55 વર્ષ V/S 55 મહિના: મોદીએ સેહવાગની શૈલીમાં કોંગ્રેસની ધોલાઈ કરી!

  0
  127

  ગઈકાલે લોકસભામાં મોદીએ આપેલા આંકડાઓ અને તથ્યો સાથેની નક્કર હકીકતો સામે ઝીંક ઝીલવા વિરોધીઓ પાસે કશું જ બચ્યું નહીં! લોકસભામાં અપાયેલી યાદગાર સ્પીચની યાદીમાં મોદીનું આ વક્તવ્ય અવશ્ય સ્થાન પામશે

  Photo Courtesy: YouTube

  ભારતની સંસદમાં આજ સુધી અનેક યાદગાર વક્તવ્યો અપાયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ફેબ્રુઆરીની સાંજે આપેલું વક્તવ્ય પણ અનેક દ્રષ્ટિએ યાદગાર બની રહેવાનું છે. પાયા વગરનાં ગંભીર આક્ષેપો અને વિપક્ષે પરાણે, મારી-મચડી ઉભા કરેલા મુદ્દાઓનો તેમણે જે તર્કબદ્ધ જવાબ આપ્યો એ માત્ર તેઓ જ કરી શકે. સતત બે કલાક સુધી આપેલી એ સ્પીચમાં સેહવાગની આક્રમકતા તો હતી જ પણ, સચિન જેવું ટેક્નિકલ પરફેક્શન પણ હતું, અઝહર જેવી કાંડાની કમાલ તથા કોહલી જેવું ઈમ્પ્રુવાઈઝેશન પણ હતું. તેમાં ટાવરિંગ છગ્ગાઓ હતા તો એક્સેલન્ટ ફૂટવર્ક અને ટાઇમિંગથી ફટકારેલા સનસનાટ ગ્રાઉન્ડ શોટ્સ પણ હતા.

  મોદીના શરીર પર હરિફો બે દાયકાથી ઉઝરડાં કરી રહ્યા છે. પણ, એમને વરદાન છે: જેટલાં રક્તબિંદુ જમીન પર પડે છે, તેટલું તેમનું કદ વધતું જાય છે. હું વિરોધ પક્ષનો નેતા હોઉં તો ક્યારેય એમને ટાર્ગેટ ન કરું. એ નરી મૂર્ખામી છે. અમૂક બેટ્સમેનની તાસીર જ એવી હોય, તમે જેટલો ફાસ્ટ બોલ ફેંકો એટલો જ મોટો તેઓ છગ્ગો મારે. રાફેલ, બેરોજગારી, ચોકીદાર જ ચોર… શું આ કોઈ વાજબી મુદ્દાઓ છે? બિલકુલ નહીં. મોદીએ આંકડા સાથે મોં પર ચોપડાવ્યું કે, ગયા વર્ષે સવા કરોડ નવા PF ખાતાં ખુલ્યા જેમાંથી 64 ટકા લોકો 28 વર્ષ કરતા ઓછી ઉંમરના છે! લ્યો… ઠેંગો. આ આંકડાને તમે કેવી રીતે ખોટો સાબિત કરશો? જો રોજગારી ન સર્જાઇ હોય તો નવા પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ શું ધૂળમાંથી ખૂલવાના હતાં! ગેસ કનેક્શન, વીજ કનેક્શન, હાઇવે, અર્થતંત્ર, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, મોંઘવારી, ફુગાવો… બધાં જ મુદ્દે મોદીએજે કહેવું હતું તેના માટે વિપક્ષે કારણો આપ્યા. કરોડો લોકોએ લાઈવ નિહાળ્યું, હજુ કરોડો લોકો સુધી તેની વિડીયો ક્લિપ્સ પહોંચશે. બન્યું એવું કે, રાષ્ટ્રીય કક્ષાની એક કરોડો દર્શકોની જાહેરસભાનું આયોજન ખુદ કોંગ્રેસે મોદીને કરી આપ્યું.

  મોદીએ સમગ્ર વિપક્ષને સ્તબ્ધ કેવી રીતે કર્યો?

