સમસ્યા: નિવૃત્તિ બાદ પણ રાહુલ ગાંધીનો કાર્યક્રમ વ્યસ્ત રહેવાનો છે

0
5
Photo Courtesy: newindianexpress.com

કોંગ્રેસના પ્રમુખ પદેથી રાહુલ ગાંધીનું રાજીનામું વહેલા મોડા ભલે સ્વીકારી લેવામાં આવશે પરંતુ ત્યારબાદ પણ તેમને નિરાંતનો શ્વાસ લેવાનો મોકો નહીં મળે તે પાક્કું જ છે અને તેને માટે તેઓ ખુદ જવાબદાર છે.

Photo Courtesy: newindianexpress.com

અમદાવાદ: કોંગ્રેસના પ્રમુખપદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું છે અને હવે તેનો સ્વીકાર થવાની રાહ જોવાઈ રહી છે. જો કે બીજી તરફ કેટલાક કોંગ્રેસી આગેવાનોએ રાહુલ ગાંધીને રાજીનામું પરત ખેંચવાની અપીલ ઉપર અપીલ કરી છે પરંતુ રાહુલ ગાંધી ટસના મસ થતા નથી.

જો રાહુલ ગાંધી છેવટ સુધી પોતાના નિર્ણય પર મક્કમ રહે અને તેમનું રાજીનામું સ્વીકારાઇ જાય અને તેઓ કોંગ્રેસ પ્રમુખ ન રહે તો પણ આવનારા ઘણા મહિનાઓ સુધી રાહુલ ગાંધી સતત વ્યસ્ત રહેવાના છે. અહીં વાત એક પછી એક આવનારી ચૂંટણીઓ વિષે નથી કે પછી રાહુલ ગાંધી ફરીથી કોઈને કહ્યા વગર વિદેશ યાત્રાએ જવાના નથી પરંતુ વાત છે તેમની સામે દેશના વિવિધ હિસ્સાઓમાં ચાલી રહેલા વિવિધ કોર્ટ કેસની.

હાલમાં જ રાહુલ ગાંધી મુંબઈ નજીક મઝગાંવ સેવડી જીલ્લા ન્યાયાલય પાસેથી જામીન લઈને આવ્યા છે. આ મામલો ગૌરી લંકેશની હત્યાને લગતો છે. રાહુલ ગાંધીએ ગૌરી લંકેશની હત્યા પાછળ RSSનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો અને ત્યારથી તેમના પર અહીં બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે. કોર્ટે હાલમાં તો રાહુલ ગાંધીને વ્યક્તિગત ઉપસ્થિતિથી મુક્તિ આપી છે પરંતુ તેમના પરનો કેસ 22 સપ્ટેમ્બરથી શરુ થશે.

આ ઉપરાંત થાણે જીલ્લાના ભિવંડીમાં પણ જીલ્લા ન્યાયાલયમાં રાહુલ ગાંધી પર બીજો માનહાનીનો કેસ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધી પાછળ RSSનો હાથ હોવાનું નિવેદન કર્યું હતું તેના વિરુદ્ધ એક RSS સ્વયં સેવકે બદનક્ષીનો દાવો કર્યો હતો. અહીં પણ તેમણે કોર્ટમાં બહુ જલ્દીથી હાજરી પૂરાવવાની છે.

મહારાષ્ટ્રમાં તો રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીના બે કેસ ચાલી જ રહ્યા છે પરંતુ બિહાર અને ગુજરાતમાં પણ બે અલગ અલગ મામલે તેમના પર આ જ પ્રકારે કેસ ચાલી રહ્યા છે. બિહારના પટનાની એક અદાલતમાં રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે હાજરી આપી હતી અને તેમને અહીંથી પણ જામીન મળી ગયા છે. આ મામલો બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ તેમની સામે નોંધાવ્યો છે.

લોકસભાની ચૂંટણી દરમ્યાન રાહુલ ગાંધીએ એક ભાષણમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલીત મોદી કે નરેન્દ્ર મોદી દરેક ચોરની અટક એક જેવી જ કેમ હોય છે? ત્યારબાદ સુશીલ કુમાર મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો દાવો ફાઈલ કર્યો હતો. આ જ ભાષણ મુદ્દે સુરતના વિધાનસભ્ય પુર્ણેશ મોદીએ પણ સુરતની અદાલતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો દાવો નોંધાવ્યો છે પરંતુ તેના વિષે વધુ અપડેટ્સ હજી મળી નથી.

તો અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ખાડિયાના કોર્પોરેટરે રાહુલ ગાંધી વિરુદ્ધ એક અન્ય મુદ્દે બદનક્ષીનો દાવો ઠોકયો છે. રાહુલ ગાંધીએ ભાજપ પ્રમુખ અને હવે દેશના ગૃહમંત્રી અમિત શાહ પર નોટબંધી સમયે તેઓ જે બેન્કના ડિરેક્ટર છે તે અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક (ADC) દ્વારા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ માટે બંધ કરવામાં આવેલી નોટોને રાતોરાત બદલી આપવાનો આરોપ મૂક્યો હતો.

ખાડિયા ભાજપના કાર્યકર્તા એ તેમના આ જ આરોપનું સંજ્ઞાન લઈને તેમના પર બદનક્ષીનો દાવો ઠોકયો છે. રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા બધા જ મામલાઓમાં હજી સુધી સહુથી નેશનલ હેરાલ્ડનો સહુથી મોટો  ભ્રષ્ટાચારનો મામલો તો ગણતરીમાં લીધો જ નથી. આ મુદ્દો દિલ્હી હાઈકોર્ટમાંથી સુપ્રિમ કોર્ટમાં ગયો છે જેનો ચૂકાદો પણ જલ્દીથી આવે તેવી સંભાવના છે.

આમ, રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખપદેથી ભલે નિવૃત્ત થઇ જાય પરંતુ તેઓ એક પછી એક માનહાનીના દાવામાં સમગ્ર દેશમાં આવેલી કોર્ટ્સમાં ખુલાસો આપવામાં અતિશય વ્યસ્ત રહેવાના છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here