IPL 2019 | M 8 | સંજુ સેમસનની સદીને લાગ્યું વોર્નરનું ગ્રહણ

0
139
Photo Courtesy: iplt20.com

સંજુ સેમસનની સ્ટાઈલીશ સેન્ચુરી અને રાજસ્થાન રોયલ્સનો વિશાળ સ્કોર જોઇને લગભગ એવું મનાઈ રહ્યું હતું કે સન રાઈઝર્સ હૈદરાબાદ માટે આ કાર્ય પાર પાડવું અઘરું છે, પરંતુ ડેવિડ વોર્નરના મનમાં કોઈ બીજી જ યોજના આકાર લઇ રહી હતી.

Photo Courtesy: iplt20.com

કોઈ દિવસ તમે કોઈની મહેનતને પાણીમાં જતી જોઈ છે? જો ન જોઈ હોય તો હૈદરાબાદમાં રમાયેલી સન રાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે જ્યાં સંજુ સેમસનની સદી એળે ગઈ હતી.

બેટિંગ પેરેડાઇઝ જેવી હૈદરાબાદની પીચ પર ટોસ જીતીને રાજસ્થાને પહેલી બેટિંગ કરી હતી. તેમની ગઈ મેચમાં વિવાદનો ભોગ બનનાર જોસ બટલર એક બાઉન્ડ્રી મારીને ખાસ તેને જ આઉટ કરવા ઓપનીંગ બોલરોને બદલે બોલિંગમાં લાવવામાં આવનાર રશીદ ખાને તેને રાઉન્ડ ધ લેગ્સ ક્લીન બોલ્ડ કરીને ડગ આઉટ ભેગો કરી દીધો હતો. SRH માટે આ આનંદની છેલ્લી ક્ષણ હતી, કારણકે ત્યારબાદ ત્રીજા નંબરે પ્રમોશન મેળવનાર સંજુ સેમસન અને અજીન્ક્ય રહાણેએ આ IPLની યાદગાર બેટિંગ કરી હતી.

આ બંને બેટ્સમેનોની બેટિંગ એ વારંવાર એવું યાદ અપાવતી હતી કે ટ્વેંટી20માં પણ જો ઝડપથી રન કરવા હોય તો જોરદાર શોટ્સ મારવાની જરુર નથી પરંતુ ટાઈમિંગ અને સ્ટાઈલનો પણ ભરપુર ઉપયોગ થઇ શકે છે. આ બંનેએ 119 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારી બાદ હવે રાજસ્થાન રોયલ્સે હવે એક વિશાળ સ્કોર જ કરવાનો હતો જેને પાર પાડવા સેમસન સાથે બેન સ્ટોક્સ જોડાયો હતો. સ્ટોક્સે સમજદારીથી જબરદસ્ત બેટિંગ કરી રહેલા સેમસનને વધુ સ્ટ્રાઈક આપી હતી અને સેમસને IPL કેરિયરની પોતાની બીજી સેન્ચુરી ફટકારી હતી.

માત્ર બે વિકેટના ભોગે RRએ વીસ ઓવરોમાં 198 બનાવ્યા એ કોઈને પણ પૂરતાં લાગે પરંતુ વાપસી કરી રહેલા ડેવિડ વોર્નરને એવું નહોતું લાગતું. જો એકતરફ થોડા જ સમય અગાઉ દર્શકોએ સંજુ સેમસનની શાંત આક્રમકતા જોઈ હતી તો ડેવિડ વોર્નરે પોતાની આગવી ક્રૂર આક્રમકતા દેખાડી હતી અને માત્ર 24 બોલમાં એટલેકે પાવર પ્લેની અંદર અંદર જ પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી દીધી હતી. સામે છેડે જ્હોની બેરસ્ટ્રોએ પણ ફટકાબાજી ચાલુ રાખી હતી અને વોર્નરના આઉટ થતા અગાઉ આ બંનેએ દસ ઓવર પહેલા જ 110 રન જોડી દીધા હતા.

અહીંથી હૈદરાબાદે સંભાળીને બેટિંગ કરવાની હતી અને કેપ્ટન કેન વિલિયમ્સન અને વિજય શંકરે એ પ્રમાણે જ બેટિંગ કરી પરંતુ તેમ છતાં ત્રણ વિકેટો ફટાફટ પડી જતા રાજસ્થાન રોયલ્સને મેચમાં વાપસી કરવાનો એક મોકો મળ્યો હતો. પરંતુ પોતાની અનોખી બેટિંગ મતે જાણીતા રાશીદ ખાને એક ફોર અને એક સિક્સર મારીને SRHને જીત અપાવી હતી. સન રાઈઝર્સ હૈદરાબાદે તેના IPL ઈતિહાસમાં સહુથી મોટો રનચેઝ દર્જ કરાવ્યો હતો અને તે પણ એક ઓવર અગાઉ.

મીની સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 8 | સન રાઈઝર્સ હૈદરાબાદ વિ. રાજસ્થાન રોયલ્સ

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલ, હૈદરાબાદ

ટોસ: રાજસ્થાન રોયલ્સ (બેટિંગ)

રાજસ્થાન રોયલ્સ 198/2 (20) રન રેટ: 9.9

સંજુ સેમસન 102* (55)

અજીન્ક્ય રહાણે 70 (49)

રાશીદ ખાન 1/27 (4)

સન રાઈઝર્સ હૈદરાબાદ 201/5 (19) રન રેટ: 10.57

ડેવિડ વોર્નર 69 (37)

જ્હોની બેરસ્ટ્રો 45 (28)

વિજય શંકર 35 (15)

શ્રેયસ ગોપાલ 3/27 (4)

જયદેવ ઉનડકટ 1/26 (3)

પરિણામ: સન રાઈઝર્સ હૈદરાબાદ 5 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: રાશીદ ખાન (સન રાઈઝર્સ હૈદરાબાદ)

અમ્પાયરો: બ્રુસ ઓક્સેનફર્ડ અને સી શમ્સુદ્દીન | કે એન અનંત પદ્મનાભન

મેચ રેફરી: ચિન્મય શર્મા

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here