આ વાત છે ઈરાકની — એક એવો દેશ જ્યાં સદ્દામ હુસૈનની બાથ પાર્ટીનુ રાજ આવ્યુ તેની પણ પહેલાના સમયથી ઉત્તરની મૂળ નિવાસી કૂર્દ પ્રજા અને મધ્ય-દક્ષિણ ઈરાકના અરબો વચ્ચે ખટરાગ ચાલ્યા કરે છે. નિરસ પ્રકૃતિ ધરાવતા મેદાની અરબીઓ રંગીન મિજાજી પહાડી કૂર્દિશ પ્રજાને દબાવી રાખવાના બનતા બધા પ્રયત્નો કરતા આવ્યા છે. એવા કૂર્દ પ્રજા પ્રત્યે ભારોભાર નફરતથી ભરેલા ઈરાકના બગદાદની હું એક નાનકડી કૂર્દિશ છોકરી છુ — જોઆના — અને આ છે મારી વાર્તા…

પ્રકરણ : 1 નાનકી પશમરગા : સ્વાતંત્ર્ય સેનાની
(પશમરગા એ કૂર્દીશ ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય – સ્વતંત્રતા સેનાની. માદર–એ–વતન માટે ફના થવા નીકળી પડનાર.)

મારો જન્મ અને ઉછેર બગદાદમાં થયો. બગદાદ શહેર મારા પ્રેમાળ અરબ-પિતાનુ વતન છે. જ્યારે મારી કૂર્દિશ-માતાનુ વતન છે — બગદાદથી 331 કિમી ઉત્તરે આવેલુ સુલેમાનિયા નામનુ શહેર. સુલેમાનિયા — ઉત્તરી ઈરાકની રંગબેરંગી પહાડીઓની વચ્ચે જંગલની મધ્યમાં આવેલુ કૂર્દિસ્તાનની રાજધાની સમું રંગીલુ શહેર!! વર્ષના સપ્ટેમ્બરથી જૂન સુધીના દસ મહિના આ ધૂળીયા બગદાદની ગલીઓમાં હું એ ઉત્સાહમાં ને ઉત્સાહમાં વિતાવી લેતી કે આવનારા જુલાઈ-ઑગસ્ટમાં તો અમે અમારા મોસાળ – સુલેમાનિયામાં જવાના હોઈએને.. આ અમારો દર વર્ષનો ક્રમ હતો. આ બે મહિના અમે મેસોપોટેમિયાના મેલાઘેલા મેદાનો છોડીને કૂર્દિસ્તાનની રંગબેરંગી પહાડીઓ અને ઘાટીઓમાં વિતાવતા.
મને જો બરાબર યાદ હોય તો 1972ના જુલાઈની એ 8મી તારીખ હતી અને દિવસ હતો ઈસ્લામિક અઠવાડિયાનો પહેલો દિવસ – શનિવાર. મારી ઉંમર એ સમયે માંડ દશ વર્ષની હશે. સ્કુલમાં વેકેશન પડી ચૂક્યુ હતુ અને અમારુ કુટુંબ દર વર્ષની માફક અમારા મોસાળ સુલેમાનિયા જવાની તૈયારી કરી રહ્યુ હતુ. પણ, કોઈને આ નાનકી જોઆનાના ઉત્સાહની કંઈ પડી જ નહોતી. ભાઈઓ પાસે જઉ તો એ ભગાડી દે, બહેન પણ ભગાડી દેતી અને મારી મા પણ એમ કહેતી કે “જા દૂર… અમને કામ કરવા દે”. પણ, મારા પ્યારા અઝીઝમામા એમની આ નાનકડી ભાણકીને બરાબર સમજતા હતા.. આ અઝીઝમામા મારી માતાના સગ્ગા ભાઈ એટલે એય તે નખશીખ કૂર્દિશ જ હતા; અને સુલેમાનિયામાં જ જન્મ્યા ને મોટા થયા. પણ, છેલ્લા કેટલાક વર્ષોથી એ અમારી સાથે અહીં બગદાદમાં જ રહેતા હતા. એ દિવસે બધા મને ભગાડતા હતા એટલે મારો મૂડ ખરાબ થઈ ગયો હતો પણ અઝીઝમામા મને તરત જ અમારા ઘરની પાછળના બગીચે લઈ ગયા.
