2013 ની વાત. બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલાએ શહેરના નિવાસી વિસ્તારોમાં મોબાઇલ ટાવર્સની સ્થાપના સામે વિરોધ નોંધાવેલો અને પોતાના ઘરની નજીકના સરકારી ગેસ્ટહાઉસમાં ઊભા કરાયેલા ટાવરના EMF રેડિયેશનને લીધે થતી બીમારીઓનો ડર લોકો સમક્ષ મૂક્યો હતો. પાંચ વર્ષ પછી પણ જુહીનો કેસ હજી સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે.

2018ના ફેબ્રુઆરી મહિનામાં જુહીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને પત્ર લખ્યો હતો, જેમાં મોબાઇલ ટાવરના એન્ટેના અને વાઇફાઇ હોટસ્પોટ્સના EMF રેડિયેશનને કારણે આરોગ્યના જોખમો દર્શાવતી ચેતવણી આપી હતી. ભારતભરમાં ‘ડિજિટલ ઇન્ડિયા’ના હેતુઓને પ્રાપ્ત કરવા માટે 5Gને અમલમાં મૂકતા પહેલા કેન્દ્રસરકારે આ નવી ટેકનોલોજી પર પૂરતા પ્રમાણમાં સંશોધન કર્યું છે કે નહીં તે જાણવાની ઈચ્છા જુહીએ દાખવેલી.
નિર્દેશક શંકરની ફિલ્મ 2.0 થોડા દિવસો પહેલાં રિલીઝ થઈ. ફિલ્મના ઈન્ટરવલ પહેલાં ફ્લેશબેકમાં એક માયાળુ અને સૌમ્ય ઓર્નિથોલોજીસ્ટ (Ornithologist – પક્ષીઓનો અભ્યાસી) સેલફોનના ટાવર્સને નાશ કરવા માંગે છે. તે યાદ કરે છે કે જ્યારથી તેના ઘરની નજીક એક સેલફોન ટાવર ઊભો થયો છે ત્યારથી તેણે નોંધ્યું કે પક્ષીઓ તેણે પોતે બનાવેલા અભ્યારણ્યમાં અજીબ, વિચિત્ર વર્તન કરે છે. તેઓ વાડમાં ભરાઈને તૂટી જાય છે, જમીન પર ભાંગી પડે છે અને ગંભીર પ્રજનનને લગતી બિમારીઓનો પણ સામનો કરે છે.
તેણે અનેક સરકારી અધિકારીઓને અપીલ કરી હતી કે EMF રેડિયેશનની વધતી હાજરી જ છે જે પક્ષીઓના મૃત્યુનું કારણ બને છે. આ ફિલ્મમાં અક્ષયકુમારનું પાત્ર ‘પક્ષીરાજન’ એવો દાવો કરે છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ એ એક દુષ્ટ રોગ છે. તે જણાવે છે કે જો આપણે તેનો અંત નહીં લાવીશું તો માનવતાનો અંત ટૂંક સમયમાં આપણા દ્વારા જ થશે.
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્વાયરમેન્ટલ હેલ્થ સાયન્સિસ (National Institute of Environmental Health Sciences) કહે છે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો (ઈલેક્ટ્રીક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ – EMF) એ ઊર્જાના અદ્રશ્ય ક્ષેત્રો છે, જેને ઘણીવાર કિરણોત્સર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્ષેત્રો વીજળીના ઉપયોગ અને કુદરતી તથા માનવે બનાવેલા પ્રકાશના વિવિધ સ્વરૂપોના ઉપયોગ સાથે સંકળાયેલા હોય છે. EMF સામાન્ય રીતે તેમની ફ્રિક્વન્સીના આધારે બે શ્રેણીમાં વર્ગીકૃત થાય છે. (1) નોન-આયોનાઈઝીંગ (Non-ionizing), જેનો અર્થ ઓછા સ્તરના કિરણોત્સર્ગ થાય છે અને સામાન્ય રીતે માનવો માટે હાનિકારક નથી હોતા. (2) આયોનાઈઝીંગ (Ionizing), જે ખૂબ જ ઉચ્ચ સ્તરના રેડિયેશન છે અને તેના કારણે સેલ્યુલર અને ડીએનએ નુકસાનની શક્યતા છે.
