અથાણાં એ શાકભાજીનો વિકલ્પ તો બિલકુલ નથી જ: આયુર્વેદ

4
244
Photo Courtesy: framedrecipes.com

વાત અથાણાં ની…એમાંય આથો આવે એમાંય આલ્કોહોલિક સ્મેલ આવે. જયારે શાક સારું ન બન્યું હોય અને કહેવાની હિંમત ન ચાલે ત્યારે અથાણાં વહારે આવે છે. પ્લેનથી લઇ બસ સુધી જેમાં અથાણું સોડમ ફેલાવી ચુક્યું ન હોય એવી કોઈ જગ્યા નથી. અને પ્રવાસમાં તો ઢેબરાં ને અથાણાં જાણે મોદી ને અમિત શાહ જેવી જુગલબંદી…ભેગા થયા એટલે બધા ના ભુક્કા બોલી જાય. અમુક એર લાઈન્સમાં અથાણાંની સોડમ ને બાટલીઓ એ કૈક ની યાત્રાઓમાં ઉત્પાત મચાવ્યો છે. પણ ચંદ્ર પર રેંટીયો કાંતતી ડોશીથી લઇ મરજીવા સુધી અથાણાં અબાલ વૃદ્ધ સહુના લાડકાં છે. અથાણાં સારા બનાવતી વહુ પહેલા ગુણવાન ગણાતી. હાલ જો કે માર્કેટ બદલાયું છે.

ઉનાળાની ઋતુમાં છેલ્લે 15-20 દિવસ બાકી હોય એવી મોસમમાં સરસ આથો આવી ફર્મેન્ટેશન થાય છે એટલે જ અથાણાં આ ઋતુમાં બનાવાય છે. હકીકતમાં ઉનાળા પછી આવતી વર્ષા ઋતુમાં લોકોના પાચકાગ્ની મંદ થઇ જાય, શરીર અને વાતાવરણમાં વાયુ વધી જાય ત્યારે મીઠો, ખાટો, ખારો ખોરાક વાયુને કાપી રૂચી વધારે છે. બાકી ઉનાળામાં અથાણાં પ્રોક્ટોલોજીસ્ટ (હરસ મસાના વૈદ્ય) પોતે પણ ન ખાય.

અથાણાં શબ્દ આથો આવવાની ક્રિયા પરથી બન્યો છે. આમતો આથો આવતા વસ્તુ ફૂલી દડા જેવી થઇ જાય છે પણ અહીં રાઈ, મેથી, ખટાશથી આથો લાવતા હોવાથી ફૂલતું નથી. અથાણાં બારેમાસ ટકે એ માટે તેને ચિનાઈ માટી કે કાચના વાસણમાં ભરવા જોઈએ. એમાં મોટેભાગે અગ્નિ અપાતો નથી ચાસણી બનાવવા પણ સૂર્યનો તડકો જ ઉપયોગમાં લેવાય છે. પરંતુ ઘણીવાર આથો જલ્દી લાવવા વસ્તુઓ ગરમ કરીને મેળવી દેવાય છે. 35-45 સેગ્રે. માં બેક્ટેરિયાની વૃદ્ધિ સારી એવી થાય છે અને માટે જ ઘણા લોકો પ્રિઝર્વેટીવ પદાર્થો નાખે છે પણ વર્ષભર તેલમાં ડૂબાડેલા અને મીઠાના ઉપયોગથી બનેલા અથાણાં પર ક્યારેય ફૂગ વળતી નથી.

અથાણાં ભૂખ ઉઘાડે છે, મોઢાના રસને સુધારે છે. લાળ ઝારી ખોરાક લેવાની શક્તિ વધારે છે. પચવામાં હલકા, ખાટા હોવાથી હદય માટે સારા હોય છે. તેનાથી શરીર વધે છે, બળ વધે છે અને તૃપ્તિ મળે છે. તરસ, ચક્કર, ઉલટી, થાક વગેરે માપસર અથાણું ખાવાથી તુરંત જ દુર થઇ જાય છે. આ બધાજ ગુણ ઘરે બનાવેલા અથાણાં ના છે. સરકો નાખેલા બજારુ અથાણાં ચામડીના રોગો કરે છે, આમવાત અને BP વધારે છે.

