અશ્વિની ભટ્ટની યાદ અપાવતી પ્રવિણ પીઠડીયાની ‘નો રીટર્ન’

0
533
સસ્પેન્સ નવલકથા નો રીટર્નના લેખક પ્રવિણ પીઠડીયા Photo Courtesy: Param Desai

ગુજરાતી સાહિત્યમાં સસ્પેન્સ નવલકથાઓમાં અમર થઇ ગયેલું કોઈ નામ હોય તો તે છે અશ્વિની ભટ્ટનું. અશ્વિની ભટ્ટ બાદ ઘણા નવલકથાકરોએ તેમનું સ્થાન ભરવાના નિષ્ફળ પ્રયાસો કર્યા, પરંતુ લાગે છે કે પ્રવિણ પીઠડીયા તેમાં સફળ થશે.

સસ્પેન્સ નવલકથા નો રીટર્નના લેખક પ્રવિણ પીઠડીયા
Photo Courtesy: Param Desai

પુસ્તક: નો રીટર્ન’ (પેપરબેક)

લેખક: પ્રવિણ પીઠડીયા

પ્રકાર: સસ્પેન્સ-થ્રિલર-એડવેન્ચર

પ્લસ પોઇન્ટ્સ:

અમીત (મુખ્ય પાત્ર)ના થયેલા એક સામાન્ય પણ ભેદી અકસ્માતને કારણે અમીતના જીવનમાં જે બદલાવ આવે છે એની આ કથા છે. એ વિચિત્ર અકસ્માતને કારણે છ-છ મહિના સુધી, દર મહિનાની પહેલી તારીખે અમીતને ભેદી સપનાંઓ આવવા લાગે છે. જે જગ્યાએ એનો અકસ્માત થયો હોય છે બરાબર ત્યાં જ એ અગાઉ અન્ય બે લોકોના પણ એક્સિડેન્ટ થયાં હોય છે. અમીતને ખબર પડે છે કે એમાંના એક રાજેશનો અકસ્માત ગોળી વાગવાને કારણે થયો હતો. પોતાને આવતાં સપનાંઓનો તાગ મેળવવા અને રાજેશના એક્સિડેન્ટની ભાળ મેળવવા તે રાજેશ પાસે પહોંચે છે ત્યારે એને જાણવા મળે છે કે રાજેશ કોમામાં છે !

અકસ્માતનું સ્વરૂપ ધીમે ધીમે મર્ડરની કોશિશમાં પરિણમતું હોય એવું અમીતને લાગે છે. ઉપરાંત રાજેશની ડાયરીમાં એની સિક્કિમની છેલ્લી ટ્રીપ વખતનું ગુપ્ત લખાણ મળે છે અને ત્યાર પછી સર્જાય છે એક પછી એક રોમાંચક ઘટનાઓનો સિલસિલો જે કથાના પાત્રોને છેક સિક્કિમના પાંગુસ સરોવર જેને ‛ધ લેક ઓફ નો રીટર્ન’ કહેવાય છે ત્યાં સુધી ખેંચી જાય છે. લેક ઓફ નો રીટર્ન એવું ભેદી સરોવર છે (જે સાચે જ અસ્તિત્વ ધરાવે છે) કે જ્યાં ગયેલું કોઈ પણ પાછું આવતું નથી. પ્રવિણભાઈએ કથામાં એ એકદમ સરસ રીતે બેસાડયું છે.

કથામાં સસ્પેન્સનાં એલિમેન્ટ્સ પણ મજબૂત છે અને સરસ છે. ખાસ કરીને જગદીશ નામના એ કથિત ડિટેક્ટિવના ભેદી સાથી નેપાળીને શરૂઆતથી અંત સુધી પરદામાં રાખ્યો અને અંતે જે રહસ્ય ખોલ્યું એ કાબિલેદાદ હતું. મજા આવી ગઈ. વાચક ચોંકી ઉઠે. ઉપરાંત પાંગુસ સરોવર પાસે આવેલા પહાડમાં ક્યાંક ખજાનો છુપાયાની વાતનું રહસ્ય, ખુરશીદ નામના વ્યક્તિની અને અમોમુખીની થયેલી હત્યાઓ પાછળનાં રહસ્યો, અમીત એન્ડ ટીમ પાછળ હાથ ધોઈને પડેલા સુરીન્દર અને એનાં ગુંડાઓનું રહસ્ય… આવા બધાં જ રહસ્યો ખૂબ જ સુંદર રીતે ગૂંથ્યા છે. છેલ્લે જ્યારે આખુંય કાવતરું ખુલ્લું પડે છે ત્યારે વાચક રોમાંચિત થઈ ઉઠે છે.

