વાજપેયીની ઐતિહાસિક દિલ્હી – લાહોર બસયાત્રા જેને પાકિસ્તાન હજી યાદ કરે છે…

1
496
Photo Courtesy: dnaindia.com

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ઐતિહાસિક દિલ્હી – લાહોર બસયાત્રા વિષે જાણીએ તે અગાઉ તેની પશ્ચાદભૂ  જરા જાણી લઈએ તો?

એક સમયે રીસર્ચ એન્ડ અનાલિસીસ વીંગ (R&AW) ના વડા અને ઈન્ટેલીજન્સ બ્યુરો (IB)ના સ્પેશિયલ ડાયરેક્ટર રહી ચૂકેલા અમરજીત સિંઘ દુલતે વાજપેયી સરકારમાં પી.એમ. ઓફિસમાં કામ કર્યું છે. ભારત સરકારની કાશ્મીર મુદ્દે શાંતિની પહેલ માટે નિયંત્રણ કરવું, વહીવટ કરવો અને સરકારનું માર્ગદર્શન કરવું – આ દુલતની જવાબદારીઓ હતી. 1940માં પંજાબના સિયાલકોટમાં જન્મેલા દુલત 1965 થી 1969માં IPS, 1969 થી 1990માં IB અને પછી R&AWમાં પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. દુલતનું પુસ્તક ‘કાશ્મીર – ધ વાજપેયી યર્સ’ (Kashmir – The Vajpayee Years) 2015માં બહાર પડ્યું ત્યારથી જ તેઓ મિડીયાના કેન્દ્રમાં રહ્યા છે. અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન કાશ્મીર અને પાકિસ્તાન વિશેની પી.એમ.ઓફિસમાં થતી ગતિવિધિઓ વિશેની અંતર્ગત વાતો આ પુસ્તકમાં લોકો સમક્ષ મૂકવામાં આવી છે.

29 નવેમ્બર 2014, ઈન્ડીયન એક્સપ્રેસ માટેનો ઈન્ટરવ્યુ

ઈન્ટરવ્યુ લેનારઃ મુઝામિલ જલીલ

ઈન્ટરવ્યુ આપનારઃ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને PDPના વડા મુફતિ મોહમ્મદ સઈદ

નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા એ વાતને છએક મહિના વીતી ગયા હતા. મુફતિએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાશ્મીર વિશે આગળ વધવા અને પાકિસ્તાન સાથે દુશ્મનાવટનો અંત લાવવા માટે માત્ર એક જ રસ્તો છે: ‘વાજપેયી માર્ગ’. તેમના જણાવ્યા મુજબ, આનો અર્થ માત્ર એક જ છે – સંવાદ. બાકી બધુ સમયનો વેડફાટ જ છે, એમ તેમણે કહ્યું હતું.

મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારથી જ કાશ્મીરના મુસ્લિમોને એક આશા હતી કે મોદી ભાજપના ઉમેદવાર હતા અને એટલે જ એ વાજપેયીની જેમ જ આ મડાગાંઠ છોડવામાં મદદરૂપ થશે. પણ લોકસભા ચૂંટણીના છ મહિના પછી પણ કોઈ એંધાણ દેખાતા ન હતા. વાજપેયી એવું તે શું કરવાની કોશિશ કરતાં હતાં જેનાથી કાશ્મીરીઓને ખુશી થતી?

