શશી થરૂર: કોંગ્રેસ હજી ખતમ નથી થઇ ગઈ; રાહુલ ગાંધી શ્રેષ્ઠ અધ્યક્ષ

0
293
Photo Courtesy: zeenews.com

હિંદુઓ વિષે પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે રાહુલ ગાંધીને પોતાનું સમર્થન આપ્યું છે અને તેમના નેતૃત્ત્વમાં પોતાનો વિશ્વાસ પણ મૂક્યો છે.

Photo Courtesy: zeenews.com

નવી દિલ્હી: એક તરફ કોંગ્રેસમાં રાહુલ ગાંધીને અધ્યક્ષપદેથી આપેલું રાજીનામું પાછું ખેંચવાની વિનવણી ચાલી રહી છે તો બીજી તરફ રાહુલ પોતાની જીદ પર કાયમ રહ્યા છે. આવામાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા શશી થરૂર રાહુલ ગાંધીની તરફેણમાં આવ્યા છે.

શશી થરૂરે કહ્યું છે કે આટલી મોટી હાર પછી પણ કોંગ્રેસ ખતમ થઇ ગઈ છે એમ વિચારીને તેની શ્રદ્ધાંજલિ લખવાની જરૂર નથી. રાહુલ ગાંધી વિષે તેમણે કહ્યું છે કે આજની તારીખમાં રાહુલ ગાંધી જ શ્રેષ્ઠ વ્યક્તિ છે જે કોંગ્રેસને આટલા મોટા પરાજયમાંથી બહાર લાવી શકે છે.

શશી થરૂરના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાસે અત્યારે બેઠા રહીને પોતાના જખ્મો પર મલમ લગાડવાનો સમય નથી પરંતુ તેણે હવે ઉભા થઈને હવે આવનારા મહિનાઓમાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયાર થવાનું છે.

ન્યૂઝ સંસ્થા PTIને આપેલી મુલાકાતમાં શશી થરૂરે આગળ કહ્યું હતું કે કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવાર માટે સન્માન કાયમ માટે જળવાઈ રહેશે અને આવનારા સમયમાં આ જ પરિવાર તેનું સુકાન સંભાળતું રહેશે. સોનિયા ગાંધી વિષે તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધીએ કોંગ્રેસને ઘણું આપ્યું છે અને આવનારા સમયમાં પણ તેમણે પક્ષને ઘણું આપવાનું બાકી છે.

શશી થરૂર હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીઓમાં તિરુવનંતપુરમથી સતત ત્રીજી વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. શશી થરૂર જે મનમોહન સિંઘ સરકારમાં વિદેશમંત્રી રહી ચૂક્યા છે તેઓ નરેન્દ્ર મોદીની સરકારના પહેલા શાસનકાળ દરમ્યાન હિંદુઓ વિષે પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે ખાસો સમય સમાચારમાં રહ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here