મોદીએ શું કર્યું? – આ રહી નરેન્દ્ર મોદી સરકારની 10 મહત્ત્વની સિદ્ધિઓ!

  0
  65

  સત્તા સાંભળ્યાના બીજા જ દિવસથી આજ સુધી વિપક્ષો અને તેમના ટેકેદારો દ્વારા એક જ સવાલ કરવામાં આવી રહ્યો છે કે મોદીએ શું કર્યું? આવો જાણીએ નરેન્દ્ર મોદી સરકારની 10 મોટી સિદ્ધિઓ વિષે.

  Photo Courtesy: theweek.in

  કદાચ 2014માં સત્તા સાંભળ્યા બાદ બીજા જ દિવસથી આજ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની સરકાર પર એક સવાલ સતત કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકારે શું કર્યું? મોદી સરકારની સિદ્ધિઓ શું? મોટાભાગે આ સવાલ કોંગ્રેસ અને તેના સોશિયલ મિડિયા સૈનિકો કરતા હોય છે અને તેમનો મૂળ હેતુ એવો જ છે કે આ સવાલ વારેવારે કરીને લોકોને ભ્રમિત કરવા અને મોદી સરકારની જે સિદ્ધિઓ છે તેના પ્રચારને ઝાંખો પાડી દેવો, પરિણામે ચિત્ર એવું ઉપસે કે નરેન્દ્ર મોદી સરકારે આ પાંચ વર્ષમાં કશું જ નથી કર્યું!

  પરંતુ ખરેખર એવું નથી કારણકે નરેન્દ્ર મોદી ખુદ પોતાની સરકારના કાર્યો અંગે લોકોને અપડેટ આપતા રહે છે અને પોતે દરેક મંત્રાલય પર નજર રાખતા હોય છે કે જે-તે મંત્રાલયને સોંપેલું કાર્ય બરોબર થાય છે કે નહીં. તેમ છતાં જેમને મોદીનો વિરોધ કરવો છે એ તો કરતા જ રહેવાના છે. આજે આપણે મોદી સરકારની અસંખ્ય સિદ્ધિઓમાંથી 10 મહત્ત્વની સિદ્ધિઓ વિષે માહિતી મેળવીશું.

  નરેન્દ્ર મોદી સરકારની 10 મહત્ત્વની સિદ્ધિઓ!

  પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના

  આ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ ગરીબ મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફતમાં LPG ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. આનાથી અત્યારસુધી ચૂલા ફૂંકી ફૂંકીને પોતાની આંખો અને ફેફસાં નબળા કરતી ગરીબ મહિલાઓને મોટી રાહત મળી છે. અત્યારસુધી 60 મિલિયનથી પણ મફત LPG કનેક્શનસ આપી દેવામાં આવ્યા છે અને તે પણ નક્કી કરેલા સમય કરતા ઘણા પહેલા. નોંધપાત્ર હકીકત એ છે કે મોદી સરકારની આ યોજનાનો 50% લાભ SC/ST વર્ગની મહિલાઓએ લીધો છે.

  સ્વચ્છ ભારત યોજના

  સ્વચ્છ ભારત યોજના જેનું મુખ્ય મિશન દેશભરમાં શૌચાલયનું કવર વધારવાનું છે તે અંતર્ગત 2 ઓક્ટોબર 2014થી માંડીને અત્યારસુધીમાં 500 મિલિયન આવાસોમાં શૌચાલયો બાંધવામાં છે. આ ઉપરાંત શાળાઓમાં બાંધવામાં આવેલા શૌચાલયોની સંખ્યા અલગ છે. મોદી સરકારના પ્રયાસોને લીધે આજે 90% જેટલું  ભારત ખુલ્લામાં શૌચ જવાથી મુક્ત બની ગયું છે.