વાજપેયીએ રાષ્ટ્રીય સુરક્ષા ટીમને હંમેશા કહેતાં: इस गुत्थीको सुलझाना ही है। આ એ જ ગાંઠ હતી જે ભારતના સ્વાતંત્ર્યથી એક મોટી સમસ્યા હતીઃ ભારત-પાકિસ્તાન-કાશ્મીર. હુર્રિયત (આઝાદી) ઈચ્છતા અલગતાવાદીઓને સરકાર સાથે ઔપચારિક અને વ્યવહારિક રીતે બેઠકમાં બોલાવવા હોય, કાશ્મીરમાં શાંતિ જોઈતી હોય, પાકિસ્તાનમાં શાંતિ જોઈતી હોય તો તેમની સાથેની સમજૂતી ફક્ત અને ફક્ત સંવાદ સાધીને જ કરી શકાય છે વાજપેયી સમજી ગયા હતાં અને એટલે જ તેમની સ્ટ્રેટેજી ખૂબ જ સરળ હતીઃ સંવાદ (ડાયલોગ). આ એવી એક વ્યૂહરચના હતી જે વાજપેયીના વડા પ્રધાનપદ પરથી ઊતર્યા પછી પણ દસ વર્ષ સુધી પ્રસ્તુત અને સુસંગત રહી.

આવું શાંતિનું કામ હાથમાં લેવું કોઈ નાની વાત નથી. વાજપેયી એક અત્યંત વિશ્વાસપૂર્વકના રાજકારણી હતા. તે એટલા કોન્ફીડેન્ટ હતા કે જનતા સરકારમાં તેમના વિદેશ મંત્રીના કાર્યકાળ દરમિયાન તેમણે બે મહત્ત્વના કામ કર્યાઃ 1962 માં ભારતની શરમજનક હાર બાદ, પ્રથમ વખત 1979માં ચીન સાથે સંબંધ સ્થાપિત કરવા માટે વાજપેયીએ હાથ આગળ વધાર્યો. બીજું 1971 ના યુદ્ધ પછી 1979માં પાકિસ્તાન સાથે પણ મુલાકાત કરીને સંબંધ સુધારવાની કોશિશ કરી. વીસેક વર્ષ પછી જ્યારે પોતે વડાપ્રધાન બન્યાં ત્યારે એક નવો શાંતિનો આવો પ્રયાસ કરવો એમના માટે કોઈ નવી વાત ન હતી.

Photo Courtesy: dnaindia.com

વાજપેયીએ શાંતિ પહેલ હાથ ધરી અને 20 ફેબ્રુઆરી 1999 ના રોજ દિલ્હી અને લાહોર વચ્ચે પ્રથમ બસમાં પ્રવેશ મેળવ્યો. ફરીથી, તે એક લાંબો નીરસ તૂટેલો સંબંધ જોડાવા જઈ રહ્યો હતો. 1989 માં એક વડા પ્રધાન (રાજીવ ગાંધી) દ્વારા પાકિસ્તાનની પહેલી મુલાકાત પછી લોકોની આશા આ બસ યાત્રા પર હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે બસયાત્રાનો કોન્સેપ્ટ જ અકલ્પનિય હતો જે કોઈ પણ વડા પ્રધાન ક્યારેય હિંમત કરી શકતો નહીં. આ દિલ્હી-લાહોર બસનો વિચાર કઈ રીતે અને ક્યાં આવ્યો હશે? એ વખતના વિદેશ મંત્રી જસવંત સિંહની યાદો મુજબ, 23 સપ્ટેમ્બર 1998 ના રોજ વાજપેયી અને નવાઝ શરિફ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં બપોરના ભોજન માટે મળ્યા ત્યારે શરીફે વાતવાતમાં કહ્યું કે 1982માં તેમણે એશિયન ગેમ્સ જોવા માટે દિલ્હી સુધી પોતે કાર ચલાવીને આવ્યા હતા. આ જ વાત પરથી દિલ્હી-લાહોર બસ સર્વિસની વાતને સમર્થન મળ્યું.

