અસાતાત્ય્પૂર્ણ ટીમ હોવાના પોતાના લેબલને સાર્થક કરતા પાકિસ્તાને માત્ર ત્રણ જ દિવસમાં અતિશય ખરાબથી ઘણું સારું પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડની ટીમ પણ અજેય નથી તે સાબિત કરતો ભવ્ય વિજય મેળવ્યો છે.

વર્લ્ડ કપ 2019ની આ મેચે આ ટુર્નામેન્ટના તમામ સમીકરણો બદલી નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટું નહીં કહેવાય. એક તરફ પાકિસ્તાની ટીમ હતી જે વેસ્ટ ઇન્ડિઝ સામે શરમજનક હાર સ્વિકારીને રમવા ઉતરી હતી તો બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ હતી જેને હરાવવી આ ટુર્નામેન્ટમાં સહુથી અઘરા કાર્યોમાંથી એક હતું. વળી, વર્લ્ડ કપ અગાઉ જ 4મેચોની વનડે સિરીઝમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું હતું.
પરંતુ, ઇંગ્લેન્ડના કપ્તાન ઓઇન મોર્ગને એ જ ભૂલ કરી જે પરમદિવસે ફાફ દુ પ્લેસીએ કરી. ઉપયોગમાં લેવાઈ ચૂકેલી પીચ પર પહેલી બોલિંગ કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ પરંતુ મોર્ગનને તેની બેટિંગ લાઈનઅપ પર કદાચ વધારે પડતો વિશ્વાસ હશે એટલે તેણે પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટ્રેન્ટબ્રિજની પીચ ફ્રેશ હતી એટલે બાઉન્સ હતો, પરંતુ આ જ પીચ પર જ્યારે ઇંગ્લેન્ડે બોલિંગ કરવાનું વિચાર્યું ત્યારે તેના પર બાઉન્સ તો હતો પરંતુ પેલી ફ્રેશનેસ ગાયબ હતી.
વળી, પાકિસ્તાન ટીમના બેટિંગ કોચ એન્ડી ફ્લાવરે એક દિવસ અગાઉ નેટ્સમાં માત્ર શોર્ટ પીચ બોલિંગ કરાવીને પાકિસ્તાની બેટ્સમેનોને બાઉન્સર સામે લડવા માટે તૈયાર કરી દીધા હતા. બીજું તત્વ એ પણ હતું કે પાકિસ્તાની ટીમને શરૂઆતથી જ સરપ્રાઈઝ આપતી ટીમ ગણવામાં આવે છે. વેસ્ટ ઇન્ડિઝ સામે તે મજબૂત ટીમ ગણાય પરંતુ અત્યંત ખરાબ રીતે હારી ગઈ હતી.
તો ઇંગ્લેન્ડ સામે તાજેતરની હાર અને ઇંગ્લેન્ડની ટીમ પ્રમાણમાં મજબૂત હોવા છતાં ઉપરાંત અગાઉની 12 વનડે મેચો હારવા છતાં આ મેચમાં અદભુત પર્ફોર્મન્સ દ્વારા પાકિસ્તાને તેને પણ હરાવી દીધું છે. ઇંગ્લેન્ડે આ મેચમાં અત્યંત ખરાબ ફિલ્ડીંગનું પ્રદર્શન કર્યું હતું જે તેને ભારે પડી ગયું હતું. જેસન રોયે એક આસાન કેચ છોડી દીધો હતો જ્યારે ઓઇન મોર્ગને એક નિશ્ચિત રન આઉટના સમયે ખોટા એન્ડ પર થ્રો કરી દીધો હતો અને આ બે ઉદાહરણો તો માત્ર હાઈલાઈટ્સ છે પરંતુ તેમણે મેચના પરિણામ પર ઘેરી અસર છોડી છે.
