NPR: પવાર કાકા-ભત્રીજા વચ્ચે ફરીથી ખટરાગના એંધાણ

0
328
Photo Courtesy: hindustantimes.com

દેશભરમાં CAA, NRC અને NPRના પક્ષમાં અને વિપક્ષમાં દેખાવો થઇ રહ્યા છે, આવામાં મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડીની સરકારની અંદર જ આ મુદ્દે બે મત ઉભરી રહેલા જોવા મળી રહ્યા છે.

Photo Courtesy: hindustantimes.com

મુંબઈ: મહારાષ્ટ્રમાં જ્યારથી મહા વિકાસ આઘાડી સરકાર બની છે ત્યારથી તેના ત્રણેય પક્ષો વચ્ચે કોઈને કોઈ મુદ્દે ઝઘડો ચાલે રાખે છે. હવે સમાચાર એવા આવ્યા છે કે આ જ મહા વિકાસ આઘાડીના એક ઘટક એવા NCPના બે મોટા નેતાઓ એટલેકે શરદ પવાર અને અજીત પવાર વચ્ચે NPR મામલે ખટરાગ ઉભો થયો છે.

મુંબઈમાં NCP કાર્યકર્તાઓને સંબોધન કરતા અજીત પવારે કહ્યું હતું કે CAA, NRC અને NPRથી કોઈએ પણ ગભરાવવાની જરૂર નથી અને કેટલાક લોકો આ અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે. અજીત પવારના આ નિવેદનને તેમનું અંગત નિવેદન હોવાનું કહીને શરદ પવારે તેને રદિયો આપી દીધો હતો.

બીજી તરફ કોંગ્રેસ મહારાષ્ટ્ર વિધાનસભામાં CAA, NRC અને NPRના વિરુદ્ધ પ્રસ્તાવ લાવી તેને પાસ કરવાની માંગ કરી રહી છે. શિવસેના પહેલેથી જ કોંગ્રેસની આ માંગ નકારી ચૂકી છે.

તો અજીત પવારે પણ બિહાર વિધાનસભાની જેમ મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉપરોક્ત પ્રસ્તાવ લાવવાની કોઈજ જરૂર ન હોવાનું કહી ચૂક્યા છે.

મહારાષ્ટ્ર સરકારના લઘુમતિ બાબતોના મંત્રી નવાબ મલિકે મહારાષ્ટ્ર સરકાર નોકરીમાં લઘુમતિઓ માટે 5% અનામત લાવશે તેવી જાહેરાત કરી ચૂક્યા છે, પરંતુ ગઈકાલે શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ શિવસેના આ પ્રકારના કોઇપણ અનામતના પક્ષમાં નથી એમ કહ્યું હતું.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે NPRના પક્ષમાં તો છે પરંતુ NRC પોતાના રાજ્યમાં લાગુ કરવા અંગે મનાઈ કરી ચુક્યા છે. આમ મહારાષ્ટ્ર સરકાર વિવિધ મુદ્દે હાલમાં અંદરોઅંદરની ખેંચતાણમાં ફસાઈ ગઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here