સઈદ અનવરના 194નું મૂલ્ય જરા વધારે પડતું આંકવામાં આવે છે

0
202
Photo Courtesy: sports360.com

ક્રિકેટમાં કેટલીક ઇનિંગ્સ યાદગાર કહેવાતી હોય છે. પરંતુ આ ‘કહેવાતી’ યાદગાર ઇનિંગ્સનું યોગ્ય વિશ્લેષણ કરવામાં આવે તો તેના પરની ચમક ઘટી જતી હોય છે. સઈદ અનવરની પ્રખ્યાત ચેન્નાઈ ઇનિંગ્સ પણ આવી જ એક ઇનિંગ હતી.

આજની જ તારીખે એટલેકે 21 મે 1997ના દિવસે પાકિસ્તાનના ઓપનીંગ બેટ્સમેન સઈદ અનવરે એ સમયના મદ્રાસ એટલેકે આજના ચેન્નાઈ ખાતે 194 રનની ઇનિંગ રમી હતી. ઘણા લાંબા સમય સુધી અનવર વનડે ક્રિકેટમાં સહુથી મોટો વ્યક્તિગત સ્કોર ધરાવનાર બેટ્સમેન બની રહ્યો હતો.

આમ તો એક ક્રિકેટ ફેન તરીકે એવું માનવું પડે કે ક્રિકેટના મેદાન પર કરેલો એક એક રન કિંમતી હોય છે કારણકે તેની પાછળ ઘણી મહેનત રહેલી હોય છે. પરંતુ સઈદ અનવરની આ ઇનિંગ વિષે આમ કહેવું કદાચ વધારે પડતું હશે.

મે મહિનામાં ચેન્નાઈની ભેજવાળી ગરમીમાં રમવું કેટલું અઘરું હોય છે તે આપણને ખબર જ છે. આવી ગરમીમાં અનવરે 194 રન કર્યા માત્ર આટલું જ વાંચીએ તો આપણને અનવર પર આદર થઇ જાય. પરંતુ જ્યારે પણ સઈદ અનવરની આ ઇનિંગ વિષે વાત કરવામાં આવે છે ત્યારે એક હકીકતને ક્યારેક જ યાદ કરવામાં આવે છે.

જ્યારે સઈદ અનવર 75 રન પર હતો ત્યારે જ તેના પગની નસ ખેંચાઈ ગઈ હતી અને તે દોડવા તો શું ચાલવા માટે પણ અસમર્થ બની ગયો હતો. એ સમયે રનરનો નિયમ હતો એટલે તમારા વતી કોઈ અન્ય બેટ્સમેન દોડી શકતો. આથી અનવરથી ઘણો યુવા એવો શાહિદ આફ્રિદી તેનો રનર બન્યો.

જો કે સઈદ અનવરે રનર આવ્યા બાદ પણ ચોગ્ગા અને છગ્ગા માર્યા હતા પરંતુ તેને એક ડગલું પણ દોડવું પડ્યું ન હતું. એ અશક્ય જ હતું કે રનરની મદદ વગર સઈદ અનવરે ચેન્નાઈની એ ગરમીમાં પોતાની નસ ખેંચાઈ જવા બાદ દોડી દોડીને રન લઇને 194 જેવો વિશાળ સ્કોર ઉભો કર્યો હોત.

મજાની વાત એ છે કે સઈદ અનવર બેટિંગ કર્યા બાદ પાકિસ્તાનની સમગ્ર બોલિંગ ઇનિંગ દરમ્યાન ફિલ્ડીંગ કરવા આવ્યો ન હતો. પછી તો વનડેમાં બેટિંગ કર્યા બાદ ફિલ્ડીંગમાં ન ઉતરવું એ સઈદ અનવરની આદત બની ગઈ. 2003ના સાઉથ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપમાં પણ ભારત સામેજ સેન્ચુરી કર્યા બાદ સઈદ અનવર ફિલ્ડીંગ કરવા નહોતો આવ્યો.

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here