આસ્થા: UAE ક્રાઉન પ્રિન્સના પ્રતિનિધિ અલી રાશિદનો તુંગનાથ મંદિરમાં હવન

0
316
Photo Courtesy: opindia.com

ઉત્તરાખંડમાં આવેલું ભગવાન તુંગનાથનું મંદિર એટલું તો પ્રસિદ્ધ છે કે UAEના ક્રાઉન પ્રિન્સના પ્રતિનિધિ મોહમ્મદ અલી રાશિદ અલ બાર અહીં આવીને પૂજાવિધિ અને હવન કરી ગયા હતા.

Photo Courtesy: opindia.com

દહેરાદૂન: યુનાઇટેડ આરબ અમિરાતના (UAE) ક્રાઉન પ્રિન્સ શેખ ખલીફા બિન ઝાયદ અલ નહ્યાનના પ્રતિનિધિ મોહમ્મદ અલી રાશિદ અલ બારે ઉત્તરાખંડના પ્રસિદ્ધ તુંગનાથ મંદિરમાં પૂજાવિધિ કરી હતી. ગત શનિવારે તેઓએ નવી દિલ્હીથી અહીં ચાર્ટર્ડ હેલિકોપ્ટર દ્વારા આવી પહોંચ્યા હતા અને અહીંની ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.

અલી રાશિદે અહીં હવન પણ કર્યો હતો અને ભગવાન તુંગનાથને ચાંદીની છત્રી અને છડી અર્પણ કરી હતી. અલી રાશિદે બાદમાં કહ્યું હતું કે તેઓ આ મંદિરની ભવ્યતાથી તેમજ તેના સૌંદર્યથી અતિશય અભિભૂત થયા છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ ભગવાન તુંગનાથ પ્રત્યે અખૂટ આસ્થા ધરાવે છે.

ઉત્તરાખંડના ઉખીમઠમાં આવેલા તુંગનાથના મંદિરે જવા જ્યારે અલી રાશિદ દિલ્હીથી દહેરાદૂન પહોંચ્યા ત્યારે ત્યાં બદ્રીનાથ-કેદારનાથ ધામના પદાધિકારીઓ અને જીલ્લા પ્રશાસનના અધિકારો તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીંથી તેઓ મોટરમાર્ગે ચોપતા ગયા હતા અને ત્યાંથી ત્રણ કિલોમીટર ઘોડા પર બેસીને તુંગનાથ ધામમાં દર્શન કરવા પહોંચ્યા હતા. અહીં તેઓ બે કલાક રોકાયા હતા અને વિશેષ પૂજામાં હિસ્સો લીધો હતો.

આ પ્રસંગે તુંગનાથ મંદિરે ખાસ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલી રાશિદ શનિવારે સાંજે લગભગ પાંચ વાગ્યે દિલ્હી પરત થવા માટે તુંગનાથ મંદિર પરિસરથી રવાના થઇ ગયા હતા.

અલી રાશિદ UAEના ક્રાઉન પ્રિન્સના પ્રતિનિધિ હોવા ઉપરાંત અબજોપતિ ધંધાદારી પણ છે. તેઓ 583 કરોડ ડોલરની રેવન્યુ ધરાવતી EMAAR પ્રોપર્ટીઝના સંસ્થાપક છે. આ ઉપરાંત અલી રાશિદ દુનિયાની સહુથી ઉંચી ઈમારત 829 મીટરની ઉંચાઈ ધરાવતા બુર્જ ખલિફા તેમજ ધ દુબઈ મોલના ડેવલોપર પણ છે.

UAE ક્રાઉન પ્રિન્સ અલ નહ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત મિત્ર પણ છે અને હાલમાં જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UAEના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત UAEમાં પ્રથમ હિંદુ મંદિરની સ્થાપનાની મંજૂરી માટે પ્રિન્સ અલ નહ્યાને ઉત્સાહપૂર્વક ભૂમિકા ભજવી હતી. અગાઉ તેઓ UAEમાં થયેલી મોરારિબાપુની કથામાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here