આ વર્ષનું બજેટ કેવું છે તે અંગે નિષ્ણાતો તો ઘણું બધું કહી ચૂક્યા છે, પરંતુ અહીં સામાન્ય માનવીને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે કે આપણા તમામની જીંદગીમાં આ બજેટ શું સારા-નરસા પરિણામો લાવી શકે તેમ છે.

ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી એવા શ્રી નિર્મલા સીતારમને (શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી તરીકે નાણામંત્રીનો અતિરિક્ત ચાર્જ લીધો હતો) થોડા દિવસ પહેલા ભારતનું ફૂલ ફ્લેજ્ડ બજેટ જાહેર કર્યું. પ્રત્યેક વર્ષે બજેટ આવે ત્યારે સારું ખરાબ આમ તેમ વગેરે વગેરે જ્ઞાન વહેંચવાવાળા બની બેઠેલા ઈકોનોમિસ્ટ લોકોથી પરે આપણા જેવાઓની પણ એક કેટેગરી છે જેમને બજેટમાં શું છે એનો વધુ રસ હોય. આવા જ વાચક રસિકો માટે આજનો આ લેખ છે.
બજેટમાં કયા કયા પ્રાવધાન છે એના પર નજર કરતાં પહેલા આપણે હાલ ભારતના અર્થતંત્રના પડકારો વિષે અવગત થઈએ જેથી બજેટની દિશા નક્કી કરવામાં સરળતા રહે.
ભારતીય અર્થતંત્ર સામે રહેલા મુખ્ય પડકારો કયા કયા છે?
છેલ્લા નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની ગતિમાં ઘટાડો થયો છે. 2017-19માં ભારતની વાસ્તવિક GDP (કુલ ઘરેલું ઉત્પાદન) વૃદ્ધિ 7.2% થી ઘટીને 2018-19માં 6.8% થઈ – પાંચ વર્ષની સૌથી નીચી. હકીકતમાં, 2018-19ના ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર માત્ર 5.8% હતો – જે છેલ્લા 20 ક્વાર્ટરમાં સૌથી નીચો. કહેવાતી ઉચ્ચ-આવર્તન સૂચકાંકોમાં પણ આ નબળાઈ જોવા મળી હતી. દાખલા તરીકે, ઓટો અને કન્ઝ્યુમર ગૂડ્ઝના વેચાણ ધીમા પડી ગયા છે.
એ જ રીતે, વેપાર આંકડા વ્યાપકપણે સ્થિર રહે છે. ઓછી નિકાસ ભારતની ચાલુ ખાતાની ખોટ (લેણદેણની તુલા અંતર્ગત એક ખાતુ) પર દબાણ લાવ્યું છે, જે GDPના 2.5% ની નજીક છે. કુખ્યાત ટ્વિન-બેલેન્સ શીટ સમસ્યા – તે વ્યાપારી બેંકો અને કોર્પોરેટ એન્ટિટીઝમાં હજીયે એમ ને એમ જ છે- હજી સુધી તેના માટે સચોટ નીતિ આયોજિત કરવામાં આવી નથી. પરંતુ ઊંચા વિકાસને ટકાવી રાખવાના પરિપ્રેક્ષ્યથી કદાચ સૌથી ચિંતાજનક પાસું એ નીચો રોકાણ દર છે. મંદ વૃદ્ધિ એ વ્યાપક બેરોજગારી દર્શાવે છે, જે છેલ્લા ગાળામાં 45 વર્ષની ઊંચી હતી. કૃષિ ક્ષેત્રમાં પણ ભારે તકલીફ આવી રહી છે. સરકારની ક્ષમતાને શું મર્યાદિતકરે છે તેનો જવાબ કે રાજકોષીય ખાધ છે જે લક્ષ્યાંકિત સ્તરથી વધારે છે. બીજા શબ્દોમાં કહીએ તો, વર્તમાન મંદીમાંથી ઉગરવા સરકારે તેનો માર્ગ બદલવો પડશે. વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા પણ વૃદ્ધિની સંભાવનાઓને મર્યાદિત કરે છે.
બજેટમાં રાજકોષીય ખાધ ઘટાડવા વિષે શું પ્રાવધાનો છે?
રાજકોષીય ખાધ, જે સરકારની દેવું કરવાની જરૂરિયાતને પ્રતિબિંબિત કરે છે, તે આ વર્ષે મુખ્ય ચિંતામાંની એક હતી. ઊંચી રાજકોષીય ખાધ આવશ્યકપણે નાણાંકીય સંસાધનોનો ઉપયોગ ખાનગી ક્ષેત્ર માટે મર્યાદિત કરે છે. ફેબ્રુઆરીમાં 2019-20ના અંતરિમ બજેટમાં તત્કાલીન નાણામંત્રી પીયૂષ ગોયલે જીડીપીના 3.4% હોવાનું જણાવ્યું હતું. મોટા ભાગે આ લીમીટ ક્રોસ થવાની સંભાવનાઓ છે. જો કે, નવા નાણાં પ્રધાનએ વર્તમાન નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધને 3.3% સુધી ઘટાડીને દરેકને આશ્ચર્ય પમાડ્યું. જો કે, સરકારની વિવિધ ખર્ચાળ કલ્યાણકારી યોજનાઓના લીધે હજીયે આ મુદ્દો જટિલ અને સંવેદનશીલ તો છે જ.
