Home ભારત ગંગુબાઈ કાઠિયાવાડીએ જ્યારે ગેંગસ્ટર કરીમ લાલાને રાખડી બાંધી…

ગંગુબાઈ કાઠિયાવાડીએ જ્યારે ગેંગસ્ટર કરીમ લાલાને રાખડી બાંધી…

0
150
Photo Courtesy: indiatvnews.com

નસીબ સાથે સમાધાન કરીને વેશ્યાવૃત્તિને સ્વીકાર્યા પછી પણ ગંગુબાઈ કાઠીયાવાડીની સમસ્યા દૂર થતી જ ન હતી. આવી જ એક સમસ્યા સાથે કામ પાર પાડવા માટે તેણે એ સમયના અન્ડરવર્લ્ડ ડોન કરીમ લાલાની મદદ લીધી હતી અને તેને પોતાનો ભાઈ બનાવ્યો હતો.

Photo Courtesy: indiatvnews.com

ગંગુના ગ્રાહકોને અપાતા ‘સહકાર’ને કારણે ખૂબ જ ઓછા સમયમાં કમાઠીપુરાની એક અતિપ્રિય અને સારા ‘ભાવ’વાળી ગણિકા બની ગઈ. રમણીકને, કાઠિયાવાડને અને ભૂતકાળના દરેક સંબંધોને ગંગુએ ભૂલાવી દીધા. હૈદ્રાબાદ, કલકત્તા અને દિલ્હીના મોટા શેઠો જ્યારે પણ બોમ્બેમાં હોય ત્યારે ગંગુની માંગણી કરતા. શીલાને આ વાતની કોઈ નવાઈ નહોતી કારણ કે ગંગુ પાસે ભલે રૂપ નહોતું પણ પુરુષો તેની પથારીની ‘રમત’ અને પ્રાવીણ્યના દિવાના હતા.

ગંગુ પાસે હજુ એક કુશળતા હતી – આવનારા પુરુષના પર્સ ખાલી કરાવવાની! ગંગુને ચિક્કાર રુપિયા મળતા જેનાથી પોતાના માટે સોનાના ઘરેણા બનાવડાવતી. બે ચીજ ગંગુને અતિ પ્રિય હતીઃ સોનું અને નજીકના થિયેટરમાં ફિલ્મો જોવા જવું. ફિલ્મોમાં કારકીર્દી બનાવવી હવે તેની માટે લગભગ અશક્ય હતું પણ ફિલ્મો પ્રત્યેનું આકર્ષણ એવું ને એવું જ હતું. શીલાને ગંગુ ફિલ્મો જોવા જતી એ ઓછું ગમતું છતાં સોનાની મરઘીને એ સારી રીતે સાચવતી.

ગંગુ અઠ્યાવીસ વર્ષની હતી ત્યારે એક દિવસ અચાનક એક પઠાણ શીલાના વેશ્યાગૃહમાં આવ્યો અને ગંગુ વિશે પૂછપરછ કરવા લાગ્યો. પઠાણ છ ફૂટ ઊંચો અને આજાનબાહુ હતો. તેને જોઈ શીલાના મોતિયા મરી ગયા. પઠાણને ગંગુ પાસે જવા દેવાની શીલાની કોઈ ઈચ્છા નહોતી છતાંય પઠાણ સામે તે કંઈ બોલી શકી નહીં. શીલાને એમ કે ગંગુ આવા ગ્રાહકને સારી રીતે હેન્ડલ કરી લેશે પણ પરિણામ કંઈક જૂદું જ આવ્યું. પઠાણ ખૂબ જ ક્રૂર હતો. ગંગુ સાથે પથારીમાં તેણે કરેલું વર્તન ગંગુને પણ ખટક્યું અને બહાર આવીને પૂરતાં રૂપિયા ચૂકવ્યાં વગર ત્યાંથી ચાલ્યો ગયો.

વેશ્યાગૃહમાં શીલાસહિત દરેકને આ વાત ન ગમી પણ તે પઠાણ કોઈ અન્ડરવર્લ્ડ ડૉનની ટોળકીનો હોવાથી કોઈએ મગનું નામ મરી ન પાડ્યું. ન કોઈએ આ વાતની ફરિયાદ કરી. લગભગ ચાર દિવસ સુધી ગંગુ પણ આ આઘાતમાંથી બહાર ન આવી શકી. તેણીએ આ ચાર દિવસોમાં કોઈ ગ્રાહકને પણ ન સંતોષ્યા. શીલાએ ગંગુની માફી માગી અને કહ્યું કે આજ પછી આવું ક્યારેય નહીં થાય.

