પુલવામા – ભારતની કુટનીતિ શરુ; પાકિસ્તાનને એકલું પાડવામાં આવશે

    0
    272

    જમ્મુ અને કાશ્મીરના પુલવામા ખાતે CRPFના જવાનો પર થયેલા જઘન્ય હુમલા બાદ ભારતે કૂટનીતિ સ્તર પર પોતાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે અને પાકિસ્તાનને એકલું પાડી દેવા કેટલાંક મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે.

    Photo Courtesy: hindustantimes.com

    પરમદિવસે સાંજે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ કરેલા હુમલામાં 40 જેટલા CRPF જવાનો શહીદ થયા બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. પુલવામા ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની (CCS) એક આપાતકાલીન બેઠક ગઈકાલે સવારે બોલાવવામાં આવી હતી.

    પુલવામા બનાવ બાદ પાકિસ્તાનને કેવી રીતે એકલું પાડી દેવાશે?

    આ બેઠકમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને ટેકો આપનાર પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાંઓમાં તેને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડી દેવા કુટનીતિનો સહારો લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની જવાબદારી વિદેશ મંત્રાલયને સોંપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે તરતજ કાર્યવાહી કરતા ગઈકાલે સાંજે ભારતના મિત્રરાષ્ટ્રો ઉપરાંત અન્ય મહત્ત્વના રાષ્ટ્રોના ભારત ખાતેના રાજદૂતોને મંત્રાલય બોલાવ્યા હતા.

    વિદેશ સચિવ વિજય ગોખલેએ આ તમામ રાજદૂતોને પુલવામા હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત વિજય ગોખલેએ ભારતમાં પાકિસ્તાન કેવી રીતે આતંક ફેલાવે છે તેના વિષે પણ આ રાજદૂતોને માહિતગાર કર્યા હતા. વિજય ગોખલે લગભગ 25 જેટલા દેશોના રાજદૂતોને ગઈકાલે મળ્યા હતા.

    આ રાજદૂતોમાં યુએનની સિક્યોરીટી કાઉન્સિલના પાંચ સ્થાયી સભ્યો, અમેરિકા, રશિયા, ચીન, યુકે અને ફ્રાન્સના રાજદૂતો સામેલ હતા. આ  ઉપરાંત દક્ષિણ એશિયાના તમામ દેશો તેમજ જાપાન, જર્મની અને દક્ષિણ કોરિયાના રાજદૂતો પણ વિજય ગોખલેને મળ્યા હતા.

    જાણવા મળ્યા અનુસાર આ તમામ રાજદૂતોએ માન્યું હતું કે પાકિસ્તાન આતંકવાદને પોષે છે. તેઓ એ બાબતે પણ સહમત થયા હતા કે પાકિસ્તાનના ટેકાથી જ જૈશ-એ-મોહમ્મદે પુલવામા હુમલા જેવું જઘન્ય કૃત્ય આચર્યું હતું અને કહ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદીઓને તમામ પ્રકારે મદદ કરવાનું જેમાં નાણાંકીય મદદ પણ સામેલ છે તેને બંધ કરવી જોઈએ.

    લાગતું વળગતું: વડાપ્રધાન ઇમરાન ખાન હોય કે બીજો કોઈ પાકિસ્તાન તો આવું જ રહેવાનું

    વિદેશ સચિવે આ તમામ રાજદૂતોને એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદને પોતાની વિદેશનીતિ તરીકે ઉપયોગમાં લઇ રહ્યું છે. વિદેશ મંત્રાલય હવે પુલવામા હુમલામાં પાકિસ્તાનની જૈશ-એ-મોહમ્મદ અને તેના આગેવાન મસૂદ અઝહર સાથેની લિંક્સ ખુલ્લી પાડવાનું કામ કરશે.

    વિવિધ દેશોના રાજદૂતોની બેઠક બોલાવ્યા અગાઉ વિદેશ સચિવ વિજય ગોખલેએ ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશ્નર સોહેલ મહમૂદને વિદેશ મંત્રાલય બોલાવ્યા હતા અને પુલવામા આતંકવાદ હુમલા અંગે ભારતનો આધિકારિક વિરોધ નોંધાવ્યો હતો.

    ગઈકાલે મળેલી CCSની બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહને શ્રીનગર મોકલવાનો, પાકિસ્તાનને કુટનીતિની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં એકલું પાડી દેવાનો તેમજ પાકિસ્તાનને આપવામાં આવેલા મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાને પરત લેવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા.

    આ બેઠક બાદ વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે તેમની આ ભૂલ તેમને ભારે પડશે. વડાપ્રધાને દેશવાસીઓને પણ વચન આપતાં કહ્યું હતું કે આ હુમલાનો યોગ્ય બદલો લેવામાં આવશે.

    eછાપું

    તમને ગમશે: દૂમ દબાકે ભાગા ડ્રેગન

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here