અમારુ ઘર એ સમયે પણ બગદાદના સામાન્ય રહેવાસીઓને ઈર્ષા ઉપજાવે એવુ હતુ – રસોડાની બહાર પાછલા વાડામાં અમારો સરસ મજાનો બગીચો હતો. પ્લમ, નારન્જા, ખજૂર એવા કેટલાય ફળોના વૃક્ષો અમારા બગીચામાં હતા, બગીચાની વાડે સરસ મજાની બોગનવેલ ગુલાબી ફૂલોથી લદાયેલી શોભતી હતી. મામાએ મારુ મન બહેલાવવા મને પાકેલા નારન્જા તોડી લાવવાનુ કહ્યુ. આ નારન્જા મારા સૌથી મનગમતા ફળોમાંથી છે, (નારન્જા : સંતરા જેવુ પણ એનાથી નાનકડુ રસદાર સ્વાદિષ્ટ-મીઠુ સાઈટ્રસ ફળ) અમારી મા પાક્કા નારન્જા નિચોવીને એના રસને રેફ્રીજરેટરમાં થીજવી એના આઈસક્યુબ બનાવી લેતી. જ્યારે કોઈ મહેમાનો આવતા ત્યારે વરંડામાં જામતી મહેફીલમાં અમારી મા આ નારન્જાના રસના ક્યુબ ખાંડ-પાણી સાથે મેળવી સરસ મજાનુ ડ્રીંક બનાવતી અને અમને બાળકોને પણ આપતી. એવા સમયે તો હું ખૂબ ખીલી ઉઠતી; જાણે મોટી ભડ-ભાદર સ્રી હોઉ એવુ મારુ વર્તન થઈ જતુ. પગ પર પગ ચઢાવીને બેસવુ; ધીમે-ધીમે નારન્જા ડ્રીંકના સીપ લેતા-લેતા મોટેરાઓની વાતોમાં હોંકારા ભણવા અને વચમાં વચમાં ટાપસી પુરાવવી – એ મારો કાયમનો ક્રમ હતો. અને મોટાઓ પણ જાણે મને ગંભીરતાથી લેતા હોય એમ મારી કાલી-ઘેલી વાતો ધ્યાનથી સાંભળતા.
નારન્જા તોડવામાં હું મશગૂલ હતીને મારા મોટા ભાઈ – આ વર્ષે એ અઢારના થયા અને પાનખરમાં કૉલેજ પણ જોઈન કરશે – રા’દ રસોડાને પાછલે બારણે ડોકાયા અને મને બોલાવવા બૂમ મારી – “જોઆના……. જરા આગલે ઝાંપે જઈને આપણે માટે ટેક્સી રોક તો….” મારી તો ખુશીનો પાર નહોતો — છેવટે સુલેમાનિયા જવાની ઘડી આવી જ ગઈ. જે કંઈ નારન્જા ભેગા કર્યા હતા એ પકડાવ્યા મામાને અને હું દોડી ઘરમાં. કિચનમાં જોયુ તો મારી મા અને બહેન “મુના” અમારે માટે ચિકન સેન્ડવીચ બનાવતા હતા – સફરમાં ખાવા માટે; એમને એમના એમ છોડી, દોડતી-કૂદતી હું ઘરને આગલે ઝાંપે જઈને ઉભી રહી. ટેક્સીની વાટ જોવા લાગી — ઝટ ટેક્સી આવે અને અમને ઝટ સુલેમાનિયાની બસ માટે બસ સ્ટેન્ડ સુધી લઈ જાય..!!
