પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન અને અમેરિકન મિડીયાની માનસિકતા

0
298
Photo Courtesy: news.abs-cbn.com

ભારતમાં કશું સારું હોઈજ ન શકે, અથવાતો ભારતીયો લુચ્ચા અને ચોર માનસિકતા ધરાવતા હોય છે એવી માનસિકતા હજી પણ પશ્ચિમી અને ખાસકરીને અમેરિકન મિડીયામાં જોવા મળે છે અને તેનો તાજો દાખલો પણ જોવા મળી ગયો. હાલમાં જ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસના લગ્ન થયા. આપણે બધા જાણીએ છીએ કે નિક પ્રિયંકા કરતા ઉંમરમાં નાનો છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈને એક અમેરિકન મેગેઝિન The Cut એ આર્ટિકલ લખ્યો જેના પર સોશિયલ મિડિયા પર ખાસો એવો વિવાદ ઉભો થયો છે.

Photo Courtesy: news.abs-cbn.com

મારિયા સ્મિથ દ્વારા લખવામાં આવેલા આ આર્ટિકલમાં રીતસર રૂદાલીપણું જોવામાં આવે છે. લેખિકાએ બાલી ઉમરના નિક જોનાસને ભોળવી ગઈ એવો દાવો પણ તેમાં કરવામાં આવ્યો છે. આ આર્ટિકલનું શીર્ષક હતું, “શું પ્રિયંકા અને નિકનો પ્રેમ સાચો છે ખરો?” લેખિકાએ તો એમ પણ લખ્યું છે કે અમારો નિક તો હજી નાનો અને ભોળો છે અને પ્રિયંકાએ તેને આવી કાચી ઉંમરે જીદંગીભર માટે બાંધી લીધો.

પહેલી નજરે જ આ પ્રકારની વાતો ઉપજાવી કાઢેલી હોય એવું સ્પષ્ટ દેખાય છે અને સામાન્ય બુદ્ધિ ધરાવતો કોઇપણ વ્યક્તિ તેને માનવાનો ઇન્કાર કરે જ કરે. અમેરિકામાં નાની ઉંમરનો પુરુષ મોટી ઉંમરની સ્ત્રીને પરણે એ કોઈ નવી વાત નથી. તો શું પ્રિયંકાને બદલે કોઈ અમેરિકન એક્ટ્રેસને નિક જોનાસ પરણ્યો હોત તો પણ મારિયા સ્મિથ તેની દલીલને વળગી રહેત? કદાચ ના!

અમેરિકા અને અમેરિકાના સમાજનો એક મોટો હિસ્સો હજીપણ રંગભેદમાં માને છે અને તેને ફોલો કરે છે અને તેમના માટે આપણે સેમી-કાળી ચામડીના લોકો અસામાજિક તત્વો જ છીએ જે એમના લોકોને ભોળવીને લૂંટી લે છે. અમેરિકનોની આ પ્રકારની સમજને બદલવામાં આપણે ત્યાંથી ગયેલા લોકોએ પણ કોઈ ખાસ મદદ નથી કરી એવું પણ વારંવાર દેખાઈ આવે છે. સોશિયલ મિડીયામાં અમુક અમેરિકન ભારતીયોનો એક ચોક્કસ વર્ગ છે જે એમના અહીંથી અમેરિકા જઈને સ્થાયી થવા લીધે ભારતને બદનામ કરવાનું કે તેને ઓછું આંકવાનું એમને લાઈસન્સ મળી ગયું હોય એવો વર્તાવ કરતા હોય છે.

આથી જો આપણા જ લોકો અમેરિકા જઈને ભારતમાં રહેતા લોકોને તેમના સ્તર કરતા નીચા ગણતા હોય તો પછી સ્થાનિક અમેરિકનોની તો વાત જ શું કરવી?

