“ચુંબન દિવસ Kiss Day” નિમિત્તે – ચાલો…મૂળ તરફ પાછા વળીએ

0
863
Photo Courtesy: Google

વેલેન્ટાઇન્સ વિકના આજના Kiss Day એટલેકે ચુંબન દિવસે યુવાનોને હિંદુ સંસ્કૃતિને સાચા અર્થમાં સમજવા આહવાન જે કદાચ વેલેન્ટાઇન્સના માર્કેટિંગ ફંડામાં ક્યાંક ખોવાઈ ગઈ છે.

Photo Courtesy: Google

આજે સમગ્ર વિશ્વમાં “ચુંબન દિવસ Kiss Day” ઉજવાઈ રહ્યો છે ત્યારે ચુંબનની સૌથી પહેલી વાત અને વિસ્તૃત સમજ આજથી 2,500 વર્ષ પહેલાં સેક્સ અને કામ ઉપરના વિશ્વના સૌથી પ્રથમ અને પ્રાચીન ગ્રંથ “કામસૂત્ર”માં કરવામાં આવી હતી. વાત્સાયન ઋષિ દ્વારા આ ગ્રંથની રચના સંસ્કૃતમાં કરવામાં આવી હતી. કામસૂત્ર ગ્રંથમાં જેવી રીતે “આલિંગન (Hug)” ઉપર એક પ્રકરણ છે, તેવી જ રીતે “ચુંબન (Kiss)” ઉપર એક આખું પ્રકરણ છે તે અંગે આજના યુવાનોને ખબર જ નહીં હોય.

કારણ કે કામસૂત્રનું નામ આવે એટલે સૌથી પહેલા મનમાં સેક્સ શબ્દ જ આવે તે સ્વાભાવિક છે. પરંતુ કામસૂત્રને માત્ર સેક્સના સંદર્ભ લેવું જરૂરી નથી. તે સ્વસ્થ જીવન અને સાચી રીતે જીવન જીવવાની પદ્ધતિ પણ શીખવે છે. કામસૂત્ર ગ્રંથ માનવીય લૈંગિક અભિગમ પર સંસ્કૃત સાહિત્યમાં લખવામાં આવેલ હિંદુ સંસ્કૃતિનું પ્રાચીન પુસ્તક છે જેને સેક્સ અને કામ ઉપરનું દુનિયાનું સૌથી પ્રાચીન અને સૌથી પ્રથમ અને આજની તારીખે પણ સૌથી ઉત્તમ પુસ્તક માનવામાં આવે છે.

કામશાસ્ત્રમાં ચુંબન ઉપરના પ્રકરણમાં (1) ચુંબન શું છે અને શા માટે એ કરવામાં આવે છે (2) ચુંબન અને ચામડીનું અજબ આકર્ષણ (3) ચુંબન ક્યારે કરવાં (4) ચુંબન કરવાના સ્થાન (5) ચુંબનના પ્રકાર (6) ચુંબનમાં હાર-જીતની શરત અને (7) ચુંબનમાં પ્રણયકલહ જેવા વિભાગો છે.

બોલો…..આજના યુવાનોએ પશ્ચિમની સંસ્કૃતિ તરફ નજર દોડાવવાની જરૂર છે ખરી? આપણા પ્રાચીન ગ્રંથો અને આપણી મૂળ સંસ્કૃતિમાં એ બધું જ સમાયેલું છે જેની તીવ્ર ઈચ્છા આજનો યુવા વર્ગ રાખે છે. આજના યુવાનોને મારું એક સૂચન છે કે તમામ ધર્મો અને સંપ્રદાયોના પ્રાચીન ગ્રંથોનું એટલીસ્ટ પ્રાથમિક જ્ઞાન તો આજના યુવાનને હોવું જોઈએ કે જેથી “ગીધ” જેવા રાજકારણીઓ તથા ધર્મગ્રંથો અને પ્રાચીન ગ્રંથોને સાચી રીતે ન સમજાવતા ધર્મગુરુઓ જયારે જયારે ધર્મ-ધર્મ, સંપ્રદાય-સંપ્રદાય તથા જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે ઝેર ફેલાવે ત્યારે ત્યારે તેઓની સામે ધર્મગ્રંથો અને પ્રાચીન ગ્રંથોના સાચા જ્ઞાનથી આજનો યુવાન તેઓને પડકારીને ટક્કર લઇ શકે.