અમારી પાસે કાર નહોતી એનુ મને આવા પ્રસંગો એ ખાસ લાગી આવતુ. જો કાર હોય તો કાર લઈને જ સીધા સુલેમાનિયા પહોંચી જવાય – આ ટેક્સી કે બસની કોઈ સાડાબારી જ ના રાખવી પડે. અમારુ અલ-અસ્કારી કુટુંબ બહુ જ ઉંચુ ગણાતુ અને સમૃધ્ધ પણ હતુ – મારા પિતાના બીજા બધા ભાઈઓ – એટલે મારા કાકાઓ અને ભાઈજીઓના ઘરમાં દરેકની પાસે એક કે તેથી વધારે કાર હતી. આખા કુટુંબમાં એક અમારુ જ ઘર ગરીબ હતુ; અમારી પાસે કાર નહોતી. અને કદાચ કાર લેવાની અમારી ત્રેવડ હોય તો પણ મારા પિતા એ ચલાવી શકે એમ નહોતા. મારા પિતાજી અસલમાં સાંભળી નથી શકતા – એમની શ્રવણ શક્તિ હણાઈ ગઈ છે. બગદાદના રસ્તા પર ચાલતા વાહનોના અવાજો એમને કાને પડી શકે તેમ ન હતુ માટે એમને કાર ચલાવવાનુ લાઈસન્સ પણ મળી શકે તેમ નહોતુ.
એમને માટે તો વાહનમાં જે કંઈ ગણો એ એમની નાનકડી બ્લ્યુ કલરની સાઈકલ હતી. અમારા ઘરનુ પણ એ એક માત્ર વાહન હતુ. ઘરની દિવાલે અત્યારે પણ એ શાનથી ઉભી છે.. મને કાયમ એની પર કૂદકો મારીને સવાર થઈ જવાનુ મન થતુ પણ હું એક છોકરી હતી અને અમારા બગદાદના સમાજમાં છોકરીઓને આવુ બધુ કરવાની છુટ્ટી નહોતી. મારા ભાઈઓ જો કે એ સાયકલ ચલાવતા – મોટો રા’દ સીટ પર બેસી પેડલ મારતો અને નાનો સા’દ – જે મારી બહેન મુનાનો જોડીયો ભાઈ છે – આગળના ડંડા પર બેસી ભાઈ સાથે ડબલ સવારી કરતો.
એ બધુ તો ઠીક; પણ ટેક્સી ક્યાં છે?? મેં બહાર રસ્તા પર નજર દોડાવી.. સવાર-સવારમાં બગદાદની શેરીની ચહલ-પહલ જોવાની મજા આવે એવી હોય છે. માણસો જાણે કાગળ પર ચીતરેલા આકારો હોય એમ લોકો આમથી-તેમ ભાગતા હતા. પુરુષો સવારના ચા-નાસ્તા માટે નજીકના કૅફેમાં પહોંચવા ઉતાવળા થતા હતા તો સ્ત્રીઓને રોજનુ સીધુ-સામાન લેવા માટે દુકાનોમાં જવાની ઉતાવળ રહેતી. મોટા છોકરા શેરીમાં લખોટીના દાવ રમતા તો નાનેરા છોકરાં શેરીમાં ‘પગથીયા’ ચીતરીને રમતા.
અમારો બગદાદનો સમાજ એ વખતે પણ છોકરીઓ માટે સંકૂચિત જ હતો; અને છોકરીઓ સ્કૂલ પત્યા પછી બહાર દેખાય એ સારુ નહોતુ કહેવાતુ. એટલે, બહુ જ ઓછી છોકરીઓ શેરીઓમાં ટહેલતી કે રમતી જોવા મળતી. છોકરીઓને નાની ઉંમરથી જ ઘરકામ શીખવવામાં આવતુ અને ઘરકામમાં જ જોતરવામાં આવતી. જો કે મારી માનો આભાર કે એ મને કોઈ દિવસ ઘરકામમાં નહોતી નાખતી. હા, પોતે ઘરને ચોખ્ખુ ચણાક રાખતી; મારા મોટા ભાઈબહેનોને માથે પણ ઘરકામની કોઈને કોઈ જવાબદારી રહેતી, પણ હું ઘરમાં સૌથી નાનકી અને બધાની લાડકી એટલે મારે માથે કંઈ જવાબદારી નહોતી.
