શાનદાર સવારી હમારી એટલેકે ભારતની ચમકતી નોસ્ટાલ્જીક મોટર સ્ટોરી….

4
448
Photo Courtesy: Mitesh Pathak

આજે વધતા જતી આવક, બદલાતાં જીવનધોરણ અને મુખ્યત્વે સરળ ધીરાણને કારણે મધ્યમવર્ગના લોકોને માટે પણ મોટર એટલેકે કાર એક લક્ઝરી કરતાં જરૂરીયાત બની ગઈ છે. સરળતાથી ઉપલબ્ધ થાય, પસંદગીનો વિશાળ વ્યાપ અને બજેટને અનુરૂપ મોડેલ્સ. અને આ બધું હાજરમાં.

કારમાં બેસવા મળે એ પણ એક અલૌકિક અનુભવ જ્યારે હતો. કારમાં એસી કે પાવર વીન્ડોઝ કે પાવર સ્ટીયરીંગ જેવી સગવડો સ્વપ્નવત હતું. સગવડના નામે શું? લક્ઝરી કહી શકાય એવી બાબતોમાં એક પંખો કે સારા પડદા. બીજું શું? રેડીયો? એ પણ બધી કારમાં ઉપલ્બ્ધ ન હતા.

Photo Courtesy: Mitesh Pathak

એક સમય હતો જ્યારે ફક્ત 25000 રૂપીયામાં કે એનાથી ઓછી કિંમતમાં ત્યારે જેને મોટર કહેવામાં આવતી એ કાર મળતી. પણ એટલા રૂપીયા કેટલા લોકો એક સાથે ખર્ચી શક્તા? સાયકલ અને મોપેડ્સ પણ મધ્યમ વર્ગની પહોંચ બહારની વાત હતી એ સમયગાળાની આ વાત છે. જ્યારે આપણે બ્રિટીશ શાસનથી આઝાદ થયા ત્યારે દેશમાં શું પરિસ્થિતિ હતી? અને ત્યાર બાદ 1990 સુધી ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે કેવા પરિવર્તન આવ્યા? ચાલો માંડીને વાત કરીએ.

મારૂતીના આગમન પહેલાંના મોટરકાર યુગની વાત થાય એટલે એક સુરમાં જવાબ મળે કે આપણા દેશમાં એમ્બેસેડર અને ફીયાટ સીવાય ક્યાં કોઇ મોટર હતી? એ વાત સાચી પણ છે. હિન્દુસ્તાન મોટર્સ અને પ્રીમીયર ઓટોમોબાઈલ્સ દ્વારા ઉત્પાદીત મોટર કાર લાયસન્સ રાજના જમાનામાં છવાયેલી હતી. મોટર નોંધાવો પછી એની ડીલીવરી ક્યારે આવે? એ પણ લાંબો પ્રતિક્ષાનો ગાળો રહેતો. અને જોગાનુજોગે એ બન્ને કારને ગુજરાત કનેક્શન છે. એક ઓખા – દેવ ભૂમિ દ્વારકા અને બીજું દોશી ફેમીલી જે મુળ પાટણ ગુજરાતના.

