દુનિયાની બીજી કોઈ ભાષામાં નથી. સામવેદમાં દર્શાવેલ પુરાવાઓ મુજબ સંગીતના ઘણાં સંકેતો સંસ્કૃત પર આધારિત છે. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત અને કર્ણાટકી શાસ્ત્રીય સંગીત સંસ્કૃતનો આધાર લે એ કદાચ સ્વાભાવિક વાત હોય પણ દુનિયાના કેટલાક પોપ ગીતો પણ સંસ્કૃત પ્રેરિત છે. ચીનના એવોર્ડ-વિનિંગ પોપ ગાયક સા ડિંગડિંગ સંસ્કૃતમાં પોતાના સી-પોપ ગીતો લખવા માટે પ્રસિદ્ધ અને લોકપ્રિય છે.

નાસાના વૈજ્ઞાનિક રિક બ્રિગ્સે એક વખત કહ્યું હતું કે અસ્તિત્વમાં હોય એવી ભાષાઓમાં સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે જેના અર્થમાં કોઈ પ્રકારનો બેમત નથી, અસ્પષ્ટતા કે સંદિગ્ધતા (ambiguity) નથી. અમેરિકા પાસે સંસ્કૃતને સમર્પિત યુનિવર્સિટી છે અને નાસા પાસે પણ સંસ્કૃત હસ્તપ્રતો પર સંશોધન કરવા માટે એક અલગ વિભાગ છે. ફોરટ્રાન જેવી કોમ્પ્યુટર ભાષાઓ સંસ્કૃતમાંથી ઉદ્ભવ થઈ છે એવા પણ અહેવાલ છે. જે લોકો ભાષાના માળખાગત વિજ્ઞાન વિશે સંશોધન કરી રહ્યા છે એમનો પણ દાવો છે કે એક વ્યવસ્થિત માળખાને કારણે, સંસ્કૃત એક કોમ્પ્યુટર ફ્રેન્ડલી ભાષા છે અને તેને શીખવાથી તર્ક અને વિશ્લેષણાત્મક કુશળતા વિકસાવાય છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા સંસ્કૃત ભાષાના આધારે 6 ઠ્ઠી અને 7 મી પેઢીના સુપર કોમ્પ્યુટર્સ બનાવી રહી છે. 6 ઠ્ઠી અને 7 મી પેઢીના કોમ્પ્યુટરના પ્રોજેક્ટ અનુક્રમે 2025 અને 2034માં રિલીઝ થવાની સંભાવના છે.

સંસ્કૃતને ઉત્તરાખંડની સત્તાવાર રાજ્ય ભાષા તરીકે જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડના લોકોએ સંસ્કૃતની સત્તાવાર ભાષા તરીકેના નિર્ણયનું સ્વાગત કર્યું છે કારણ કે તેઓ શિક્ષણની વૈદિક તકનિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી સંસ્કૃત જેવી પ્રાચીન ભાષાને પ્રમોટ કરવાના પ્રયત્નો કરે છે. આ પ્રયત્નોથી બાળકો તેને સમજી શકે અને વર્તમાન વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને રાજકારણ સાથે પરંપરાગત શૈલીનો અનુવાદ માણી શકે. ઉત્તરાખંડની રાજ્ય સરકાર એ પણ માને છે કે સંસ્કૃત લોકોના સર્વવ્યાપી કલ્યાણમાં મદદ કરી શકે છે.

સાડા ત્રણસો વર્ષનો ઈતિહાસ હોય એ ભાષાને શું વળગે ભૂર? જે દેશ સંસ્કૃતની ઉત્પત્તિ માટે જવાબદાર છે એ જ ભારત દેશમાં ‘સુધર્મ’ નામનું વિશ્વનું એકમાત્ર સંસ્કૃત અખબાર છે. આ અખબારને કર્ણાટકના મૈસુરથી 1970 થી પ્રકાશિત કરવામાં આવે છે અને તે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. તેના ઑફલાઇન વાચકો માટે, કાગળ પોસ્ટ દ્વારા વાચકોના દ્વાર સુધી પહોંચાડવામાં આવે છે. સંસ્કૃતના વિદ્વાન કલાલે નાદદુર વરદરાજા આયંગરે, સંસ્કૃત ભાષાને પ્રમોટ કરવાના ઉદ્દેશ સાથે 1970 માં છાપાનો પ્રારંભ કર્યો હતો. તેમણે સંસ્કૃત વિષયમાં ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જો કે સંસ્કૃતમાં એક અખબાર પ્રકાશિત કરવાના તેમના વિચારને શરૂઆતમાં નિરાશા અને હતાશા જ મળી હતી.

પડઘોઃ

હમારા સાંભળ્યામાં આવ્યું છે કે કોઈ ઠક્કર કાહાનુ ખેતસી નામના ભાટિયાને કછ માંડવીમાં સંસ્કૃત પાઠશાળા કહાડવાનાં કામમાં રૂ 40000 આપવાની આજથી બે વરસ ઉપર ઈચ્છા દેખાડી હતી; – એવી સરતથી કે ઠક્કર મથુરાદાસ લવજી કછના રાહપાસથી મકાન બંધાવી અપાવેતો. એ વાતને આજ અઢી વરસ થયાં તોપણ કંઈ ઠેકાણું જણાતુ નથી. ઠા. મથુરાદાસ પણ હાલ કચ્છ પણવાને ગયાછે માટે તે રાહને સમજાવે તો ઠીક. અને હમે ડાંડિયા પણ વચમાં પડી આ લખવાથી રાહમાહારાજને વિનંતી કરિએ છૈયે કે એ શુભ કામમાં અને જ્યારે પાઠશાળાનો ખરચ ચલાવવાને ઠક્કર કાહાનુ મદદ આપે છે ત્યારે તમારે મકાન બંધાવી અપાવવામાં ઢીલ ન કરવી. એ મકાન એ પાઠશાળા તમારા દેશનું એક મોટુ ભૂષણ થઈ પડશે.

– નર્મદ (ડાંડિયો – અંક 17મો – તારીખ 1 લી મે 1865) (ભાષા અને જોડણી યથાવત્ રાખી છે)

eછાપું

તમને ગમશે: સ્ત્રી જો થોડો યત્ન કરે તો બરફ પીગળાવીને નદીઓ વહાવી શકે છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here