હું તો ટેક્સીની રાહ જોતી ઉભી હતી અને “મી…..ઠુ મી…..ઠુ લઈ લ્યો મી….ઠુ….”ના ઘેરા, કસાયેલા અને લહેકાદાર અવાજે મારુ ધ્યાન એ ઉંટની પીઠે લાદીને મીઠુ વેચનારા એ વણજારા પર ખેંચાયુ. આ વણજારો-ફેરિયો દર અઠવાડીયે અચૂક અમારા મહોલ્લામાં આમ મીઠુ વેચવા આવતો.. અને એના આ ઘેઘૂર અવાજે મને કેટલીય વાર મીઠી નિંદરમાંથી ઉઠાડી દીધેલી છે; આજે પહેલી વાર એને નજર સામે જોતાં જ મને એનામાં રસ પડ્યો એ તો હજુ પણ “મી….ઠુ, મી….ઠુ લઈ લ્યો મી…..ઠુ… ” એના લહેકાદાર અવાજમાં બોલ્યે જ જતો હતો..
મેલુ-ઘેલુ ઘસાઈ ગયેલુ ગ્રે કલરનો કલરનુ કૂર્તૂ અને એની નીચે થાગડ-થીગડ વાળુ પેન્ટ પહેરેલા એ વણજારાનો ઘેરો-કાળો વાન એને બાકીના શેહેરીઓથી સાવ અલગ કરી દેતો હતો. એના સમયની થપાટો ખાધેલા; ખરબચડા ચહેરા પર ભ્રમરો પણછની માફક તંગ ગોઠવાયેલી હતી. એક લાંબુ લાલ-વાદળી ઉનનુ દોરડુ એની નાનકડી ઉંટડીના લાંબા ગળામાં નાખેલુ હતુ અને એનો બીજો છેડો એના હાથે વીંટાળેલો હતો. એની ઉંટડી પરાણે વહાલી લાગે એવી હતી. એના વાંકડીયા સોનેરી રુંવા અને નીચલો લાંબો લટકતો હોઠ – જાણે કાયમી સ્માઈલની મુદ્રામાં ના ગોઠવાયેલો હોય!! એની પીઠે બંને બાજુ પર એનો ‘કિંમતી’ સામાન થેલાઓમાં લાદેલો હતો. ચાલી-ચાલીને એ હાંફી ગઈ લાગતી હતી; એના ખુલ્લા રહી ગયેલા મોં પર ફીણનો ગોટો વળેલો હતો અને એનો માલિક જ્યારે એની ખૂંટીયા લાકડી એના પેટમાં અડકાડતો ત્યારે એ ઘરઘરાટી કરીને ફરિયાદ કરતી..
વણજારા એ હોઠે લટકતી સીગારેટનો કશ ભરતા ફરી એકવાર સાદ પાડ્યો — “મી….ઠુ…. મી..ઠુ લઈ લ્યો..” સવારના પહોરમાં શેરીમાં તો બીજુ કોઈ નહોતુ, એટલે એની નજર સીધી મારી પર આવીને અટકી; સીગારેટ હટાવી અને એના બૂઝુર્ગ મોં પર પહોળુ સ્મિત રેલાવીને એની તંગ ભ્રમર નચાવીને નજરોથી જ એણે મને જાણે પૂછી લીધુ કે – મીઠુ લેવાનુ છે?? પણ મારી માની પાસે તો હજુ મીઠાની થેલી અકબંધ પડેલી હતી, એટલે મેં પણ બોલ્યા વગર માત્ર ડોકુ ધુણાવીને ના પાડી દીધી. એ નિરાશ તો થઈ ગયો, પણ સલુકાઈથી ખભા હલાવી નારાજગી વ્યકત કરીને પાછો પોતાને કામે લાગી ગયો — “મી….ઠુ; મી….ઠુ લઈ લ્યો મી….ઠુ…..”
મેં પણ ફરી ટેક્સીની રાહમાં રસ્તે નજર નાખી, ટેક્સીતો ના દેખાઈ પણ મારી નજર દૂર દક્ષિણની લીલીછમ ધરતીએથી આવેલી એ સુંદર સ્ત્રી પર અટકી ગઈ. ઘેરદાર બ્લાઉઝ અને રંગબેરંગી સ્કર્ટમાં સજ્જ આ ગામડીયણે માથે કપડાની ઈંઢોણી પર મોટી તાસક ટેકવી હતી; એમાં માટીની મોટી-મોટી કુલડીઓમાં ભેંસના દૂધની તાજી બનાવેલી ચીઝ લઈને આજે અમારી બાજુ વેચવા નીકળી હતી. એનો પહેરવેશ જ બતાવી આપતો હતો કે એ દક્ષિણ ઈરાકના મેદાની ઈલાકામાંથી અહીં કમાવા માટે આવી હતી.
