બજાજ સ્કુટર ચડતી અને પડતીની ગાથા – સુપર, ચેતક અને પ્રિયા

  5
  229

  બજાજ સ્કુટર વિષે વાત કરવાનું એટલે યાદ આવ્યું કારણકે 1 જાન્યુઆરી, 2019 સવારે અખબાર જોતાં અનેકના ભવાં ચડી ગયા, અને અનેકને મજા આવી ગઈ કે આવડી મોટી આખા પેઈજની જાહેરાતમાં હકીકત દોષ? હેપ્પી ન્યુ યર 2019 ને બદલે હેપ્પી ન્યુ યર 2009? આ કેવી રીતે પ્રીન્ટમાં પહોંચી ગયું?

  Photo Courtesy: 350cc.com

  પણ જાહેરાતને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે એ એમની એડવાન્સ્ડ ટેકનોલોજી વિશે પ્રચાર કરી રહ્યા છે. એ ટેકનોલોજી કે જે જાહેરાત આપતી કંપનીના સ્કુટરમાં 2009થી આ ટેકનોલોજી અમલમાં મુકી છે. આજે તો ગીયર વગરના હાઈટેક સ્કુટર વડે બજાર ઉભરાય છે. હોન્ડા, હીરો મોટો કોર્પ, સુઝુકી, યામાહા, ટીવીએસ, મહીન્દ્રાના સ્કુટર બધા જ બજારમાં લોકોની પસંદગી બની ગઈ છે. મનપસંદ કલર, હાજર ડીલીવરી અને પેટ્રોલ વપરાશમાં સારી એવી ઇકોનોમી. બીજું શું જોઈએ? હા, લગભગ સ્કુટરમાં 4 સ્ટ્રોક એન્જીન, ડીજીટલ ઓડોમીટર, હેલ્મેટ સ્ટોરેજ સ્પેસ, મોબાઈલ ચાર્જીંગ સુવિધા, ઇલેક્ટ્રીક ઇગ્નીશન સ્ટાર્ટ, ડે-લાઈટ રનીંગ, ઇન્ડીકેટર્સ, અને એ બધાથી સર્વોપરી ગીયરલેસ.

  બજાજ સ્કુટર – સતત 15 વરસ સુધી કોઇ એક બ્રાન્ડ જ્યારે સમગ્ર દેશના રસ્તાઓની શાન બની રહ્યું હોય, જેનો વેઈટીગ પીરીયડ 10 વરસનો રહ્યો હોય, યસ.. આજે તો કલ્પના બહારની વાત લાગે કે એક સ્કુટર માટે 10 વરસની રાહ જોવી પડતી હતી. એક જ મોડેલ, કલરમાં કોઇ વિશેષ પસંદગી નહી છતાં બજાજ સ્કુટર 15 વરસ સુધી એકચક્રી શાસન? ભલે એ લાયસન્સ રાજના દિવસો હતા એનો લાભ મળ્યો હતો. આ બધી પરિસ્થિતિ હોવા છત્તાં એ લોકોનું પ્રિય વાહન હતું. સીરીયસલી, બજાજ સ્કુટર એ દહેજનું પણ એક માપદંડ હતું. દિકરીના લગ્ન થાય એટલે જમાઈને દહેજમાં એક બજાજ સ્કુટર તો આપવું જ પડે. આ શિરસ્તો અનેક પ્રદેશોમાં પ્રચલીત હતો.

  બીજી એ પણ રમુજ થતી કે જો સ્કુટર સ્ટાર્ટ કરવું હોય તો નમાવવું તો પડે જ. હા આ પણ એની એક પ્રખ્યાત પ્રથા બની ગઈ હતી.
  આજે તો બજાજ સુપર કે પછી ચેતક એક વિસરાયેલ ઇતિહાસ બની ગયું. એની ચડતી અને પડતીની ગાથામાં ઘણા પાઠ શીખવા મળી જાય છે.

  આજની આ પરિસ્થિતિ આર્થીક સુધારા બાદનું દ્રશ્ય પ્રવર્તમાન બન્યું છે. પણ એ પહેલાં શું હતું?  એકમેવ બજાજ સ્કુટર. એની પ્રોડ્ક્ટ્સ, એની મોનોપોલી અને બજારમાં એકચક્રી શાસન. તો કેમ આજે બજાજ સ્કુટર બજારમાં સ્થાન જાળવી રાખવા નિષ્ફળ રહ્યું?

