ખુલાસો: ભાજપમાં જોડાવાની સાથેજ અલ્પેશ ઠાકોરનો ધડાકો!

0
119
Photo Courtesy: facebook.com/BJP4Gujarat

જાણીતા ઠાકોર આગેવાન અલ્પેશ ઠાકોર આજે ગાંધીનગરમાં પોતાના હજારો સમર્થકો સાથે તેમજ સાથીદાર ધવલસિંહ ઠાકોર સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા અને એ સમયે તેમણે કોંગ્રેસ વિરુદ્ધ એક મોટો આરોપ પણ કર્યો હતો.

Photo Courtesy: facebook.com/BJP4Gujarat

ગાંધીનગર: ઠાકોર આગેવાન અલ્પેશ ઠાકોર આજે વિધિવતરીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આજે બપોરે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોર એક સરધસ સ્વરૂપે ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે પહોંચ્યા હતા.

અહીં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ એક ખાસ પત્રકાર પરિષદમાં લગભગ સાંજે ચાર વાગ્યે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોરને કેસરિયો ખેસ પહેરાવીને તેમજ મોઢું મીઠું કરાવીને જીતુ વાઘાણીએ તેમને ભાજપનું સભ્યપદ આપ્યું હતું.

આ મહીને રાજ્યસભાની ચૂંટણીઓમાં ક્રોસ વોટીંગ કર્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોરે વિધાનસભામાંથી રાજીનામા આપી દીધા હતા ત્યારથી જ આ બંને ઠાકોર આગેવાનના ભાજપમાં જોડાઈ જવાની અટકળો શરુ થઇ ગઈ હતી.

અલ્પેશ ઠાકોરે આ પ્રસંગે પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે તેમણે આ નિર્ણય ગામડાના અને ગરીબોના વિકાસ માટે લીધો છે. તેમણે રાષ્ટ્રવાદી વિચારસરણી સ્વીકારી છે અને તેઓ તમામને પોતાની સાથે લઈને ચાલશે.

અલ્પેશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ, કાર્યકર્તા આધારિત અને વૈચારિક પાર્ટી ગણાવી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે આજે તમામ અટકળોનો અંત આવી ગયો છે અને હું નબળા શિક્ષકો ધરાવતી શાળા છોડીને આજે વિદ્વાનો ધરાવતા ગુરુકુળમાં પ્રવેશ્યો છું.

ત્યારબાદ અલ્પેશ ઠાકોરે ધડાકો કરતા કહ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ સાગરમાલા અને ભારતમાલાને નિષ્ફળ બનાવવાની યોજનાના સાક્ષી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના રાજકીય લાભ માટે ભારતમાલા યોજના વિરુદ્ધ આંદોલન કરવાનું અને આ યોજનાને નિષ્ફળ બનાવવાની યોજના બનાવી હતી.

અલ્પેશ ઠાકોર, ઠાકોર આંદોલન દ્વારા પ્રકાશમાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડીને જીત્યા હતા.

પરંતુ ત્યારબાદ લોકસભાની ચૂંટણીઓ અગાઉ એટલે લગભગ દોઢ વર્ષના જ ગાળામાં કોંગ્રેસમાં તેમનું અને અન્ય ઠાકોર આગેવાનોનું અપમાન થતું હોવાનો તેમજ કોંગ્રેસમાં લોકસભાની ટીકીટો વેંચાતી હોવાનો આરોપ મૂકીને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી દીધી હતી પરંતુ પોતાનું વિધાનસભ્યનું પદ જાળવી રાખ્યું હતું.

હાલમાં મળતા સંકેતો અનુસાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોર બંનેને આવનારા એકાદ-બે મહિનામાં થનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં અનુક્રમે રાધનપુર અને બાયડ બેઠકો પરથી ભાજપની ટીકીટ પરથી ચૂંટણી લડાવવામાં આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here