પાકિસ્તાનનું શું થશે? શું પાકિસ્તાન ભારત પર અણુહુમલો કરશે?

0
302
Photo Courtesy: suchtv.pk

ફ્રાંસમાં G7 બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની કેમિસ્ટ્રી જોયા બાદ જે રીતે ઇમરાનખાન નિવેદનો કરી રહ્યા છે તેના પરથી શું આકલન કરવું જોઈએ?

Photo Courtesy: suchtv.pk

ઈમરાન ખાન, આખુ પાકિસ્તાન અને સાથે સાથે ભારતની વામપંથી કૉંગ્રેસ, વામપંથી મિડીયા અને વામપંથી બબૂચકો (એમને ઈન્ટેલેક્ચ્યુઅલ્સ કહેવા એ અક્ષમ્ય અપરાધ છે… આજથી મહેરબાની કરીને એ આખી મંડળીને બબૂચકોથી સંબોધવાનુ રાખો) કેમ નહીં સમજી શકતા હોય કે ભારત અને ભારતની વર્તમાન સરકાર સામે એમનુ કંઈ કહેતા કંઈ જ નથી ઉપજવાનુ? આર્થિક, રાજનિતિક, સામાજિક, કૂટનિતિક કોઈપણ પાસુ બાકી નથી રહેવા દીધુ ભારતની સરકારે. ચારેબાજુથી ઘેરાઈ ગયેલા ઘાંઘા થયેલા કેમ હજુપણ આત્મહત્યા કરવાની વાતો કરે છે??

જે પ્રકારે ભારતમાં કૉંગ્રેસ અને એની વામપંથી ઈકો-સિસ્ટમ કાગારોળ મચાવીને કશ્મીરને ફરીથી સળગાવવા પ્રયત્ન કરી રહી છે એનાથી 100 ગણા વધારે જોરથી ઈમરાન ખાન અને એનુ પાકિસ્તાન મુસ્લિમોની દુહાઈ લઈને કશ્મીરને સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરમદિવસે આખી દુનિયાને આપેલી ન્યુક્લિયર વૉરની ધમકી શું કોઈ પણ ગંભીરતાથી લેશે?? જો લેવાના જ હોય તો અત્યાર સુધીમાં એટલિસ્ટ અડધો ડઝન દેશોના સ્ટેટમેન્ટ તો આવી જ ચૂક્યા હોય.

અરે! એ જેને પોતાનુ સૌથી નજીકનુ સાથીદાર ગણે છે એ ચીને પણ પાકિસ્તાનની ન્યુક્લિયર વૉરની ધમકી પર કોઈ જ ટિપ્પણી નથી કરી. જો, એકાદ-બે દિવસ પછી કરે તો એનો મતલબ એ થાય કે પાકિસ્તાને આજીજીઓ કરી કરીને ચીનની પાસે સ્ટેટમેન્ટ કરાવડાવ્યુ છે. પાકિસ્તાન જેવું જ તરંગી રાષ્ટ્ર અને ઈમરાનથી પણ વધારે તરંગી નેતા ઉત્તર કોરિયાનો કિમ કંઈક બોલે તો તરત જ એકાદ બે દેશો તો એના પર ટિપ્પણી કરે જ કરે. પણ, પાકિસ્તાનની કાલની ગ્લોબલ ધમકી પર પણ કોઈને કંઈ કહેવાનુ યોગ્ય નથી લાગ્યુ. ખાલી કટોરો કેટલુ કટકટ કરશે??