એક મહિના પછી, પઠાણ પાછો આવ્યો અને આ વખતે તે ઘણો બધો દારૂ પીને આવેલો. શીલાએ તેને રોકવા માટે તરત જ બે પુરુષોને બોલાવ્યા, પણ પઠાણ બંનેને ધક્કો મારીને ગંગુની ઓરડીમાં ધસી આવ્યો. તે વખતે ગંગુ કોઈ બીજા ગ્રાહક સાથે હતી. પઠાણે તે ગ્રાહકને નગ્ન અવસ્થામાં બહાર ધકેલ્યો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. શીલા ઉન્મત્ત બની ગઈ અને બહારથી દરવાજો જોરજોરથી ખખડાવા લાગી. પોલિસને તો આ બાબતમાં સામેલ કરાય એમ નહોતું. પઠાણે શીલાની એક ન સાંભળી અને ગંગુના ચીંથરે ચીંથરા કરી નાખ્યા. ગંગુ સાવ કરમાઈ ગઈ.

આ બનાવ પછી ગંગુને હોસ્પિટલમાં દાખલ કરાઈ અને ત્રણેક અઠવાડિયા સુધી કોઈ ગ્રાહક માટે તેને બળજબરી કરાઈ નહીં. ગંગુને પોતાની લાચારી પર ગુસ્સો તો હતો જ પણ શીલા પર વધુ ચીડ હતી. શીલાએ ગંગુની આ મુસીબતનો કોઈ નિવેડો લાવ્યો નહોતો. શીલા સાથે બોલાચાલી થયા પછી ગંગુએ નક્કી કર્યું કે શીલાથી કંઈ નહીં થાય. આ પઠાણને જો હું સીધો નહીં કરું તો ભવિષ્યમાં વધુ તકલીફ આપશે.

ગંગુએ પઠાણની પૂછપરછ કરવાનું શરૂ કર્યુ અને એક દિવસ બીજા એક ગ્રાહક પાસેથી માહિતી મળી કે તે પઠાણનું નામ શૌકત ખાન છે અને તે બોમ્બેના કુખ્યાત કરીમ લાલા ગેંગનો માણસ છે.

અબ્દુલ કરીમ ખાન (કરીમ લાલા) તે સમયે એક નાનો ગેંગસ્ટર હતો. સ્ત્રીઓનું તે ખૂબ સન્માન કરતો. તે સમયે કરીમ લાલા એક ‘પખ્તૂન જીરગાઈ હિંદ’ નામની એક પઠાણ સંસ્થાનો મોભી હતો. ગંગુને લાગ્યું કે શૌકત ખાન સાથે લડવું હોય તો કરીમ લાલાને મળવું જરૂરી છે. શીલા અને બીજી ગણિકાઓએ ગંગુને ના પાડી કે કરીમ લાલા દક્ષિણ બોમ્બેનો એક ગેંગસ્ટર છે – તેની પાસે ન જતી, છતાં ગંગુ ટસથી મસ ન થઈ.

એક શુક્રવારે કરીમ લાલાના ઘર તરફ જતી બૈદાગલીમાં ગંગુ ઊભી રહી. લેમિંગ્ટન રોડની તાહિર મંઝીલમાંથી જુમ્મા નમાઝ પતાવીને કરીમ પોતાના ઘરે જતો હતો ત્યારે ગંગુએ તેને રોક્યો. ‘કરીમભાઈ, સલામ! મને તમારી એક મદદ જોઈએ છે,’ ગંગુ બોલી.

ગંગુના કપડાં જોઈને કરીમને સમજાઈ ગયું કે આ કોઈ ગણિકા છે. આ રીતે રસ્તા વચ્ચે ગણિકા સાથે વાત કરતા તે ગભરાયો અને બોલ્યો, ‘કેવી મદદ?’

‘તમારા એક માણસની વાત છે.’

આશ્ચર્યચકિત કરીમ લાલા બોલ્યો, ‘ઘરે આવ, આપણે ત્યાં વાત કરીશું, અહીં વાત કરવી સારી નથી.’

તરત જ કરીમ ત્યાંથી નીકળી ગયો અને ગંગુ તેની પાછળ પાછળ ગઈ. અત્યાર સુધી કરીમ લાલ કોઈ દિવસ ગણિકાને ઘરે આવ્યો નહોતો એટલે તેણે કહ્યું કે બિલ્ડીંગના ટેરેસ પર જવા કહ્યું અને પછી ગંગુ માટે ચા-નાસ્તો મોકલ્યો.

દસ મિનિટ પછી કરીમ લાલા ટેરેસ પર ગંગુને મળવા આવ્યો ત્યારે ગંગુ એક ખૂણામાં ઊભી હતી અને ચા-નાસ્તાને અડકી પણ નહોતી.

