ફુગાવો એટલે શું? – ચાલો મેળવીએ ફુગાવા અંગેની સરળ સમજણ

0
1848
Photo Courtesy: The Tennessean

ફુગાવો એટલે સામાન્ય અર્થમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થતો વધારો. ચાલો ફુગાવા વિષે વિસ્તારમાં જાણીએ.

ફુગાવો એટલે શું?

ફુગાવાની સામાન્ય સમજ એવી છે કે રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવીકે ખાદ્ય પદાર્થો, કપડાં, આવાસ, મનોરંજન, ટ્રાન્સપોર્ટ, ગ્રાહકલક્ષી વસ્તુઓ વગેરેના ભાવમાં થતો વધારો. ફુગાવો એ એક નિશ્ચિત સમયમાં ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં થતા ફેરફારની ગણતરી છે. તેનાથી વિરુદ્ધ સ્થિતિ અને ભાવ સૂચકાંકમાં થતા ઘટાડાને વિચ્છેદન એટલેકે ‘deflation’ કહેવામાં આવે છે. ફુગાવો દેશના ચલણી નાણાની ખરીદશક્તિમાં આવેલો ઘટાડો સૂચવે છે. આ તમામ ટકાવારીમાં ગણવામાં આવતું હોય છે.

ફુગાવાની શું અસરો થઇ શકે છે?

ચીજવસ્તુઓ તેમજ સેવાઓ મોંઘી થતાં ચલણી નાણાની ખરીદશક્તિમાં ઘટાડો થાય છે. જ્યારે ફુગાવો ઉંચો હોય છે ત્યારે જીવન જીવવાનું મૂલ્ય પણ વધી જાય છે જેને કારણે આર્થિક વિકાસની ગતિ મંદ પડી જાય છે. અર્થતંત્રમાં ફુગાવાનું એક નિશ્ચિત સ્તર સ્વીકાર્ય પણ હોય છે જેથી ખર્ચને પ્રોત્સાહન આપી શકાય અને બચત દ્વારા નાણાના પ્રવાહને જે રીતે રોકવામાં આવે છે તેને નિરુત્સાહ કરવામાં આવી શકાય.

સમયાંતરે નાણું સામાન્ય રીતે પોતાનું મૂલ્ય ગુમાવતું જતું હોય છે જેથી લોકો નાણામાં રોકાણ કરે તે જરૂરી છે. રોકાણ કોઇપણ દેશના આર્થિક વિકાસને સુનિશ્ચિત બનાવે છે.

ભારતમાં ફુગાવાની ગણતરી કોણ કરે છે?

અર્થતંત્રને પ્રવાહિત રાખવા માટે કાર્યમાં લેવાતાં પગલાં પર ધ્યાન રાખવા માટે એક કેન્દ્રીય ઓથોરીટી ફુગાવાની ગણતરી કરે છે. ભારતમાં સ્ટેટેસ્ટિકસ એન્ડ પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશન મંત્રાલય ફુગાવાની ગણતરી કરે છે.

ફુગાવાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

ભારતમાં મુખ્યત્વે બે સૂચકાંકનો આધાર લઈને ફુગાવાની ગણતરી કરવામાં આવે છે – WPI (હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ) અને CPI (કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ), જે અનુક્રમે હોલસેલ અને રિટેઈલ સ્તર પર ભાવમાં થતાં ફેરફારની ગણતરી કરે છે. CPI એ ખાદ્યપદાર્થ, આરોગ્ય સેવા, શિક્ષણ, ઇલેક્ટ્રોનીક્સ વગેરે જેવી ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં આવેલા ફેરફારની ગણતરી કરે છે, જે ગ્રાહકો વપરાશ માટે ખરીદતા હોય છે.

તો બીજી તરફ ચીજવસ્તુઓ અને સેવાઓ જે મોટા વ્યાપારીઓ નાના વ્યાપારીઓને આગળના વેચાણ માટે વેંચતા હોય છે તેની ગણતરી WPI દ્વારા થતી હોય છે. ભારતમાં WPI (હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ) અને CPI (કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ) બંને ફુગાવાની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

ફુગાવાના મુખ્ય કારણો કયા છે?

ભારતમાં ફુગાવાના મુખ્ય કારણો અંગે ઘણી ચર્ચા વિચારણા થતી હોય છે. પરંતુ ભાવવધારા માટે નીચેના કારણો મુખ્ય હોય છે:

  • વિવિધ ચીજવસ્તુઓની ઉંચી માંગ અને ઓછું ઉત્પાદન માંગ અને સપ્લાય વચ્ચેની ખાઈ ઉભી કરે છે જેને કારણે ભાવમાં વધારો થાય છે.
  • નાણાનો વધુ પડતો ફેલાવો ફુગાવો ઉભો ક્રરે છે કારણકે તેના કારણે નાણું પોતાની ખરીદશક્તિ ગુમાવી બેસે છે.
  • વધુ નાણું ધરાવતા લોકો વધુ ખરીદી કરતાં હોય છે જેને કારણે માંગમાં વધારો થતો હોય છે.