ઘણા નિષ્ણાતોએ ધ્યાન દોર્યું છે કે સેલફોન ટાવર્સ નોન-આયોનાઈઝીંગ રેડિયેશનને બહાર કાઢે છે જે કિરણો મનુષ્યોની કોશિકાઓના ઊંડાણમાં પ્રવેશી શકતા નથી પરંતુ શહેરી વિસ્તારોમાં પક્ષીઓ (જ્યાં ટાવર્સની મોટી સાંદ્રતા હોય છે) માટે ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિઓ બનાવે છે. ભારતના મોટા સેલ્યુલર ઉદ્યોગના હિસ્સેદારોએ આ વાત સાંભળી નહીં. 2.0 ફિલ્મની રજૂઆતના બે દિવસ પહેલાં, ‘સેલ્યુલર ઓપરેશન્સ એસોશિએશન ઓફ ઇન્ડિયા’એ ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન’ને ફરિયાદ પત્રમાં લખ્યું: આધુનિક સંચારની પ્રગતિ માટે સમર્પિત આ ફિલ્મ જીવંત પ્રાણીઓ, પક્ષીઓ અને માણસો સહિત પર્યાવરણને EMFના ઉત્સર્જન દ્વારા નુકસાન પહોંચાડવા માટે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર્સને ખોટી રીતે દર્શાવે છે. એસોસિયેશને એવો પણ દાવો કર્યો છે કે મોબાઇલ સેવાઓ અને ટાવર્સની રજૂઆત માટે કોઈ પુરાવા નથી અને ફિલ્મ પૂર્ણતઃ કાલ્પનિક છે.
પરંતુ વિદેશમાં અને ભારતમાં બન્ને અભ્યાસોએ બતાવ્યું છે કે ફિલ્મમાં બતાવેલા કારણોથી ચિતિંત થવાની ચોક્કસ જરૂર છે. તો આવો જાણીએ કે વિજ્ઞાન શું કહે છે?
યુ.કે.ના ‘ધ ટેલિગ્રાફ’માં છપાયેલા એક લેખ મુજબ, મે 2018 માં એક વિશ્લેષણ થયું જેમાં યુરોપ પોષિત ભંડોળથી EKLIPSE નામની એક સંસ્થાએ 97 અભ્યાસ કર્યાં અને એ વિશ્લેષણમાં નિષ્કર્ષ આપ્યો કે સેલફોન ટાવર્સ, ફોનના સ્તંભો, વાઇફાઇ અને બ્રોડકાસ્ટ ટ્રાન્સમિટર્સથી થતું રેડિયેશન એ જીવજંતુ, પક્ષીઓ અને છોડના સ્વાસ્થ્ય માટે સંભવિત જોખમ છે. આ અહેવાલમાં જાણવા મળ્યું છે કે પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ અને જંતુઓનું ચુંબકીય (દિશાસૂચક) વલણ EMF દ્વારા વિક્ષેપિત થઈ શકે છે.
સમીક્ષાના લેખકોએ EMF અને વન્યજીવન પર તેની અસર અંગેના વૈજ્ઞાનિક આધારને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હકીકતમાં, 237 વૈજ્ઞાનિકોએ અરજીપત્ર દ્વારા યુનાઇટેડ નેશન્સને વિનંતી કરી છે કે, તેમને EMF દ્વારા થતાં જોખમોને વધુ ગંભીરતાપૂર્વક લેવાનું કહેવામાં આવે. ‘પક્ષીઓ પર થનારી અસર’ વિષય પર કરવામાં આવેલા અવલોકનોમાં એવું તારણ નીકળ્યું છે કે કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી પક્ષીઓની ઉડવાની ક્ષમતા જોખમમાં મૂકાય છે. EMFથી પક્ષીઓને તીવ્ર શારીરિક તાણ થાય છે અને તેમના ગર્ભમાં વિકૃતિઓનું કારણ બને છે.