‘કેમ તે કંઈ ખાધું નથી?’

‘મારા જેવી સ્ત્રીને જો તમને ઘરે લઈ જતાં શરમ આવતી હોય તો તમારા રસોડામાંથી આવેલા આ વાસણોને અડીને હું અભડાવવા માંગતી નથી.’

કરીમ લાલા પાસે કોઈ શબ્દો નહોતા, છતાં તે બોલ્યોઃ ‘શું નામ છે તારું?’

‘ગંગુ…હું કમાઠીપુરામાં કામ કરું છું.’

‘તને મારી પાસેથી શું જોઈએ છે?’

‘ભાઈ, મને ખબર નથી કે આજ સુધી તમારી ગેંગના કોઈ માણસને ખોટું કરવા બદ્દલ તમે સજા કરી છે કે નહીં. અને તમને તમારા માણસોની ભૂલ દેખાય છે કે નહીં. જો સજા કરતાં હોય તો જીવનભર હું તમારી રખાત બનવા તૈયાર છું.’

કરીમ લાલા ગુસ્સેથી લાલ થઈ ગયો. આજ સુધી કોઈએ તેની સાથે આવી રીતે વાત કરી નહોતી. છતાં શાંતિથી તે બોલ્યો, ‘હું એક પારિવારીક માણસ છું, એટલે આવી કોઈ વાત મારી સાથે નહીં કર. જો મારા કોઈ માણસથી કોઈ ભૂલ થઈ છે તો તેને સજા મળશે. કોણ છે તે?’

‘શૌકત ખાન. મેં સાંભળ્યું છે કે એ તમારી ગેંગમાં છે.’

‘મારી ગેંગ? હું કોઈ શૌકત ખાનને જાણતો નથી.’

‘મેં પૂછપરછ કરી છે.’

‘હમ્મ્મ…શું કર્યું છે તેણે?’

‘તેણે મારો બે વાર બળાત્કાર કર્યો અને મારી ‘સર્વિસ’ માટેના રૂપિયા નથી દીધાં. હું ભલે એક ગણિકા હોઉં પણ હું કોઈ ચીજ-વસ્તુ નથી જેને લોકો મન ફાવે ત્યારે વાપરી શકે. શૌકતને કારણે મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તે બહુ જ ક્રૂર હતો.’ આટલું કહીને ગંગુએ પોતાના શરીર પરના ઘા કરીમ લાલાને બતાવ્યા.

જખ્મો જોઈને કરીમ લાલો હેબતાઈ ગયો. પોતાની ગેંગના એક પઠાણે ગંગુને આ હદે હેરાન કરી એ જોઈને કરીમ બોલ્યો – ગંગુ, ફરી પાછો શૌકત તારી પાસે આવે, તો મને એક સંદેશ મોકલજે. હું આવું ત્યાં સુધી તેને વ્યસ્ત રાખજે. હું પોતે તેની સાથે ‘ડીલ’ કરીશ. હવે તું જઈ શકે છે.’

ગંગુ ખુશ થઈ અને પોતાના પર્સમાંથી એક ધાગો કાઢીને બોલે, ‘કરીમભાઈ, મેં વર્ષોથી કોઈને રાખડી બાંધી નથી કારણ કે જ્યારથી મને અહીં બોમ્બેમાં લાવવામાં આવી ત્યારથી કોઈ પુરુષ સાથે મને સલામતી લાગી જ નથી. આજે તમે મારી રક્ષા કરવાની ખાત્રી આપી છે તો ‘ભાઈ’ શબ્દમાં મારો વિશ્વાસ પુનર્જીવીત થતો છે. હું તમને રાખડી બાંધીને મારો ભાઈ બનાવવા માંગું છું’

કરીમ લાલાને અચરજ થઈ પણ ખુશીથી પોતાનો હાથ ગંગુ સામે ધરી દીધો, ‘મારો વાયદો છે, આજથી તું મારી બહેન છે.’

નાસ્તાની થાળીમાંથી એક મિઠાઈ લઈને કરીમ લાલાએ ગંગુને ખવડાવી અને ગંગુ આનંદિત થઈ ગઈ.

બીજા જ દિવસે કરીમ લાલાએ પોતાનો એક જાસૂસ કમાઠીપુરામાં શીલાના વેશ્યાગૃહની બહાર બેસાડ્યો. તે માણસ ગંગુ પાસે આવતાં દરેક પુરુષ પર નજર રાખતો. ઘણાં દિવસો સુધી શૌકત ખાનની કોઈ ખબર નહોતી. ગંગુ પણ નારાજ થઈ ગઈ કે શૌકત કેમ આવતો નહોતો.