નીચે આપેલા મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ:

  • કોઈ ખાસ ચીજવસ્તુઓના ઉત્પાદનના ખર્ચમાં વધારો થાય તો પણ ફુગાવો થતો હોય છે કારણકે તેને કારણે અંતિમ સ્વરૂપે ઉત્પાદિત થતી વસ્તુનો ભાવ પણ વધતો હોય છે. આને કિંમતો દ્વારા ઉભો થયેલો ફુગાવો કહેવામાં આવે છે.
  • શ્રમિકોના જીવનસ્તરને જાળવી રાખવા તેમના ભથ્થાં અને તેમના પર થતા અન્ય ખર્ચાઓમાં થતાં વધારાને કારણે પણ ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થતો હોય છે. આને કારણે ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થતો જોવા મળતો હોય છે.

શું ફુગાવો તમામ લોકો માટે ખરાબ છે?

ફુગાવાને દરેક લોકો પોતાની સંપત્તિના આધારે જુદીજુદી રીતે મુલવતાં હોય છે. કેટલાક માટે રિયલ એસ્ટેટ અને ભરી રાખેલા માલસામાનના કરેલા રોકાણને લીધે તેમના માટે ફુગાવાનો મતલબ તેમની સંપત્તિના ભાવમાં વધારો થયો છે. જે લોકો માત્ર રોકડ ધરાવતા હોય છે તેમના માટે ફુગાવાની નકારાત્મક અસર થાય છે કારણકે તેમની રોકડમાં ઘટાડો થતો હોય છે.

ફુગાવાની અસરોથી પોતાને કેવી રીતે સુરક્ષિત કરશો?

શેરમાં રોકાણ કરો

સામાન્ય રીતે શેરમાં રોકાણ કરવા અંગે લોકો ઓછો વિશ્વાસ ધરાવતા હોય છે પરંતુ કેટલાક શેર્સની માલિકી તમને ફુગાવા સામે લડવામાં ઘણી મદદ કરી શકે છે. તમારા ઘરની એક વ્યાપાર તરીકે કલ્પના કરી જુઓ. જો કોઈ કંપની વિવિધ પ્રોજેક્ટ્સમાં પોતાના નાણાનું વ્યવસ્થિત રોકાણ નહીં કરે તો તેને પણ તેના ખર્ચ કરતાં વધુ વળતર નહીં મળે અને તેથી તે પણ ફુગાવાનો ભોગ બની જશે. કોઇપણ વ્યાપારની સફળતાના મૂળમાં એક જ હકીકત છે કે વ્યાપારી સંસ્થાઓએ તેમના માલસામાન ઉંચી કિંમતે વેંચવા જોઈએ જેને કારણે તેમની આવકમાં વધારો થાય, કમાણી વધે અને આથી છેવટે તેમના શેરના ભાવ પણ ઉંચકાય.

ફુગાવા દરમ્યાન કેટલાક એવા શ્રેષ્ઠ સ્ટોક્સમાં રોકાણ કરવું જોઈએ જે ફુગાવાના સમય દરમ્યાન કુદરતી રીતે તેમની કિંમતમાં વધારો કરી શકતા હોય. ચીજવસ્તુઓની પ્રાપ્તિ કરતી કંપનીઓ તેનું એક ઉદાહરણ છે. ચીજવસ્તુઓ જેવીકે તેલ, અનાજ અને ધાતુને ફુગાવાના સમય દરમ્યાન ઉંચી કિંમત મળતી હોય છે. આ વસ્તુઓની કિંમતો કમ્પ્યુટર જેવી વસ્તુ જેની કિંમત જે ઉત્પાદક અને વ્યાપારી વચ્ચે કિંમતની ગોઠવણ પર આધારિત હોય છે, તેનાં કરતા વધવાની જ છે.

તેમ છતાં, કિંમતોમાં થતો વધારો એ ફુગાવા સામે પુરતું રક્ષણ તો નથી જ આપતો. જો કોઈ કંપની ભાવવધારાનો અનુભવ કરી રહી છે તો કિંમતનો વધારો થાય તે તેની ઇક્વિટીનો ભાવ પણ વધારી આપવા માટે પુરતું નથી હોતું.  આ જ કારણ છે કે કરીયાણાની દુકાનનો માલિક કદાચ વસ્તુઓના ભાવવધારાથી લાભ જરૂર પામશે પરંતુ તેને પણ પોતાનો માલ વેંચવા માટે વધેલો ભાવ મુશ્કેલી જરૂર ઉભી કરશે.

એવા વ્યાપારમાં રોકાણ કરો, ઉદાહરણ તરીકે કોમોડીટીની કંપનીઓ અથવાતો હેલ્થકેર કંપનીઓ જેમનું નફાનું પ્રમાણ સહુથી ઊંચું હોય છે અને સામાન્ય રીતે તેમનો ઉત્પાદન ખર્ચ ઘણો ઓછો હોય છે. છેવટે એમ કહી શકાય કે ફુગાવાના સમય દરમ્યાન ડીવીડન્ડનું મૂલ્ય જરાય ઓછું ન આંકતા. ડીવીડન્ડ તમારા પોર્ટફોલિયોના કુલ વળતરમાં વધારો કરે છે.