  આયુષ્માન ભારત યોજના

  હજી ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ શરુ કરવામાં આવેલી આ યોજના મોદી સરકારની ગેમ ચેન્જર યોજના બનીને સામે આવી છે. માત્ર પાંચ મહિનામાં દસ લાખથી પણ વધુ ગરીબોએ આ યોજનાનો લાભ લીધો છે. આયુષ્માન ભારત યોજના હેઠળ સરકાર દરેક ગરીબ પરિવારને રૂપિયા પાંચ લાખ સુધીની મફત આરોગ્ય સેવા પૂરી પાડે છે. આ યોજના હેઠળ દર્દી કોઇપણ દર્દના ઈલાજ માટે સરકારી અથવાતો ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે.

  ગ્રામીણ વીજળીકરણ

  સ્વતંત્રતાના સાત દાયકા પછી પણ ભારતમાં દસ હજારથી પણ વધુ ગામડાઓ એવા હતા જ્યાં આજ સુધી વીજળી નહોતી પહોંચી. નરેન્દ્ર મોદી સરકારની એક મહત્ત્વની સિદ્ધિ હેઠળ સત્તા સંભાળ્યાના માત્ર ચાર વર્ષમાં આ બાકી રહેલા તમામ ગામડાઓમાં વીજળી પહોંચી ગઈ છે. અગાઉ નક્સલવાદથી ગ્રસ્ત ગામડાઓમાં વીજળી પહોંચાડવી મુશ્કેલ હતી પરંતુ નક્સલવાદ પર કાબુ મેળવવાને લીધે પણ આ યોજના સફળ થઇ છે.

  GST

  સત્તા સંભાળવાના દિવસથી જ મોદી સરકાર માલ અને સેવા કર એટલેકે GST લાગુ કરવા માટે કટિબદ્ધ હતી અને આ માટે તેણે GST નામના બળદને તેના શિંગડા સાથે પકડ્યો હતો અને અતિશય ગૂંચવાડાભરી કર વ્યવસ્થાની સ્થાને સરળ GST ને દરેક રાજકીય પક્ષ અને સરકારોની સર્વાનુમતીથી લાગુ પાડવામાં આવ્યો હતો. શરૂઆતમાં પડેલી તકલીફોને બાદ કરતા અત્યારે GST વ્યવસ્થા યોગ્યરીતે ગોઠવાઈ ગઈ છે અને હવે બહુ ઓછી એવી ચીજવસ્તુઓ છે જે સહુથી ઊંચા કર દરમાં આવે છે.

  લાગતું વળગતું: નમામિ ગંગે પ્રોજેક્ટને લીધે ભારતના 7 શહેરોને ફાયદો થઇ રહ્યો છે

  ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્ર્પસી કોડ

  મોદી સરકારની સહુથી મોટી સિદ્ધિઓમાંથી એક પરંતુ જેનો બહુ ઓછો પ્રચાર મિડીયામાં થયો છે તેવી એક સિદ્ધિ છે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્ર્પસી કોડ જેમાં બેન્કની લોન લઈને તેને પરત કરવામાં ખાડા કરતા વ્યાપારીઓ પર કાબુ મેળવવાની શરૂઆત થઇ ગઈ છે. બેન્કોને ઘણી મોટી કંપનીઓ તરફથી બાકી લેણાં મળવા આ કાયદાને લીધે પરત થવાના શરુ થઇ ગયા છે જેમાં એસ્સાર જેવી અતિશય મોટી કંપની પણ સામેલ છે.

  સબસિડીઓની ડિજીટલ ટ્રાન્સફર

  ભ્રષ્ટાચારને લીધે દિલ્હીથી નીકળતી એક રૂપિયોની મદદ ગરીબો સુધી પહોંચતા માત્ર પંદર પૈસાની થઇ જાય છે તેવી વાત ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કરી હતી. નરેન્દ્ર મોદી સરકારે સરકારી મદદમાં ઉભા થતા ભ્રષ્ટાચારના છીંડા ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા બુરી દેવાના પ્રયાસો કર્યા છે અને તેમાં તેને જબરી સફળતા પણ મળી છે. હવે સરકાર દ્વારા અપાતી વિવિધ સબસિડીઓ અધિકારીઓ દ્વારા ન અપાતા સીધી ગરીબોના બેંક ખાતાઓમાં જ જમા થઇ જતા તેમને સબસિડીની રકમ પૂરેપૂરી મળી જાય છે.