લાગતું વળગતું: ઘોરાડ અને સુરખાબની સુંદરતા – મારુ વન્ય સમૃદ્ધ ગુજરાત શું તમે જોયું છે? |
ભારતમાં પર્યાવરણ અને વન મંત્રાલયે એક નિષ્ણાત જૂથની રચના કરી છે જેઓએ પક્ષીઓ અને મધમાખીઓ સહિત બીજા વન્યજીવન પર ટેલિકોમ ટાવર્સની સંભવિત અસરોનો અભ્યાસ કર્યો છે. તે અભ્યાસ એવો નિર્દેશ કરે છે કે ભવિષ્યમાં ભારત સેલફોન માટે વિશ્વની સૌથી મોટી બજારોમાંનું એક બનવાની સંભાવના છે અને ભારતીય સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સેલફોન ટાવર્સના સ્થાન પર કોઈપણ નીતિ રાખતું નથી.
પક્ષીઓના અભ્યાસુ અને નિષ્ણાત ડૉ. રીના દેવ મુંબઈમાં એક દાયકાથી વધુ સમય માટે પશુચિકિત્સક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના મત મુજબ તેમના પીંછાવાળા દર્દીઓ વફાદાર કુતરાઓની બુદ્ધિથી બહેતર છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષોમાં, રીના મુંબઈમાં એક વિચિત્ર અને ચિંતાજનક ઘટનાના સાક્ષી રહ્યા છે. શિયાળામાં ઉપરથી પસાર થતાં કેટલાક સ્થળાંતર કરનારા પક્ષીઓ અચાનક શહેરના ગીચ વસ્તીવાળા વિસ્તારો અને ઔદ્યોગિક ઝોનમાં ઉતરવા લાગ્યા છે. (પરંપરાગત રૂપે આ પક્ષીઓ કોઈ દૂર જંગલી વિસ્તારમાં જળાશયો પાસે જઈને વસવાટ કરતાં હોય છે).
બેંગલુરુમાં રહેતા એવિયન અને રેપ્ટીલ પુનર્વસન કેન્દ્રના સહ સ્થાપક જયંતિ કલ્લમ પણ આ જ વાત કરે છે. હિમાલયથી શ્રીલંકા સુધી સ્થળાંતર કરતાં નવરંગા કે હરિયા નામના પક્ષી (જેમને અંગેજીમાં Indian Pitta કહેવાય છે) અધવચ્ચે કર્ણાટકમાં લોકોના ઘર પાસે, બગીચાઓમાં અવ્યવસ્થિત અને કમજોર અવસ્થામાં પડેલા મળે છે. જયંતિ કલ્લમ વધુ નિર્દેશ કરે છે કે પક્ષીઓના પીછા EMFના ઉચ્ચ સ્તરોના રીસેપ્ટર્સ (અથવા એન્ટેના) તરીકે કાર્ય કરે છે.
એક તો પહેલાથી જ પક્ષીઓ શહેરોમાં અવાજ અને વાયુ પ્રદૂષણના ભોગ બનેલા હોય છે. જ્યારે ઉચ્ચ EMFના સંપર્કમાં આવે ત્યારે પક્ષીઓને નાના ઇલેક્ટ્રિક આંચકાઓ લાગે છે જે તેમની ઉડ્ડ્યનશક્તિને અસર કરે છે અને તેઓને ગેરમાર્ગે દોરે છે. પક્ષીઓ મુસાફરી માટે ધૃવિય (ચુંબકીય) નેવિગેશનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ વાતાવરણમાં હાજર સ્ટ્રોંગ ચુંબકીય ક્ષેત્રો પક્ષીઓની ક્ષમતાને ઘટાડે છે.
