સાસુ-વહુ: એક એવો અનોખો સંબંધ જે બહુઆયામી પણ છે

0
288
Photo Courtesy: sarita.in

એક ઘરની કલ્પના કરી જુઓ, કોઈ પણ ઘર સ્ત્રી વગર અધરું લાગી શકે અને બે સ્ત્રી વગર ટૂંકું. અને આ બે સ્ત્રી એટલે સાસુ-વહુની જોડી. અહા….સાસુ-વહુ નામથી તો આપણને જન્મ-જન્મના દુશ્મનના નામ લીધા હોઈ કે પછી બે બાધડકી બિલાડીની યાદ આવી શકે, પણ એ માત્ર એકતા કપૂરના પ્રતાપે જ. જો કે આ સંબંધ મહદઅંશે વિચિત્ર અને વિશિષ્ઠ પણ છે. આપણા શાસ્ત્રોમાં પણ આ જોડી વિષે ખાસ કોઈ ઉલ્લેખ કરાયો નથી તેનું કારણ હોઈ શકે કે ભગવાન આ સંબંધને દરેક ઘરમાં પોતાની કલ્પનાશક્તિથી દોરવા માંગતા હશે.એકતા કપૂરે તેની કલ્પનાશક્તિનો ભરપુર ઉપયોગ કરીને સાસુ-વહુને દુનિયાભરમાં પ્રખ્યાત/કુખ્યાત બનાવી દીધા. અરે, આ સીરીયલોના કારણે તો ગુગલ પણ સાસુ-વહુનો મતલબ એવો જ બતાવે છે કે આ સંબંધ એટલે ચુડેલરૂપી સાસુને અને તેના વર્ચસ્વને હણવા માટે અવતરી આવેલી નમ્ર અને દેવીરુપી વહુ!!

Photo Courtesy: sarita.in

દરેક ઘરમાં આ સંબંધ અલગ-અલગ હોય છે ક્યાંક લાજવાબ અને ક્યાંક બે-જવાબ, ક્યાંક તું-તું મેં-મેં અને ક્યાંક માત્ર હું-હું, ક્યાંક પ્રેમભર્યો અને ક્યાંક ફરજ પુરતો, ક્યાંક માથે ચડાવેલો અને ક્યાંક અવગણાયેલો. પણ જે હોય તે આ સંબંધની કૈક અલગ મજા હોઈ શકે છે. હવે તો ઘણી જગ્યાએ સાસુ-વહુ ની કુંડળી મેચ કરવાનો રીવાજ પણ અમલમાં આવી ગયો છે અને બંનેમાં મંગળ હોય તો છોકરા-છોકરી એકબીજાને પસંદ હોય છતાં પણ છોકરીની ઘરમાં નો-એન્ટ્રી.

આખરે વહુ પણ દીકરી જ છે કહીને જનતા વહુનું મુલ્ય ઓછું આંકી રહી છે. આખરે વહુને પણ કૈક અલગ સંબંધની મજા મળવી જોઈએ ને! મમ્મીની ફરિયાદો થોડીક પતિ પાસે કરી શકાય, પણ સાસુની ફરિયાદ કરવામાં કૈક અલગ મજા મળતી હોઈ શકે અને વળી, વાત કરવાનો લાંબો-લચક ટોપિક પણ!! વેલ, જોક્સ અ પાર્ટ, દરેક સંબંધની એક અલગ મજા હોય છે તો શા માટે આપણે સાસુ-વહુના સંબંધ પર મા-દીકરીના સંબંધને થોપીએ છીએ? વળી, આજના જમાનાની કોઈ વહુ એવી અબલા નારી નથી કે સાસુના અત્યાચાર સહન કરે (અપવાદો હોઈ શકે). આપણે તો સાસુ-વહુ પર જોક્સ પણ ખુબ સાંભળ્યા છે અને હવે સોશિયલ મીડિયાના પ્રતાપે વાંચીએ પણ ખૂબ છીએ. સૌથી વધુ ફન-લવિંગ કેરેકટર જો આપણા સમાજમાં હોય તો કદાચ તે સાસુ-વહુ  નું જ હોઈ શકે.