Photo Courtesy: Mitesh Pathak

હિન્દુસ્તાન મોટર્સ – એમ્બેસેડરના નિર્માતા આમ તો બીરલા ગૃપ કંપની છે. આઝાદી પહેલાં 1942 માં સ્થપાયેલી આ કંપની બ્રીટીશ કંપની મોરીસ મોટર્સ સાથે સંયુક્ત સાહસ હતું અને પ્રથમ એસેમ્બલી યુનિટ ઓખા પોર્ટ – ગુજરાતમાં હતું. 1948 બાદ એ યુનિટ ઉત્તરપુરા, પશ્ચીમ બંગાળમાં ફેરવાયું. મોરીસ 10 પરથી હિન્દુસ્તાન 10 મોડેલથી શરૂઆત થઈ, એ પછી મોરીસ – 14 અને 1957 માં મોરીસ ઓક્સફર્ડ III રજુ થઈ અને એ એમ્બેસેડર માર્ક I તરીકે આવી જે છેક  2015 સુધી એ જ ચેસીસ અને મોડેલ સાથે રજુ થતી રહી. સરકારી રહેમ અને સરકારી પસંદગીને કારણે આટલા વરસો સુધી આપણી સમક્ષ ફરતી રહી. નાના કોસ્મેટીક પરીવર્તન કરીને માર્ક ૧ થી માર્ક ૪ સુધી અંદાજે ૪૫ વરસ ચાલતી રહી અને મારૂતી સુઝુકીના આગમન બાદ ધીરે ધીરે પ્રોડક્શન અને વેચાણ સતત ઘટતું રહ્યું. આજે એમ્બેસેડર કાર એ સરકારી કારના દરજ્જા સાથે યાદગીરીમાં રહી. હજી કલકત્તા શહેરમાં ટેક્સી તરીકે એમ્બેસેડરની મોટર છવાયેલી દેખાય છે.  અઠ્ઠાવન વરસ સુધી એકધારૂં ચાલતા રહેલા મોટર મોડેલ તરીકે વિશ્વમાં એક અનોખો રેકોર્ડ પણ એમ્બેસેડર ધરાવે છે.

હિન્દુસ્તાન મોટર્સ દ્વારા કોન્ટેસ્સા – વોક્સહોલ બ્રિટીશ મોડેલ અને ઇસુઝુના એન્જીન સાથે 1980માં પ્રથમ વખત મોર્ડન લુક વાળી પ્રીમીયર સેડાન કાર તરીકે રજુ થઈ હતી.  ઇસુઝુ સાથેના સહયોગ સાથે 1983–1993 સુધી    પીથમપુરા, ઇન્દોર ખાતે ઓપેલ, મહીન્દ્રા અને ફોર્ડ માટે એન્જીન બનાવવાનું કામ થતું.

હિન્દુસ્તાન મોટર્સનું જનરલ મોટર્સ સાથે પણ જોઈન્ટ વેન્ચર હતું. હાલોલ ગુજરાતમાં. 1994 – 1999 દરમ્યાન. ઓપેલ આસ્ત્રા અને ઓપેલ કોરસા એ બે મોડેલ રજુ થયા હતા. 1994 માં જનરલ મોટર્સ દ્વારા હિન્દુસ્તાન મોટર્સના શેર ખરીદી લેવામાં આવ્યા અને એ પછી 100 % જનરલ મોટર્સનું યુનિટ રહ્યું હતું. જોવાની ખુબી એ છે કે એ જ હાલોલનો જનરલ મોટર્સનો બંધ પ્લાન્ટ રોવર કંપનીએ ફરીથી ખરીદીને MG Rover કારના પ્રોડક્શનની શરૂઆત કરી છે. અને એ MG Rover ભલે બ્રિટિશ કંપની હોય, પણ હાલના એના માલીકો ચાઈનાની નાનજીંગ ઓટોમોબાઈલ કંપની છે.

Photo Courtesy: Mitesh Pathak

જીપ – સત્તા, પ્રતિષ્ઠા, પાવર અને હોદ્દાની ઓળખ તરીકે પ્રખ્યાત વાહન ગણાતું. મુળ તો જીપ એ અમેરીકન ક્રાયસલર બ્રાન્ડ છે. બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન અમેરીકન સેનાની જરૂરીયાત વખતે એનું ઉત્પાદન શરૂ થયેલું. 4WD એ એની વિશેષતા હતી. ગમ્મે તેવા રફ વિસ્તારો – પછી એ કાદવ કીચડના મેદાનો હોય કે પહાડી વિસ્તારો હોય, સૈનિકો અને માલ સામાનની હેરફેર માટે એનો ઉપયોગ થતો. ભારતમાં આઝાદી પછી 1948 માં પ્રથમ વખત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા લાયસન્સ મેળવી ભારતીય સેના માટે જીપનું ઉત્પાદન શરૂ થયું હતું. એ મોડેલ હતું વિલીઝ જીપ CJ5. પછી તો પોલીસ વિભાગ અને સરકારી અધીકારીઓ પણ જીપ વાપરતા થયા. અને ભારતમાં જીપના ચાહકોનો એક અલગ જ વર્ગ ઉભો થયો કે આજે પણ યથાવત છે.

