નાચોસ, ટાકોસ, એન્ચીલાડાઝ- મેક્સિકન ફૂડનું નામ પડતા આ ત્રણ વસ્તુ કોઈ પણ ખાન-પાન ના શોખીનની આંખ સામે દેખાય જ! આ ત્રણ વસ્તુ આજે મેક્સિકન ફૂડનો પર્યાય થઇ ગઈ છે, પરંતુ શું મેક્સિકન ફૂડ આ ત્રણ જ વસ્તુનો સમન્વય છે? કે પછી આ ત્રણ વસ્તુ એ એક વિશાળ ખજાનાનો નાનકડો ભાગ છે?
જેમ આજે તંદૂરી પનીર અને તંદૂરી ચીકન એ દુનિયામાં ભારતીય ખાણી-પીણીનો એકમાત્ર ચેહરા તરીકે ઉપસીને આવ્યા છે, એમ નાચોસ અને ટાકોસ એ મેક્સિકન ખાણીપીણીનો ચહેરો બનીને આવ્યા છે, પરંતુ હકીકતમાં નાચોઝ અને ટાકોસ એ મુખ્ય ખોરાક નહીં પરંતુ ફક્ત નાસ્તો છે (બિલકુલ સમોસા અને કચોરી ને જેમ જ!)
મેક્સિકન ખાનપાનની આદતોની વાત કરીએ તો, આ લોકો સવારે હળવો નાસ્તો કરે છે, સામાન્ય રીતે કોફી અને બ્રેડ. બપોરનું ભોજન એ સૌથી મહત્વનું ભોજન હોય છે, બાળકો સ્કૂલેથી, મોટા ઓફિસથી ઘરે આવીને જમે છે, અને પછી ‘સિએસ્તા’ એટલે કે શુદ્ધ ગુજરાતીમાં ‘વામકુક્ષી’ (ત્યાં 2 કલાકનો લંચબ્રેક મળે, મજા આવે, નહી!) બપોરના ભોજનમાં સામાન્ય રીતે સૂપ, ભાત, ટોર્તિયા (મકાઈ ની રોટલી), કઠોળ(મુખ્યત્વે રાજમા) અને એક મુખ્ય ડીશ (Platillo Fuerte) (બોલો, આટલું ખાઈને કોને ઊંઘ ના આવે?) ત્યારબાદ સાંજનું ભોજન હળવું હોય છે. આ ઉપરાંત નાચોસ, ટાકોસ, બરીતોસ જેવા નાસ્તા તો ખરા જ!
આજે આપણે કેટલીક ઓછી જાણીતી મેક્સિકન વાનગીઓ બનાવીશું, અને એ પહેલા એ વાનગીની થોડી સમજણ પણ મેળવીશું.
- ચલુપા: આ એક tostada એટલે કે શેકેલી કે તળેલી વાનગી છે. જેના બેઝમાં મકાઈની રોટલી કે ટોર્તિયા હોય છે, અને એના પર વિવિધ ટોપીંગ્સ મૂકી એને શેકવામાં આવે છે.
- પીકો દે ગેલો: એક સામાન્ય સલાડ, કે કચુંબર જે લગભગ બધા જ મેક્સિકન સ્ટ્રીટ જોડે સર્વ કરવામાં આવે છે.
- સોપા દે ટોર્તિયા: એટલે કે ટોર્તિયા સૂપ. ટોમેટો બેઝ અને ટોર્તિયા ચિપ્સ અને ચીઝ ની મઝા! શિયાળામાં આ પીવાની ખૂબ મઝા આવે.
- એમ્પેનાડાસ: આ એક સ્પેનીશ મૂળની વાનગી છે, આમાં પેસ્ટ્રી શીટમાં ફળ કે સૂકા મેવાનું પૂરણ ભરીને એને તળવામાં આવે છે.
લાગતું વળગતું: ડ્રેગનને ભારતીય બનાવી દેતું દેસી ચાઇનીઝ ફૂડ અને બે રેસિપીઝ |
વેજીટેરિયન બીન ચલુપા

સામગ્રી:
8 કોર્ન ટોર્તિયા (સફેદ મકાઈની રોટલી)
2 ટીસ્પૂન તેલ
1 નાનો કાંદો, ઝીણો સમારેલો
2 હલાપીનીઓ મરચા, બિયા કાઢી, ઝીણા સમારેલા (અથવા બી કાઢેલા ભોલર મરચા)
1 કપ ઝીણા સમારેલા ટામેટા
1 કપ ઝીણી સમારેલી આઇસબર્ગ લેટ્યુસ
1 કપ રીફ્રાઈડ બીન્સ (જુઓ ટીપ-1)
1 કપ છીણેલું ચીઝ
મીઠું, સ્વાદ અનુસાર
પીરસવા માટે:
સાર ક્રીમ (જુઓ ટીપ-2)
ટીપ:
- રીફ્રાઈડ બીન્સ:
બજારમાં તૈયાર મળે છે, જો ના મળે તો, નાના રાજમાને 8-10 કલાક પલાળી, બાફી ને ઝીણા સમારેલા કાંદા સાથે સાંતળી લેવા.
- સાર ક્રીમ:
દહીંના મસ્કામાં મીઠું નાખી, બરાબર મિક્સ કરી દો.
રીત:
- એક નાના પેનમાં તેલ ગરમ કરો.
- તેમાં કાંદા અને હલાપીનીઓ નાખી, 5-6 માટે સાંતળો.
- તેમાં ટામેટા નાખી ઉકળવા દો. ઉભરો આવે એટલે તાપ ધીમો કરી મીઠું નાખો, ધીમા તાપે 15 મિનીટ ખદખદવા દો.
- ગેસ પરથી દૂર કરો, પણ ગરમ રહેવા દો.
- ટોર્તિયાને માઇક્રોવેવમાં કે ટોસ્ટર ઓવનમાં ગરમ કરી, એને અર્ધગોળાકાર આકારમાં વાળો.
- તેમાં થોડીક લેટ્યુસ, 1 ચમચો રીફ્રાઈડ બીન્સ અને થોડોક ટોમેટો-હલાપીનીઓ સોસ મૂકો. ઉપરથી થોડું ચીઝ ભભરાવો.
- પ્લેટમાં સાર ક્રીમ સાથે સર્વ કરો.
પીકો દે ગેલો

