IPL 2019 | મેચ 34 | પંડ્યા બ્રધર્સની મદદથી મુંબઈએ બદલો લીધો

0
323
Photo Courtesy: iplt20.com

IPLમાં ટીમો એકબીજાના ઘરમાં જઈને રમતી હોય છે. આ બંને ટીમો વચ્ચેનો છેલ્લો મુકાબલો મુંબઈમાં થયો હતો જે દિલ્હી કેપિટલ્સે જીતી લીધો હતો. આ મેચ દિલ્હીમાં રમાઈ હતી જેમાં મુંબઈ ઇન્ડિયન્સને એ હારનો બદલો લેવાનો મોકો મળ્યો હતો.

Photo Courtesy: iplt20.com

IPL 2019 હવે એ જગ્યાએ પહોંચી ગઈ છે જ્યાં એક ટીમ પ્લે ઓફ્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે અને બે ટીમ ઓલરેડી એ સ્પર્ધામાંથી બહાર નીકળી ગઈ છે. આવામાં આ ત્રણ ટીમો જે મેચ ન રમતી હોય તેમાં જ રસ જળવાઈ રહે છે. પ્લે ઓફ્સ માટે મુંબઈ ઇન્ડિયન્સની શક્યતાઓ દિલ્હી કેપિટલ્સ કરતા ઘણી સારી છે અને આજે દિલ્હીએ મેચ જીતવાની ખાસ જરૂર હતી જેથી તેઓ પોઈન્ટ્સ ટેબલ પર આગળ આવી શકે.

તો સામે પક્ષે મુંબઈને DC સામેની ગઈ મેચમાં પોતાના જ ઘરમાં હરાવી જનાર આ ટીમ સામે બદલો લેવો પણ જરૂરી હતો. ફિરોઝશાહ કોટલાની પીચ ફરીથી ધીમી અને નીચા બાઉન્સ વાળી હતી. તેમ છતાં શરૂઆતના સારા બાઉન્સનો ફાયદો ઉઠાવતા રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોકે MIને બહેતર શરૂઆત આપી હતી. પરંતુ જેવી સ્પિનરોએ બોલિંગ લીધી કે તરતજ પીચના સ્વભાવની અસર દેખાવા લાગી. રોહિત શર્મા તો અમિત મિશ્રાના પહેલા જ બોલે આઉટ થઇ ગયો હતો.

અત્યારસુધી ઘણી સારી બેટિંગ કરી રહેલા ક્વિન્ટન ડી કોક તેના અને સૂર્યકુમાર યાદવ વચ્ચે થયેલી ગેરસમજને લીધે રન આઉટ થયો. 14મી ઓવરમાં સો રન પાર કર્યા બાદ સૂર્યકુમાર યાદવ પણ આઉટ થઇ ગયો હતો. હવે ચાલુ થયો પંડ્યા બ્રધર્સનો શો. શરૂઆતમાં કૃણાલ પંડ્યા અને બાદમાં હાર્દિક પંડ્યાએ બાઉન્ડ્રીઓ લગાવીને મુંબઈ ઇન્ડિયન્સને આ પ્રકારની પીચ પર સુરક્ષિત કહી શકાય તેવા સ્કોર પર પહોંચાડી દીધું હતું. હાર્દિક પંડ્યા આ સિઝનમાં સ્લોગ ઓવર્સમાં  એ પ્રકારના શોટ્સ રમી રહ્યો છે જેને જોઇને કોઇપણ ભારતીયને તેને વર્લ્ડ કપમાં વિશ્વના મોટું નામ ધરાવતા બોલર્સના છોતરાં ઉડાડતા જોવાનું મન જરૂર થતું હશે.

અન્ય કોઈ પીચ પર 169 રનનો ટાર્ગેટ ચેઝ કરવો એટલો અઘરો નથી હોતો પરંતુ શરૂઆતની કેટલીક ઓવરો બાદ દિલ્હીની પીચ પર જે રીતે બોલ નીચો રહે છે અને સ્પિન થાય છે તે જોતા દિલ્હી કેપિટલ્સને આજે તકલીફ પડવાની હતી તે બધાને ખબર જ હતી અને છેવટે થયું પણ એવું. છેલ્લી અમુક મેચોથી પોતાનું ફોર્મ દેખાડનાર શિખર ધવને આજે પણ દિલ્હીને સારી શરુઆત આપી હતી પરંતુ તે દિલ્હી કેપિટલ્સને છેક સુધી લઇ જવામાં નિષ્ફળ રહ્યો હતો.

બુમરાહ, મલિંગા, ચાહર અને પંડ્યા બંધુઓની સટીક બોલિંગ સામે દિલ્હીએ દસ ઓવર પછી જ રનચેઝ પર આશા છોડી દીધી હતી. એકમાત્ર અક્ષર પટેલે છેલ્લે કેટલાક શોટ્સ રમ્યા હતા પરંતુ તે બેમતલબના હતા કારણકે ત્યારે ટાર્ગેટ DCની પહોંચથી બહુ દૂર રહી ગયું હતું અને તેઓ 40 રનના મોટા માર્જીનથી હારી ગયા હતા.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 34 | દિલ્હી કેપિટલ્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ

ફિરોઝશાહ કોટલા, દિલ્હી

ટોસ: મુંબઈ ઇન્ડિયન્સ (બેટિંગ)

મુંબઈ ઇન્ડિયન્સ 168/5 (20) રન રેટ: 8.4

કૃણાલ પંડ્યા 37* (26)

હાર્દિક પંડ્યા 32 (15)

કાગીસો રબાડા 2/38 (4)

અક્ષર પટેલ 1/17 (4)

દિલ્હી કેપિટલ્સ 128/9 (20) રન રેટ: 6.8

શિખર ધવન 35 (22)

અક્ષર પટેલ 26 (23)

રાહુલ ચાહર 3/19 (4)

જસપ્રીત બુમરાહ 2/18 (4)

પરિણામ: મુંબઈ ઇન્ડિયન્સ 40 રને જીત્યા

મેન ઓફ ધ મેચ: હાર્દિક પંડ્યા

અમ્પાયરો: નાઈજલ લોંગ અને બ્રુસ ઓક્સેનફર્ડ | અનિલ ચૌધરી

મેચ રેફરી: જવાગલ શ્રીનાથ

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here