અહીં એ બાબત પણ ફરીથી સાબિત થાય છે કે જ્યારે નીચા દેખાડવાની વાત આવે ત્યારે એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન બની જતી હોય છે. મારિયા સ્મિથ અને પ્રિયંકા ચોપરા બંને સ્ત્રીઓ છે પરંતુ તેમ છતાં મારિયા સ્મિથે એક વખત પણ લગ્ન કરવા જઈ રહેલી અથવાતો જેના લગ્ન હજી હાલમાં જ થયા છે તેવી સ્ત્રી એટલે કે પ્રિયંકા ચોપરાની લાગણીની પરવા કર્યા વગર રંગભેદથી ભરપૂર આરોપ તેના પર મૂકી દીધો?

લાગતું વળગતું: પ્રિયંકા અને નિક : ના ઉમ્ર કી સીમા હો… ના જન્મ કા હો બંધન…

સોશિયલ મિડિયા પર The Cut ના આ આર્ટિકલ પર થયેલા હોબાળાને લીધે મેગેઝિને તેને હટાવી તો લીધો પણ તેના અંગે તેના એડિટરની નોંધ ભારે રસપ્રદ છે. એડિટરશ્રીએ લખ્યું છે કે અમે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ અંગેનો આર્ટિકલ એટલે  હટાવી લીધો કારણકે તેના પર વધુ ધ્યાન આપ્યા બાદ અમને એમ લાગ્યું કે તે અમારા સ્તરને અનુરૂપ નથી.

લ્યો બોલો! અરે ભાઈ જો એ આર્ટિકલ તમારા મેગેઝિને સ્થાપિત કરેલા સ્તરને અનુરૂપ નહોતો તો પછી તેને છાપ્યો જ શું કામ? કોઇપણ આર્ટિકલ તમારા મેગેઝિનના સ્તરને અનુરૂપ છે કે નહીં એ તો તેના પહેલા વાંચનથી જ ખબર પડી જતી હોય છે. કોઇપણ એડિટર કોઇપણ આર્ટિકલ છાપવા પહેલા અથવાતો એમ થવા દેવાની મંજૂરી આપ્યા પહેલા એટલીસ્ટ બે વખત તો તેને વાંચતો જ હોય છે, પણ આપે તો તેને વાંચ્યા બાદ પબ્લિશ કરવાની મંજૂરી પણ આપી દીધી તો શું વાંચતી વખતે તમને તમારા મેગેઝિનના સ્તર વિષે ખ્યાલ નહોતો?

આ બધું ખરેખર તો બહાનાબાજી સિવાય બીજું કશું જ નથી. એક્ચ્યુલી ભારતીયો વિષે એક રંગભેદી કટ્ટરતા આ પ્રકારના લોકોના મનમાં ઘુસી ગઈ છે અને એમની સફળતાથી મગજ અને હ્રદય પર ઉભો થતો એ ભાર ક્યાંક તો હળવો કરવો? એ ન્યાયે આ પ્રકારના આર્ટિકલ્સ તેઓ બિન્ધાસ્ત છાપી દેતા હોય છે અને પછી વિરોધ થાય એટલે તેને હટાવી દઈને માફી માંગી લેવી અથવાતો ઉપરોક્ત એડિટરશ્રીની જેમ ગોળગોળ સ્પષ્ટતા કરીને છટકી જવાનું અને આ દરમિયાન મળેલી સસ્તી તો સસ્તી લોકપ્રિયતા એનકેશ કરી લેવાની એ એમના માટે સામાન્ય બની ગયું છે.

આ બધુંજ થયા બાદ પ્રિયંકા ચોપરાને જ્યારે તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેનો જવાબ મારિયા સ્મિથ અને પેલા એડિટરશ્રીને તમાચો મારવા જેવો જબરદસ્ત હતો. પ્રિયંકાએ આ પ્રકારના આર્ટિકલને ‘છૂટી છવાઈ ઘટના’ ગણાવી અને કહ્યું કે હું અત્યારે મારી જ દુનિયામાં વ્યસ્ત છું એટલે મને આ બધાની કાંઈજ પડી નથી!

બ્રાવો પ્રિયંકા! બ્રાવો!

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: ભગવાનનો દેશ કેરળ અને તેનું ફૂડ સાથે ત્રણ સ્વાદિષ્ટ કેરાલિયન રેસિપીઝ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here