પછી નવાઝ શરીફની આ આઈડિયા પરથી 4 ફેબ્રુઆરી 1998 ના રોજ ઇન્ડિયન એક્સપ્રેસના શેખર ગુપ્તાને એક મુલાકાતમાં તેમણે વાજપેયીને પ્રથમ બસને લાહોર લાવવા માટે આમંત્રણ આપ્યું. વાજપેયીએ એ જ બપોરે આમંત્રણ સ્વીકાર્યું અને 20 ફેબ્રુઆરીના બસયાત્રા શરૂ થઈ. આ બસ યાત્રાને ‘સદા-એ-સરહદ’ નામ આપવામાં આવ્યું હતું. બસમાં પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ સહિત 22 અન્ય ભારતીયો, ફિલ્મ સ્ટાર દેવ આનંદ, શત્રુઘ્ન સિન્હા, મલ્લિકા સારાભાઈ, જાવેદ અખ્તર અને ક્રિકેટર કપિલ દેવ પણ હતાં. જો કે વાજપેયી દિલ્હીથી નહીં પણ અમૃતસરથી બસયાત્રામાં જોડાયા હતા. ધીમે ધીમે વાઘા બોર્ડર પસાર કરતાં લાહોર પહોંચ્યા ત્યાં તો નવાઝ શરીફે તેમનું ખૂબ જ ભાવનાપૂર્વક સ્વાગત કર્યું.

વાજપેયીની મુલાકાત દરમિયાન શૌકત જાવેદ લાહોર ના પોલીસ વડા હતા. મૂળતઃ 1971ના યુદ્ધ દરમિયાન એ યુદ્ધના કેદી તરીકે ભારતની જેલમાં ફસાયેલા હતા. વાજપેયીએ જે 26 કલાક લાહોરમાં વીતાવ્યા એમાં મોટાભાગના સમય માટે, જાવેદ મુલાકાતી વડાપ્રધાનના જૂથનો એક ભાગ હતા. જાવેદે દુલતને વાજપેયીની મુલાકાત વિશે અને તેમના શહેરમાં ઉત્સાહ વિશે જણાવ્યું છે. જાવેદે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નવાઝ શરીફ પોતે બધી વ્યવસ્થામાં ઘણો રસ દાખવતા હતા. દાખલા તરીકે, લાહોરના કિલ્લાના દિવાન-એ-ખાસ ખાતે યોજાયેલા ડિનર માટે દરેક વિગતોનું નિરીક્ષણ કરી અને એમણે દરેક વસ્તુ લાહોરી શૈલીમાં હોય એનું ધ્યાન રાખ્યું હતું. આ ડિનરનો કોન્ટ્રેક્ટ ફૈઝ અહેમદ ફૈઝની મોટી દીકરી સલિમા હાશ્મી અને જમાઈ શોએબને સોંપ્યો હતો.

લાગતું વળગતું: LOL! પાકિસ્તાની IT કંપનીઓ પણ આવી જ છે…

વાજપેયી એ ભોજન સમારંભ માટે કિલ્લાની નજીક આવ્યા તે વખતે જમાત-એ-ઈસ્લામી દ્વારા રસ્તાઓ પર એક પ્રદર્શન થયું અને તેના સભ્યોએ પથ્થરો દ્વારા હુમલો કર્યો. કેટલાક રાજકારણીઓની કારોને નુકસાન થયું પણ બીજી સવારે વાજપેયીએ જાવેદને ગવર્નર હાઉસમાં મળવાનું કહ્યું. મળતાની સાથે જ વાત કરી, ‘તમારા પી.એમ.એ મને બોલાવ્યો છે અને બધી જ વ્યવસ્થા સારી છે. આવા રસ્તા પરના પ્રદર્શનો  અને પથ્થરમારા અમારા દેશમાં હંમેશાં થાય છે, કૃપા કરીને એના વિશે ચિંતા ન કરો.’