તમને ગમશે: આ વર્ષે પ્રવાસીઓ સાથે ‘ગીર નરેશ’ કેમ સંતાકૂકડી રમી રહ્યા છે?

વહુ બનવાની મજા જ કૈક અલગ છે તેનું જ એક ઉદાહરણ આપું તો અત્યાર સુધી હું મારા ઘરની એકમાત્ર દીકરી હતી/છું. આમ છતાં દરેક પ્રસંગમાં મારી હાજરીની કોઈ ખાસ નોંધ લેવાતી ન હતી પણ મારા સાસરિયા પક્ષ તરફથી જેવી હું ગામડે ગઈ તો ગામડાની દરેક સ્ત્રીઓમાં મારા માટે એક કુતુહલ હતું, ડોશીઓ તો મને દુરથી જોયા બાદ એવું પણ કહેતા હતા કે “સાંજે સમાયે જોઈશું” આ સિવાય પાર્લરમાં પણ તૈયાર થવામાં વહુને એટલે કે મને અગ્રીમતા આપવામાં આવી જયારે મારા ઘરના પ્રસંગમાં તો હું હંમેશા લઘર-વઘર જ હોઉં! અને આ બધું મારા સાસુના કારણે જ. હવે કહો શું સારું દીકરી બનવું કે વહુ?!

આ તો આ સંબંધની બાયપ્રોડક્ટ વાત થઇ, પણ મોટાભાગે આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં સાસુ-વહુ રૂપી સંબંધો તણાવયુક્ત હોય છે. જો કે મેં મારા ઘરમાં મારા દાદીને મારા મમ્મી માટે થઈને બધા સામે લડતા જોયા છે. સાસુને ખબર જ હોય છે કે તેની વહુ શું વિચારે છે, તેની શું લાગણીઓ હોય છે અને તેના શું સપનાઓ હોય છે. “ક્યુકી સાસ ભી કભી બહુ થી.” પરંતુ, એના માટે વહુએ પણ થોડો સમય સાસુને આપવો રહ્યો. આ વાત ખુબ સારી રીતે શાઈનીગ ફિલ્મ્સની “સાસ” નામની શોર્ટ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે, આ ફિલ્મની વાર્તા ખુબ જાણીતી છે પણ એક વાર જોવાની મજા આવે એવી ફિલ્મ.

સાસુ-વહુ ના સંબંધો પર સાયકોલોજીકલ રીસર્ચ પણ થયા છે અને આપણે સૌ જાણીએ છોએ એમ સાસુ-વહુના સંબંધો તણાવભર્યા હોવાનું એક માત્ર કારણ હોય છે સાસુનો દીકરો અને વહુનો ઘરવાળો. આ સંબંધને તણાવ-મુકત રાખવા માટે બંને પાર્ટીએ એકસરખા પ્રયત્નો કરવા પડે છે, પણ દુનિયાદારી વધુ જાણતા હોવાના કારણે સાસુ પાસેથી આ અપેક્ષા થોડી વધુ હોય છે. આ સંબંધનું પ્રથમ પગથીયું છે બંને એકબીજાને જેવા છે તેવા જ સ્વીકારે. બંનેના સંબંધો પ્રેમભર્યા અને હુંફવાળા હશે તો તેના ઘણા ફાયદાઓ પણ છે જેમકે: બંને વચ્ચે મિત્રતા રહેશે. બંનેના સારા સંબંધોના કારણે પરિવારમાં પણ પ્રેમ અને શાંતિ છવાયેલ રહેશે. વહુ સાસુને એટલી જ ઈજ્જત આપશે જેટલી એ તેના મમ્મીને આપતી હોય છે. વહુનો તેના પતિ માટેનો પ્રેમ અકબંધ રહેશે અને અગણિત.

દરેક સંબંધો માટે જરૂરી છે એક બીજાને અપનાવવું અને થોડું પરિવર્તન સ્વીકારવું. બસ, આ પરિવર્તનની સાથે ચાલનાર દરેક સાસુ-વહુની જોડી શ્રેષ્ઠ જ હોય છે.

તા.ક. આ આર્ટીકલ બાદ પણ અમારા સાસુ-વહુ ના સંબંધો અકબંધ છે. કૃપા કરી કોઈએ નજર લગાડવી નહી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here