ગૌરી વ્રત અને અને જયા પાર્વતીના વ્રત કરવા પાછળનું કારણ શું છે?

0
1327
Photo Courtesy: Prapti Buch

હિન્દુ શાસ્ત્રો અનુસાર કુમારિકાઓ મનગમતો પતિ પામવા માટે માતા પાર્વતીનું વ્રત એટલેકે ગૌરી વ્રત કરે છે જે અષાઢ મહિનાના શુક્લપક્ષની તેરસથી શરૂ થાય છે અને અષાઢ વદ બીજ સુધી ચાલે છે. આ વર્ષે 23 જુલાઈ 2018 થી આ ગૌરી વ્રતનો પ્રારંભ થયો.

ભગવાન શિવની પૂજા કરીને અને પાંચ દિવસ ઉપવાસ કરીને કરાતા આ ગૌરી વ્રત કુંવારી કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. કહેવાય છે કે ઉત્તમ વર મળે, સંતાન સુખ મળે, સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે માટે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતના અંતિમ દિવસે અખંડ દિવો પ્રગટાવીને કન્યાઓ આખી રાતનું જાગરણ કરે છે અને પરોઢે શિવજીની પૂજા કરીને વ્રતનું સમાપન કરે છે. ગૌરી વ્રત દરમિયાન કન્યાઓ મહેંદી મુકાવે છે તેમજ  મીઠુ અને ધાન્ય ગણાતો ખોરાક ત્યજે છે અને લગ્ન બાદ પણ પહેલે વર્ષે આ વ્રત કરી, તેની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.

Photo Courtesy: Prapti Buch

આ જ રીતે જયા પાર્વતીનું વ્રત પણ કરવામાં આવે છે. એક પૌરાણિક કથા પ્રમાણે કૌન્ડિય નામના નગરમાં એક શિવ ભક્ત બ્રાહ્મણ દંપતી હતું. તેઓ ઈશ્વરની કૃપાથી સુખી હતાં પણ સંતાનપ્રાપ્તિના સુખથી વંચિત હોવાથી સતત તેઓ અફસોસ કરતાં. તેઓના નિયમિત પૂજા ભાવથી શિવજી પ્રસન્ન થયા અને કહ્યું કે જંગલમાં કોઇ જગ્યાએ શિવલિંગ છે જેની પૂજા અર્ચના ક્યારેય થતી નથી એટલે સંતાન સુખની શોધ ત્યાં પૂજા કરવાથી પૂર્ણ થશે. પૂજા કરતાં કરતાં બ્રાહ્મણને સર્પ કરડી જતાં તેઓ ત્યાં બેભાન થઈ ગયાં. તેમની પત્ની, બ્રાહ્મણ યોગ્ય સમયે પરત ન આવતા ચિંતા કરવા લાગી અને તેણે પણ શિવ – પાર્વતીને પ્રસન્ન કરવા તપ કર્યું. તેની આ આકરી તપસ્યા જોઇને વન દેવતા અને માતા પાર્વતી પ્રસન્ન થયા અને તેઓ બ્રાહ્મણને ભાનમાં લાવ્યા. ત્યારબાદ બ્રાહ્મણ અને તેની પત્નીએ શિવલિંગની પૂજા કરી અને તેમને ત્યાં સંતાન થયું.

લાગતું વળગતું: સમાજ દર્પણ – ગામડાઓમાં થતી સાટુ પ્રથા કે લગ્ન સંસ્થા માટે ખતરો

આજના સમયમાં પણ કુંવારી કન્યાઓ આ વ્રતને એટલી જ હોંશ સાથે કરે છે. સંસ્કાર ગ્રહણ કરે છે. પણ, સમય જેમ જેમ બદલાયો, તેમ તેમ ઉજવણીમાં પણ પરિવર્તન આવ્યું છે. આ વ્રત દરમિયાન, માતાપિતા દીકરીઓને બહાર હરવા – ફરવા લઈ જાય છે. તેમને ગમતી તમામ પ્રવૃતિઓ કરે છે. પાંચમે દિવસે ધામધૂમથી વ્રત ઉજવે છે. ભારત દેશમાં સમય, સંજોગો, ઇચ્છાઓ બધું જ બદલાય, પણ સંસ્કાર હજી સુધી તેમની જગ્યાએથી ડગ્યાં નથી, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

 

ગૌરી વ્રત સ્પેશિયલ

Photo Courtesy: Prapti Buch

 

ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો,

ગોરમા બારી ઉઘાડો રે, ગોરમાનો વર કેસરિયો.

 

આવી પેલી પંથ પૂજારણ, ગોરમાનો વર કેસરિયો,

કંઈ બેન ભોળા ને વાંકા અંબોડા,ગોરમાનો વર કેસરિયો.

 

વાંકા અંબોડા ને ઘૂઘરિયા ચૂડા, ગોરમાનો વર કેસરિયો,

ઘૂઘરિયા ચૂડ સિંદૂરના સેંથા, ગોરમાનો વર કેસરિયો.

 

ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા,

પગમાં પહેરી પાવડી ને પટપટ કરતો જાય રે ગોરમા.

 

માથે તો મુગટ મોડિયું ને છમછમ ફરતો જાય રે ગોરમા,

હાથે પટોળી લાકડી રે તે, ઠમઠમ કરતો જાય રે ગોરમા.

 

હાથે બાજુબંધ બેરખાં રે, ગોરમાનો વર કેસરિયો,

ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો.

અસ્તુ.

 

eછાપું

તમને ગમશે: સલમાન ખાન પરના ચુકાદાએ આપણા બેવડા ધોરણો ખુલ્લા પાડ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here