કેમ અને શા કારણે આ લોકો આવુ કરે છે?? ઈમરાન, પાકિસ્તાનની સરકાર, ત્યાંનો વિપક્ષ, પાકિસ્તાનની ફોજ અને પાકિસ્તાનની મોટાભાગની જનતાનુ આપણે સમજી શકીએ છીએ કે એમને ગળથૂથીમાં જ હિંદ અને હિંદુ વિરોધી સંસ્કારો(કે વિકારો) પીવડાવવામાં આવ્યા છે. તદ્દ્ન 180 અંશને ખૂણે મરોડેલો ઈતિહાસ, હિંદુ એટલે કાફિર અને મુસલમાનનો જન્મજાત દુશ્મન, સિંધુ ઘાટીની 5000 વર્ષ જૂની સંસ્કૃતિને પણ ઈસ્લામિક ગણાવવી, હિંદુઓ અને હિંદુસ્તાનીઓ એમના પર ચડી આવ્યા હતા અને પાકિસ્તાનના મુસ્લિમો જ માટીના મૂળ રહેવાસીઓ છે આવી બધી વાતો એમને ઈતિહાસના પુસ્તકોમાં શીખવવામાં આવે છે (ત્યાં પણ આપણા વામપંથી ઈતિહાસકારોની માફક મહાજુઠ્ઠાણા ફેલાવનારા ભરપૂર પડ્યા છે… કદાચ આપણા દેશના વામીઓએ એ લોકોમાંથી જ પ્રેરણા મેળવી હશે).

અને એવો ઈતિહાસ ભણેલી (જેટલા ભણી શક્યા છે એની જ વાત થાય છે) કદાચ આ ચોથી કે પાંચમી પેઢી પાકિસ્તાનમાં અત્યારે વસી રહી છે. આ લોકોનો હિંદુ દ્વેષ ચરમસીમાની પણ પાર જતો રહ્યો છે. પણ, ભારતના કૉંગ્રેસી નેતાઓ; વામપંથી નેતાઓ અને અન્ય વિપક્ષો માત્ર અને માત્ર મોદી-વિરોધમાં આટલા બધા આંધળૂકિયા કરે એ દેશની તબિયત માટે જરાપણ ઠીક ન કહેવાય. એકાદ વાક્ય મોદીના સમર્થનમાં બોલી જવાથી કે મોદીની દેશહિતની કાર્યવાહીની પ્રશંસા કરવાથી એમને કોઈ કૉંગ્રેસી-વિપક્ષી કહેવાનુ બંધ કરશે તો એ એમની ભૂલ નહીં પણ સાવ છેલ્લી કક્ષાની અણસમજ છે. આટલી હદે ઈમેચ્યોર વિરોધપક્ષને જેટલો પણ જનાધાર મળ્યો છે એ ખરેખર ભારતની જનતાની વિટંબણા જ કહેવાય.

આમ પણ, પાકિસ્તાનના લોકો જે ઈસ્લામને માને છે અને જે ઈસ્લામ પર આસ્થા ધરાવે છે એમાં વિવેકબુધ્ધી જેવી કોઈ જ વાતને ક્યાંય સ્થાન નથી. એમને મન તો અરબસ્તાન અને અરબીઓની બિનશરતી ગુલામી એટલે જ ઈસ્લામ. એમનાં મુલ્લાંઓ પણ વ્યાપક ઈસ્લામથી તદ્દન વિપરિત એવી રીતે ૧૨૦૦-1400 સદી પહેલાના યુગની સંસ્કૃતિને યથાતથ સ્વીકારીને એનુ પાલન કરવાનુ ભારપૂર્વક કહેતા માત્ર નથી પણ એ સમયની પરંપરા મુજબ એમની વાતોને ન સ્વીકારનારને જાહેરમાં જાનથી મારી નાખતા પણ નથી અચકાતા.

આવા ઈસ્લામિક દેશને, કે જ્યાં 99.99% લોકો અન્ય ધર્મમાંથી ઈસ્લામમાં પરિવર્તિત થયેલા છે; મૂળ અરબી નસ્લના પણ નથી; એવા પ્રદેશના લોકોનુ અરબસ્તાનમાં એક ગુલામથી વધારે કોઈ મહત્વ હોય એવું મારા જોવામાં નથી આવ્યુ. દુનિયાના સમૃધ્ધ, સમજદાર અને સંપન્ન મુસ્લિમ દેશો પાકિસ્તાની સ્ટાઈલના ઈસ્લામમાં ક્યારેય નથી માનતા. [જો કે, એ લોકો તો તૂર્કીના ઈસ્લામમાં પણ નથી માનતા (બધા સુન્ની હોવા છતાંય)] કદાચ એટલે જ એમણે પણ પાકિસ્તાનની ઈસ્લામના નામે થતી અપીલોનો પણ કોઈ જવાબ નથી આપ્યો.

