તો ભાઈઓ અને બહેનો પ્રસ્તુત છે કુંભકર્ણ લિફ્ટ યોજનાની તમામ માહિતી!!

1
281
Photo Courtesy: dnaindia.com

શક્ય નથી પરંતુ જો 2019ની ચૂંટણીઓમાં અલ્લાહ મહેરબાન થઇ જાય અને રાહુલ ગાંધી વડાપ્રધાન બની જાય તો તેઓ તુરંત જ ગઈકાલે સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા તેમની કુંભકર્ણ લિફ્ટ યોજનાના વિડીયોના વિચાર પર તેમની સરકાર બન્યાના એક અઠવાડિયામાં જ અમલ કરશે.

Photo Courtesy: dnaindia.com

આવું ખાતરીપૂર્વક કહેવા પાછળની દલીલ એ છે કે ખેડૂતોના દેવાં જો રાહુલ ગાંધીજી સત્તામાં આવ્યાના એક જ અઠવાડિયામાં માફ કરી શકવાનું વચન આપતા હોય તો રાષ્ટ્રીય કુંભકર્ણ લિફ્ટ યોજનાનું અમલીકરણ કરવું તો તેમના માટે ડાબા કે પછી જમણા હાથનું કાર્ય છે. તો ચાલો જોઈએ કે કોંગ્રેસ પક્ષની આ મહત્ત્વાકાંક્ષી રાષ્ટ્રીય કુંભકર્ણ યોજના કેવી હશે અને તેનો અમલ કેવી રીતે થશે.

લાગતું વળગતું: રાહુલ ગાંધીના વડાપ્રધાન બનતા જ દેશમાં મોબાઈલ ફોન્સનું ઘોડાપૂર આવશે

વડાપ્રધાન શ્રી રાહુલ ગાંધી દ્વારા પ્રાયોજિત ‘જવાહર-ઇન્દિરા-રાજીવ રાષ્ટ્રીય કુંભકર્ણ લિફ્ટ યોજના’

