લોકશાહીના પૂજારી મમતા બેનરજીના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ અલગ છે

  0
  128

  લોકશાહીના રક્ષણ માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભલે ધરણા કર્યા હોય પરંતુ પોતાના રાજ્યમાં પોતાના પર કટાક્ષ કરતી ફિલ્મને તેઓ સહન કરી નથી શકતા.

  Photo Courtesy: asianetnews.com

  હજી બહુ દૂર જવાની વાત નથી. બે-ત્રણ અઠવાડિયા અગાઉજ પોતાના પોલીસ કમિશનરની માત્ર પૂછપરછ કરવા આવનાર CBI અધિકારીઓને પકડી લઈને અને પછી તેમને છોડ્યા બાદ ‘લોકશાહીના રક્ષણ’ ખાતર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદ તો મોદી સરકાર હેઠળ દેશની લોકશાહીને ટૂંપો અપાઈ રહ્યો છે તેના વિરોધમાં તમામ વિરોધ પક્ષોએ જોયા જાણ્યા વગર લોકશાહીના પૂજારી મમતા બેનરજીને સમર્થન જાહેર કરી દીધું હતું. પણ હાલમાં મમતા બેનરજીએ ખુદ શું કર્યું એની ખબર પડી?

  નિર્દેશક ઓનિક દત્તાની ફિલ્મ ‘ભોબીશ્યોતિર ભૂત’ (ભૂતનું ભવિષ્ય) ગત 15 ફેબ્રુઆરીએ સમગ્ર બંગાળમાં રિલીઝ થઇ હતી. પરંતુ તરતજ ફિલ્મને રાજ્યના તમામ મલ્ટીપ્લેક્સ તેમજ સિંગલ સ્ક્રિન થિયેટરોમાંથી હટાવી દેવામાં આવી હતી. કારણ? કારણ એટલુંજ કે આ ફિલ્મ રાજકીય વ્યંગ કરે છે અને આ વ્યંગ મમતા બેનરજી પર છે અને કદાચ આ જ કારણસર ફિલ્મને એક દિવસ ચલાવ્યા બાદ તેના સ્ક્રિનિંગ પર રોક લગાવી દેવામાં આવી હતી.

  થિયેટર માલિકોના આ નિર્ણય વિરુદ્ધ બંગાળની પરંપરા અનુસાર રવિવારે અસંખ્ય બંગાળી ફિલ્મ કલાકારો અને કાર્યકર્તાઓએ ધરણા કર્યા હતા. આ તમામ પ્રદર્શનકારીઓનો દાવો હતો કે ફિલ્મ કથિતરૂપે મમતા બેનરજી પર વ્યંગ કરે છે એટલે બદલાની ભાવનાથી દીદીએ ફિલ્મનું સ્ક્રિનિંગ ગેરકાયદેસર રીતે અટકાવી દેવાનો હુકમ આપ્યો હતો.

  ઓનિક દત્તાએ પણ આરોપ લગાવ્યો છે કે સિંગલ સ્ક્રિન થિયેટર માલિકો તેમજ મલ્ટીપ્લેક્સ માલિકોને આ ફિલ્મના સ્ક્રિનિંગ રોકવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સ્ક્રિનિંગ રોકી દેવામાં આવ્યું છે તેની તો તેમને ખબર છે જ પરંતુ તેમને એ ખબર નથી પડતી કે સ્થાનિક પોલીસ સ્ટેશનોએ થિયેટર માલિકોને આમ કરવાનો આદેશ કેમ આપ્યો છે? ઓનિક દત્તાનો આરોપ છે કે ફિલ્મ રિલીઝ થઇ તે અગાઉ પણ બંગાળ પોલીસ દ્વારા તેમના નિર્માતાઓને ધમકીના સૂરમાં કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મનું કન્ટેન્ટ વિવાદ ઉભો કરી શકે છે એટલે તેને રિલીઝ કરતા અગાઉ જરા ધ્યાન રાખજો!

  લાગતું વળગતું: “દીદીગીરી”ની શું આ જ પરાકાષ્ઠા છે કે બેશર્મીનો હજુ કોઈ નગ્ન નાચ બાકી છે?

  દત્તાનું એમ પણ કહેવું છે કે કોઇપણ સિનેમાગૃહ માલિક તેમને સીધીરીતે નથી કહી રહ્યો કે તેમણે કેમ ભોબીશ્યોતિર ભૂતનું સ્ક્રિનિંગ અટકાવી દીધું છે, બસ તેઓ એટલું કહી રહ્યા છે કે બંગાળ સરકારના ઉચ્ચ અધિકારીઓએ તેમને આ આદેશ આપ્યો છે. ઓનિક દત્તાએ બંગાળી ફિલ્મ ઉદ્યોગનો આભાર માનતા કહ્યું હતું કે સમગ્ર ઉદ્યોગનો તેમને સંપૂર્ણ ટેકો છે અને આ મામલે તમામ તેમની સાથે ઉભા છે.

  વયોવૃદ્ધ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટરજીએ પણ આ મુદ્દે એક ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં તેમણે આ ફિલ્મ પર ગેરકાયદેસર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને અલોકતાંત્રિક તેમજ ફાસીવાદી ગણાવ્યો છે. તેમણે મમતા બેનરજી પ્રશાસન પર ‘બદલાની ભાવના હેઠળ’ કામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

  ફિલ્મના વિરોધમાં કોલકાતા મેટ્રો ચેનલ પોલીસ સ્ટેશન સામે એક મોટું બેનર લગાવવામાં આવ્યું છે જેમાં લખ્યું છે, “ઓમાર દીદી શિલ્પી દીદી, ઓમાર દીદી કોબી, પુલીસ દી બોંધો કોરો નૂતોન બાંગ્લા છોબી” અર્થાત, “મારી દીદી કલાકાર છે, મારી દીદી કવિ છે અને તે એક નવી બંગાળી ફિલ્મને રોકવા માટે પોલીસનો ઉપયોગ કરી રહી છે.”

  ભોબીશ્યોતિર ભૂત ફિલ્મના નિર્દેશક ઓનિક દત્તા અને સહ-નિર્માતા ઇન્દિરા ઉન્નીનારને હાલમાં જ ધમકી મળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આમ મમતા બેનરજી રાષ્ટ્રકક્ષાએ પોતાની છબી ઉજળી બનાવવા પોતાને લોકશાહીના રક્ષક ગણાવે છે કારણકે તેમને વડાપ્રધાન બનવું છે, પરંતુ પોતાના જ રાજ્યમાં તેઓ લોકશાહીનું ગળું ઘોંટી રહ્યા છે એ આ ફિલ્મ પર તેમણે અદ્રશ્ય અને ગેરકાયદેસર રીતે લગાવેલા પ્રતિબંધ પરથી સાબિત થાય છે.

  eછાપું

  તમને ગમશે: મોંઘવારી ક્યાં સુધી સહન કરત આ ઈરાનીઓ?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here