નિસ્સાન દ્વારા ડીઝાઇન થયેલી અને ભારતીય સેના દ્વારા જ સેના માટે જબલપુરમાં ઉત્પાદીત થતી જોંગાનો ઉલ્લેખ પણ જરૂરી છે. JONGA – Jabalpur Ordinance and Guncarriage Assembly. મુખ્યત્વે એના ગ્રાહકો ભારતીય સેના જ રહેતી. પણ સમય જતાં સામાન્ય લોકોને પણ એ કાર વેંચવા માટે મુકી હતી.  હિન્દુસ્તાન મોટર્સ દ્વારા આ ક્ષેત્રમાં એક મોડેલ રજુ થયું હતું એ હતું હિન્દુસ્તાન ટ્રેકર. પણ એ બહુ ગજું ન કાઢી શકી. જીપ જેવું જ મોડેલ ધરાવતી અને પટણા – બીહારમાં ઉત્પાદીત ત્રિશુલનો ઉલ્લેખ પણ જરૂરી છે. પુર્વ ભારતમાં એનો પણ વિશાળ ચાહક વર્ગ હતો. 1979 – 1985 સુધી નાના પાયે ઉત્પાદન થતું. ગ્રીવ્ઝ લોમ્બાર્ડીના એક સીલીન્ડર વાળા એન્જીન સાથેની એ કાર લાયસન્સ રાજ અને અન્ય સમસ્યાઓને કારણે વધુ ન દેખાણી. એમ તો કોલ્હાપુરમાં પણ એક માઈક્રો કાર મીરા મીની કાર તૈયાર થઈ હતી. પણ એને પણ ત્રિશુલ જેવી જ સમસ્યાઓ નડી.

સીપાની ઓટોમોબાઈલ્સ – બેંગ્લોર બેઝ્ડ કંપનીની ત્રણ વ્હીલ વાળી બાદલ કારનો ઉલ્લેખ પણ જરૂરી છે. મી. બીન સીરીઝમાં એક કાર એવી દર્શાવવામાં આવે છે કે જેને મી. બીન નફરત કરતો હોય છે. એ મુળ તો બ્રિટીશ મોડેલ રીલાયન્ટનું ભારતીય વર્ઝન હતું. ભારતમાં એ સદંતર નિષ્ફળ રહી. બ્રિટીશ રીલાયન્ટના પ્રયાસો પણ સફળ ન રહ્યા. એ ઉપરાંત મારુતી 800 જેવી જ દેખાતી સીપાની મોન્ટાના અને સીપાની ડોલ્ફીન પણ આવી હતી. આ સીપાની મોટર ના ત્રણેય મોડેલ ફાઈબર બોડીના હતા. વજનમાં હળવી હતી. પણ બજારમાં સ્થાન મેળવવા નિષ્ફળ જ રહી હતી.

લાગતું વળગતું: ગ્રામીણ વિસ્તારોમાં વાહનોની માંગ વધી અને આશ્ચર્યજનક પરિણામો આવ્યા
Photo Courtesy: Mitesh Pathak

મુંબઈ શહેરમાં ટ્રેઈન સ્ટેશન પર કે એરપોર્ટ પર ઉતરો એટલે જુના જમાનાની કાળીપીળી ટેક્સીઓ નજરે ચડે. આજે તો ઇકો, મારૂતી વેન, સેન્ત્રો વગેરે પણ જોવા મળે છે. પણ જેના ઉલ્લેખ વગર મુંબઈની ટેક્સી શબ્દ ન લખી શકાય એ હતી પ્રીમીયર પદ્મિની. એટલે કે જુની ફીયાટ 1100 D