  મોદી એક કુશળ વક્તા છે, તેમના વક્તવ્યો છટાદાર હોય છે. બધાને ખ્યાલ જ છે. પણ, માત્ર વકતૃત્વ કળાથી જ ચૂંટણીઓ કે લોકોના હૃદય જીતી શકાતાં નથી. મોદીએ સંસદમાં જે તથ્યો મૂક્યા તેની સામે વિપક્ષ સ્તબ્ધ છે. ક્રિસ ગેઈલ કે સેહવાગ કે કોહલી જેવા બેટ્સમેન તેમના ટોપ ફોર્મમાં રમતા હોય ત્યારે ફિલ્ડિંગ એરેન્જમેન્ટ માટે મિડ ગ્રાઉન્ડ કોન્ફરન્સ કરવાનો કોઈ અર્થ સરતો નથી. એવું જ મોદીનું. તમે સામેથી દાવ આપ્યો. બોલિંગ બુઠ્ઠી હોવા છતાં. હવે ભોગવો.

  લાગતું વળગતું: 2019માં તો મોદી જ આવશે: શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા

  CBI, CAG જેવી સ્વાયત સંસ્થાઓના દુરુપયોગનો જે બીમર વિરોધ પક્ષોએ ફેંક્યો તેની સજારૂપે તેમણે મોદીને ફ્રી હિટ આપવી પડી. વાડ્રા, કાર્તિ ચિદમ્બરમ, મમતા, માયાવતી જેવા લોકોનો હાથ આ લડાઈમાં હંમેશા નીચો જ રહેવાનો. જ્યારે સત્તા તેમની પાસે હોય ત્યારે બેશક તેઓ બચી શકે. પણ, સત્તાની બહાર હોય ત્યારે કુકર્મો અવશ્ય પીછો કરે. સત્તાની આ રમતનો નિયમ એ છે કે, તમે ચોખ્ખા હોવ તો જ હાકલા-પડકારા કરો. નહીંતર શરદ પવારની જેમ એક ખૂણો સંભાળી ને ચૂપચાપ બેસી રહો. સિત્તેર પેઢી બેઠી-બેઠી ખાઈ શકે એટલું ભેગું કરી લીધું. હાયવોય શાને! “મૈં તો ફકીર હું, ઝોલા ઉઠા કે ચલા જાઊંગા…” એવું જ્યારે મોદીએ કહ્યું ત્યારે એ વાક્ય દિલ પર લઈ લેવાની આવશ્યકતા બિલકુલ ન હતી. શું તમને એમ હતું કે, આ માણસ બગલથેલો લઈ ને ખરેખર ચાલતો થઈ જશે? બિલકુલ નહીં. એ વન-ટર્મ વન્ડર હરગીઝ નથી.

  એક અગત્યનો મુદ્દો એ પણ છે કે, કોઈ એક પ્રતિબદ્ધ વ્યક્તિને નાથવા જ્યારે અધમ લોકો ટોળકી રચે છે ત્યારે લોકોની સહાનુભૂતિ પેલી એક વ્યક્તિ તરફ જ હોય છે. એક મંચ પર દોઢ-બે ડઝન ચોર-લૂંટારું ભેગા થઈ ને ગામનું પોલીસ સ્ટેશન અને અદાલત તોડી નાંખવા લોકોનો સહકાર માંગે તો શું પરિણામ આવે? એવો જ આ ઘાટ છે. પ્રજાનો માઇન્ડસેટ અત્યારે મોદી તરફ હતો જ. ચોરટાઓએ મંડળી રચી એ પછી વાડ પર બેઠેલા પણ મોદીના ફળિયે ભૂસકો મારશે.

  સરવાળે રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો આભારપ્રસ્તાવ મોદી, ભાજપ અને NDA માટે આશીર્વાદ લઈ ને આવ્યો. વિપક્ષે ચોતરફ એવું વાતાવરણ સર્જ્યું કે, છેવટે તેનાથી ફાયદો મોદી & પાર્ટીને જ થાય. મોદીને આ પણ એક વરદાન મળ્યું છે કે, તેમને હંમેશા મૂર્ખ અને વામણા દુશ્મનો જ મળશે.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: મધ્ય એશિયાથી ભારતમાં ઉતરી આવેલું એક રાજાશાહી ખાણું એટલે મુઘલાઈ ફૂડ!

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here