હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (2) – વ્યક્તિ અને વ્યક્તિત્વ

    0
    268

    વાચકમિત્રો, આપણે ગયા મંગળવારે બાળાસાહેબ ઠાકરેના કુટુંબ વિશે વાંચ્યું. તેજી ને ટકોરો જેવું તેમનું વ્યક્તિત્વ ખરેખર લોકોને આકર્ષે એવું હતું. ખાસ કરીને ‘યુવાનો’ને શિવસેના તરફ આકર્ષવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બિન-મરાઠી લોકો તરફથી તેમને હંમેશા ટીકા સહન કરવી પડી હતી કારણ કે ‘મરાઠી લોકોના અધિકારોને સુરક્ષિત કરવા’ માટેનો તેમનો ઉદ્દેશ સાચો હતો પણ તેમની હિમાયતની પદ્ધતિઓ ખોટી હતી. શિવસેનાની સ્થાપનાના સમયથી જ ઠાકરેએ પોતાને બિન-રાજકીય હોવાનો દાવો કર્યો હતો. તેમનો ઉદ્દેશ જ એવો હતો કે ‘શિવસેના 80 ટકા સામાજિક કાર્ય કરશે અને 20 ટકા રાજકારણ કરશે’.

    Photo Courtesy: scroll.in

    ઠાકરેના પોશાક વિશે વાત કરીએ તો તેમણે ક્યારેય એક ભારતીય રાજકારણી પહેરે એવા પોશાક પહેર્યા નથી. તેમણે ભારતીય નેતાનું સ્ટીરીયોટાઈપ હોલમાર્ક બની ગયેલા ખાદીનાં કપડાં સાવચેતીપૂર્વક ટાળ્યા. એક તો તેઓ દેખાવમાં પાતળા પણ (મજૂરી કરીને કસાયેલા હોય એવા) મજબૂત બાંધાવાળા હતા અને જાડી કોરવાળા કાળા ચશ્મા પહેરતાં. શિવસેનાની પ્રથમ રેલી માટે, તેમણે એક સાદો પૂર્ણ-લંબાઈવાળો શર્ટ અને ટ્રાઉઝર પહેર્યા હતા. જેનો સીધો પ્રભાવ મધ્યમ વર્ગના મહારાષ્ટ્ર પર થયો. ધીમે ધીમે તેમણે બંધગળાનું સફારી પહેરવાનું શરૂ કર્યું. 1970 ના દાયકામાં તેઓ ઝભ્ભો અને લેંઘો પહેરતા જેની ઉપર સફેદ અથવા કેસરી રંગની શાલ ઓઢતા. પોતાના ઘરે તે હંમેશાં કેસરી ઝભ્ભો અને એ જ રંગની લૂંગી પહેરેલા જોવા મળતા.

    1990 ના દાયકાની શરૂઆતમાં ઠાકરે ‘હિન્દુત્વ’ના એક ચેમ્પિયન તરીકે ઓળખાવા લાગ્યા. તેઓએ તેમના ડાબા હાથમાં રુદ્રાક્ષના મણકાઓની એક માળા રાખવાનું શરૂ કર્યું. પોતાના ઉશ્કેરણીજનક ભાષણોમાં તેઓ ઘણીવાર લોકો સમક્ષ ડાબો હાથ ઉપાડીને લોકોનું આહ્વાન કરતાં. રુદ્રાક્ષની માળાને શિવ અને હિંદુત્વ સાથે સરખાવીને તેઓ લોકોમાં જોશ અને જુસ્સો રેડતાં. આ રુદ્રાક્ષની માળા તેમને પોતાના આધ્યાત્મિક ગુરુ ગગનગિરી મહારાજ પાસેથી પ્રાપ્ત થયેલી. કિંતુ પરંતુ 1995 પછી ઠાકરેએ રુદ્રાક્ષ પહેરવાનું છોડી દીધું કારણ કે આ જ વર્ષે તેમની પત્ની મીના (જેમને શિવસૈનિકો ‘મીનાતાઈ’ અથવા ‘મા-સાહેબ’ તરીકે સંબોધન કરતાં) મૃત્યુ પામ્યા.