ત્રણ અઠવાડિયા પછી શૌકત આવ્યો. તરત જ બીજી ગણિકાને કહીને પેલા જાસૂસ સુધી ગંગુએ સંદેશ પહોંચાડ્યો. જાસૂસ પોતાની સાઈકલ પર કરીમ લાલાને ઘરે જઈને તેને બોલાવી લાવ્યો. શૌકત આ વખતે પણ એટલો જ આક્રમક અને દુષ્ટ હતો, પણ ગંગુએ પૂરો સહકાર આપવાનું ચાલુ રાખ્યું. દસ જ મિનિટમાં કરીમ લાલો ત્યાં પહોંચ્યોં. ગંગુ હતી તે ઓરડીના દરવાજે જોરથી ઠોકીને બોલ્યો, ‘દરવાજો ખોલ!’

શૌકતે પહેલાં તો ધ્યાન ન આપ્યું પણ પછી ગંગુને એક લાફો મારીને ઊભો થયો. ગંગુએ તરત જ પોતાની સાડી ઓઢી લીધી. શૌકતે જેવો દરવાજો ખોલ્યો તો તેના મોતિયા મરી ગયા. દરવાજા પર કરીમ લાલા અને બીજા બે પઠાણો હાથમાં હૉકી સ્ટીક લઈને ઊભા હતા. શૌકત તરત જ પોતાની પેન્ટ પહેરીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ કરીમ લાલાએ તેને ઘસડીને વેશ્યાગૃહમાંથી બહાર કાઢ્યો. હૉકી સ્ટીકથી તેને ખૂબ માર્યો.

શૌકત કરીમ લાલાને કહેવા લાગ્યો કે એક વેશ્યા માટે તમે પઠાણને મારો છો. તેના જવાબમાં કરીમ બોલ્યો – ખબરદાર, જો પોતાને એક પઠાણ કહ્યો છે તો!

અને તેને વધુ ઢોરમાર માર્યો. છેવટે શૌકતના હાડકાઓ તોડ્યા પછી કરીમ લાલો કમાઠીપુરાના ચોકમાં આવીને જોરથી બોલ્યો, ‘ગંગુ મારી બહેન છે. બીજી વાર તેણીની સાથે કોઈ અવ્યવ્હાર થયો, તો તે માણસ કે બાઈને હું મારી નાખીશ.’

ગંગુ માટે આ દિવસથી બધું જ બદલાઈ ગયું. કમાઠીપુરાના દરેક લોકો ગંગુને અલગ માનથી જોતા થઈ ગયા. ગંગુના સાઉથ બોમ્બેના ગેંગસ્ટર સાથે બહેન-ભાઈના સંબંધ છે – એ વાત જ અચરજ પમાડે તેવી હતી. હવે કોઈ ગંગુનો વાળ પણ વાંકો કરી શકે તેમ નહોતું. શીલા પણ સમજી-વિચારીને ગંગુ સાથે વ્યવહાર કરતી. આ દરમિયાન ગંગુના અંડરવર્લ્ડ અને નાગપાડા પોલિસ સ્ટેશન સાથે વધુ સંબંધો પાંગર્યા.

કમાઠીપુરામાં જે વેશ્યાગૃહની સાચવણી કરે તે સ્ત્રીને ‘ઘરવાલી’ નામથી ઓળખવામાં આવતી. આ ‘ઘરવાલી’ને દરેક ગણિકા પોતાના મત આપીને ચૂંટે અને ‘ઘરવાલી’ની જવાબદારી એ કે તે વેશ્યાગૃહની સારસંભાળ લે. થોડા દિવસો પછી શીલાનું મૃત્યુ થયું અને લોકોએ ‘ઘરવાલી’ની ચૂંટણીમાં ગંગુને ઊભા રહેવા ભલામણ કરી. ગંગુ તૈયાર થઈ ગઈ અને ચૂટણીમાં જંગી મતથી જીતી. સાવ નાની ઉંમરમાં ‘ઘરવાલી’ બનનાર ગંગુ પહેલી જ ગણિકા હતી.

હવે ગંગુને બધાં ‘ગંગુબાઈ કાઠેવાલી’ કહેતા થઈ ગયા. ‘કોઠેવાલી’ શબ્દનો અપભ્રંશ ‘કાઠેવાલી’ એ ગંગુના ‘કાઠિયાવાડી’ ભૂતકાળને પણ વળગી રહ્યો….(ક્રમશઃ)

સંદર્ભઃ હુસૈન ઝૈદીનું પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’

ગંગુબાઈ કાઠીયાવાડી સિરીઝ: ભાગ 1 | ભાગ 2

 

eછાપું 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!