1964 થી 1999 સુધી એકધારી આ પ્રીમીયર પદ્મિનિનું પ્રોડક્શન ચાલ્યું. દોશી પરીવારનું વાલચંદ ગૃપ આમ તો ઓટોમોબાઈલ ક્ષેત્રે આઝાદી પહેલાંથી ભારતમાં કાર ઉત્પાદનમાં પ્રવૃત હતુ. ક્રાય્સલર કોર્પોરેશન અમેરીકા સાથે થયેલ કરાર અનુસાર ડોજ, પ્લેમાઉથ, ડેસોટો જેવી કાર અને ટ્રક એસેમ્બલ કરતું. ક્વોલીટી અવ્વલ હતી. એ સમયે બજાર ખુબ નાનું હતું એટલે વરસે 20000 કાર જ બનતી અને વેંચાતી.  જુની પ્લેમાઉથ અને ડોજ કાર 1990 દશક સુધી ધોરાજી અને જુનાગઢ વંથલી આસપાસ ટેક્સી તરીકે પ્રચલીત હતી.

1990 આસપાસ પ્રિમિયર 118 NE – એક પ્રીમીયર લક્ઝરી સેડાન તરીકે પ્રીમીયર ઓટોમોબાઈલ્સ દ્વારા રજુ કરવામાં આવી હતી. પણ નવી જનરેશનની કાર આવતાં એ પણ બજારમાં બહુ વધુ પગપેસારો ન કરી શકી. પ્રિમિયર ઓટોમોબાઇલ્સના ફિયાટ સાથેના સહયોગમાં ફિયાટ ઉનો અને ફ્રાન્સની પ્યુજો સાથે સહયોગથી પ્યુજો 309 લોંચ થઈ હતી. ઉનો સારી એવી ચાલી હતી.

Photo Courtesy: Mitesh Pathak

એમ્બેસેડર અને પ્રીમિયર પદ્મિની ઉપરાંત દક્ષિણમાં એક કાર કંપની હતી. સ્ટાન્ડર્ડ મોટર્સ. 1949 – 1988 સમયગાળો. આમ તો બ્રિટિશ કંપની સ્ટાન્ડર્ડ ટ્રાયમ્ફ સાથે લાયસન્સ દ્વારા એસેમ્બલીંગથી શરૂઆત કરી હતી. પ્રથમ મોડેલ સ્ટાન્ડર્ડ વેનગાર્ડ જે સ્ટાન્ડર્ડ 8 અને સ્ટાન્ડર્ડ 10 નામથી ભારતમાં એસેમ્બલ થતી અને માર્કેટ થતી.  હતી. ત્યારબાદ સ્ટાન્ડર્ડ હેરાલ્ડ માર્ક 1, 2 & 3 રજુ થઈ. 1971માં સ્ટાન્ડર્ડ ગેઝેલ રજુ થઈ હતી. શરૂઆતમાં બ્રિટીશ પાર્ટસ વધુ હતા. પણ સમય જતાં ચેસીસ અને ગીયર બોક્સ સહીત મહત્વના પાર્ટ દેશમાં જ બનાવતા થયા. અને સ્ટાન્ડર્ડ મોટર્સ તરફથી છેલ્લે જે મોડેલ પ્રસ્તુત થયું તે હતું સ્ટાન્ડર્ડ 2000. 1985 – 1988. એ બ્રિટીશ રોવર SD1 આધારીત હતી. એકદમ સ્પોર્ટી અને ક્લાસીક લુક ધરાવતી કાર એ સમયે બજારમાં ખાસ્સી હલચલ મચાવવા સફળ રહી હતી. પણ એની સમસ્યાઓ આ મોડેલ આવતાં વધી હતી. એવરેજના દાવાઓ ખોટા સાબીત થયા હતા અને નવા પ્રદુષણ નિયંત્રણના મુસદ્દાઓ પ્રમાણે આ કારના નોર્મ્સ બેસતા ન હતાં. આ બધા કારણોને લઈને આ કારનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું.