    મીનાતાઈના મૃત્યુ સમયે ઠાકરેએ એમ પણ જાહેર કર્યું કે તેમની પાસે હવે ભગવાનમાં વિશ્વાસ રાખવાનું કોઈ જ કારણ નથી. એ તો લોકોને ક્રૂર રીતે પોતાના સ્વજનોથી દૂર કર્યે રાખે છે. પત્નીનું અવસાન થયું તે પહેલાં, બાળાસાહેબ મુંબઇથી લગભગ 100 કિલોમીટરથી દૂર, લોનાવલા નજીક કારલા ગામે પોતાના પરિવારની કુળદેવી એકવીરા-આઈની નિયમિત રૂપે દર્શન માટે મુલાકાત લેતા. પણ પછી તેમની મુલાકાત ઓછી થઈ અને એક સમયે તે તદ્દન બંધ થઈ ગઈ. તેમ છતાં પુત્ર ઉદ્ધાવ અને ભત્રીજો રાજ દર વર્ષે પોતાના પરિવારો સાથે ત્યાં જતાં ખરાં!

    બાળાસાહેબ ઠાકરેએ પોતાની રાજકીય ભૂમિકા બનાવતા પહેલાં ઘણું હોમવર્ક કરેલું. શિવસેનાની શરૂઆત કરતાં પહેલાં થોડો સમય તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળનો ઇતિહાસ નોંધપાત્ર રીતે વિગતવાર વાંચેલો, જેથી તેઓ ભારતના રાજકીય ભૂતકાળ પર સારી પકડ મેળવી શકે. દરેક ઇવેન્ટ્સ અને વિકાસલક્ષી કાર્યોમાં તેઓ ઐતિહાસિક દ્રષ્ટિકોણનો આગ્રહ રાખતાં. ઠાકરેનું વાંચન અનોખું હતું. તેઓ ક્યારેય નવલકથાઓ વાંચતા નહીં. એકવાર તેમણે કહેલું કે નવલકથાઓના નકલી રોમાંસ મને પસંદ નથી. પરંતુ તે દૈનિક/સાપ્તાહિક અખબારોના ઉત્સુક વાચક હતા. એક દિવસમાં 10 થી વધુ છાપાઓ તેઓ વાંચી જતાં. અને જેમ જેમ ભારતીય મિડીયાનું વિસ્તરણ થતું જોયું, છાપાઓની સંખ્યા 16 સુધી પહોંચી ગયેલી.

    ફક્ત વાંચીને છાપાઓને પસ્તીમાં નહોતા નાખી દેતાં. છાપામાં છપાયેલા અગત્યના મીડિયા અહેવાલો પોતાના નેતાઓ, ધારાસભ્યો, કોર્પોરેટ્સ અને કાર્યકરોને અનુવર્તી કાર્યવાહી માટે મોકલતાં. ઉદાહરણ તરીકે, જો તે કોઈ વિસ્તારમાં ભેગા થયેલા કચરાનો ફોટો જુએ તો તે વિસ્તારના શિવસેના કૉર્પોરેટરને એક કોપી મોકલે. અને જો ત્યાં તેમના પક્ષના કૉર્પોરેટર ન હોય તો, વિભાગપ્રમુખ અથવા શાખાપ્રમુખને મોકલે. 196૦ માં શરૂ કરેલી આ પ્રથા તેમના છેલ્લા દિવસો સુધી ચાલુ હતી.