તો પાકિસ્તાનનુ શું થશે?? કોને ખબર?? પરમદિવસના વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથેની ફ્રાન્સની G7 સમિટની સાઈડ-લાઈન મિટિંગ અને પ્રેસ-કૉન્ફરન્સમાં આપેલા સ્ટેટમેન્ટ પર બહુ જ ધ્યાન આપવા જેવુ છે. એનો બંને તરફનો મતલબ નીકળી શકે એમ છે. એક, તો એ પાકિસ્તાનને ગંભીરતાથી નિવેદન કરે છે કે મારધાડમાં કંઈ નથી બળ્યુ; આતંકવાદ બંધ કરો; શાંતિ સ્થાપો અને અમારી સાથે મંત્રણાના ટેબલ પર આવો. બીજુ, કે ઈમરાન – ટ્રમ્પ અને આખી દુનિયાને આવા નિવેદનોના છળમાં બાંધી રાખી અને પાકિસ્તાનને પાછલે બારણેથી બરાબરનુ ખોખરુ કરી નાખવુ અને એ પણ કોઈ જાતનો આંતરરાષ્ટ્રીય વિવાદ ન થાય એવી રીતે.

જો બીજી શક્યતા પર નરેન્દ્ર મોદી અને એમની સરકાર આગળ વધે તો એ આખી ઈસ્લામિક દુનિયાને માટે બહુ મોટી અને ક્યારેય ન ભૂલી શકાય એવી શીખ હશે. આજે ઈસ્લામ જ્યાં જ્યાં પણ હદ બહારનો આતંક ધર્મને નામે ફેલાવી રહ્યો છે એ પ્રદેશો છે — નાઈજિરિયા (મુસ્લિમ – ખ્રિસ્તી અથડામણો), ઈરાક અને સિરિયાનો પ્રદેશ (મુસ્લિમો અને અન્ય મુસ્લિમો); અફઘાનિસ્તાન (મુસ્લિમો અને અન્ય મુસ્લિમો); ફિલિપાઈન્સ (મુસ્લિમ – ખ્રિસ્તી); મ્યાંમાર; શ્રીલંકા અને થાઈલેન્ડ (મુસ્લિમ – બુધ્ધ); છેલ્લે ભારત (હિંદુ – મુસ્લિમ). આમાં શ્રીલંકા અને મ્યાંમારને બાદ કરતા કોઈપણ દેશે ખુલ્લી રીતે ઈસ્લામીક ત્રાસવાદીઓ વિરુધ્ધ અભિયાન નથી છેડ્યુ. પણ, આ બંને દેશોની સમસ્યા ભારતમાં થઈ રહેલી સમસ્યા કરતા પ્રમાણમાં ઘણી નાની અને ઝડપથી કંટ્રોલમાં કરી શકાય એવી છે.

