રાહુલ ગાંધીનો નવો દાવ: EVM વિરુદ્ધ દેશભરમાં આંદોલન કરશે

0
146
Photo Courtesy: timesheadline.com

હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીઓમાં મળેલી આકરી હાર બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી જનાદેશ સ્વીકારવાને બદલે ફરી એકવાર EVM પર રાજકારણ શરુ કરવા માંગે છે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે.

Photo Courtesy: timesheadline.com

નવી દિલ્હી: લાગે છે કે કોંગ્રેસ સતત બે લોકસભાની ચૂંટણીઓમાં હાર્યા પછી પણ સુધરવા માંગતી નથી. 2014માં 44 બેઠકો અને 2019માં 52 બેઠકો પર સીમિત થયા બાદ આત્મનિરીક્ષણ કરવાને બદલે રાહુલ ગાંધી ફરીથી પોતાના એના એ જ ત્રાગાં ફરીથી શરુ કરવા માટે જીદ પકડીને બેઠા છે.

એક અંગ્રેજી અખબારની વેબસાઈટ પર પ્રકાશિત સમાચાર અનુસાર રાહુલ ગાંધી હવે સમગ્ર દેશમાં EVMનો વિરોધ કરવા માટે આંદોલન શરુ કરવા માટે વિચારી રહ્યા છે અને તેને સ્થાને બેલેટ પેપરથી જ મતદાન કરાવવાની માંગણી પણ કરવાના છે. આ ઉપરાંત આ સમાચારમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વિધાનસભાઓની ચૂંટણીઓનો બહિષ્કાર કરવા માટે પણ રાહુલ ગાંધી મન બનાવી ચૂક્યા છે.

રાહુલ ગાંધીએ આ નિર્ણય કોંગ્રેસના ડેટા એનાલિસીસ વિંગના કર્તાહર્તા પ્રવિણ ચક્રવર્તીના એ રિપોર્ટ બાદ લીધો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસની હારનું કારણ માત્રને માત્ર EVM હેક કરવાનું જ છે. જો કે કેટલાક વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો રાહુલ ગાંધીના આ આઈડિયા સાથે સહમત નથી.

રાહુલ ગાંધીના માતા અને ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમણા હાથ જેવા અહમદ પટેલે તો જાણવા  મળ્યા અનુસાર આ પ્રકારે કોઇપણ આંદોલન શરુ કરતા બે વખત વિચારી લેવાની ચેતવણી રાહુલ ગાંધીને આપી હતી. પરંતુ, ત્યારબાદ અહમદ પટેલને કોંગ્રેસની  મહત્ત્વની બેઠકોથી દૂર રાખવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ખુદ સોનિયા ગાંધી આ પ્રકારે કોઈ આંદોલન કરવાને યોગ્ય નથી માની રહ્યા. સોનિયા ગાંધીએ આ અંગે કેટલાક વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનોનો મત જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો.

કેટલાક કોંગ્રેસી આગેવાનોનું કહેવું છે કે જો EVMને લઈને વિધાનસભાની ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો તો થશે જ પરંતુ કોંગ્રેસની ગેરહાજરીથી ખાલી પડેલી જગ્યાને સ્થાનિક પાર્ટીઓ ભરી દેશે જેનાથી ભવિષ્યમાં કોંગ્રેસને ખાસ્સું નુકશાન થશે.

કોંગ્રેસે લોકસભાની ચૂંટણી અગાઉ લગભગ એકાદ વર્ષ પહેલાથી જ પ્રજામાં EVM અંગે ભ્રમ ફેલાવવાનું શરુ કર્યું હતું. યાદ હશે જ કે લંડનમાં કોઈ હેકર દ્વારા EVM હેક થઇ શકે છે તેવો દાવો કરવામાં આવ્યો હતો અને આ સમયે વરિષ્ઠ કોંગ્રેસી નેતા કપિલ સિબલ ત્યાં હાજર પણ હતા.

ખરેખર તો રાહુલ ગાંધી પ્રજાની નાડ પારખવામાં નિષ્ફળ ગયા છે અને દોષનો ટોપલો EVM પર ઢોળી રહ્યા છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ આ પ્રકારના ત્રાગાં કરવાને બદલે પક્ષને મૂળથી મજબૂત કેમ કરવો તે અંગે વિચાર કરી, તેની રણનીતિ બનાવી અને પછી તેના પર અમલ કરવાની જરૂર છે.

જો આમ થશે તો જ કોંગ્રેસ 2024માં કદાચ ત્રણ આંકડાની બેઠકો નજીક પહોંચી શકશે. આ પ્રમાણે હાર સ્વીકારવાને બદલે, તે પ્રજામતનું સન્માન કરવાને બદલે જો ચૂંટણી પદ્ધતિ પર શંકા કરતી રહેશે તો તે પ્રજાની નજરમાંથી વધુને વધુ ઉતરતી જશે અને છેવટે તેના અસ્તિત્વ પર સવાલ ઉભો થઇ  જશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here