    યુવાનીમાં ઠાકરેને એક ગ્લાસ હુંફાળી હોટ લેજર બિયર અને પોતાની પાઇપ અને સિગાર ખૂબ જ પસંદ હતાં. તેઓ કાર્ટૂન દોરતી વખતે, શિવસૈનિકો અને સહાયકો સાથે લાંબી મીટિંગ્સમાં પણ પાઇપનો આનંદ માણતા. જુલાઇ 2000 માં, જ્યારે તેણે મુંબઈના રમખાણોમાં ધરપકડના કેસમાં કોર્ટમાં જવા માટે માતોશ્રી છોડ્યું, ત્યારે તેઓ પોતાની પ્રિય સિગાર લઈને જ ઘરની બહાર નીકળેલા. અભિનેતા દિલીપ કુમાર જેવા ફિલ્મસ્ટાર-મિત્રો સાથે તેમના દરરોજ સાંજે બિયર-સત્રો થતાં. પણ આવા સત્રોનો અંત ત્યારે આવ્યો જ્યારે દિલીપસા’બે ‘નિશાન-એ-પાકિસ્તાન’ પુરસ્કાર સ્વીકાર્યો. ઠાકરેએ કહ્યું – अभी चना भी है, बिअर भी है लेकिन दिलीप कुमार के रास्ते बदल गये। એ સિવાય તેઓ બાપુ નાડકર્ણી, રમાકાંત દેસાઈ અને માધવ મંત્રી જેવા ક્રિકેટર-મિત્રો સાથે પણ બિયર-સત્રો કરતાં. આ એ જ મિત્રો છે જેમને તેઓ દરરોજ તેમના ‘ફ્રી પ્રેસ જર્નલ’ના દિવસો દરમિયાન દાદરથી ચર્ચગેટ સુધી લોકલ ટ્રેનમાં સાથે મળતાં.

    બાળાસાહેબ ઠાકરે: ભાગ 1

    1996 માં બાયપાસ સર્જરી પછી બિયરનો સાથ છોડીને વાઈનને મોઢે લગાડવામાં આવી કારણકે ડોક્ટરોએ કહ્યું હતું કે વાઈન ઠાકરેના હૃદય માટે સારી છે. ઠાકરે હંમેશા પોતાના ડોક્ટરોને મજાક મજાકમાં ખીજાતા કે તેમણે તેના પર પ્રતિબંધ લાદવા શરૂ કર્યા છે અને તેમના શરીરને ‘તબીબી પ્રયોગશાળા’ બનાવી નાખી છે. આ સખત શિસ્ત તેમના ભોજન પર પણ અસર કરવા લાગ્યું. જ્યારે ઠાકરેને તેમના પ્રિય વરણ-ભાત (દાળ-ભાત) અને શાકભાજી ખાવાની છૂટ હતી, ત્યારે તે ‘ચંદ્રસેનીય કાયસ્થ પ્રભુ’ સમુદાયના સભ્ય તરીકે માછલી અને ચિકનને પ્રેમ કરતા હોવા છતાં, તબિયતની મર્યાદાને કારણે ફક્ત શાકાહારી ભોજન જ લેતાં.

    ઠાકરે પોતાના પાળેલા પ્રાણીઓની ખૂબ જ માવજત કરતાં. પમ્પુ નામનો શ્વાન તેમના પ્રારંભિક દિવસોમાં એમની સાથે હતો. ત્યારબાદ મેજર નામનો એલ્સેશિયન અને માર્શલ નામનો બીજો શ્વાન પણ હતો. દાયકાઓ સુધી તેમણે પોતાના ઘરમાં રાખેલા એક્વેરિયમને પણ ખૂબ પ્રેમ કર્યો. બાગકામ માટેનો પણ તેમનો પ્રેમ જાણીતો છે. 1969 માં મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ પર મુંબઇમાં થયેલા હુલ્લ્ડ પછી ધરપકડ થયા બાદ યેરવડા જેલમાંથી તેમના બાળકોને લખેલા પત્રમાં તેમણે ત્રણેય પુત્રોને વિનંતી કરી હતી કે તેમના ઘરની બહારના બગીચોની કાળજી રાખજો. એ પત્ર સાથે એમણે સૂર્યમુખીના છોડના બીજ પણ મોકલેલા.

    તેમના વ્યક્તિત્વનું એક વધુ પાસું, મોટા ભાગના લોકો જેનાથી અજાણ હશે, એ છે 13 અને 27 નંબર માટેનો તેમનો પ્રેમ. 13 નો આંકડો જ્યારે દુનિયાભરના લોકો દ્વારા અસુરક્ષિત માનવામાં આવતો એ ઠાકરે માટે નસીબદાર આંકડો બન્યો. તેમણે સરલા વૈદ્ય સાથે લગ્ન કર્યા (જે પછીથી મીના ઠાકરે બન્યા) એ દિવસ 13 મી જૂન, 1948નો હતો. અને 13 મી ઓગસ્ટ, 1960 ના રોજ તેમણે ‘માર્મિક’ સાપ્તાહિક શરૂ કર્યું હતું. ઉદ્વવનો જન્મ 27 જુલાઇ, 1960 ના રોજ થયો જેના કારણે 27નો આંકડો પણ ઠાકરે માટે મહત્ત્વનો બની રહ્યો.

