લઘુકથા: બેંકને બાંકડેથી

0
209
Photo Courtesy: gulfnews.com

તે બેંકનાં પગથિયાં ચડી અને આમ તેમ ડાફોડીયા મારવા લાગી. બહાર જોરદાર વરસાદ પડતો હતો. તે પલળતી પલળતી આવી હતી. ભીના વાળની લટો પરથી પાણી નીતરતું હતું.  દેહ પરથી પણ. કપડાં શરીરે ચોંટી ગયાં હતાં એટલે સુડોળ દેહ્યષ્ટિ સહુનું ધ્યાન ખેંચતી હતી.

ચોકીદાર કમ પ્યુને તેને નીતરતી છત્રી રાઇટિંગ ડેસ્ક નજીક રાખવા કહ્યું. તેણીએ કહ્યું ‘પૈસા ભરવા છે. ક્યાં જવું?”

ચોકીદારે તેને ડેસ્ક પર બાંધેલી પેન અને સ્લીપ બતાવી. તેણીએ બાજુમાં બીજું કઈંક ભરતા યુવકને, લાચારી ભર્યું મુખ કરી  આ કેમ ભરવી તે પૂછ્યું. તે યુવક તો ખુશખુશાલ! સ્લીપ ભરી આપી અને તેણી કેશ ભરવાની લાઈનમાં ઉભી.

નંબર આવ્યો. તેણીએ સ્લીપ આપી. કેશિયરે પૂછ્યું “એકાઉન્ટ નંબર? એ લખશો નહીં તો જમા કોના ખાતામાં કરશું?”

“ મારૂં ખાતું જ નથી. એક ચેક ઇનામનો મળ્યો છે એટલે  પહેલાં કેશ ભરવાનું ઘેરથી કીધું છે.”

“ તો પહેલાં ખાતું ખોલવું પડે. એક કાર્ડ ભરવું પડે. જાઓ ત્યાં પેલા સાહેબ બેઠા છે ત્યાં”.

એ જમાનામાં એક કાર્ડ જ ભરવું પડતું, ફોટો પણ લગાડવાનો રહેતો નહીં. તેણી એ ટેબલ ગઈ.

સેવિંગ્સ મોટે ભાગે સ્પેશિયલ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક જ, જેને એલાવન્સ આપી સહીઓ પાસ કરવાની, બચત ખાતાના ગ્રાહકોને એટેન્ડ કરવાની જવાબદારી સોંપાતી. તેઓ મોટે ભાગે સફેદ વાળ વાળા ઉંમરલાયક રહેતા.

“કા.. કા..! એક કાર્ડ ભરાવશો? નવું ખાતું ખોલવું છે?”

“બેસ બેન. જો, અહીં કાકા નહીં, સાહેબ કહેવાનું”

(આ વાક્ય અંતિમ 5 વર્ષ મારે પોતે મેનેજર હોવા છતાં બોલવું પડેલું. કાકા કે વડીલ તો ઠીક, ‘એ મહેરબાન’ અને ક્યારેક કોઈ ઉદ્ધત સંબોધન પણ. એ કરનારા ધરાર કરતા, અહીં તો સાવ ભોળી કન્યા હતી)

‘કાકા’ એ કાર્ડ આપી નામ, સરનામું, વ્યવસાયમાં અભ્યાસ એટલું ભરાવ્યું. પછી કહે “અહીં ખાતું હોય એવાની ઓળખાણ લાવો. મમ્મી પપ્પાનું ખાતું હશે ને?”

તેણી વળી ગભરાઈ આમ તેમ જોવા લાગી. બેનીઓના ભઈલાઓ તો ગમે ત્યાંથી ફૂટી નીકળે પણ બહાર વરસાદ અને એ જમાના મુજબ કેશ ક્લોઝ થવાનો સમય 3 વાગવા નજીક હોઈ કોઈ હતું નહીં. તેણી વળી ડાફોડીયા મારતી ચકળવકળ જોવા લાગી. પેલો યુવાન આવી ચડ્યો.

“કાં? શું અટકયાં વળી?”

“ખાતું ખોલવું છે. ચેક ભરવા પૈસા ભરવા પડે અને પૈસા ભરવા ખાતું ખોલવું પડે. ખાતું ખોલવા ખાતું હોય એવા કોઈની ઓળખાણ લેવી પડે. કોની લઉં?”

“આ બાજુ આવો.”

યુવક એ રાઇટિંગ ડેસ્ક પાસે ઉપર લેમીનેટ ઉખડી ગયેલા બાંકડે બેઠો અને તેણીને બાજુમાં બેસાડી. તેણીની આપવીતી સાંભળી હસ્યો.

“પહેલી વાર આવો છો બેંકમાં? શેનો ચેક છે?”

એકદમ ભોળી લાગતી,  યૌવનમાં ડગ માંડી રહેલી વરસાદમાં નિખરેલી સદ્યસ્નાતા તેની સામે આશાભરી મીટ માંડી રહી. કઈ બેંકનો ચેક છે, શેનું ઇનામ છે એ કહ્યું. તે કઈ કોલેજમાં ભણે છે એ પૂછ્યું.