તેમ છતાં, મોટા ભાગના નિરીક્ષકો આ લીમીટ પ્રાપ્ત કરવા સરકારની વાતને ટેકો આપવા માંગે છે. તેમના મતાનુસાર કરવેરાની આવક આશાવાદી લાગે છે. ખાસ કરીને છેલ્લા નાણાકીય વર્ષ માટે આવક વૃદ્ધિ ધારણા પૂરી થઈ નથી. તદુપરાંત, તેમાં સરકારના નોંધપાત્ર ઉધાર છે જે વાસ્તવિક નાણાકીય ખાધના આંકડાને છુપાવે છે.
શું આ બજેટ દેશની આર્થિક વૃદ્ધિને વેગ આપે છે?
આ સંભવતઃ સૌથી રસપ્રદ બાબત છે. બજેટ જણાવે છે કે ચાલુ વર્ષમાં સામાન્ય GDP ગત કરતાં 12% વધશે. નાણામંત્રી એવું માને છે કે છૂટક ફુગાવો આ વર્ષે 3.5% થી 4% ની વચ્ચે હશે, તો વાસ્તવિક GDP 8% થી 8.5% ની વચ્ચે વધશે. જો આ ખરેખર થયું તો તે એક મહાન સિદ્ધિ હશે. ખાસ કરીને 2025 સુધીમાં દર વર્ષે 8% ની વૃદ્ધિ સાથે જ ભારત 2025 સુધી 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકે તેમ છે. જો કે, બજેટની સાથે જે ‘મેક્રોઇકોનોમિક્સિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ’ પણ જાહેર કરવામાં આવે છે તે નોંધપાત્ર રીતે અલગ જ ચિત્ર આપે છે. તે જણાવે છે કે વર્તમાન વર્ષ માટે સામાન્ય GDP ગત કરતાં 11% હશે, આમ વાસ્તવિક GDP દર 7% -7.5% સુધી પહોંચશે. અંતરિમ બજેટમાં સરેરાશ GDP વૃદ્ધિ 11.5% ની ધારણા હતી. આ રીતે, આ બજેટની વૃદ્ધિ આગાહી અસ્પષ્ટ છે.
ખેડૂતોની તકલીફને પહોંચી વળવા માટે બજેટમાં કઈ વ્યવસ્થા છે?
તાજેતરના વર્ષોમાં બમ્પર ઉત્પાદન હોવા છતાં વ્યાપક કૃષિ તકલીફ ગંભીર ચિંતાનો વિષય છે. દરેક પસાર થતાં વર્ષમાં, 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લક્ષ્યાંક વધુ અઘરો બન્યો છે. અંતરિમ બજેટમાં, સરકારે છેલ્લે નાના ખેડૂતોને સીધો લાભ ટ્રાન્સફર પૂરો પાડવાનો ઉપાય અજમાવી જોયો. આ ક્ષેત્ર માટેની બજેટ ફાળવણી પ્રધાનમંત્રી કિસાન યોજનાને આભારી છે, ખેડૂતો માટે વધુ લાભદાયી બનવા માટે કોઈ મોટા સુધારાત્મક પગલાંનો ઉલ્લેખ નથી. આગામી પાંચ વર્ષમાં હજારો ખેડૂતો ઉત્પાદક સંગઠનો શરૂ કરવા વિશે નાણામંત્રીએ વાત કરી હતી. તેમણે શૂન્ય-બજેટ ખેતી અંગે પણ વાત કરી. જો કે, આમાંથી કોઈ પણ પરિવર્તનશીલ પરિવર્તન પ્રાપ્ત કરી શકશે નહીં જે ઘણા લોકો સરકાર પ્રયાસ કરશે એવી આશા રાખતા હતા. સમગ્ર પ્રક્રિયામાં, ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય વાસ્તવિક કરતાં કાલ્પનિક વધુ ભાસે છે.
શું આ બજેટ અર્થતંત્રમાં વધુ રોકાણ લાવવા સક્ષમ છે?
સરકારે કહ્યું છે કે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ અર્થતંત્રમાં ભારે રોકાણ કરશે. આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 100 લાખ કરોડના સૂચિત રોકાણોની ચર્ચા બજેટ કરે છે, જે રોડ-રસ્તાઓ અને કેટલાક અન્ય ક્ષેત્રોમાં હોઈ શકે છે. પરંતુ આના પર વધુ સ્પષ્ટતા સરકાર લાંબા ગાળાની ધિરાણ અને આવા પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા માટે નવી લાંબા ગાળાની વિકાસ નાણાકીય સંસ્થાના માળખાને અંતિમ સ્વરૂપ આપ્યા બાદ કદાચ આવી શકે છે.
શું બજેટના પ્રાવધાનો ભારતમાં રોજગારને વેગ આપશે?
