બસ વિવાદ: ઉત્તર પ્રદેશ કોંગ્રેસના જ વિધાયકે પ્રિયંકા વાડ્રાની ટીકા કરી

0
125
Photo Courtesy: thehindu.com

હાલમાં ચાલી રહેલા બસ વિવાદ પર ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વિધાનસભ્ય અને તે પણ સોનિયા ગાંધીના ક્ષેત્રના વિધાનસભ્ય એ પ્રિયંકા વાડ્રા વિરુદ્ધ બાંયો ચડાવી છે.

Photo Courtesy: thehindu.com

રાયબરેલી: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીના લોકસભા વિસ્તારમાં જ આવેલી રાયબરેલી વિધાનસભા બેઠકના કોંગ્રેસ વિધાનસભ્યએ જ હાલમાં ચાલી રહેલા બસ વિવાદ અંગે પ્રિયંકા વાડ્રા પર ટીકાના બાણ વરસાવ્યા છે. પ્રિયંકા વાડ્રાએ થોડા દિવસ અગાઉ કોંગ્રેસે રાજસ્થાન-ઉત્તર પ્રદેશની બોર્ડર પર શ્રમિકોને લઇ જવા માટે 1000 બસો તૈયાર રાખી હોવાની રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જણાવ્યું હતું.

ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકારે પ્રિયંકા વાડ્રાને આ તમામ બસના નંબર, ડ્રાઈવર તેમજ ખલાસીના નામ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. ગઈકાલે જ્યારે કોંગ્રેસે આ વિગતો આપી ત્યારે તેમાંથી ઘણા વાહનો બસ હોવાને બદલે રિક્ષા, કાર અને ટેમ્પો હોવાનું માલુમ પડ્યું હતું.

આ સમગ્ર વિવાદનું સંજ્ઞાન લેતા રાયબરેલીના વિધાનસભ્ય અદિતિ સિંગે કોંગ્રેસ પાર્ટીને જ સવાલ કર્યો હતો કે કોરોનાની આ વિપદાના સમયે ખોટા બસ નંબરો આપીને આવું હલકું રાજકારણ રમવાની તેને શી જરૂર હતી. જો કે આ પહેલીવાર નથી કે અદિતિ સિંગ પોતાની પાર્ટી લાઈનની વિરુદ્ધ ગયા છે.

અદિતિ સિંગે કોંગ્રેસના નામે પ્રિયંકા વાડ્રાને જ સવાલ કર્યો હતો કે જ્યારે રાજસ્થાનના કોટામાં ઉત્તર પ્રદેશના હજારો વિદ્યાર્થીઓ ફસાયેલા હતા ત્યારે આ કહેવાતી બસો ક્યાં હતી? અદિતિ સિંગે યુપીના વિદ્યાર્થીઓને કોટાથી ઉત્તર પ્રદેશ પરત લાવવા બદલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા પણ કરી હતી.

અદિતિ સિંગે અગાઉ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે બોલાવવામાં આવેલા ઉત્તર પ્રદેશ વિધાનસભાના ખાસ સત્રનો બહિષ્કાર કરવાના કોંગ્રેસના નિર્ણયનો પણ ભંગ કર્યો હતો અને તેમણે આ સત્રમાં હાજરી અપાઈ હતી. તો CAA મામલે તેમણે પાર્ટી લાઈનની વિરુદ્ધ જતા તેને સમર્થન આપ્યું હતું.

આટલુંજ નહીં પરંતુ અદિતિ સિંગે કોરોના યોદ્ધાઓને સમર્થન આપવા માટે દીપ પ્રાગટ્ય કરવાના આહ્વાનનું પણ સમર્થન કરીને પોતાના ઘેરે દીપ પ્રગટાવ્યા હતા. 2018માં રાહુલ ગાંધીએ અદિતિ સિંગને મહિલા કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે મનોનીત કર્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here