 • રાહુલ ગાંધીના વડાપ્રધાન બનવાની સાથેજ કેન્દ્રીય કેબિનેટમાં કુંભકર્ણ લિફ્ટ ખાતું નામનું નવું ખાતું ઉભું કરવામાં આવશે.
 • કુંભકર્ણ લિફ્ટ યોજના ખાતાના મંત્રી તરીકે શ્રી. અશોક ગેહલોતની વરણી કરવામાં આવશે કારણકે રાજસ્થાનમાં તેમને આ યોજનાનો બહોળો અનુભવ હોવાનો લાભ સમગ્ર રાષ્ટ્રને મળશે જ એવું શ્રી રાહુલજીને વિશ્વાસ છે.
 • કુંભકર્ણ લિફ્ટ ખાતાનું કાર્ય ભારતભરમાં લિફ્ટોનું ઇન્સ્ટોલેશન કરવાથી માંડીને તેના મેઈન્ટેનન્સ સુધીની જવાબદારી સંભાળવાની રહેશે.
 • આ ખાતું દેશની તમામ લિફ્ટોમાં લિફ્ટમેનોની નિયુક્તિ કરવાનું પણ કાર્ય કરશે. આ માટે જાહેર લિફ્ટ મેન પરીક્ષા બોર્ડની પણ સ્થાપના કરવામાં આવશે જે યોગ્ય લિફ્ટમેનોની સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા દર વર્ષે પસંદગી કરશે.
 • આ સ્પર્ધાત્મક પરીક્ષા જ્યારે પણ લેવામાં આવશે ત્યારે તેમાં ગેરહાજર રહીને ઘરે પરીક્ષાના કલાકો દરમ્યાન ઉંઘી જનારાઓ ઇન્ટરવ્યુ માટેની પ્રથમ પસંદગી ગણાશે.
 • આ પરીક્ષાઓ દિવસના બપોરે એક થી ચારના સમયમાં ન લેવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે નહીં તો ગુજરાતના રાજકોટ શહેરના ઉમેદવારો મોટી સંખ્યામાં મેદાન મારી જાય એવો સરકારને ભય રહેલો છે.
 • લેખિત પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં પોતે વિવિધ રીતે અને કેટલો લાંબો સમય ઉંઘ ખેંચી શકે છે તે સાબિત કરી બતાવવું પડશે.
 • કુંભકર્ણ લિફ્ટ યોજના અંતર્ગત લિફ્ટોની ખરીદી માત્ર ને માત્ર વિદેશથી એટલેકે ઇટાલી, સ્વિડન જેવા લિફ્ટ બનાવવામાં હોંશિયાર હોય કે ન હોય પણ એ જ દેશોમાંથી ભૂતકાળની કોંગ્રેસી સરકારોના આ દેશોમાંથી જથ્થાબંધ ખરીદીના અનુભવોને કામે લગાડીને કરવામાં આવશે.
 • લિફ્ટ ખરીદતી વખતે ખાસ ટેન્ડરો બહાર પાડવામાં આવશે જેમાં “વેચનારે વ્યવહારે અમને જે આપવાનું થતું હોય એ આપવું ફરજીયાત છે.” એવી કલમ છેલ્લે ખાસ ઉમેરવામાં આવશે જેથી કોંગ્રેસી પરંપરા જળવાઈ રહે.
 • આ યોજનાની કલ્પના આજથી દસ વર્ષથી પણ વધુ વર્ષ અગાઉ પોતાના એક ગીતમાં કરનાર ગાયક શ્રી અદનાન સામીને આ યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવશે. આ યોજના હેઠળ ઇન્સ્ટોલ કરવામાં આવેલી લિફ્ટોમાં suffer કરનાર યાત્રીઓને “પ્લીઝ ક્લોઝ ધ ડોર”, “ફર્સ્ટ ફ્લોર”, “સેકેન્ડ ફ્લોર”… આવી સૂચનાઓ તેમના અવાજમાં ફરજીયાતપણે સંભળાવવામાં આવશે.
 • રાષ્ટ્રીય કુંભકર્ણ લિફ્ટ યોજના હેઠળ લિફ્ટોનું મેઈન્ટેનન્સનું કાર્ય એવી કંપનીના કર્મચારીઓને આપવામાં આવશે જે મેઈન્ટેનન્સ કરવા માટે આવવાની તારીખ જાળવવા મહિનામાં ઓછામાં ઓછા ચાર વખત ખાડા પાડવામાં હોંશિયાર હશે.
 • ભારતના કોઇપણ બિલ્ડીંગમાં જ્યારે પણ કોઈ લિફ્ટ બંધ થઇ જશે ત્યારે મકાન માલિક અથવાતો જે-તે બિલ્ડીંગના માલિકે રાષ્ટ્રીય કુંભકર્ણ લિફ્ટ પ્રાધિકરણની ઓફિસે જઈને લેખિતમાં અરજી કરવાની રહેશે અને આ અરજીમાં “લિફ્ટ બંધ કરવાના અપેક્ષિત કારણો:” ની કોલમમાં સહુથી પહેલું કારણ “અમારા બિલ્ડીંગની લિફ્ટ બંધ પડી જવામાં નરેન્દ્ર મોદીનો હાથ છે” લખેલું હોવું ફરજીયાત રહેશે.
 • બંધ પડી ગયેલી લિફ્ટને ચાલુ કરવા માટે સહુથી પહેલાં તો તે જ્યાં બંધ પડી ગઈ છે તે માળ પર જઈને તેની સમક્ષ તેને જગાડવા માટે અને ચાલુ થવાનું પ્રોત્સાહન આપવા માટે બેન્ડવાજા જોરજોરથી વગાડવામાં આવશે. આ ઉપરાંત એ લિફ્ટની બહાર છત્રીસ જાતના પકવાન અને મીઠાઈઓનું ભોજન પણ પીરસવામાં આવશે, કદાચ એની સુગંધ માણીને લિફ્ટ ચાલુ થઇ જાય?
 • કુંભકર્ણ લિફ્ટ યોજના અંતર્ગત બેન્ડવાજા વગાડવાનો કોન્ટ્રેક્ટ માત્રને માત્ર કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોને આપવામાં આવશે કારણકે તેમનાથી સુંદર બેન્ડવાજા કોઈજ વગાડી નહીં શકે.
 • આટઆટલા પ્રયાસો બાદ પણ જો નવી લિફ્ટ ઇન્સ્ટોલ ન થાય કે પછી બંધ પડેલી લિફ્ટ ફરીથી શરુ ન થાય તો એ સરકારની જવાબદારી નહીં રહે તેમજ તેની પાછળ થયેલા ખર્ચને ‘ઝીરો લોસ’ ગણાવવો બિલ્ડીંગનું એકાઉન્ટ મેઇન્ટેઇન કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફરજ ગણવામાં આવશે.
 • યોજના અંતર્ગત આદરણીય શ્રી રાહુલ ગાંધીના વડાપ્રધાન રહેવાના સમયગાળા દરમ્યાન લિફ્ટોના ઇન્સ્ટોલેશન અને મેઈન્ટેનન્સના બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવાની સંપૂર્ણ જવાબદારી નરેન્દ્ર મોદી 2024માં જો ફરીથી વડાપ્રધાન બનશે તો માત્રને માત્ર તેમની જ રહેશે, પરંતુ રાષ્ટ્રીય કુંભકર્ણ લિફ્ટ યોજના કોંગ્રેસે શરુ કરી હતી એ સંદેશ જનજન સુધી પહોંચાડવાની જવાબદારી મહીને 1500 રૂપિયા જેવી મામુલી રકમને લાત મારીને પગ ઉંચો રાખતા કોંગ્રેસના IT સેલના કર્મચારીઓની રહેશે.

તો ચાલો આપણે આવી અનોખી યોજનાને વધાવી લઈએ અને બહુ જલ્દીથી માનનીય કોંગ્રેસ પ્રમુખ અને ભવિષ્યના વડાપ્રધાન શ્રી રાહુલ ગાંધીની આ દુરંદેશીથી ભરેલી યોજનાનો લાભ લઈ શકીએ એવી આશા રાખીએ.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: આત્મહત્યા – અબ તો હોશ ના ખબર હૈ યે કૈસા અસર હૈ???

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here