વાજપેયીએ મિનાર-એ-પાકિસ્તાનની મુલાકાત લીધી (જે 23 મી માર્ચ, 1940 ના મુસ્લિમ લીગ ઠરાવનું સ્મારક હતું અને ભારતીય ઉપખંડના મુસ્લિમો માટે અલગ દેશની રચના માટે બનાવવામાં આવ્યું હતું). જાવેદે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકારને વાજપેયી મિનાર-એ-પાકિસ્તાન જાય એ વાતની જરાય આતુરતા ન હતી. તેઓ ચિંતિત હતાં કે વાજપેયી પાકિસ્તાનની રચના અથવા અસ્તિત્વ વિશે કંઈક કહેશે અને બળતામાં ઘી હોમાશે. પરંતુ, વાજપેયીએ જવાનું નક્કી જ રાખ્યું. તેમની એ મુલાકાત એટલી સારી રહી લાહોર ઘોષણાપત્ર પર એ જ મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા. વાજપેયીએ સ્મારકમાં વિઝિટર બુકમાં પણ હસ્તાક્ષર કર્યા અને લખ્યું, ‘એક સ્થિર, સલામત અને સમૃદ્ધ પાકિસ્તાન ભારત ઈચ્છે છે. પાકિસ્તાનમાં કોઈને પણ શંકા ન થાઓ. ભારત પાકિસ્તાનનું ભલું જ ઈચ્છે છે.’

એ જ બપોરે ગવર્નર હાઉસ ખાતે તેમના માટે એક સિવિક રીસેપ્શન, લાહોર ના મેયર ખ્વાજા અહમદ હસન દ્વારા યોજાયું હતું જેમાં વાજપેયીના મિનાર-એ-પાકિસ્તાન વખતે આપેલા નિવેદનથી પાકિસ્તાનના વિભાગોમાં અસ્તિત્વના ભયને દૂર કરવા માટે ઘણું મદદરૂપ રહ્યું. વાજપેયીએ સંમેલનમાં એ પણ જણાવ્યું હતું કે પ્રવાસ માટેની તેની મૂળ યોજના માત્ર સરહદ સુધીની જ હતી પણ નવાઝ સાહેબે તેમને લાહોર ની મુલાકાત માટે મનાવી લીધા અને કહ્યું: दर तक आये हो, घर नहीं आओगे? વાજપેયી આ પહેલા બે વાર લાહોર આવેલા – એક વિદ્યાર્થી તરીકે અને વિદેશી મંત્રી તરીકે. વાજપેયીએ એમના ભાષણમાં કહ્યું કે ‘લાહોરની મુલાકાત દરમિયાન તમે જ્યાં સુધી અનારકલી બજાર ન જાઓ ત્યાં સુધી એ અપૂર્ણ ગણાય પણ મિયા સાહેબે (નવાઝ શરીફને વાજપેયી મિયાં સાહેબ કહેતાં) તો અહીં જ અનારકલી બનાવી દીધું છે. હું ભારત પાછો જઈશ ત્યારે લોકો મને પૂછશે કે “आप क्या पाकिस्तान पर मोहर लगाने हये थे?” અને એ પ્રશ્નનો ઉત્તર છે કે પાકિસ્તાનને કોઈ મોહર કે સહી સિક્કાની જરૂર નથી. આપણે આપણા મિત્રોની પસંદગી કરી શકીએ પણ પાડોશીની પસંદગી કાયમી હોય છે અને આપણા હાથમાં નથી હોતી.’

વાજપેયીના આ ભાષણ માટે 5 મિનિટનું સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું અને બસયાત્રા ખૂબ જ સફળ નીવડી. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું અને પછી થોડાં જ સમયમાં કારગીલ યુદ્ધના બ્યુગલો વાગ્યા. કારગીલ યુદ્ધ દરમિયાન પણ આ બસ સર્વિસ રોકવામાં આવી ન હતી. ફક્ત 2001માં ભારતીય સંસદ પર થયેલા હુમલા પછી આ સર્વિસ બંધ કરી દેવાઈ.

પડઘોઃ

Despite being from the BJP, Atal Behari Vajpayee was quite a liked figure in Pakistan – not least because he himself came to Lahore on the Dosti Bus – also explains why he’s already trending at No 1 in Pakistan.

વાજપેયીને શ્રદ્ધાંજલી આપતું પાકિસ્તાનના જર્નલિસ્ટ ઓમર કુરેશીનું 16 ઓગસ્ટ, 2018 ના દિવસનું ટ્વીટ

eછાપું 

તમને ગમશે: અથાણાં એ શાકભાજીનો વિકલ્પ તો બિલકુલ નથી જ: આયુર્વેદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here