REVIEW: લવ આજ કલ – 2009થી જરા હટકે!

0
359

કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ લવ આજ કલ એ 2009ની ફિલ્મની રીમેક હોવાનું કહેવાય છે પરંતુ આ નવી લવ આજ કલ 2009ની એ ફિલ્મ કરતા જરા હટકે જરૂર છે.

ઈમ્તિયાઝ અલીની ફિલ્મની રાહ અલગ રીતે જોવાતી હોય છે. જો કે ઈમ્તિયાઝ અલી સામે એક ફરિયાદ એવી પણ છે કે તેઓ કાયમ ‘મુસાફરીયુક્ત પ્રેમ કહાની’ લઈને આવે છે જે હવે જરા ઓવરડોઝ ટાઈપ થઇ રહ્યું છે. લવ આજ કલ જે 2009માં બની હતી એમાં પણ ક્યાંક મુસાફરીની આહટ જરૂર હતી પરંતુ તે ઈમ્તિયાઝ અલીની બાકીની ફિલ્મો કરતા જરા અલગ પણ હતી.

લવ આજ કલ

કલાકારો: કાર્તિક આર્યન, સારા અલી ખાન, આરુષી શર્મા અને રણદીપ હુડા

નિર્દેશન: ઈમ્તિયાઝ અલી

રન ટાઈમ: 141 મિનીટ્સ

કથાનક

કથા ઝોઈ ચૌહાનથી (સારા અલી ખાન) શરુ થાય છે જે પોતાની કેરિયર પ્રત્યે અત્યંત સીરીયસ છે અને તે કોઇપણ ભોગે સફળ ઇવેન્ટ મેનેજર બનવા માંગે છે. ઝોઈને એક ક્લબમાં કમ્પ્યુટર ઈન્જીનીયર વીર (કાર્તિક આર્યન) મળે છે જેને ઝોઈ ગમી તો જાય છે પરંતુ તેને ઝોઈ એ રૂપમાં નથી જોઈતી જે રૂપમાં તેને અત્યારે તે મળી છે.

ઝોઈ રઘુના (રણદીપ હુડા) કાફે કમ રેસ્ટોરાં માઝીમાં રેગ્યુલર જતી હોય છે. આ જોઇને વીર પણ ત્યાં આવવા લાગે છે. જમાનાને બરોબર જોઈ ચુકેલા રઘુને આ બંને વચ્ચે ન ઉભી થઇ શકેલી કેમિસ્ટ્રી દેખાઈ જાય છે. અત્યારસુધી વીરના સ્વભાવને કારણે તેને એવોઈડ કરી રહેલી ઝોઈને રઘુ પોતાના પ્રેમની વાત કરવી શરુ કરે છે.

આ રઘુ જ્યારે કિશોરાવસ્થામાં (કાર્તિક આર્યન) હતો ત્યારે લીનાને (આરુષી શર્મા) ખૂબ પ્રેમ કરતો હતો. જેમ મોટાભાગની લવસ્ટોરીમાં બનતું હોય છે તેમ રઘુની લવસ્ટોરી પણ ખૂબ તકલીફોમાંથી પસાર થાય છે, તેમ છતાં રઘુ લીનાને પામવામાં મોટેભાગે સફળ થાય છે, પરંતુ ત્યાંજ રઘુને પોતાની ઉંમર નડી જાય છે અને… રઘુ આ જ વસ્તુ ઝોઈને સમજાવવાની કોશિશ કરે છે કે તે પોતાની જિંદગી ન જીવે અને વીરના પ્રેમને ઓળખે, સમજે.

રિવ્યુ

સૈફ અલી ખાન અને દીપિકા પદુકોણની લવ આજ કલ જે 2009માં આવી હતી એમાં પણ સૈફ અલી ખાનના ડબલ રોલ્સ હતા જેમાંથી એક રોલ તેણે યુવાન રિષી કપૂરનો કર્યો હતો. અહીં કાર્તિક આર્યન રણદીપ હુડા જે પોતે એટલો ઉંમરવાન નથી એટલે તેની કિશોરાવસ્થાની ભૂમિકા ભજવે છે. 2009 અને આજની લવ આજ કલમાં તાત્વિક ફરક એ છે કે એ ફિલ્મમાં રિષી કપૂર સૈફ અલી ખાનને પોતાની લવસ્ટોરી સંભળાવે છે જ્યારે અહીં રણદીપ  હુડા સારા અલી ખાનને એની લીના વિષે કહે છે.