ઘડિયાળ પોણા ત્રણ બતાવતી હતી. તે યુવતી સાથે ફરી સેવિંગ્સના ટેબલે ગયો.

“લો. …સર, ઓળખાણ હું આપું છું.”

“તમે એને ક્યાંથી ઓળખો?”

“ મારી .. કોલેજમાં છે અને અમારા બાપાઓ દોસ્ત છે. લાવો કાર્ડ. મારો ખાતા નં. …, આ પાસબુક”.

ઓફિસરે (કે ‘કાકાએ) કાર્ડ આપી સહી ઉપરાંત ફૂલ સહી એટલે કે નામ લખવાનું,  અને ટૂંકી સહી કરવા યુવતીને કહ્યું.

એ વખતે તમારા અક્ષરો ચેક કરવા સહી ઉપરાંત ફૂલ સિગ્નેચર અને ઓપરેટિંગ સૂચના સામે ઇનિશિયલ એટલે કે ટૂંકી સહી, મેં અગાઉ કહેલું તેમ ‘ચકલી મુકવાની’.

ચકલીએ ‘ચકલી મૂકી’. આ.નં.દા.

“વાહ? આનંદ આપો તેવાં જ છો.“  યુવક ધીમેથી બોલ્યો. હવે તો અત્યંત ધીમે , કાનમાં કહેવાનું હતું. મોં તો નજીક લાઇ જ જવું પડે ને? યુવક તેણીની બુટ્ટી ચાવવા માંગતો હોય તેટલું નજીક મો લઈ જઈ બોલ્યો “તો આ નં દા એટલે નામ શું?”

“ આભા નંદલાલ દાફડા” તેણી એટલા જ ધીમેથી નીચે જોઈ બોલી. .

“લો. ઓળખાણમાં સહી કરો. બેન, ‘ભાઈ’ ને પેન આપો.”

યુવતીએ પોતે લખી રહેલી એ, ઓફિસરની કે બેંકની ખાસ, એક બાજુ લાલ ને એક બાજુ બ્લ્યુ રિફિલ વાળી, દાતણને વારનીશ કર્યું હોય એવી દેખાતી પેન આપી. એ સાથે બંનેના હાથનો સ્પર્શ થયો. યુવતીને જાણેકે ધીમો કરંટ લાગ્યો.

‘ભાઈ’ કોઈ પણ પુરુષને માનવાચક શબ્દ હતો.

યુવકે ચકલી મૂકી, ‘ જ. બ. રો.’  અને ઇન્ટરોડયુશર માં નામ લખ્યું ‘જયેશ બળવંતરાય રોકડ’.

યુવતી એના કાનમાં કહેતાં પોતાના ગરમ ઉચ્છશ્વાસથઈ તેના ગાલને  હૂંફ આપી રહી. ‘ જબરી ઇનિશિયલ છે! જયેશકુમાર, એવા જ જબરા છો કે?”

ત્રણમાં પાંચ. ફટાફટ પીળી , સેવિંગની સ્લીપ યુવકે કાર્ડમાં નામ જોઈ ભરી અને યુવતી સાથે કેશ તરફ ગયો. એ વખતે એને ડાયરેકટ કરવા એના વાંસે હાથ પણ મૂકી લીધો.  પૈસા ભરતાં એકાઉન્ટ નંબરના ખાનામાં ‘ન્યુ એકાઉન્ટ’ લખ્યું.

બંને બહાર.

‘તે આભા, તમે લોહાણા? સૂર્યવંશી?”

લાલીમા પથરાયેલા ગાલે ખંજન પાડતાં યુવતી સ્મિત કરતી હકારમાં મુંડી હલાવી રહી. એના ભીના કેશ ઝુલ્યા. “રોકડ એટલે તમે પણ..”

એ ‘ભાઈ’  સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફોર્મ સાથે પૈસા ભરવા આવેલા. ફરી બીજે દિવસે પેલી પાસબુક લેવા બપોરે 3 પછી આવે એટલે એ સમયે આવ્યા.

ફરી ફરી પેલા લેમીનેટ ઉખડી ગયેલું એટલે એ બાંકડે સારી જગ્યામાં અડોઅડ બેસી ફોર્મો અને સ્લિપો ભરાતાં રહ્યાં. ‘ડિપોઝીટ’ થતી રહી.

બેંકના 100 વર્ષ પૂરાં થયાં ત્યારે બેંકના હાઉસ જર્નલમાં એ દંપત્તિએ ઇન્ટરવ્યૂ આપેલો. આજે એમને લગ્નને 40 ઉપરાંત વર્ષ થયેલાં. આ 1972ની ઘટના થકી એ ‘મળેલા જીવ’ નાં, એમના પુત્રો, પુત્રીઓ અને એમનાં ગ્રાન્ડ ચિલ્ડ્રનનાં માઇનોર ખાતાં  અમારી બેંકમાં છે.

eછાપું 

તમને આ લઘુકથા પણ ગમશે: ફાંકડી રિસેપ્શનિસ્ટ – હોસ્પિટલમાં સૌંદર્યપાન કરતા એક અંકલની લઘુકથા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here