1958 – 2005 સુધી બજાજ ટેમ્પો નામની એક કંપનીની પ્રોડક્ટ એટલે મેટાડોર. ભાગ્યે જ કોઇ યાત્રા પ્રવાસ કે પ્રસંગ એના વગર ઉજવાયો હશે. પુણે બેઝ્ડ આ કંપની જર્મન કંપની ટેમ્પો સાથે કોલેબોરેશનમાં વેનનું ઉત્પાદન કરતા. ટુરીસ્ટ વાહન, એમ્બ્યુલન્સ અને માલસામાનની હેરફેર માટે પ્રમુખ વપરાતું. 2005 બાદ એ ફોર્સ મોટર્સ તરીકે પરિવર્તન પામ્યું. આજે ટેમ્પો ટ્રાવેલર્સ, તુફાન વગેરે બનાવી રહ્યું છે.

Photo Courtesy: Mitesh Pathak

ટાટાની પ્રથમ પેસેન્જર કાર એટલે તરત જ ઇન્ડીકા યાદ આવે. પણ ઇન્ડીકા પહેલાં ટાટા મોટર્સ (જુનું ટેલ્કો) બે પેસેન્જર કાર રજુ કરી ચુક્યું હતું. એક હતી ટાટા એસ્ટેટ (સ્ટેશન વેગન) અને બીજી ટાટા સીયેરા (સ્પોર્ટ્સ યુટીલીટી વેહીકલ)

1992 – 2000 દરમ્યાન ટાટા એસ્ટેટનું ઉત્પાદન થતું. એ વખતે સમય કરતાં ઘણાં એડવાન્સ્ડ ફીચર્સ ધરાવતી એ કાર હતી. પાવર વિન્ડોઝ, પાવર સ્ટીયરીંગ અને પાંચ ગીયર્સ.

1991 – 2000 ટાટા સીયેરાનો સમય ગાળો હતો. ત્રણ દરવાજા સાથે પ્રથમ વખત સ્પોર્ટ્સ યુટીલીટી વેહીકલ બનાવવામાં ટાટા સફળ થયા હતા. એસ્ટેટની જેમ જ આધુનીક ફીચર્સ હતા. એર-કન્ડીશનીંગ પ્રથમ વખત ભારતીય કારમાં ટાટા એસ્ટેટ અને સીયેરા દ્વારા રજુ થયા હતા.

પણ ડીઝલ એન્જીનમાં સમસ્યાઓ જેમ કે ઓછી એવરેજ અને મેઈન્ટેનન્સના પરીબળોને કારણે આ બન્ને મોડેલ બહુ લાંબુ ન ચાલ્યા.

આ બધી કંપનીઓના મોડેલ સમય સાથે તાલ ન મેળવી શક્યા, ટેકનોલોજીમાં પરિવર્તન અપનાવવામાં પાછળ રહ્યા અને એ બધાથી ઉપર ગ્રાહક લક્ષી અભિગમ ન જાળવતાં હવે ફક્ત ઇતિહાસ બની ગયા. આફ્ટર સેલ્સ સર્વીસ, પાર્ટસ અને એ બધાંથી ઉપર કાર ચલાવવાનો અને જાળવવાનો ખર્ચ ખુબ વધુ રહેતો. જે સમય સાથે નથી બદલાતા એને સમય બદલી નાખે છે એ તો અવશ્ય આ જુના કાર મોડેલ પાસેથી શીખવા જેવું છે.

સફળ કે નિષ્ફળ બંધ થયેલા મોટર એટલેકે કાર મોડેલ્સ પર હવે પછી..

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: સરવાળે અતિશય મોંઘી પડતી કાર લોન માટે આ રહ્યો શ્રેષ્ઠ વિકલ્પ

4 COMMENTS

  1. Very nice article!
    I never heard about Meera Mini, Trishul and Dolphin.

    Tempo Trax was also famous in late 80s or early 90s.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here