મધમાખીઓના અભ્યાસોમાં કોલોની કોલેપ્સ ડિસઓર્ડર (Colony Collapse Disorder) તરીકે ઓળખાતા અસામાન્ય રોગની વાત થઈ છે. આ પણ EMFની જ અસર છે. આ ડિસઓર્ડરમાં મધપૂડાના રહેવાસીઓ અચાનક અદૃશ્ય થઈ જાય છે. માત્ર રાણીઓ, ઇંડા અને થોડા અપરિપક્વ કામદારોને છોડી દે છે. આ અદ્રશ્ય મધમાખીઓ ક્યારેય મળતી નથી, પરંતુ ઘરથી દૂર, એકલા મરી જાય છે. મોબાઇલ ફોનથી આવનારા કિરણોત્સર્ગ મધમાખીઓની નેવિગેશન સિસ્ટમ્સમાં દખલ કરે છે, જે તેમને તેમના મધપૂડા તરફ પાછા ફરવાથી અટકાવે છે.
જો કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના ભૂતપૂર્વ ડિરેક્ટર અસદ રહમાની આવા અભ્યાસો પર શંકા વ્યક્ત કરે છે. ડેક્કન હેરાલ્ડને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, “લોકોને એવો ભ્રમ છે કે મોબાઇલ સેલ અને મોબાઇલ ટાવર કિરણોત્સર્ગને લીધે ઘરની ચકલીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અને ચકલીઓની ગેરહાજરીમાં કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. જો રેડિયેશન ગુનેગાર છે, તો પછી શહેરોમાં કબૂતર કેમ છે?”
શંકરના દિગ્દર્શનમાં બનેલી અને રજનીકાંત-અક્ષય કુમારની મુખ્ય ભૂમિકા બતાવતી ફિલ્મ 2.0 પછી હવે ઓર્નિથોલોજી (પક્ષીઓના અભ્યાસ)ના ક્ષેત્ર સંબંધિત લોકોની દૈનિક વિષયવસ્તુ જાહેર ડોમેઈનમાં પ્રવેશી છે. મારા મતે EMF રેડિયેશનની વન્ય જીવન પર (અને માનવજીવન પર પણ) થતી અસરોમાં વધુ અભ્યાસ કરવાની જરૂર છે. EMFને કદાચ એક પ્રદૂષક તરીકે ઓળખાવી શકાય? દરેક શહેરી વિસ્તારો, શૈક્ષણિક જગ્યાઓ, હોસ્પિટલ, ઔદ્યોગિક અને સ્થાનિક સ્થળોએ નિયમિત ઑડિટિંગ થવું જરૂરી છે. EMF જેવી ઉભરતી ધમકીઓથી શહેરી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના રક્ષણ માટે કાયદો રજૂ કરવાની પણ જરૂર લાગે છે. શું કહેવું છે આપનું, વાચકમિત્રો?
પડઘો
આપણા ઘરમાં જે વિદ્યુત ઊર્જા હોય છે એ 220-230 વોલ્ટ/50 હર્ટ્ઝનો સપ્લાય કહેવાય છે. વોલ્ટના એકમને વૈજ્ઞાનિક ભાષામાં EMF પણ કહેવાય છે. આ EMF એટલે ઈલેક્ટ્રોમોટિવ ફોર્સ (Electromotive Force).
સંદર્ભઃ
- https://www.thenewsminute.com/article/does-cellphone-use-kill-birds-experts-weigh-idea-promoted-shankars-20-92735
- https://www.telegraph.co.uk/science/2018/05/17/electromagnetic-radiation-power-lines-phone-masts-poses-credible/
- https://www.ndtv.com/india-news/juhi-chawla-actor-flags-concerns-about-5g-mobile-technology-writes-to-maharashtra-chief-minister-1816957
- moef.nic.in/downloads/public-information/final_mobile_towers_report.pdf
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: રાહુલ ગાંધીના વડાપ્રધાન બનતા જ દેશમાં મોબાઈલ ફોન્સનું ઘોડાપૂર આવશે