કેરી, આદુ, કારેલાં, વાંસ, નારંગી, ખારેક, કેળાં, ગરમર, બીજોરાં, દ્રાક્ષ, કરમદા, આમળા, હરડે, શાકભાજી, લીંબુ, ચીભડું, ફણસ, જરદાલુ વગેરે તમામના અથાણાં બને છે અને ખવાય પણ છે. અથાણાંમાં મસાલા તરીકે રાઈ, જીરું, વરીયાળી, મેથી ખાસ છે જે પાચન તંત્ર સુધારે છે. આ ઉપરાંત રોજીંદા મસાલા જેવાકે મીઠું, મરચું, હળદર અને હિંગ પણ નંખાય છે. તેલમાં સરસીયું, શીંગ તેલ કે નારિયેળ તેલ પોતપોતાના ટેસ્ટ મુજબ નંખાય. પણ સરસીયું ખાસ વખણાય છે. મીઠું ,ખાંડ, તેલ, ચાસણી અને તડકો આ બધા થી અથાણાંમાં વરસ ભર ટકી રહેવાની પ્રિઝર્વેટીવ જેવી ક્ષમતા ઉત્પન્ન -થાય છે. ગાજર, વટાણા, લીલી હળદર વગેરેના અથાણા 7-8 દિવસ ચાલે છે પરંતુ વધુ રાખતા બગડી જાય છે…

અથાણાં બનાવવાની શાસ્ત્રોક્ત રીત: કેરી-ગુંદા વગેરેને સાફ કરી નાના નાના ટુકડા કરી લો. હવે હળદર મીઠાના પાણીમાં તેને ડુબાડી રાખી કાઢી લૂછી કોરાં કરી લ્યો. હવે તેમાં રાઈના કુરિયા, મેથી,  મીઠું, મરચું, હળદર, હિંગ વગેરે મસાલા ટેસ્ટ મુજબ નાખી ઉપરથી ગરમ તેલ રેડી બરાબર ભેળવી લ્યો. ઠંડુ થાય એટલે કાચ કે ચિનાઈ માટીની બરણીમાં ડૂબે એમ ભરી લ્યો. ઢાંકણ પર કપડું બાંધી સુકી જગ્યામાં મૂકી રાખવાથી વર્ષભર સચવાય છે અને તેને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી.

યાદ રહે અથાણાં માત્ર ખાટા કે ખાટામીઠા જ બનાવાય છે. બાકીના ને મુરબ્બા જ કહે છે. બીજું કે અથાણું હમેશાં દવાની જેમ ખાવું પણ ભોજન ની જેમ નહી. અથાણું ખાતા પહેલા કે પછી વિરુદ્ધ આહાર થાય તેવી દૂધ કે દુધની કોઈ ચીજ ખવાઈ ના જાય તે ખાસ જોવું નહીતો સોરાઈસીસ જેવા ગંભીર ચામડીના રોગો ચોક્કસ થઈ શકે છે. અથાણાંને ભોજન પહેલા કે સાથે ખાવાથી ભૂખ ઉઘડે છે.આ એક પુરક આહાર છે.

અથાણાંનો ડબ્બો બંધ કર્યા અગાઉ એક સ્પષ્ટતા: હાલ અમુક મહિનાથી આયુર્વેદના નામે આલ્કોહોલ વેચાય છે એવા ન્યુઝ ફરે છે. હકીકતમાં આસવ/અરિષ્ટમાં 5-15% આલ્કોહોલ હોય જ છે. તેનાથી વધુ હોવો ગુનાહિત છે. જો એ દવા આયુર્વેદ મુજબ બનાવી હોય તો ખોટી નથી પણ પરબારો આલ્કોહોલ ઉમેરી બનાવી હોય તો એમાં ભૂલ છે ભાઈ. આસવ/અરિષ્ટમાં આલ્કોહોલિક તત્વ સ્વયં ઉત્પન્ન થાય છે. ચપ્પાથી માણસ ગળું કાપે એમાં લુહાર-ચપ્પુ બેય બદનામ? ખેર મીડિયા છે…એનોય સાલો નશો અલગ છે…

eછાપું

તમને ગમશે: એક ડોક્ટર મહિનામાં એક દિવસ ગરીબોની સેવા ન કરી શકે?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here