Twenty20 ટીમમાંથી બાદબાકી – ધોની માટે સમયનું એક પૂરું ચક્ર પૂર્ણ થયું

0
147
Photo Courtesy: indiatimes.in

2008ની 20મી જાન્યુઆરીનો એ દિવસ જ્યારે ભારતીય ક્રિકેટના ભવિષ્ય માટે ફેંસલો કરવાની ઘડી આવી પહોંચી હતી. દેશના ક્રિકેટ ચાહકોને બરોબર એક વર્ષ પહેલાજ બબ્બે વર્લ્ડકપમાંથી એકમાં ભારતનો શરમજનક દેખાવ સહન કરવો પડ્યો હતો અને બીજામાં વિશ્વવિજેતા બનવાના ખુમારનો અનુભવ કર્યો હતો. એક વર્લ્ડકપના દેખાવ બદલ પોતાના ઘર પર પથ્થર પડવા જેવી ઘટના સહન કરનાર મહેન્દ્ર સિંગ ધોની થોડા જ મહિનામાં Twenty20 વર્લ્ડકપમાં ભારતને પોતાની કૂલ કૂલ કપ્તાનીથી જીત અપાવી ગયો.

Photo Courtesy: indiatimes.in

જ્યારે Twenty20 ક્રિકેટ બાબતે ભારતનું ક્રિકેટ ભાંખોડિયા ભરતું હતું ત્યારે તેને અકલ્પનીય જીત અપાવનાર મહેન્દ્ર સિંગ ધોની થોડા જ દિવસો અગાઉ ભારતની Twenty20 ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો અને તેને માટે સમયનું એક પૂરું ચક્ર પૂર્ણ થયું એમ કહી શકાય કારણકે આગળ કહેલી તારીખે તેની જ માંગણીથી ભારતના ત્રણ દિગ્ગજ વનડે ખેલાડીઓને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યા હતા.

આ ત્રણ દિગ્ગજો હતા સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વી વી એસ લક્ષ્મણ. મહેન્દ્ર સિંગ ધોનીની બાયોપિકમાં પણ આ ઘટનાનો રેફરન્સ આપવામાં આવ્યો છે આથી તેમાં જરૂરથી તથ્ય હોવાનું જ. એ સમય એવો હતો કે આ ત્રણ તેમજ સચિન તેંદુલકર વગર ભારતીય ટીમની કલ્પના કરવી પણ અઘરી હતી, પરંતુ 2007ની પચાસ ઓવરના વર્લ્ડ કપની શરમજનક હાર પછી ભારતીય ક્રિકેટ કોઈ મસીહાની રાહ જોઈ રહ્યું હતું તે મહેન્દ્ર સિંગ ધોની જ્યારે પોતાની કપ્તાનીના બળે એ જ વર્ષે રમાયેલો Twenty20 વર્લ્ડ કપ જીતી લાવ્યો ત્યારે તે એને મળી ગયો.

ત્યારબાદ તો ભવિષ્ય તરફ નજર રાખતા સિલેક્ટરોએ ધોનીને જ પચાસ ઓવરની પણ કપ્તાની સોંપી દીધી. ધોનીએ ફિલ્ડીંગને મુદ્દો બનાવીને પેલા ત્રણ દિગ્ગજોની વનડે સેવાનો અંત આણ્યો હતો અને હવે ધોનીની ધીમી બેટીંગે તેની Twenty20 સેવાનો અંત આણી દીધો છે. જો કે ગોસીપ બજાર તો એવું પણ કહે છે કે મુખ્ય સિલેક્ટર એમ એસ કે પ્રસાદનો આદેશ કે ધોનીએ રોહિત શર્માની જેમ વિજય હઝારે ટ્રોફી રમવી નો અનાદર કરતા ધોનીને T20 ટીમનો દરવાજો દેખાડવામાં આવ્યો છે.