આવાસમાં રોકાણ કરો

જો યોગ્ય કારણો હોય જેમ કે તમારે રહેવા માટેનું ઘર, તો રિયલ એસ્ટેટમાં રોકાણ એ કાયમ સારું રોકાણ જ હોય છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે તેને ખરીદનાર ફક્ત નફો કમાવવા માટે તેમાં રોકાણ કરતો હોય છે. જો કે અનુભવી રિયલ એસ્ટેટ રોકાણકારને આ સંપત્તિઓમાં છુપાયેલી અસલી કિંમતની ખબર હોય છે પરંતુ સામાન્ય વ્યક્તિએ ઘરની ખરીદી તેને લાંબા સમય સુધી પોતાના કબજામાં રાખવાની નિયતથી કરવી જોઈએ, ભલે તે ફક્ત અમુક વર્ષ સુધીજ હોય તો પણ. રિયલ એસ્ટેટનું રોકાણ તમને અમુક મહિનાઓ કે અઠવાડિયાઓમાં વળતર આપતું નથી તેની કિંમતમાં ખરો વધારો ત્યારેજ થાય છે જ્યારે તમે અમુક વર્ષ રાહ જોવા માટે તૈયાર હોવ.

આવાસની ખરીદી કરનાર તરીકે, જો તમે પૂરી રકમ રોકડમાં નથી આપતા તો તમારે ઘરના મૂલ્યની કેટલીક રકમ ડાઉન પેમેન્ટ તરીકે આપીને લોન લેવી પડે છે જેને મોર્ગેજ પણ કહેવામાં આવે છે જે બાકી રહેલા મૂલ્ય જેટલું હોય છે. મોર્ગેજ પણ અલગ પ્રકારના હોય છે – ફિક્સ્ડ રેટ અને એડજેસ્ટેબલ તેના સર્વસામાન્ય પ્રકારો છે, પરંતુ મૂળ રકમ તો એક જ રહેતી હોય છે. તમે દરેક મહીને મૂળ રકમનો કેટલોક હિસ્સો ભરતા હોવ છો, ત્યાં સુધી જ્યાં સુધી તમે તમારી સંપત્તિના ઋણમાંથી મુક્ત નથી થઇ જતા, આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાંબો સમય લાગતો હોય છે.

જો તમે ફિક્સ્ડ રેટ મોર્ગેજ મેળવો છો તો તો ભાવ વધવાના સંજોગોમાં તમને ભવિષ્યના દેવાંમાં ચલણની કિંમત સસ્તી થાય તો લાભ થતો હોય છે. પરંતુ જો ભાવ વધે તો પણ તમે તો નક્કી કરેલી રકમ પૂરતાં જ જવાબદાર હોવ છો. તમને મોર્ગેજ માટે મળતા વિવિધ વિકલ્પોને તમારે ધ્યાનથી જાણવા જોઈએ તે અત્યંત જરૂરી છે.

જમીનની જેમ જ આવાસની કિંમત પણ પ્રતિ વર્ષના દરે વધતી હોય છે. એ પણ એટલુંજ સત્ય છે કે રિયલ એસ્ટેટનો ફુગ્ગો ઘણીવાર ભાવઘટાડાના સમયમાં ફૂટી જતો હોય છે જેને કારણે તમે આવાસનું અડધું મૂલ્ય પણ કદાચ ગુમાવી બેસતા હોવ છે. પરંતુ સરેરાશ એવી જોવા મળી છે કે સમયાંતરે આવાસની કિંમત વધતી જ હોય છે જે ફુગાવાની અસરને ઓછી કરતી હોય છે.

તમારી જાતમાં રોકાણ કરો

અસ્પષ્ટ નાણાંકીય ભવિષ્ય માટે તૈયારી કરવા માટે પોતાની જાતમાં રોકાણ કરવું તે અત્યારસુધીનું શ્રેષ્ઠ રોકાણ છે. એવું રોકાણ જે તમારા ભવિષ્યની આવકની શક્તિમાં વધારો કરે.

આ પ્રકારનું રોકાણ ગુણવત્તાસભર શિક્ષણ લેવાથી શરુ થતું હોય છે અને તે તમારા કૌશલ્યને સતત ત્યાં સુધી અપગ્રેડ કરતું રહે છે જ્યાં સુધી તમને તેની જરૂર લાંબાગાળાના ભવિષ્યમાં ન પડે. વ્યાપારની સતત બદલતી જતી માંગની ટોચ પર રહેવાથી કદાચ તમારી આવકને ફુગાવાથી રક્ષણ નહીં આપી શકે પરંતુ તમારી કારકિર્દીને મંદીથી રક્ષણ જરૂર આપશે.

શ્રી પ્રણય સંઘવી mahadao.com ના સ્થાપક છે.

eછાપું 

તમને ગમશે – પેટ્રોલ અને ડીઝલ GST હેઠળ આવે એ સ્વપ્ન કદાચ સ્વપ્ન જ રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here