  Photo Courtesy: Mitesh Pathak

  આમ તો બજાજ ગૃપ આઝાદીના ત્રણ વરસ પહેલાં એટલે કે 1944માં સ્થપાયેલી. રાષ્ટ્રવાદી જમનાલાલ બજાજ દ્વારા સ્થપાયેલી બચરાજ ટ્રેડીંગ  કંપની પ્રાઇવેટ લિમિટેડ. શરૂઆતના વરસોમાં વિદેશથી સ્કુટર અને રીક્ષાઓ દેશમાં આયાત અને ભારતમાં એનું વેચાણ કરતા. 1959માં બજાજને દેશમાં સ્કુટર અને રીક્ષા ઉત્પાદનનું લાયસન્સ મળ્યું. ઇટાલીની પીયાજીયો કંપની સાથે ઉત્પાદનના કરાર હેઠળ 1960થી બજાજ 150 cc સ્કુટર ઉત્પાદન કરવા લાગ્યા. 1960 – 1970 દશકામાં 100,000 સ્કુટરનું ઉત્પાદન અને વેચાણનો આંકડો પાર પાડ્યો. અને 1977 એક જ વરસમાં  100,000 સ્કુટરનું ઉત્પાદન અને વેચાણનો રેકોર્ડ સર્જ્યો. 1977 ના વરસમાં ઇટાલીની પીયાજીયો સાથેના કરારનો અંત આવ્યો, પણ બજાજ સુપરનું ઉત્પાદન તો ચાલુ જ રહ્યું. પેટન્ટ અને લાયસન્સના ભંગના કેઈસ પણ થયા. બ્રિટન, અમેરીકા, જર્મની વગેરે દેશોમાં બજાજના સ્કુટરના વેચાણ પર રોક લગાવવામાં આવી હતી. ઉપરાંત સુપરની સાથે સાથે બજાજ ચેતક રજુ થયું જે 15 વરસ સુધી ભારતીય બજારમાં એકચક્રી શાસન કરવાનું હતું.

  ચેતક. મહારાણા પ્રતાપના અશ્વ ચેતકના નામ પરથી ખડતલ સ્કુટર બ્રાન્ડ ભારતમાં છવાયેલી હતી. આ અગાઉ મોપેડની દુનિયા વિશે લખ્યું હતું, મોપેડની એક સમસ્યા એ હતી કે પરીવારના સદસ્યો એક સાથે મુસાફરી કરવા સક્ષમ ન હતા. ખડતલ, ઓછું મેઈન્ટેનન્સ, અરે ગલીના નાકા પર બેસતો મીકેનીક પણ નાનામોટા પ્રોબ્લેમ સરળતા પૂર્વક અને ઓછા ખર્ચે નિરાકરણ લાવી શક્તો. 1972 એ બજાજ ચેતકનું સોપાન શરૂ થયાનું વરસ હતું. જે 2006 સુધી ઉત્પાદન અને વેચાણમાં રહ્યું. મહારાષ્ટ્ર સ્કુટર્સ (મહારાષ્ટ્ર સરકારનું યુનિટ) માટે પ્રિયા નામનું મોડેલ પણ બજાજ સ્કુટર જ બનાવતું અને સમગ્ર ભારતમાં વિતરણ વ્યવસ્થા સંભાળતું. બજાજ ચેતક અને પ્રિયામાં બ્રાન્ડીંગ સીવાય અન્ય કોઇ મોટો તફાવત ન હતો.

  બજાજને હરીફાઈ તો હતી જ. પણ એ સ્કુટર્સ ઇન્ડીયા લીમીટેડ નામની કાનપુર સ્થીત સરકારી કંપનીની હતી. લેમ્બ્રેટા બ્રાન્ડ કે જે મુળ ઇટાલીની ઇનોસેન્ટી કંપનીની હતી. અને આઝાદી પહેલાં દેશમાં લેમ્બ્રેટા સ્કુટર્સ એસેમ્બલ થતા હતા. આઝાદી બાદ 1950 માં Automobile Products of India (API) લેમ્બ્રેટા, લેમ્બી, વિજય, લામ્બ્રો નામના મોડેલ્સ એસેમ્બલ કરતા હતા. 1972ના વરસમાં એનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું અને એ સંપુર્ણ સરકારી કંપની બની ગઈ. આજે તે વિક્રમ રીક્ષાનું ઉત્પાદન કરે છે.

