કોરોના: જર્મનીના એક અખબારે ચીનને મસમોટું બીલ મોકલાવ્યું!

0
137

ચીનના વુહાન પ્રાંતમાં ઉદભવેલા કોરોના વાયરસે આજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને જર્મનીના એક અખબારે આ વાયરસને છુપાવવા બદલ અને તેને ફેલાવવા બદલ ચીનને નુકશાનીના વળતર પેટે મોટી રકમનું બીલ મોકલી આપ્યું છે.

હેમ્બર્ગ: યુરોપમાં કોરોના મહામારીને કારણે 1 લાખથી પણ વધુ લોકોના જીવ ગયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે મોટાભાગના યુરોપીયન દેશના નેતાઓ પણ સીધી અથવાતો આડકતરી રીતે આ જીવલેણ વાયરસના ફેલાવા પાછળ ચીનનો હાથ હોવાનું કહી રહ્યા છે.

જર્મનીના અગ્રણી અખબાર Bild દ્વારા ચીનને પોતાના દેશમાં કોરોના વાયરસ ફેલાવવા બદલ સીધું જવાબદાર ઠેરવ્યું છે અને કહ્યું છે કે ચીને આ વાયરસને કારણે જર્મનીને થયેલા આર્થિક અને માનવીય નુકશાનની ભરપાઈ કરવી જોઈએ. આ અખબારે પોતાના દાવા સાથે ચીનને 130 બિલીયન ડોલર્સનું (149 બિલીયન યુરો) બીલ પણ મોકલી આપ્યું છે.

આ બીલમાં 27 બિલીયન યુરો કોરોનાને કારણે જર્મનીના પ્રવાસન ઉદ્યોગને થયેલા નુકશાન માટે, 7.2 બિલીયન યુરો જર્મન ફિલ્મ ઉદ્યોગને થયેલા નુકશાન માટે 1 મિલિયન યુરો પ્રતિ કલાક જર્મન એરવેઝ લુફ્થાન્સાને થયેલા નુકશાન માટે તેમજ 50 બિલીયન યુરો જર્મનીના નાના ઉદ્યોગોને થયેલા નુકશાન માટે માંગવામાં આવ્યા છે.

આ ઉપરાંત Bild એ જો જર્મનીની GDP 4.2 ટકા જેટલી ઘટે તો પ્રતિ જર્મન નાગરીકને 1,787 યુરોની થયેલી નુકશાની પેટે આપવાનું પણ ચીનને કહ્યું છે.  ચીને આ બીલને ચીન પ્રત્યે જર્મનીમાં નફરત તેમજ રાષ્ટ્રવાદનો ઉન્માદ ફેલાવવાનો પ્રયાસ કહીને તેને નકારી દીધું છે.

Bild ના એડિટર-ઇન-ચીફ જુલીયન રૈશેલ્ટે ચીનના નકારના જવાબમાં કહ્યું છે કે,

શી જીનપિંગ, તમારી સરકાર અને તમારા વૈજ્ઞાનિકોને ઘણા સમય અગાઉ ખબર હતી કે કોરોના વાયરસ અતિશય ચેપી છે, પરંતુ તમે બાકીના વિશ્વને સતત અંધારામાં રાખ્યું છે. જ્યારે પશ્ચિમના સંશોધકોએ તમને પૂછ્યું કે વુહાનમાં કશુંક શંકાસ્પદ કેમ ચાલી રહ્યું છે ત્યારે તમારા તજજ્ઞો મૂંગા રહ્યા હતા. તમે ત્યારે રાષ્ટ્રવાદના ઉન્માદમાં હતા અને સત્ય બહાર લાવવામાં મદદ કરવામાં તમને રાષ્ટ્રીય શરમ થવાનો અનુભવ કરી રહ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here