આ મૂળ ફેરફાર ઉપરાંત આજની લવ આજ કલમાં એવા ઘણા બદલાવ છે જે તેને 2009ની લવ આજ કલની સંપૂર્ણ રીમેક તરીકે લેબલ ન કરી શકે. આ ફેરફાર કેવા છે એ સ્પોઈલર હોવાથી અહીં કહી શકાય તેમ નથી, પરંતુ એટલું જરૂર છે કે આ ફેરફાર એમના સ્થાને યોગ્ય જ છે. બીજો એક ફરક ઉડીને આંખે દેખાયો એ એવો છે કે જૂની ફિલ્મ મોટેભાગે સરળ હતી જ્યારે આ ફિલ્મમાં જેમ છેલ્લા ઘણા વર્ષોથી એમ કહોને કે રોકસ્ટારથી ઈમ્તિયાઝ અલી પ્રેમની ફિલોસોફી પર વળ્યા છે એની છાંટ અહીં વધુ દેખાય છે.

ફિલ્મ બેશક ગમે તેવી છે, પરંતુ જો તમે એક પ્લેઈન લવસ્ટોરી જોવાની આશા રાખીને ગયા હશો અથવાતો તમને પ્લેઈન લવસ્ટોરી જ ગમતી હોય તો તમને આ લવ આજ કલ અમુક જગ્યાએ તેના અદભુત સંવાદોને કારણે વધુ પડતી ઉપદેશ આપતી લાગી શકે છે. આ ફિલ્મ વિષે કોઈ ભયસ્થાન કે નકારાત્મક વાત નથી પરંતુ તમે જ્યારે પણ આ ફિલ્મ જોવા જાવ ત્યારે જરા માનસિક રીતે તૈયાર થઇને જાવ એટલુંજ.

આ ફિલ્મમાં ગણીને ચાર મુખ્ય કલાકારો છે અને ચારમાંથી ત્રણને આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ. લીના બનતી આરુષી શર્માની આ પહેલી ફિલ્મ છે અને પહેલી ફિલ્મ તરીકે તે ઠીકઠાક કામ કરે છે. તો રણવીર હુડા જે એક રીતે લવગુરુ પ્રકારનો રોલ કરે છે તે ગમે એવો છે. પોતે મોટી ઉંમરનો હોવા છતાં સારા અને કાર્તિક સાથે ચર્ચા કરતી વખતે એમની જેવો થઈને એમને સમજાવવાનો પ્રયાસ જે રીતે કરે છે તેમાં તે પોતાની જાતને પરાણે ગમાડી જાય છે.

સારા અલી ખાન લંબી રેસ કા ઘોડા (કે ઘોડી?) કેમ છે એ લવ આજ કલ જોઇને ફરીથી સમજાઈ જાય છે. આ લખનારને કાયમ એવું લાગે છે કે જે અદાકાર કે અદાકારા આંખોથી કે પછી ચહેરાના હાવભાવથી અદાકારી કરી જાણે તે ખાસ જરૂર હોય છે અથવાતો બને છે. સારા અલી ખાનનો ચહેરો અને આંખો બંને ભાવવાહી છે. ખાસકરીને ઈમોશનલ દ્રશ્યોમાં સારા ‘સારી’ છાપ છોડી જાય છે.

કાર્તિક આર્યન આજની અને આવનારી પેઢીનો શ્રેષ્ઠ ટેલેન્ટ ધરાવતો કલાકાર છે. કાર્તિક આર્યનને કોમેડી ફિલ્મોમાં તો આપણે ઘણીવાર જોયો છે પરંતુ અહીં આપણે તેને રઘુ અને થોડો મુંઝાયેલો, થોડો પાગલ, થોડો ધૂની પરંતુ તેમ છતાં પ્રેમિકા વિષે કે પછી જીવનસાથી વિષે એકદમ ક્લીયર એવા ઈમોશનલ કાર્તિક તરીકે જ્યારે જોઈએ છીએ ત્યારે તેની ટેલેન્ટની ઊંચાઈની ખબર પડે છે.

લવ આજ કલ એ અગિયાર વર્ષ અગાઉ રિલીઝ થયેલી આ જ નામની ફિલ્મની રીમેક જરૂર છે પરંતુ તેમ છતાં તેનાથી ઘણી અલગ છે. જો તમને પણ પ્રેમ કરવો ગમતો હોય અને તે પણ સંપૂર્ણ પ્રેમ, કોઇપણ શરત વગરનો પ્રેમ, બિલકુલ અધુરપ ન હોય તેવો પ્રેમ, તો લવ આજ કલ એ તમારા માટેજ બનેલી ફિલ્મ છે.

૧૪.૦૨.૨૦૧૯, શુક્રવાર (વેલેન્ટાઈન્સ ડે)

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here