આશ્ચર્યજનક રીતે મેન્યુફેક્ચરીંગ સેક્ટર માટે બજેટમાં કોઈ ખાસ દરખાસ્તો એવી નથી કે જે નોકરીઓને વધારશે! સરકાર ઇન્વેસ્ટમેંટ લિંક્ડ ઇન્કમ ટેક્સ વેઇવર્સ અને અન્ય પરોક્ષ કર લાભો આપીને સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, સોલર ફોટો વોલ્ટેજ કોષો, લિથિયમ સ્ટોરેજ બેટરી જેવા ક્ષેત્રોમાં મેગા મેન્યુફેકચરિંગ પ્લાન્ટ્સની સ્થાપનામાં સહકાર કરી શકે છે. પરંતુ આવી યોજનાઓ હેઠળ ભૂતકાળમાં જમીની સ્તરે કશું ખાસ થયું નથી એવું આંકડાઓ કહે છે.
મધ્યમ વર્ગ પર બજેટની શું અસર થશે?
બધા માટે આવાસના ધ્યેયને ધ્યાનમાં રાખીને, નાણામંત્રીએ ભારતમાં સસ્તા આવાસની માંગ અને પુરવઠાની વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનાં પગલાં જાહેર કર્યા છે. માંગને વેગ આપવા માટે બજેટ પર 45 લાખ રૂપિયાની કિંમતે સસ્તા ઘર માટે લોન પર ચૂકવાતા વ્યાજ માટે રૂ. 1.5 લાખનું વધારાનું કપાત પૂરું પાડવામાં આવ્યું છે. આ રૂ. 2 લાખની હાલની વ્યાજ કપાત ઉપરાંતની કપાત છે. આનો અર્થ એ કે એક ખરીદનાર વ્યક્તિ હવે રૂ. 3.5 લાખની વ્યાજ કપાતનો લાભ લઈ શકે છે. બીજી બાજુ, નાણામંત્રીએ પેટ્રોલ અને ડીઝલ પર ઊંચા કરની જાહેરાત કરી હતી. પરિણામે, ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ દીઠ લિટર રૂ. 2.50 ચૂકવવા પડશે.
નાણાકીય બજારોએ બજેટ પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપી છે?
બજેટનો દિવસ સમાપ્ત થતાં સુધી બજાર રોકાણકારોને ખુશ કરવાનો નિષ્ફળ ગયું હતું. S&P, BSE ઈન્ડેક્સ, જે દિવસ દરમિયાન 40,000 ની સપાટીએ ગયો હતો તે દિવસના સૌથી ઊંચાથી 500 પોઇન્ટનો ઘટાડો થયો હતો, જે દિવસના અંતે લગભગ એક ટકા ઘટીને 39,513 થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માટેના એડવાન્સ-ટુ-ડીક્લાઈન્સ રેશિયોમાં 476 એડવાન્સિસ 1,265 ઘટ્યા હતા. મોટાભાગના સેક્ટર સૂચકાંકોએ દિવસને એક રીતે નિરાશાથી સમાપ્ત કર્યો. NIFTY PSU બેંક ઇન્ડેક્સ અને NIFTY બેન્ક ઇન્ડેક્સ એ બંને એકમાત્ર અપવાદો છે, જેમને 70,000 કરોડ રૂપિયાની મૂડી બજેટની જાહેરાત પછી પ્રાપ્ત થઈ હતી. NIFTY PSU બેંક ઇન્ડેક્સ દિવસના અંતે 3,303 ની સપાટીએ બંધ રહ્યો હતો, જે તેના અગાઉના બંધ કરતાં માત્ર 0.18 ટકા હતો.
શું બજેટ નવા આયામો સર્જવા માટે સક્ષમ કહી શકાય?
એક રીતે, હા, પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય દેવા બજારોમાંથી ઉધાર લેવાના સરકારનો નિર્ણય આવકાર્ય છે. તે એક પગલું છે જે થોડા દાયકાઓ માટે ભરવામાં આવી રહ્યું છે પરંતુ માત્ર તેના પર જ સરકાર આગળ વધી શકશે નહીં. ભૂતકાળમાં, ભારતીય રિઝર્વ બેન્ક તેના વિશે ખૂબ ઉત્સાહિત નહતી. આ પગલાથી ભારતીય બોન્ડ્સ માટે બેંચમાર્ક ઉપજ સ્થાપિત કરવામાં મદદ મળશે અને આથી કોર્પોરેટ ઉધારને પણ અસર થશે.
બજેટ ખાટું-મીઠું રહ્યું. જેમાં દેખીતી રીતે વસતીને અસર કરતાં પરિબળો ખાટા અને દેશની ઈકોનોમી માટે ભવિષ્યણી ધારણાઓ આધારિત લીધેલા નિર્ણયો હાલ મીઠા લાગી રહ્યા છે. બાકી તો ભારત દેશ પોતે જ વર્ષોથી ઈકોનોમીમાં લોકોની ધારણા બહાર દેખાવ કરવા માટે પંકાયેલો છે. એટલે આગે આગે દેખતે હૈ હોતા હૈ ક્યા?
eછાપું