મારું એવું સ્પષ્ટ રીતે માનવું છે કે આજે આપણે સૌ જેવી રીતે “મોબાઈલની બેટરી” રોજ બે કલાક માટે “ચાર્જ” કરીએ છીએ તેવી જ રીતે જયારે જયારે આપણે આપણા “મોબાઈલની બેટરી” “ચાર્જ” કરવા મૂકીએ ત્યારે ત્યારે પ્રાચીન ગ્રંથો અને ધર્મગ્રંથોના વાંચનથી “મગજની બેટરી” પણ “ચાર્જ” કરવાનું રાખીશું તો આજના યુવાનને કોઈ જ ગેરમાર્ગે દોરી શકશે નહીં.

હું જો શિક્ષણ મંત્રી હોઉં તો ધોરણ આઠથી સ્નાતક કક્ષા સુધી ઉંમર અને વિભાગ અનુસાર “કામસૂત્ર”ને અભ્યાસક્રમમાં જ સામેલ કરું. આનાથી ઉત્તમ “સેક્સ એજ્યુકેશન” હોઈ જ ન શકે.

હું તો સરકારને પણ ભલામણ કરું છું કે જે યુગલે લગ્ન કર્યા પછીના ત્રણ મહિનાની અંદર “કામસૂત્ર” ઉપર પાંચ દિવસની શિબિર કરી હોય અને તેનું સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હોય તેને જ “મેરેજ સર્ટિફિકેટ” આપવામાં આવે.

ખેર….ચાલો આજે ચુંબનની વાત કરવાની છે. હવે ચુંબનની વાત તરફ વળીએ.

કામશાસ્ત્ર કહે છે કે “પુરુષ અને સ્ત્રી કોઈ અદ્રશ્ય બળના પ્રેર્યા સામસામી આકર્ષાય છે – એક ચુંબન આપવાને અને બીજો ચુંબન લેવાને અને જયારે એ બંનેનું મિલન થાય છે અને મુખેમુખ સ્પર્શે છે – આ સ્પર્શ તે જ ચુંબન”. “જયારે મુખેમુખ ચુમાય છે ત્યારે શરીરની સઘળી શક્તિઓ બંનેના મુખ ઉપર આવી જાય છે અને બંને જણ ભાન ભૂલીને લગભગ અંધ જેવા બનીને તેની જાદુઈ શક્તિને આધીન બને છે. આ સમયે હૃદયની ગતિનો વેગ બમણો વધી જાય છે.”

ચુંબન ક્યારે કરવા તે અંગે ઋષિ વાત્સાયન કહે છે કે ચુંબન માટે કોઈ નિયમ નક્કી કરવામાં આવ્યો નથી કારણ કે “કામ” નિયમોના બંધનથી પર છે. પ્રચંડ વેગ કામીઓને અનુરાગવૃદ્ધિ માટેની ઈચ્છા કરતો નથી. મંદ અને મધ્યમ વેગવાળાને જ ચુંબન આદિની આવશ્યકતા રહે છે. સ્ત્રીઓમાં કામેચ્છા ઘણા જ મંદ વેગથી વધતી હોવાથી ચુંબન આદિનું હોવું ખુબ જ આવશ્યક છે. આલિંગન, ચુંબન, નખક્ષત અને દંતદશન – આ બધાં મૈથુન પૂર્વે અને મૈથુન દરમિયાન કામસૂત્રમાં આવશ્યક મનાયા છે.

