હજી દસેક દિવસ પહેલા જ સેશેલ્સના રાષ્ટ્રપતિ ડેની ફાઉલેએ જાહેરાત કરી હતી કે એઝમ્પશન આયલેન્ડ અંગે ભારત સાથે થયેલા કરાર પર આગળ કોઈજ વાતચીત નહીં થાય. બે દિવસ અગાઉ ડેની ફાઉલે નવી દિલ્હીની મુલાકાતે હતા અને તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી વાતચીત થઇ અને વાતચીત પત્યા પછી જાણેકે કોઈ ચમત્કાર થયો હોય એમ જાહેરાત થઇ કે ભારત અને સેશેલ્સ વચ્ચે અગાઉ નક્કી થયા મુજબ જ એઝમ્પશન આયલેન્ડ પર ભારત અને સેશેલ્સ ભેગા મળીને લશ્કરી સુવિધા ઉભી કરશે.
આવું શા માટે થયું? માત્ર 6.7 કિલોમીટર લાંબા અને 2.9 કિલોમીટર પહોળા એઝમ્પશન આયલેન્ડ પર લશ્કરી સુવિધા ઉભી કરવા માટે ભારત આટલું અધીરું કેમ બન્યું છે? અને માત્ર દસ દિવસ અગાઉ જો સેશેલ્સે આ પ્રકારે લશ્કરી સુવિધા ભારત પાસે ઉભી કરવાની ના પાડી દીધી હતી તો નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા બાદ અચાનક જ ડેની ફાઉલે કેમ માની ગયા? ચાલો એક પછી એક આ સવાલોના જવાબ શોધીએ.

એઝમ્પશન આયલેન્ડ ભલે ટચૂકડો ટાપુ હોય પરંતુ તે હિન્દ મહાસાગરમાં જે જગ્યાએ આવેલો છે તે ભારત માટે અતિશય મહત્ત્વની જગ્યા છે. ભારતે હિન્દ મહાસાગરમાં પોતાનો જાપ્તો વધારવો છે. ભારતનો એક સર્વેલન્સ રેડાર ઓલરેડી સેશેલ્સમાં આવેલો છે. આ ઉપરાંત ભારતીય નેવીનો એક બેઝ મોરેશિયસના અગાલેગા આયલેન્ડ પર છે અને મોઝામ્બિકના દરિયાકાંઠે ભારતની સર્વેલન્સ બોટ્સ સદાય જાપ્તો કરતી જોવા મળતી હોય છે.
હવે એઝમ્પશન આયલેન્ડ મોઝામ્બિક ચેનલમાં એવી જગ્યાએ સ્થિત છે કે ત્યાં જેની પણ લશ્કરી સુવિધા હોય તેનું આ વિસ્તારમાં વર્ચસ્વ આપોઆપ વધી જાય. મોઝામ્બિક ચેનલ એ દેશ-વિદેશના વ્યાપારી જહાજોને પસાર થવા માટેની અતિશય મહત્ત્વની ચેનલ છે અને આથી સ્ટ્રેઈટ ઓફ મલાકા બાદ આ વિસ્તારમાં જો એઝમ્પશન આયલેન્ડ પર ભારતીય નેવીનું સ્ટેશન ઉભું થાય તો તે તેની બીજી સામરિક મહત્ત્વ ધરાવતી આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ બની જાય. સામે છેડે અંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ વિયેતનામ અને સિંગાપોરમાં પણ ભારતીય નેવી પોતાની હાજરી ધરાવે છે અને આથી એઝમ્પશન આયલેન્ડ પર પણ જો તેની હાજરી થાય તો ભારત ફરતે સુરક્ષાની એક આખી ચેઈન પણ ઉભી થાય.