અમારા જેવા અમીર મહોલ્લામાં તો એને ગ્રાહકો મળવા મુશ્કેલ હતા; એટલે એ બાજુના ગરીબોના મહોલ્લામાં વળી ગઈ. એના પગે બે-ત્રણ બિલાડીઓ પેલી ચીઝની ગંધથી આકર્ષાઈને મ્યાંઉ… મ્યાંઉ કરતી આમથી તેમ ફરતી હતી. સુંદરને ઘાટીલી આ છોકરી જાણે જીંદગીના બોજથી ભરજુવાનીમાં કમરે થી વાંકી વળી ગઈ હતી; એના સુશીલ ચહેરા પરની નિરાશા પણ એની જીંદગીની કઠણાઈઓની ચાડી ખાતી હતી.
મને તો એમ થયુ કે જો મારી પાસે પૈસા હોત ને તો એની બધી ચીઝ મેં જ ખરીદી લીધી હોત. હાશ, એને પેલી ગલીમાં એક ગ્રાહક પણ મળી ગયો. એ માણસ ઈશારાથી કંઈક સમજાવી રહ્યો હતો કે એને કેટલી ચીઝ ખરીદવી છે. પેલી છોકરીએ કમરે ખોસેલો સોયો કાઢ્યો અને પછી હાથ માથા ઉપર લઈ જઈ તાસકમાંથી એક માટીની કુલડી નીચે ઉતારી, બહુ જ સિફતથી એના પરનુ કપડુ હટાવી; સોયા વડે એમાંથી થીજવેલી ચીઝનો એક મોટો ટુકડો કાપી; પડીકુ વાળીને પેલા માણસને પકડાવી દીધુ. આ કામમાં એ એટલી હોંશીયાર હતી કે પગ પાસે ચીઝની કણીઓ પડવાની આશામાં ઉભેલી બિલાડીઓ બિચારી નિરાશ થઈને મ્યાં..ઉ મ્યાં..ઉ કરતી રહી ગઈ; અને પેલા ગ્રાહક પાસેથી થોડા સિક્કા લઈને આ બહેનબા એ ચાલતી પકડી.
જેમ જેમ એ ચાલતી ગઈ એમ એના પગ પાસે બિલાડીઓની સંખ્યા પણ વધતી ગઈ, પણ એ તો એની ધૂનમાં જ હતી. અરે હું ક્યારનીય એને ટીકી-ટીકીને જોઈ રહી હતી તો મારી સામુ જોવાની પણ એને કંઈ પરવા નહોતી. બરાબાર મારા ઘરના દરવાજા સામેથી જ એ આગળના બીજા મહોલ્લામાં જવા પસાર થઈ, આ સમયે જ હું એને વધારે સારી રીતે અને નજીકથી જોઈ શકી.. કેટલો નાજૂકને નમણો ચહેરો. પણ એની જીંદગી ખરેખર વિટંબણાઓથી ભરેલી હોવી જોઈએ, નહીં તો આવી સુંદર સ્ત્રી આટલી ઉદાસ કેવી રીતે હોઈ શકે?? ધીમે-ધીમે એ આગળ જતા મારી નજરોથી ઓઝલ થઈ ગઈ; પણ, મારા મગજમાં એની દુઃખોથી ભરેલી જીંદગીના જ વિચારો ઘુમરાતા રહ્યા. એ સમયે – મારા નાનપણના ઈરાકમાં – પણ ઈરાકી પ્રજા કેટલી વૈવિધ્યપૂર્ણ હતી?? અલગ-અલગ વાન વાળા, અલગ-અલગ પહેરવેશ વાળા અને એકબીજાથી જૂદી જીવનશૈલી અને જૂદી-જૂદી માન્યતાઓ ધરાવતા લોકોનો આ દેશ કેટલો ભવ્ય હતો!!??
ક્રમશ: (પ્રકરણ ૧ નો ભાગ બીજો આવતે શુક્રવારે)
eછાપું