ચુંબનના સ્થાનો પણ કામસૂત્ર ગ્રંથમાં દર્શાવવામાં આવ્યા છે. કામેચ્છા વધુ-ઓછી હોવા અનુસાર તથા દેશ અને અન્ય ભેદને લઈને ચુંબનના સ્થાનોમાં પણ ભેદ ઉત્પન્ન થાય છે એમ ઋષિ વાત્સાયન દર્શાવે છે. ઋષિ વાત્સાયન સ્પષ્ટતા કરે છે કે કામસૂત્રમાં ચુંબન પ્રકરણમાં દર્શાવેલ ચુંબનના સ્થાનોમાં સર્વોપયોગી ચુંબનના સ્થાનોની જ ગણના કરવામાં આવેલી છે.

ચુંબનના પ્રકારો ખુબ જ વિગતે કામસૂત્રમાં દર્શાવ્યા છે. નવોઢાથી શરુ કરીને પ્રૌઢાવસ્થા સુધીના લોકોમાં કેવા પ્રકારના ચુંબન હોય છે તે અંગે વિસ્તારપૂર્વક દર્શાવેલ છે.

ચુંબનના મૂળ ત્રણ પ્રકારો છે: (1) નિમિત્તક ચુંબન (2) સ્ફુરિત્તક ચુંબન અને (3) ઘટ્ટીત્તક ચુંબન.

(1) પ્રથમવાર થતા ચુંબનને કારણે સ્ત્રી પુરુષના કપાળ અથવા હોઠો ઉપર પોતાનું મુખ રાખી દે છે પરંતુ હોઠો હલાવતી નથી તે “નિમિત્તક ચુંબન”.

(2) એક બે મુલાકાત પછી પુરુષ જયારે પોતાના હોઠને સ્ત્રીના મુખમાં રાખે છે ત્યારે સ્ત્રી લજ્જાળુ બનીને પુરુષના હોઠને પોતાના હોઠથી પકડવા ઈચ્છે છે અને તે પોતાના હોઠને હલાવે છે પરંતુ લજ્જાને લઈને એ ઉપરના હોઠોને હલાવી શકતી નથી તે “સ્ફુરિત્તક ચુંબન”.

(3) ખુબ અનુભવ મેળવ્યા પછી સ્ત્રી પોતાના મુખમાં રાખેલા પતિના હોઠોને પકડી લજ્જાથી પોતાની આંખોને બંધ કરે અને પછી પોતાના હાથથી પુરુષની આંખો પણ બંધ કરી પોતાની જીભની અણી દ્વારા પતિના હોઠોને ચાટે છે અને રગડોળે છે તે “ઘટ્ટીત્તક ચુંબન”.

અન્ય પ્રકારો છે (4) સમ ચુંબન (5) તિર્યંક ચુંબન (6) ઉદભ્રાંત ચુંબન (7) અવપીડીતક ચુંબન. બધા પ્રકારના ચુંબનમાં નીચેનો હોઠ ચૂમવામાં આવે છે પરંતુ અવપીડીતક ચુંબનમાં બંને હોઠોને પકડીને સારી રીતે દબાવવામાં આવે છે અને આ ચુંબનમાં દાંતનો સ્પર્શ કરવામાં આવતો નથી. દાંતનો સ્પર્શ કરવામાં આવે તો તે ચુંબનનો અન્ય પ્રકાર બની જાય છે. ચુંબનમાં પ્રણયકલહ થાય તો આનંદ બેવડાઈ જાય છે એવું ઋષિ વાત્સાયન કહે છે.

પુરુષની આંખમાં ઊંઘ ભરાઈ હોય અને તેનું ચિત્ત સુવામાં હોય ત્યારે પોતાના પર પ્રેમ કરવા માટે પુરુષને આકર્ષિત કરવા માટે સ્ત્રી જે ચુંબન કરે તેને “ચલિતક ચુંબન” કહે છે. પુરુષ ઘરે આવે ત્યારે જો સ્ત્રી સુઈ ગઈ હોય તો તેને પુરુષ ચુંબન કરે તો તે ચુંબનને “પ્રતિબોધક ચુંબન” કહે છે.