ત્યાર બાદ સુરતથી છેક સિક્કિમ સુધીની આખીયે સફર કોઈ એડવેન્ચર મૂવીથી કમ નથી. પળે પળે પડતી તકલીફો, વેદનાઓ, લાગણીઓ બખૂબી દર્શાવી છે. ખજાનાવાળા પહાડ સુધી જતાં રસ્તામાં આવતા બરફનાં રેગિસ્તાનનું વર્ણન અને પડતી તકલીફો ધ્રુજાવી દે છે. ખજાનાવાળા પહાડ પરનાં ચઢાણનું વર્ણન જબરું છે. બીજા ઘણાં સાહસો છે કથામાં જે કથાને ઓર ઉઠાવ આપે છે.

દરેક પાત્રનું વર્તન, વિચારો, હાવભાવને પણ નેચરલ ઓપ આપવાનો પ્રયાસ કર્યો છે. હંમેશની જેમ નાયિકાના વર્ણનને પણ પૂરતો ન્યાય આપ્યો છે. કથાની ગૂંથણી કરવામાં પણ પ્રવિણભાઈ અવ્વલ છે. અશ્વિની ભટ્ટના અઠંગ ચાહક પાસેથી તો આવી જ ગૂંથણીની અપેક્ષા રાખવી પડે ને ! વળી, કથામાં ક્યાંય પણ વાચક કંટાળતો નથી અને ફિલ્મની જેમ કથા વહી જાય છે જેથી વાચક જકડાઈ રહે છે. એ બાબતે પણ પ્રવિણભાઈ સફળ સાબિત થયા છે.

લાગતું વળગતું: વેવિશાળ – સુશીલાના ‘સુખ’ની સફર મેઘાણીની રસઝરતી કલમે

માઇનસ પોઇન્ટ્સ:

પહેલવહેલો નબળો પોઇન્ટ પ્રકાશકને જાય છે, કારણ કે ઓછેવત્તે અંશે મોટા ભાગના પેજિસ પર લગભગ એવરેજ પાંચ થી સાત પ્રિન્ટિંગ ભૂલો છે. આટલી બધી ભૂલો પ્રકાશકનાં ધ્યાન બહાર ગઈ એ નવાઈ લાગે.

બીજું એક એ કે કથા હંમેશા કોઈ એક પુરુષથી (પ્રથમ પુ. એ.વ. વગેરે…વ્યાકરણનો લાંબો નિયમ અહીં લખતો નથી) એટલે કે જો ‘હું’ થી લખો તો આખી વાર્તામાં એ જ પુરુષ વપરાય. પણ અહીં એક કરતાં વધારે પુરુષો બદલાયા કર્યા એટલે એ ઓછું પચ્યું.

અને… અમીતને આવતાં સપનાંઓ પાછળનું કારણ તમે કહ્યું નથી (પ્રવિણભાઈ..?!) કે એનું રહસ્ય રહસ્ય જ રાખ્યું છે ?

ઓવરઓલ, થોડી ઘણી વ્યાકરણ ભૂલોને ધ્યાનમાં ન લેતાં, ગો ફોર નો રીટર્ન. અશ્વિની ભટ્ટના ચાહકો ખાસ વાંચો. કારણ કે પ્રવિણભાઈના લખાણમાં અશ્વિની ભટ્ટની છાંટ ચોક્કસ વર્તાય છે એમાં બે મત નથી. ખૂબ જ ગમશે અને એકદમ મનોરંજનથી ભરપૂર છે. ખાસ કરીને કથાનો અંત જબરા વળાંકોવાળો છે, સંતોષકારક છે. પ્રવિણભાઈનું આ પરફોર્મન્સ પણ પૈસાવસૂલ છે.

પ્રકાશક: અશોક પ્રકાશન, (નવભારત)

Photo Courtesy: Param Desai

કિંમત: 175 ₹

પાનાં: 196

રેટિંગ: 3.8/5

eછાપું

તમને ગમશે: સેન્સેક્સથી પણ ઝડપી, બિહારનો રાજકીય ઘટનાક્રમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here