  Photo Courtesy: Mitesh Pathak

  લેમ્બ્રેટા કે લેમ્બીની વિશેષતા એ હતી કે આગલા વ્હિલ ઉપરનું કવર સ્કુટરની બોડી સાથે જ ફિક્સ રહેતું, જ્યારે સ્કુટર ટર્ન લ્યો ત્યારે એ સીધું જ રહે, નવોસવો આ સ્કુટર ચલાવનાર શરૂઆતમાં થોડી તકલીફ અનુભવે. એની લંબાઈ બજાજ કરતાં વધુ હતી. અને એ 175 cc ટુ સ્ટ્રોક એન્જીન ધરાવતું હતું.

  પ્રથમ તો આંધ્ર પ્રદેશ રાજ્ય સરકારના એક યુનિટ કે જે લેમ્બ્રેટા સાથે કરાર કરીને ઓલ્વીન (નામ યાદ આવે છે? રેફ્રીજરેટર બનાવતી કંપની) યસ ઓલ્વીન પુષ્પક નામનું સ્કુટર બનાવતી, આ નામ યાદ રાખજો, આગળ એનો ઉલ્લેખ ફરી એક વાર આવશે. અને આપણા ગુજરાતની કંપની કેમ ભુલાય? ગુજરાત સરકારની કંપની ગીરનાર સ્કુટર્સ લીમીટેડ પણ આ રેઈસમાં હતી ત્રણ મોડેલ સાથે. એમાં ગીરનાર લીયો થોડું જાણીતું થયું હતું. સતત ખોટ ખાતું આ યુનીટ ત્યાર બાદ GNFC – Gujarat Narmada Fertilizer Ltd. હસ્તક સોંપવામાં આવ્યું અને ત્યાર બાદ નર્મદા સ્કુટર્સ તરીકે ફરી એક વાર લોંચ થયું પણ લાંબુ ન ચાલ્યું.

  બજાજ સ્કુટર ની તમે વિશેષતા જો જુવો તો એ હતી કે, એની કિંમત મધ્યમવર્ગના લોકોને પરવડે તેવી હતી, ઓછું મેઇન્ટેનન્સ, પરીવારને માટે પર્યાપ્ત થઈ રહે તે પ્રકારનું એક વાહન, ટુ સ્ટ્રોક એન્જીન, ખડતલ બોડી, ચાર ગીયર્સ અને એ પણ હાથવગા. આ મોડેલનો ઇતિહાસ એ થયો કે 10 વરસ જેટલો તો વેઇટીંગ પીરીયડ રહેતો. આ સ્કુટરના બ્લેક માર્કેટ પણ ખુબ થવા લાગ્યા હતા. NRI ક્વોટામાં લોકો લેવા પડાપડી કરતા. કોઇ વિશેષ એસેસરીઝ નહી, પસંદગીના કલર્સ નહીં, છત્તાં એ ભારતીય ગ્રાહકોની સર્વોપરી પસંદગી રહી.

  જે એના હકારાત્મક પાસાઓ હતાં એમ એના કેટલાક એવા પાસાઓ પણ હતા જે લોકોને ખુંચતા હતા. પ્રથમ તો એનો લાંબો વેઈટીંગ પીરીયડ. લાયસન્સ રાજનો મહત્તમ ફાયદો બજાજ ગૃપને મળ્યો. હરીફાઈને ઉભી જ ન થવા દીધી. અને મોનોપોલી હતી તો કોઇ નવી ટેકનોલોજી કે ઇનોવેશન માટે ક્યારેય પ્રયાસ ન કર્યો. વધતી જતી પેટ્રોલની કિંમત લોકોને માટે ચીંતાનો વિષય થતો ગયો, પણ બજાજ ટેકનોલોજી અપનાવવામાં નિરસ જ રહ્યું.

  લાગતું વળગતું: રોયલ એનફિલ્ડ – આ રાજાશાહી સવારી બજાજ ડોમિનાર 400 સામે ટકશે ખરી?