    અંગત સ્તરે, ઠાકરે એક એવા સમકાલીન મહારાષ્ટ્રના રાજકારણી રહ્યા છે, જેમણે કદાચ જીવનમાં સૌથી વધુ ટ્રેજેડી જોઈ હોય. 1960 ના દાયકામાં કેટલીયે વાર તેમના ભાઈ રમેશ સાથે તેમને અણબનાવ થતો રહેતો. તેમના બીજા પુત્ર જયદેવને 1990 ના દાયકાની શરૂઆતથી જ પોતાનાથી અલગ કરી દીધેલો. જયદેવે બાળાસાહેબને ઘણી વાર નિરાશ કર્યા હતા. બાળાસાહેબ જ્યારે પણ જયદેવ વિશે વાત કરતા, તેમના અવાજમાં ખિન્નતા રહેતી. એક વાર એમણે કહેલું: તે છોકરો મારા જીવનની એક ટ્રેજેડી છે. તોતિંગ રાજકીય વિજય અને મહારાષ્ટ્રમાં સત્તા કબજે કર્યા પછી સાત જ મહિનામાં (એપ્રિલ 1996 માં), તેમના મોટા પુત્ર બિંદા પણ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા.

    સપ્ટેમ્બર 1995 માં તેમની પત્નીને હૃદયરોગનો હુમલો થયો. પત્નીના મૃત્યુના સંજોગો ખૂબ દુ:ખી હતા. ઠાકરે એક વાર તેમના કેટલાક સહાયકો સાથે કર્જતમાં (મુંબઈથી આશરે 100 કિલોમિટર) તેમના ફાર્મહાઉસમાં ગયેલા. જ્યારે મીનાતાઈને હૃદયરોગનો હુમલો થયો ત્યારે ઘરમાં ઈલેક્ટ્રેસીટી બંધ હતી અને તેથી ડૉક્ટરોને ઈમરજન્સીમાં કૉલ્સ થઈ શક્યા નહીં (ત્યારે કયાં કોઈ મોબાઈલ ફોનની સુવિધા હતી). ડૉક્ટરો પહોંચ્યા ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું. ઠાકરે ભાંગી પડ્યા અને સંભવત: પ્રથમ વખત, તે પોતાના આંસુને જાહેરમાં રોકી શક્યા નહીં. ઘણા જાહેર પ્રસંગોએ ઠાકરે સ્વામી વિવેકાનંદને ટાંકીને જણાવતાં કે તે પોતે પાણીની માછલીની જેમ છે; તેના દુઃખ અને દુઃખના ક્ષણો ઘણાં છે પણ પાણીમાં રહેવાને કારણે એમના આંસુ કોઈ જોઈ શકતાં નથી. તેમના ભત્રીજા રાજ સાથેના આઘાત પણ કડવા હતા, કારણ કે રાજ તેમના ખૂબ જ નજીકના લોકોમાંનો એક હતો.

    બાળાસાહેબ ઠાકરે તેમના વ્યક્તિત્વ, ગતિશીલ અવાજ, વક્તૃત્વ કળા સાથે સામાજિક સિદ્ધાંતો અને આક્રમક પદ્ધતિઓ જોડીને મહારાષ્ટ્ર અને મરાઠી માણૂસના માનસપટલ પર વિશાળ કાબૂ મેળવવામાં સફળ રહ્યા હતા.

    પડઘોઃ

    मुझे जो सही लगता है, मैं करता हुं। वो चाहे भगवान के खिलाफ हो, समाज के खिलाफ हो, इस कानून या फिर पूरे सिस्टम के खिलाफ क्यूं न हो । मेरे ये काम तरह तरह के लोग अपने अपने नजरीये से देखते है और मेरे बारे में अपनी राय बना लेते है।

    (‘સરકાર’ ફિલ્મનો એક ડાયલોગ)

    eછાપું 

    તમને ગમશે: ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચારેબાજુથી નોબેલ શાંતિ પુરસ્કારની માંગણી

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here