પરંતુ આ ગોસીપ પર વિશ્વાસ કરવાનું મન નથી થતું કારણકે જો આ જ કારણ હોય તો ક્રિકેટના સહુથી નાના ફોરમેટમાં ધોનીનો પાછલો રેકોર્ડ એટલો બધો ખરાબ ન હોત. વળી, વનડે અને T20 ના કેપ્ટન વિરાટ કોહલી અને તેની ગેરહાજરીમાં કપ્તાની કરતા રોહિત શર્માને વિશ્વાસમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે ધોની માટે ખરેખર તો ઇતિહાસનું પુનરાવર્તન જ થયું છે.

અહીં એવું કહેવાનો બિલકુલ આશય નથી કે એ વખતે ધોની ખોટો હતો અને આ વખતે વિરાટ અને રોહિત ખોટા છે. ઉંમર ઉંમરનું કામ કરે છે અને માત્ર ક્રિકેટ જ નહીં કોઇપણ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી રમત યુવાનો માટે જ સર્જાયેલી હોય છે. ધોનીએ 2011ના વર્લ્ડ કપને ધ્યાનમાં લઈને ગાંગુલી, દ્રવિડ અને લક્ષ્મણને ડ્રોપ કર્યા હતા અને તેણે એ વર્લ્ડ કપ જીતીને પણ બતાવ્યો હતો.

લાગતું વળગતું: પંદર સો રૂપિયા વિષે ધોની પણ માહિતી ધરાવે છે! લ્યો બોલો!!

આગલો Twenty20 વર્લ્ડ કપ 2020 માં ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે અને ત્યાં સુધીમાં ધોની ચાળીસી વટાવી ચૂક્યો હશે. આથી અત્યારથી જ અન્ય વિકેટકીપરોને અજમાવવામાં આવે તો આવનારા બે વર્ષમાં એ ટુર્નામેન્ટ માટે કોઈ યોગ્ય વિકેટકીપર મળી આવશે એવી જ ભાવના વિરાટ, રોહિત અને સિલેક્ટરોની હોઈ શકે છે.

ધોની ખુદ આત્મસન્માનની વિરુદ્ધ કોઇપણ નિર્ણય લેતો નથી કે તેને સ્વીકારતો નથી અને એટલેજ એણે ટેસ્ટ ક્રિકેટમાંથી એના નક્કી કરેલા સમયે નિવૃત્તિ જાહેર કરી જેથી એ બીજા ચાર વર્ષ વનડે ક્રિકેટ રમી શકે. તેનો આ નિર્ણય તેને અત્યારે ફળ આપી રહ્યો છે અને અત્યારે તો આવતે વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપ માટે ધોની સિવાય બીજો કોઈજ વિકેટકીપર ભારતીય ટીમમાં સામેલ હોય એવું દેખાતું નથી. હા ઋષભ પંત કદાચ સ્ટેન્ડ બાય તરીકે ટીમમાં સામેલ થઇ શકે છે.

ગઈકાલની વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડેમાં સ્ટમ્પ પાછળ ધોનીની અત્યારસુધી અકબંધ રહેલી ચપળતા આપણે જોઈ હતી. ધોનીને હવે માત્ર રન બનાવવામાં ઝડપ દેખાડવાની જરૂર છે બાકી વિકેટકીપિંગમાં તો એનો કોઈ હાથ ઝાલી શકે એમ નથી જ.

ટૂંકમાં કહીએ તો આવતે વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનાર પચાસ ઓવરના વર્લ્ડ કપનું ગમેતે પરિણામ આવે, મહેન્દ્ર સિંગ ધોની એ ટુર્નામેન્ટ પત્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લઇ લેશે એ બાબતે કોઈને પણ શંકા ન હોવી જોઈએ. ભલું હશે તો ધોની એ ટુર્નામેન્ટ બાદ તમામ પ્રકારના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી શકે છે!

દેખતે હૈ આગે આગે હોતા હૈ ક્યા!

eછાપું

તમને ગમશે: ફૂટબોલ થકી નેપાળી બહાદૂર બન્યો ગુજરાતી ભાષાનો પ્રૂફ રીડર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here