  1984 બાદ દેશમાં આર્થીક અને ઔદ્યોગીક મોકળાશ આવવા લાગી હતી. પીયાજીયો ભારતમાં પગપેસારો કરવા ઉત્સુક જ હતા. પ્રથમ તો આંધ્ર પ્રદેશ રાજ્ય સરકારના એક યુનિટ કે જે લેમ્બ્રેટા સાથે કરાર કરીને ઓલ્વીન પુષ્પક નામનું સ્કુટર બનાવતી, એમણે પીયાજીયો સાથે કરાર કરીને વેસ્પા PL 170 મોડેલ લોંચ કર્યું હતું અને સાથે જ  કાનપુર બેઝ્ડ લોહીયા મશીન લીમીટેડ LML પીયાજીયો સાથે કરાર કરીને LML Vespa NV 150 રજુ કર્યું અને આવતાની સાથે એ છવાઈ ગયું. કારણ બજાજનો લાંબો વેઈટીંગ પીરીયડ. એમની પણ ઓર્ડર બુક ફુલ્લ થઈ ગઈ હતી. પણ એ માસ પ્રોડક્શન, ક્વોલીટી અને પ્રથમ વખત બ્લીંકર્સ સાથે સ્કુટર રજુ કરતાં નવો ચીલો પાડનારા તરીકે જાણીતા થયા.  LML Vespa બજાજના માર્કેટ શેરને કે એના નફાને બહુ મોટી અસર ન પાડી શક્યા.

  પણ બજાજ સ્કુટર આવતા પરિવર્તનને ઓળખવામાં એ નિષ્ફળ ગયું અને એ હતું 1986 નું વરસ. સર્વ પ્રથમ કાઈનેટીક દ્વારા હોન્ડાના સહકારથી કાઈનેટીક હોન્ડા – ફોર સ્ટ્રોક એન્જીન, સેલ્ફ સ્ટાર્ટ અને ગીયરલેસ  TVS દ્વારા સુઝુકીના સહયોગથી પ્રથમ આવ્યું IND Suzuki અને ત્યાર બાદ પ્રખ્યાત (અને આજે પણ વિશ્વની નંબર 1 બાઈક કંપની) હીરો CD 100. ફોર સ્ટ્રોક એન્જીન, 70+ કિલોમીટર પ્રતી લીટરની એવરેજ, સ્ટાઈલ અને સુવિધાઓ ભર્યા બાઈક સામે બજાજના સ્કુટર તો જમાના જુના લાગવા માંડ્યા. અને મહત્વની વાત એ હતી કે બધા જ બાઈક હાજર સ્ટોકમાં મળવા લાગ્યા હતા.

  બજાજ સ્કુટર સતત પાછળ પડવા લાગ્યું. 2002 માં ચેતકમાં ફોર સ્ટ્રોક એન્જીન સાથે નવું મોડેલ પણ રજુ કર્યું, અન્ય કોસ્મેટીક મોડીફીકેશન સાથે બજાજ ચેતક ક્લાસીક અને લેજન્ડ પણ બજારમાં ઉતાર્યા.  પણ એ ઘણું મોડું પગલું સાબીત થયું. ફાયનલી 2006ના વરસમાં ચેતકના ઉત્પાદન પર કાયમી વિરામ લાગ્યો અને પંદર વરસથી એકચક્રી સાશનનો અંત પણ આવ્યો. એક તબક્કે તો બજાજ ઓટો ખોટ ખાતા યુનિટમાં તબદીલ થયું હતું. જો રીક્ષા ઉત્પાદન અને વેચાણમાં નંબર 1 ન રહ્યા હોત તો કંપની બંધ થવાને આરે હતી (માર્કેટ અફવાઓને આધારે)

  મોરલ એ જ છે કે બજાજ સ્કુટર બનાવનારાઓ મોનોપોલીનો ફાયદો ખોટી રીતે ઉઠાવતા રહ્યા, નવી ટેકનોલોજી કે ગ્રાહકલક્ષી અભિગમનો સદંતર અભાવ રહ્યો. અને જ્યારે ગ્રાહકોને પસંદગીની તક મળવા લાગી ત્યારે બજાજ પ્રાથમિકતા ન રહી.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે વલ્લભભાઇ અને બાપુ કેમ હસ્યા હતા?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here