20મી એપ્રિલે ‘ઉજ્જવલા દિવસ’ ઉજવાશે, પરંતુ આ દિવસની ઉજવણીના થોડા દિવસ અગાઉ જ દેશભરના ગરીબ પરિવારોને આંશિક રૂપે મફત LPG કનેક્શન અપાવતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) એ એક નવી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. પેટ્રોલિયમ મંત્રાલય પાસેથી મેળવવામાં આવેલા આધિકારિક ડેટા અનુસાર PMUY હેઠળ LPG કનેક્શન મેળવવાની અરજીની સંખ્યા જે 1 એપ્રિલ સુધી રોજની 30 થી 40 હજાર જેટલી હતી તેમાં મોટો ઉછાળ આવ્યો છે અને હવે આ સરેરાશ રોજની 1 લાખ અરજી સુધી પહોંચી ગઈ છે.

PMUY હેઠળ આંશિક મફત LPG કનેક્શન મેળવવા માટે અચાનક જ વધી ગયેલી અરજીઓ પાછળનું કારણ એ છે કે હવે આ યોજનાનો લાભ BPL પરિવારો ઉપરાંત સમાજના અન્ય ક્ષેત્રોના લોકો માટે પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે. PMUY ગરીબ અને BPL પરિવારોની મહિલાઓને ક્લીન ઉર્જા આપવાના ઉમદા હેતુસર શરુ કરવામાં આવી હતી જેથી સમાજના આ વર્ગની મહિલાઓ લાકડાના ધુમાડાથી બચીને પોતાનું આરોગ્ય સુધારી શકે.
2016ના મે મહિનામાં PMUY લોન્ચ કરવામાં આવી હતી અને તેનો પ્રથમ ટાર્ગેટ ભારતભરની 5 કરોડ BPL મહિલાઓને આંશિક રૂપે LPG કનેક્શન્સ પૂરા પાડવાનો હતો. આ યોજના માટે સરકારે 8,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. પરંતુ, ગરીબ મહિલાઓએ આ યોજનાને એટલી બધી સફળ બનાવી દીધી કે અત્યારસુધીમાં 3.75 કરોડ કનેક્શન્સ તો અપાઈ ચૂક્યા છે અને બાકીના કનેક્શન્સ તેના ટાર્ગેટ કરતા પણ વહેલા અપાઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
તમને ગમશે: જ્યારે અક્ષય કુમાર પણ અપમાનોનો સામનો કરી રહ્યો હતો
હજી પણ PMUYને વધુ આવકાર મળે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે કારણકે કેન્દ્ર સરકારે 14 એપ્રિલથી ગ્રામ સ્વરાજ અભિયાન શરુ કર્યું છે જે 21 દિવસ સુધી દેશભરના 17,000 થી પણ વધુ ગામડાઓમાં સરકારની સાત સૌથી મોટી અને મહત્ત્વની યોજનાઓનો પ્રચાર કરશે અને તે અંગે લોકજાગૃતિ લાવશે. આમ PMUY એ કેન્દ્ર સરકારની ટોચની સાત યોજનાઓમાંથી એક હોવાથી LPG કનેક્શન્સ માટેની અરજીઓની રોજીંદી સરેરાશ હજીપણ ઉંચે જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
ઉજ્જવલા યોજનાનો લાભ લેનાર વ્યક્તિએ પ્રતિ LPG કનેક્શન રૂ. 1,600 ચૂકવવાના રહે છે અને આટલી જ રકમનો ભાર સરકાર ખુદ વહન કરે છે. અરજદારે ઉપરોક્ત રકમ એડવાન્સમાં ચુકવવાની હોય છે પરંતુ તેને આ માટે તેલ કંપનીઓ લોન પણ આપે છે. લોનના હપ્તા ભરવા માટે દરેક LPG રિફિલિંગ દરમ્યાન અરજદારે સબસિડી જતી કરવી પડે છે અને જ્યારે લોન ભરપાઈ થઇ જાય પછી તેને સબસિડીનો લાભ મળવો શરુ થઇ જાય છે.
જો કે હાલમાં જ કરવામાં આવેલી એક જાહેરાત અનુસાર તેલ કંપનીઓ લોનની વસુલી PMUY હેઠળ હાલના તેમજ નવા LPG ગ્રાહકો માટે છ મહિના સુધી મુલતવી રાખવાની છે. આમ ગરીબ પરિવારો માટે PMUY win-win situation લઈને આવી છે અને તેની આવી સરળ શરતોને લીધેજ તે અતિશય લોકપ્રિય પણ થઇ છે.
eછાપું