આ વર્ષનો ક્રિકેટ વર્લ્ડ કપ નજીક આવતા અને પોતાની ટીમની હાલત નબળી લાગતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગની આસિસ્ટન્ટ કોચ તરીકે નિમણુંક કરી છે.

2017ના બોલ ટેમ્પરિંગ કાંડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની કરોડરજ્જુ તોડી નાખી છે. ઓસ્ટ્રેલિયાએ આ કાંડ બાદ ગયા વર્ષે અત્યંત ખરાબ દેખાવ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પોતાના જ ઘરમાં ભારત સામે ત્રણમાંથી એક પણ ફોર્મેટમાં સિરીઝ જીતી શક્યું ન હતું. આવામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આવનારા વર્લ્ડ કપ માટે પોતાની ટીમની ચિંતા થાય એ સ્વાભાવિક છે અને આ માટે જ તેને પૂર્વ કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેનોમાંથી એક એવા રિકી પોન્ટિંગની આસિસ્ટન્ટ કોચ તરીકે નિમણૂંક કરી છે.
રિકી પોન્ટિંગ જો કે માત્ર આવનારા વર્લ્ડ કપ પૂરતો જ ઓસ્ટ્રેલિયાનો કોચ રહેશે. પોન્ટિંગ મુખ્ય કોચ જસ્ટિન લેંગર અને રેગ્યુલર બેટિંગ કોચ ગ્રેહામ હિકની ટીમ સાથે કોચિંગ ટીમમાં જોડાશે. જો કે ઓસ્ટ્રેલિયન મિડિયા આ નિમણૂંકને બોલિંગ કોચ ડેવિડ સેકરના અચાનક રાજીનામું આપી દેવા સાથે પણ જોડી રહ્યું છે. વર્લ્ડ કપ અગાઉ ઓસ્ટ્રેલિયા આ મહિનામાં ભારતનો વનડે પ્રવાસ ખેડવાનું છે જે વર્લ્ડ કપની તૈયારી માટે અતિશય મહત્ત્વનો છે પરંતુ રિકી પોન્ટિંગ ટીમ સાથે જોડાવાનો નથી.
આસિસ્ટન્ટ કોચ તરીકે રિકી પોન્ટિંગ ટીમ સાથે જોડાશે
રિકી પોન્ટિંગ છેક મે મહિનામાં બ્રિસ્બેનમાં આયોજિત પ્રિ-વર્લ્ડ કપ કેમ્પમાં ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાશે. ઓસ્ટ્રેલિયા પોતાની પ્રથમ વર્લ્ડ કપ મેચ અફઘાનિસ્તાન સામે 1 જૂને બ્રિસ્ટલમાં રમશે. રિકી પોન્ટિંગ અગાઉ પણ થોડા સમય માટે ઓસ્ટ્રેલિયન ટીમને કોચિંગ આપી ચૂક્યો છે. હાલમાં પોન્ટિંગ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં દેલ્હી કેપિટલ્સનો કોચ છે.
લાગતું વળગતું: બોલ ટેમ્પરિંગ – ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ચોરીની સજા ફાંસી નથી તેનું ધ્યાન રાખે |
ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ ટીમના આસિસ્ટન્ટ કોચ તરીકે નિમણૂંક પામ્યા બાદ પોન્ટિંગે જણાવ્યું હતું કે તે આ નિમણુંક અંગે ઉત્સાહિત છે. રિકી પોન્ટિંગે કહ્યું હતું, “મેં અગાઉ વનડે અને ટ્વેંટી20 ટીમ સાથે કોચિંગનો આનંદ માણ્યો છે પરંતુ વર્લ્ડ કપ મારા માટે એક અલગ જ મહત્ત્વ ધરાવે છે. મને ખેલાડીઓ પર પૂરો વિશ્વાસ છે અને મને ખબર છે કે અમારી ટીમને આ વર્ષના વર્લ્ડ કપમાં હરાવવી મુશ્કેલ હશે.”
આ અગાઉ પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાની ટ્વેંટી20 ટીમ સાથે 2017 અને 2018માં આસિસ્ટન્ટ કોચ તરીકે રહી ચૂક્યો છે. અગાઉ ઇંગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન પણ રિકી પોન્ટિંગે હેડ કોચ જસ્ટિન લેંગરની મદદ કરી હતી.
રિકી પોન્ટિંગ 375 આંતરરાષ્ટ્રીય વનડે મેચો રમી ચૂક્યો છે અને પાંચ વર્લ્ડ કપમાં હિસ્સો લઇ ચૂક્યો છે જેમાંથી ત્રણમાં તે કેપ્ટન હતો અને બે વર્લ્ડ કપ (2003 અને 2007) તેની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા વિજયી બન્યું હતું. ઓસ્ટ્રેલિયાના વિજયરથને સંભાળનારો રિકી પોન્ટિંગ અંતિમ કપ્તાન હતો.
eછાપું
તમને ગમશે: જો Facebook Messenger Instagram અને Whatsapp નું મર્જર થાય તો?