કેરળના કુન્નુર જીલ્લામાં આવેલા કોયલાડુ ગામની ગ્રામપંચાયત દ્વારા એક અનોખો નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. જો તમે આ ગામમાં લગ્ન કરવા ઈચ્છતા હોવ તો તમારા લગ્ન ગ્રીન વેડિંગ હોવા જરૂરી છે અન્યથા તમને લગ્ન બાદ મેરેજ સર્ટિફિકેટ નહીં આપવામાં આવે. પ્લાસ્ટિક વેસ્ટથી ઉભી થતી પર્યાવરણની સમસ્યાથી લડવા માટે કોયલાડુ ગ્રામ પંચાયતે આ અનોખો આ અનોખો નિર્ણય લીધો છે.

કોયલાડુ ગ્રામપંચાયતના વિસ્તારમાં લગભગ 24,000 લોકોની વસ્તી છે અને આ ગ્રામપંચાયત રોજબરોજના બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિકના કચરાથી ઉભી થતી પર્યાવરણને લગતી સમસ્યાથી ઝઝૂમવા માટે પ્રયાસો કરી રહી છે. ગ્રામપંચાયતના આગેવાનોને જ્યારે ખબર પડી કે સૌથી વધારે પ્લાસ્ટિક કચરો લગ્ન સમારંભથી ઉભો થાય છે ત્યારથી તેમણે ગામમાં થતા તમામ લગ્નો માટે એક ગ્રીન પ્રોટોકોલ ફોલો કરવાની સૂચના આપી દીધી હતી અને આ પ્રોટોકોલનો ભંગ કરવાનો મતલબ, તમને તમારું મેરેજ સર્ટિફિકેટ નહીં મળે.
કોયલાડુ ગ્રામપંચાયત પાસેથી મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે ગામમાં લગ્ન આયોજિત કરવા માંગતા વ્યક્તિઓએ તેમના અરજીપત્રકસાથે વોર્ડ ઓફિસર પાસેથી તેમના લગ્ન ખરેખર ગ્રીન એટલેકે પ્લાસ્ટિક ફ્રી હતા તેનું સર્ટિફિકેટ જોડવું પડે છે.
કોયલાડુમાં આયોજિત થતા માત્ર લગ્ન સમારંભ જ નહીં પરંતુ અન્ય સમારંભો માટે પણ આયોજકોએ આ પ્રકારે ગ્રીન સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. તદુપરાંત જો સમારંભમાં ભાગ લેનારા લોકોની સંખ્યા 100 થી વધી જાય તો ગ્રામપંચાયત પાસેથી તેમણે પોતાના સમારંભ માટે આગોતરી મંજૂરી લેવી પડતી હોય છે.
આ પ્રકારનો વિચાર કોયલાડુ ગ્રામપંચાયતને કેવી રીતે આવ્યો એ જણાવ્યું ગ્રામપંચાયતના પ્રમુખ સુરેશે. તેમણે કહ્યું કે અગાઉ જ્યારે ગામમાં મોટા સમારંભો કે લગ્નો થતા ત્યારે મોટાભાગનું પ્લાસ્ટિક રસ્તા પર જ ફેંકી દઈને આયોજકો ચાલતી પકડતા. આમ થવાથી પક્ષીઓ અને કુતરાઓ માટે તે મિજબાનીની જગ્યા બની જતી અને બાદમાં આજુબાજુના આવાસોમાં ખરાબ ગંધ ફેલાવા માંડતી.
લગ્ન કે અન્ય આયોજનો દરમ્યાન ગ્રામપંચાયત દ્વારા અમલમાં મુકવામાં આવેલા પ્રોટોકોલ અનુસાર ચોકલેટ પણ સર્વ નથી કરી શકાતી કારણકે ચોકલેટનું રેપર પ્લાસ્ટિકનું હોય છે. અહીં આઈસ્ક્રીમ કે પછી અન્ય ડેઝર્ટને ડિસ્પોઝલ કપ અથવાતો પ્લેટમાં સર્વ કરવાનો પણ નિયમ છે.