એવું ન હતું કે પાકિસ્તાને જબરદસ્ત ફિલ્ડીંગ કરી હતી, પરંતુ તેણે ઇંગ્લેન્ડ કરતા ભૂલો ઓછી કરી હતી અને તેના બેટ્સમેનો તેમજ બોલરોએ તેમને આપવામાં આવેલા એક નિશ્ચિત લક્ષ્યને ધ્યાનમાં લઈને બેટિંગ અને બોલિંગ કરી હતી. ટીમમાં ‘પ્રોફેસર’ તરીકે ઓળખાતા મોહમ્મદ હફીઝે આજે પોતાના બહોળા અનુભવનો લાભ ટીમને બેટિંગ અને બોલિંગ બંનેમાં આપ્યો હતો જેનો સ્પષ્ટ ફાયદો પાકિસ્તાનને થયો હતો.
આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેલા વહાબ રિયાઝ અને જેને છેલ્લી ઘડીએ વિવાદાસ્પદ સંજોગોમાં ટીમમાં લેવામાં આવ્યો તે મોહમ્મદ આમિરે ભલે રન વધુ આપ્યા પરંતુ જરૂરિયાતના સમયે વિકેટો પણ લીધી તેમણે પણ પાકિસ્તાનના વિજયનો પાયો નાખ્યો.
ઇંગ્લેન્ડે ફિલ્ડીંગ ઉપરાંત સાઉથ આફ્રિકાની જેમજ તેજગતિની શરૂઆત મેળવવામાં નિષ્ફળતા મેળવી તે તેને નડી ગયું. જ્યારે તમે 325+નો સ્કોર ચેઝ કરતા હોવ ત્યારે શરૂઆતની 10 ઓવર્સમાં ઓછામાં ઓછા 7 કે 8ની એવરેજથી રન કરવા જોઈએ. ઇંગ્લેન્ડ આ એવરેજની આસપાસ રહ્યું ન હતું અને વળી વિકેટ ગુમાવતું રહ્યું હતું. જો રૂટ અને જોસ બટલરે સેન્ચુરીઓ જરૂર મારી પરંતુ શરૂઆત જોઈએ તેવી ન હોવાને લીધે તેઓ સતત જરૂરી રન રેટનો માત્ર પીછો જ કરતા રહ્યા નહીં કે વિજય તરફ અગ્રેસર બનવાની બેટિંગ કરી શક્યા.
આટલું ઓછું હોય તેમ આ બંને બેટ્સમેનો પોતપોતાની સેન્ચુરીઓ ફટકારીને આઉટ થઇ જતા ઇંગ્લેન્ડ માટે રહીસહી આશાઓ પર પણ પાણી ફરી વળ્યું હતું.
જે હોય તો પણ પાકિસ્તાનના આ વિજયે એ તો સાબિત કરી દીધું છે કે આ ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની ટીમને પણ હરાવી શકાય છે. અને બીજી વાત આ મેચ પરથી એ સાબિત થઇ છે કે અ વર્લ્ડ કપ રમનારી મોટાભાગની ટીમ સરખી જ મજબુત છે અને ગમે તે ટીમ ગમે તે અન્ય ટીમને પોતાના દિવસે હરાવી શકે છે.
Preview: શ્રીલંકા વિ. અફઘાનિસ્તાન, સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફ
પેપર પર ભલે શ્રીલંકાની ટીમ મજબૂત ગણાતી હોય પરંતુ અફઘાનિસ્તાનને હળવાશથી લેવું તેને ભારે પડી શકે છે, બલકે આ મેચમાં અફધાનો સામે શ્રીલંકાની હાલત પાતળી થાય તો પણ નવાઈ પામવા જેવું નથી. અફઘાનિસ્તાનની ટીમ કાયમ જોશ અને ઉત્સાહ સાથે પૂરેપૂરી 100 ઓવર્સ રમતી હોય છે આવામાં શ્રીલંકાએ પણ પોતાનો ઉત્સાહ એમની સાથે મેચ કરવો પડશે.
eછાપું