ચુંબનના અન્ય પ્રકારોમાં (1) અંતર્મુખ ચુંબન (2) દશન ચુંબન (3) જીવ્હા ચુંબન અને (4) તાલુ ચુંબન પણ દર્શાવવામાં આવેલ છે. હોઠ સિવાયના ચુંબનમાં (1) સહ ચુંબન (જાંઘ, છાતી,ખભા જેવા ઉત્તેજક ભાગોમાં) (2) પીડિત ચુંબન (અધિક માંસલ ભાગમાં એટલે કે સ્તન, નાભિ, ગુહ્યેન્દ્રીયનો ઉપરનો ભાગ) (3) અંચિત ચુંબન (સ્તનની નીચેના ભાગ જેવા મૃદુ ભાગમાં કરવામાં આવે તે અને (4) મૃદુ ચુંબન (આંખ, કપાળ, ગાલ જેવા ભાગોમાં).

મારા વ્હાલા યુવાનો…!!!! હવે મને જવાબ આપો કે તમે ક્યારેય આટલા બધા પ્રકારના ચુંબનો વિષે સાંભળ્યું કે વાંચ્યું હતું? આટલું વૈવિધ્ય હિન્દૂ સંસ્કૃતિ પાસે જ છે. આજે વેલેન્ટાઈનના નામે યુવાનોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે ત્યારે…….

મારા વ્હાલા યુવાનો…..આલિંગન હોય, ચુંબન હોય, પ્રણય કળા હોય કે સંભોગ હોય – એ તમામમાં હિંદુ સંસ્કૃતિ પાસે એટલું ઉત્કૃષ્ટ જ્ઞાન છે કે તમારે અન્ય તરફ નજર પણ નહીં દોડાવવી પડે. ચાલો…..આજે ચુંબન દિવસે કામસૂત્રને સાચા અર્થમાં સમજવાની કોશિશ કરીએ અને તેને સાચા અર્થમાં જીવનમાં ઉતારીને પ્રેમસભર જિંદગી જીવીએ. કારણ કે ચુંબનના આટલા પ્રકાર કોઈપણ સંસ્કૃતિએ બતાવ્યા નથી. હિંદુ સંસ્કૃતિએ તે લગભગ 2,500 વર્ષ પહેલાં બતાવ્યા છે અને તેને ગ્રંથ સ્વરૂપે પ્રગટ કરેલ છે. પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાની જરૂર નથી. હિંદુ સંસ્કૃતિ પાસે જે વિચાર-સમૃદ્ધિ છે તે કોઈપણ સંસ્કૃતિ પાસે નથી.

હવે ધર્મ અને તેના તહેવારો અને તેની ઉજવણીનું વ્યવસાયીકરણ થઇ ગયું છે અને “માર્કેટ ફોર્સ” જ તેને ચલાવે છે અને તેમાં ફેરફારો લાવવામાં મદદરૂપ બને છે. તેનો મતલબ એવો તો નહિ જ કે “માર્કેટ” કહે તે જ સાચો ધર્મ. એવું માની લેવું એ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડવા બરાબર છે. વેલેન્ટાઈનના વૈશ્વિકરણના વાયરામાં બજાર જ યુવાનોના પ્રેમની વ્યાખ્યા નક્કી કરે છે જે હકીકતમાં ખુબ જ ખોટું છે. પ્રેમ એ અનુભૂતિનો વિષય છે. જ્યા બજાર આવે ત્યાં પ્રેમ ન હોય.

ચાલો…આપણે આપણા મૂળ તરફ પાછા વળીએ અને સમગ્ર વિશ્વને આપણી સંસ્કૃતિના વિચાર-વૈવિધ્યથી માહિતગાર કરીએ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here