ભારત – પાકિસ્તાનની સમસ્યા હિંદુ-મુસ્લિમની સમસ્યાતો છે જ; પણ, એનુ હિંદુ-મુસ્લિમ હોવુ એ માત્ર પાકિસ્તાનની વિચારધારા છે. ભારતની વર્તમાન સરકારની વિચારધારા કદાચ એવી નથી કે પછી સરકાર એને એવી રીતે પ્રોજેક્ટ કોઈકાળે નથી કરી રહી. ભારતના દ્રષ્ટીકોણથી આખી સમસ્યા કશ્મીરના પ્રદેશની છે અને એ જમીનની લડાઈ છે નહીં કે હિંદુ-મુસ્લિમની; વર્તમાન સરકાર માત્ર વિચારધારાની રીતે નહીં પણ વર્તનની રીતે પણ સમસ્યાને એવો જ ઢાળ આપી રહી છે. અને ભારતનો પક્ષ આને જ કારણે સજ્જડ રીતે મજબૂત છે. મજાની વાત તો એ છે કે જો ભારત પોતાની રીતે જમીનની આ સમસ્યા આરપારના યુધ્ધથી પૂરી કરી દે તો એની બાય-પ્રોડક્ટ રૂપે આખી ઈસ્લામિક દુનિયાને એ સંદેશો જાય કે ભારતના લોકોને (હિંદુ-મુસ્લિમ અને બીજા બધા ધર્મના લોકો આવી જાય એમાં) આવનારા સેંકડો વર્ષો સુધી ક્યારેય ન છંછેડવા. હિંદ અને હિંદુઓનુ વર્ચસ્વ સાર્વત્રિક રીતે સ્વીકારવાની પાકિસ્તાન, હિંદુસ્તાન અને દુનિયાના બધા દેશોના મુસ્લિમોને ફરજ પડે. આના પડઘા ચોક્કસ પણે દુનિયાના દરેક દેશોમાં રહેલા મુસ્લિમો સુધી પડઘાય અને ત્યાં શરૂઆતમાં તો નાનો-મોટો વિરોધ થાય પણ ભારતના પરાક્રમથી પ્રેરાઈને જે તે પ્રાદેશિક સરકારો પણ એમના સ્થાનિક ઈસ્લામિક આતંકીઓને બરાબરના ઠમઠોરે.

પાકિસ્તાનના અણુયુધ્ધની ધમકી વિષે પણ થોડો ઉલ્લેખ જરૂરી છે — શું એ શક્ય છે કે પાકિસ્તાન અણુ શસ્ત્રો વાપરવાની ભૂલ કરે?? અને જો એકાદી ભૂલ કરી પણ બેસે તો શું ભારત અણુશસ્ત્ર વાપરે?? 2019ની ચૂંટણી સભાઓમાં મોદીજીનુ વક્તવ્ય; રાજનાથસિંહના કેટલાક સ્ટેટમેન્ટ અને અમિત શાહના સ્ટેટમેન્ટ પરથી તો એમ લાગે જ કે ભારત અણુશસ્ત્ર વાપરે. પણ, હું દ્રઢપણે માનુ છું કે નરેન્દ્ર મોદી અણુશસ્ત્રોનો ઉપયોગ છે…ક છેલ્લા સમય સુધી ટાળશે. માત્ર ટાળશે એટલું જ નહીં પણ એના વગર પણ યુધ્ધ જીતી બતાવશે.

કદાચ એવું પણ થાય કે પાકિસ્તાનને એના અણુશસ્ત્રો વાપરવા માટે વિચારવાનો સમય પણ ના રહે અને ભારતની સેના ઈસ્લામાબાદ સુધી પહોંચી જાય. (જો વર્તમાન સમયમાં યુધ્ધ થાય તો આવુ ચોક્કસ પણે શક્ય છે; એનુ ઉદાહરણ બાલાકોટ પરનો ભારતનો હુમલો અને પાકિસ્તાનના વળતા હુમલાનો જડબાતોડ જવાબ છે) જો તેમ છતાંય પાકિસ્તાન એકાદ નાનકડુ પણ અણુ-છમકલુ કરી બેસે તો એના હાલ-હવાલ દુનિયાભરમાં ઉત્તર કોરિયાથી પણ બુરા થાય અને એકમાત્ર (કહેવાતો) મિત્ર દેશ ચીન પણ ભવિષ્યમાં ક્યારેય એને પડખામાં ન ઘાલે.

પાકિસ્તાન એક બિમાર રાષ્ટ્ર બની ચૂક્યુ છે અને એ પાકિસ્તાન, ત્યાંની ફોજ અને ત્યાંના રાજકારણીઓ સિવાય બધા જ સ્વીકારે છે. બિમારના બે જ હાલ થઈ શકે — એક તો સાચો ઈલાજ કરીને સાજા થવું અથવા ઈલાજની પરવા કર્યા વગર મરણને શરણ થવુ. જોઈએ બિમાર પાકિસ્તાનના ભવિષ્યમાં કેવા હાલ થાય છે!!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here