આ ઉપરાંત ભારતે હાલમાં જ અમેરિકા અને ફ્રાન્સ સાથે લોજિસ્ટિક્સ સપોર્ટ માટેના કરાર કર્યા છે. આ કરારથી ભારત આ બંને દેશો સાથે પોતાની નેવીની સુવિધા શેર કરશે અને તેના બદલામાં અમેરિકા અને ફ્રાન્સ પણ આપણી નેવીને તેમની સુવિધાઓનો વપરાશ કરવા દેશે. આમ આ કરારને લીધે હિન્દ મહાસાગરમાં ભારતની હાજરી સેશેલ્સના જ ટાપુ રિયુનિયન, જ્યાં ફ્રેન્ચ નેવી પોતાનું થાણું જમાવીને બેઠી છે ત્યાંથી છેક આફ્રિકાના જિબુટી સુધી તેમજ અમેરિકાના ડિયેગો ગાર્સિયા આયલેન્ડ સુધી જોવા મળશે. આમ આ સમગ્ર વિસ્તારમાં ભારત-અમેરિકા-ફ્રાન્સ ભેગા મળીને માત્ર વ્યાપારી જહાજોજ નહીં પરંતુ એ વિસ્તારમાં ફરતી સબમરીનો પર પણ નજર રાખવાના છે.
એઝમ્પશન આયલેન્ડ પર ભારત ગમેતે અવરોધોને પાર કરીને પણ પોતાની લશ્કરી સુવિધા કેમ ઉભી કરવા માંગે છે તે માટે સહુથી મોટું કારણ છે ચીન. ચીને અત્યારસુધી ભારતની ફરતે બાંગ્લાદેશથી માંડીને શ્રીલંકા થઈને છેક પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સુધી પોતાની લશ્કરી હાજરી ઉભી કરી છે જેને ચીન ખુદ ‘મોતીની માળા’ જેવા સરળ શબ્દો જાણીજોઈને વાપરીને સ્વિકારે છે. અત્યારસુધીમાં અગાઉની ભારત સરકારોએ આ વિસ્તારમાં ચીનની હાજરીની અસર ઓછી કરવા માટે કોઈ ખાસ પ્રયાસ નથી કર્યા, પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે સત્તા સાંભળ્યા બાદ પોતાની નવી વિદેશનીતિ રૂપે હવે તેના પર કાર્ય કરવાનું શરુ કર્યું હતું અને ભલે ટચૂકડો ટાપુ રહ્યો પરંતુ એઝમ્પશન આયલેન્ડ તે વિદેશનીતિમાં અતિશય મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
2015માં નરેન્દ્ર મોદી જ્યારે સેશેલ્સની યાત્રાએ ગયા હતા ત્યારે તે સમયના સેશેલ્સના રાષ્ટ્રપતિ જેમ્સ માઈકલ સાથે એઝમ્પશન આયલેન્ડ પર ભારતીય નેવી બેઝ ઉભો અંગે કરાર કરવામાં આવ્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદીના સેશેલ્સ છોડ્યાના તુરંત બાદ ત્યાંના વિરોધપક્ષે આ કરારને નકારી દીધો હતો અને સેશેલ્સની સંસદે આ કરારને મંજૂરી ન આપતા મડાગાંઠ પડી હતી. સેશેલ્સના વિપક્ષ અને પ્રજાને એમ લાગતું હતું કે એઝમ્પશન આયલેન્ડ પર ભારતને લશ્કરી સુવિધા ઉભી કરવા દેવાથી સેશેલ્સના સામરિક હિતો અવરોધાશે.

બસ, ત્યારબાદ એઝમ્પશન આયલેન્ડ અંગે વાત આગળ વધી ન હતી અને કદાચ આથી જ ડેની ફાઉલે પણ પોતાની ભારત મુલાકાતના માત્ર દસ દિવસ અગાઉ જ આ કરાર પર હવે ચર્ચા શક્ય નથી તેવું કહી ચૂક્યા હતા. પરંતુ નવી દિલ્હી આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી ચર્ચામાં વડાપ્રધાને તેમને એ બાબતનો વિશ્વાસ આપ્યો હતો કે એઝમ્પશન આયલેન્ડ પર જે કોઇપણ કાર્ય થશે તેમાં બંને દેશોના હિત સચવાય તેનું ધ્યાન રાખવામાં આવશે અને ભારત અને સેશેલ્સ ભેગા મળીને એઝમ્પશન આયલેન્ડ પર આખું માળખું ઉભું કરશે. બસ વડાપ્રધાનની આટલી ગેરંટીએ તેનું કામ કર્યું અને ડેની ફાઉલે માની ગયા.
ભારતની આમ પણ આ જ રણનીતિ રહી છે. ચીન એક તરફ તેણે જ્યાં જ્યાં પણ પોર્ટ નાખવાનું કાર્ય કર્યું છે ત્યાં ત્યાં તેણે માત્ર પોતાની રીતે જ સુવિધાઓ તેમજ માળખા ઉભા કર્યા છે, મોટેભાગે પોતાને ત્યાંથી સસ્તો લેબર મોકલ્યો છે અને તેનું ઓપરેશન પણ પોતાના હાથમાં રાખે છે. જ્યારે ભારત જે-તે દેશની સાથે મળીને માળખું ઉભું કરે છે અને બને ત્યાંસુધી સ્થાનિકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરે છે અને માળખું ઉભું થઇ જાય પછી પણ સાથે મળીને તેને ચલાવે છે.
બસ હવે બોલ ડેની ફાઉલેની કોર્ટમાં છે હવે તે સેશેલ્સના વિપક્ષ અને પ્રજાને કેવી રીતે સમજાવી શકે છે કે એઝમ્પશન આયલેન્ડ પર સંપૂર્ણપણે સેશેલ્સનોજ કાબુ રહેશે અને ભારત માત્ર તેમાં મદદગારની જ ભૂમિકા ભજવશે.
eછાપું
તમને ગમશે:“અમે ગુજરાતી લે’રી લાલા” : એક સાર્થક, સચોટ અને સત્ય વચન