સામગ્રી:
4 પાકા ટામેટા, બીયા કાઢી, ઝીણા સમારેલા
1 નાનો સફેદ કાંદો, ઝીણો સમારેલો
1/2 કપ સમારેલી કોથમીર
2 થી 3 હલાપીનીઓ મરચા, બિયા કાઢી, ઝીણા સમારેલા (અથવા બી કાઢેલા ભોલર મરચા)
1 ટેબલસ્પૂન લીંબુ નો રસ
મીઠું, સ્વાદ મુજબ
રીત:
- બધી જ સામગ્રી એક બાઉલમાં ભેગી કરી બરાબર મિક્સ કરો અને ફ્રીજમાં લગભગ 1 કલાક માટે રાખો.
- આ પીકો દે ગેલો ને નાચોસ, કેસેડેલા કે ચલુપા સાથે સર્વ કરો.
સોપા દે ટોર્તિયા

સામગ્રી:
1 કિલો પાકા ટામેટા, સમારેલા
3 ટીસ્પૂન કોર્નફલોર
2 કપ કોર્ન ચિપ્સ
1 કાંદો, સમારેલો
½ વેજીટેરીયન સીઝ્નીંગ ક્યુબ (‘મેગી’ નો આવે છે)
½ ટીસ્પૂન ખાંડ
2 ટેબલસ્પૂન બટર
મીઠું, સ્વાદ અનુસાર
સજાવટ માટે:
ફ્રેશ ક્રીમ (મલાઈ)
છીણેલું ચીઝ
રીત:
- ટામેટામાં પાંચ કપ પાણી ઉમેરીને પકાવો. બ્લેન્ડરથી બ્લેન્ડ કરી મિશ્રણને ગાળી દો.
- એક મોટા પેનમાં બટર ગરમ કરી એમાં કાંદાને અડધી મિનીટ માટે સાંતળો.
- 1 કપ પાણીમાં કોર્નફલોર મેળવો.
- ટામેટાનું મિશ્રણ અને કોર્નફલોર ને સાંતળેલા કાંદા સાથે ભેળવો અને ઉકળવા દો
- સિઝ્નીંગ ક્યુબ, ખાંડ અને મીઠું ભેળવીને થોડીવાર પકવવા દો.
- પીરસતી વખતે તેમાં કોર્ન ચિપ્સ ભેળવો.
- ચીઝ અને ક્રીમથી સજાવી ગરમાગરમ સર્વ કરો.
બનાના ચોકલેટ એમ્પેનાડા

સામગ્રી
2 કપ મેંદો
1 ટીસ્પૂન બેકિંગ પાવડર
1 ટીસ્પૂન મીઠું
½ કપ બટર, પીગાળીને ઠંડુ પાડેલું
પાણી જરૂર મુજબ (લોટ બાંધવા)
4 મોટા પાકા કેળા
2 ટેબલસ્પૂન ખાંડ
1 ટીસ્પૂન તજ પાવડર
½ કપ ડાર્ક ચોકોલેટ (નાના ટુકડા કરેલી)
આઈસીંગ સુગર, ડસ્ટીંગ માટે
રીત
- એક મોટા બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર અને મીઠું નાખી બરાબર ભેળવો, તેમાં બટર ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરીને એનો લોટ બાંધો. લોટ બહુ ઢીલો કે બહુ કડક ના હોવો જોઈએ. લોટ ને પ્લાસ્ટિક રેપમાં વીંટાળી લગભગ ૩૦ મિનીટ સુધી બાજુ પર રાખો.
- હવે, બીજા એક મિક્સિંગ બાઉલમાં પાકા કેળા ને, ખાંડ અને તજ ભેળવીને બરાબર છુંદી નાખો. આ મિશ્રણ ક્રીમી હોવું જોઈએ અને સાથે સાથે એમાં કેળાના થોડા ટુકડા પણ આવવા જોઈએ.
- મેંદાના લોટમાંથી એક લુવો લઇ, એની નાનકડી પૂરી વણો, લગભગ કચોરી જેટલી.
- આ વણેલી પૂરી પર લગભગ એક ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ મૂકો. તેના ઉપર થોડા ચોકોલેટના ટુકડા મૂકી પૂરીને અર્ધગોળાકાર વાળી દો..
- કિનાર પર થોડું દૂધ લગાવી કિનારને બરાબર સીલ કરી દો. કાંટા વડે ઉપર છાપ ઉપસાવી ડીઝાઇન પણ બનાવી શકાય. ઉપરથી કાંટા વડે થોડા કાણા પાડી દો, જેથી બેક કરતી વખતે વરાળ અંદરથી નીકળી જાય.
- 180 ° સેન્ટીગ્રેડ તાપમાને પ્રિ-હીટેડ ઓવેનમાં લગભગ 30 મિનીટ અથવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો.
- આઈસીંગ સુગર થી ડસ્ટીંગ કરી, ગરમાગરમ પીરસો.
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: શું છે આ Billion days અને Great Sales ની અતરંગી દુનિયા?