  ઈન્ફ્રાસ્ટ્રક્ચર

  અગાઉની સરકાર દરમ્યાન દરરોજ 12 કિલોમીટર જેટલા હાઈવે સમગ્ર દેશમાં બનતા હતા આજે એ આંકડો વધીને બમણા કરતા પણ વધુ એટલેકે 27 કિલોમીટર પ્રતિ દિન જેટલો થઇ ગયો છે. ઉત્તરપૂર્વમાં પહેલીવાર હાઈવે બની રહ્યા છે જેનાથી બાકીનું ભારત આ ક્ષેત્ર સાથે વધુ નજીક આવ્યું છે. આ ઉપરાંત નવા એરપોર્ટ્સ એર સુવિધા સાથે શરુ થઇ થઈ રહ્યા છે. સાગરમાલા યોજના શરુ થતા કોસ્ટલ વિસ્તારોમાં પણ પાકા રસ્તાઓ બની રહ્યા છે અને ગ્રામીણ માર્ગો પણ મોટી સંખ્યામાં બની રહ્યા છે જે નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિ જ કહી શકાય.

  વિદેશનીતિ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત પ્રયાસો અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની અદભુત કામગીરીને લીધે સ્વતંત્રતા બાદ કદાચ ભારત પહેલીવાર જ મજબૂત વિદેશનીતિ ધરાવી રહ્યું છે. માલ્દીવઝ અને શ્રીલંકા જે એક સમયે ભારતથી દૂર જઈને બેઠા હતા તે આજે ભારતના શ્રેષ્ઠ મિત્રો બની ગયા છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને ભારતના મિત્રો છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સરકારની મહત્ત્વની સિદ્ધિ હેઠળ અમેરિકા, યુકે અને વિશ્વની અન્ય મહાસત્તાઓ સાથે અગાઉ ક્યારેય નહીં તેવા હુંફાળા સંબંધો ઉભા થયા છે.

  વિજ્ઞાન અને ટેક્નોલોજી

  ભારત આજે મોબાઈલ ઉત્પાદનમાં બીજું સહુથી મોટું રાષ્ટ્ર બની ગયું છે. આ ઉપરાંત અવકાશ સંસ્થા ઈસરો આ સરકારના આવ્યા બાદ એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. મોદી સરકારની એક મોટી સિદ્ધિ અનુસાર ગયા વર્ષે ઈસરો એ એક જ રોકેટ પ્રક્ષેપણમાં ભારત સહીત વિવિધ દેશોના 100થી પણ વધુ ઉપગ્રહો અંતરીક્ષમાં પ્રક્ષેપિત કર્યા હતા જેમાં અમેરિકાનો સેટેલાઈટ પણ સામેલ હતો!

  આમ નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ તો ઘણી છે પરંતુ યોગ્ય પ્રચારના અભાવે અને મેઈન સ્ટ્રીમ મિડીયાની સતત અવગણનાને લીધે તે સામાન્ય પ્રજા સુધી પહોંચી શકી નથી. સરવાળો માંડીએ તો મોદી સરકારની અમુક નિષ્ફળતાઓ હોવા છતાં સિદ્ધિઓની સંખ્યા ઘણી વધુ છે જે ગરીબ અને મધ્યમવર્ગને વધુ મદદગાર સાબિત થઇ છે.

  eછાપું

  તમને ગમશે: ભારત સાથે ડોકલામ મુદ્દે ચીનને જ યુદ્ધ પાલવે તેમ નથી

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here