એવું નથી કે કોયલાડુ ગ્રામપંચાયત પોતાનો નિર્ણય ગ્રામવાસીઓ પર થોપીને આગળ વધી જાય છે. જ્યારે પણ લગ્ન માટેની મંજૂરી લેવા કોઈ ગ્રામવાસી પંચાયતની ઓફિસે આવે છે ત્યારે તેને પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેમ હાનિકારક છે એ સમજાવવામાં તો આવે જ છે પરંતુ આવનારા લગ્ન સમારંભ દરમ્યાન તેઓ પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કેવી રીતે કરી શકે તેની સલાહ પણ આપવામાં આવે છે. આટલુંજ નહીં જ્યારે લગ્ન હોય ત્યારે સમારંભના સ્થળની બહાર કોયલાડુ ગ્રામપંચાયત “This Wedding is Green” એવું પોસ્ટર પણ બાંધે છે.
જો ઉપરોક્ત પ્રોટોકોલનો ભંગ થાય તો આયોજકે રૂ. 10,000 સુધીનો દંડ ભરવો પડતો હોય છે. વોર્ડ ઓફિસર વ્યક્તિગતરીતે લગ્નની વ્યવસ્થાનું ઈન્સ્પેક્શન કરીને સંતોષ પામે ત્યારબાદ જ તે ગ્રીન સર્ટિફિકેટ ઈશ્યુ કરે છે.
તમને ગમશે: કાસ્ટિંગ કાઉચ બોલીવુડ માં હોલીવુડ જેટલું જ પ્રચલિત
કોયલાડુ ગામમાં હવે લગ્ન દરમ્યાન પ્લાસ્ટિકના સાધનોને બદલે ડિસ્પોઝેબલ તેમજ ગ્લાસના વાસણો ઉપયોગમાં લેવામાં આવે છે. ગ્રામપંચાયતના પ્રમુખ સુરેશ ગર્વ સાથે કહે છે કે પહેલા પંચાયતના સભ્યોએ ગ્રીન પ્રોટોકોલનો અમલ પોતાને ત્યાં થતા લગ્ન સમારંભોમાં કર્યો અને ત્યારબાદ બાકીના ગ્રામવાસીઓએ તેને ફોલો કર્યો. આજે એવી હાલત છે કે આ પ્રોટોકોલનો ભંગ કરનાર ગ્રામવાસીઓની સંખ્યા આંગળીને વેઢે ગણી શકાય એટલી જૂજ છે.
શરૂઆતમાં ગ્રામવાસીઓની દલીલ હતી કે પ્લાસ્ટિકના વાસણો સસ્તા હોય છે અને તેને તેઓ એકવાર વાપરીને ફેંકી દઈ શકે છે જેથી તેમને સરળતા રહે છે. ગ્રામપંચાયત દ્વારા જો ગ્રામવાસીઓ પોતાના લગ્ન સમારંભોમાં ડિસ્પોઝેબલ અથવાતો કાચના વાસણોનો વપરાશ કરે તો તેનો નિકાલ અથવાતો તેને સાફ કરવાની જવાબદારી પોતે લેશે તેવી ઓફર કરવામાં આવતા બાદમાં ગ્રામવાસીઓ ગ્રીન પ્રોટોકોલ અપનાવવા માટે તૈયાર થયા હતા. આ કાર્ય માટે ગ્રામપંચાયતે એક ખાસ ટીમ પણ ઉભી કરી છે.
આ ઉપરાંત દર વર્ષે કોયલાડુ ગ્રામપંચાયત પ્લાસ્ટિક, ગ્લાસ અને ઈલેક્ટ્રોનિક વેસ્ટને પણ એકઠો કરીને તેને રિસાયકલીંગ યુનિટ્સને પહોંચતો કરે છે. આ વર્ષે ગ્રામપંચાયતે ગ્રામવાસીઓને વધુને વધુ વૃક્ષો ઉગાડવા માટે પ્રોત્સાહન આપ્યું છે.
eછાપું